કૅનેડામાં સેટલ થવા માટે શ્રેષ્ઠ ત્રણ શહેરો કયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિન્ડસે ગેલોવે
- પદ, બીબીસી ટ્રાવેલ
વાનકુવર, કૅલગરી અને ટોરોન્ટોને ‘ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ-2023’માં ટોચનાં 10 શહેરોમાં સ્થાન મળ્યું છે. આ શહેરોમાં એવું તે શું છે, જે અહીં રહેતા લોકોના જીવનને મધુર બનાવે છે?
યુરોપિયન અને સ્કેન્ડેનેવિયન સ્થળો વિશ્વનાં સૌથી આરોગ્યપ્રદ રાષ્ટ્રો અથવા નાનાં બાળકોના ઉછેર માટેના શ્રેષ્ઠ દેશો તરીકે વિશ્વના સૂચકાંકોમાં વારંવાર ટોચ પર જોવા મળે છે ત્યારે કૅનેડા તેમની સાથે સ્પર્ધા કરવા ચૂપચાપ આગળ વધી રહ્યું છે.
'ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ' દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના રહેવા માટે સૌથી વધુ યોગ્ય શહેરોના સૂચકાંકમાં તે વધારે સ્પષ્ટ થયું છે. તેમાં કૅનેડાનાં ત્રણ શહેરોને વિશ્વના ટોચનાં 10 શહેરોમાં સ્થાન આપવામા આવ્યું છે.
આ યાદીમાં ટોચનાં ત્રણ શહેરોમાં વાનકુવર (પાંચમા ક્રમે), કૅલગરી (જિનીવા સાથે સાતમા ક્રમે) અને ટોરોન્ટો (નવમા ક્રમે)નો સમાવેશ થાય છે. આરોગ્યસંભાળ અને શિક્ષણની બાબતમાં આ શહેરોએ પરફેક્ટ ગુણાંક હાંસલ કર્યાં છે.
આ કારણો કૅનેડાના લોકોને આકર્ષિત કરે છે, જેઓ જીવનની ગુણવત્તામાં સુધારો કરતી સકારાત્મક સરકારી નીતિઓને વખાણે છે.
વાનકુવરમાં રહેતાં સામંથા ફોકે કહ્યું હતું, “અમારી પ્રગતિશીલ રાજનીતિ અને સાર્વભૌમિક સ્વાસ્થ્ય સેવા કૅનેડાને રહેવા માટે એક શાનદાર દેશ બનાવે છે. ડૉક્ટરની સલાહ લેવાનું કે બાળકને હૉસ્પિટલે લઈ જવાનું શક્ય ન હોય અથવા કૅન્સરને કારણે ખિસ્સાં ખાલી થઈ જાય તેવા દેશમાં રહેવાની કલ્પના પણ હું ન કરી શકું.”
સારસંભાળની આ ભાવના દેશમાં સર્વત્ર પ્રસરેલી છે. તેનાથી સમુદાયની ભાવના સર્જાય છે, જે ઘર તથા ઑફિસ બન્ને જગ્યાએ જીવવાની ક્ષમતા બહેતર બનાવે છે.

વાનકુવર : કૅનેડા અને એનું કુદરતી સૌંદર્ય

ઇમેજ સ્રોત, Getty Images
વાનકુવરમાં રહેતા અને 'લાઇફ-બિઝનેસ ઑર્ગેનાઈઝિંગ સર્વિસ ઓર્ગેનાઈઝ્ડ જેન'ના સ્થાપક જેન સ્ટોલરે કહ્યું હતું, “ધંધાર્થીઓના ઉત્થાનથી માંડીને વરિષ્ઠ નાગરિકો તેમજ સ્કૂલોને સહાય કરતા કૅનેડાના નાગરિકો તેમના મિલનસાર તથા સહાયક સ્વભાવ માટે જાણીતા છે. સૌહાર્દની આ ભાવના એક સકારાત્મક માહોલને મજબૂત બનાવે છે, જેમાં વ્યક્તિ પ્રગતિ કરી શકે છે અને વ્યક્તિગત તથા વ્યાવસાયિક જીવન બન્નેમાં સંતોષ પ્રાપ્ત કરી શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાહેર પરિવહન અને પરિવહન પ્રણાલીમાં કૅનેડાએ કરેલું રોકાણ પણ તેનાં મોટાં શહેરોમાં વિચરવાનું આસાન બનાવે છે. સામંથા ફોક મૉન્ટ્રીઅલ, કેલગરી અને ટોરોન્ટો પણ રહ્યાં છે. તેઓ 24 વર્ષનાં હતાં ત્યાં સુધી તેમણે ડ્રાઇવિંગ લાયસન્સ લીધું ન હતું અને તેમની એક સખીએ 53 વર્ષે લાયસન્સ લીધું હતું, કારણ કે તેમને ફરવા માટે કારની જરૂર ન હતી.
જોકે, કૅનેડાના રહેવાસીઓ દેશના કુદરતી પરિદૃશ્યને સૌથી વધારે પ્રેમ કરે છે.
ફોકે કહ્યું હતું, “રહેવા માટે સૌથી વધુ યોગ્ય ત્રણેય શહેરો કૅનેડાના ઘણાં શહેરોની માફક પ્રકૃતિની ગોદમાં આવેલાં છે. તેમણે પ્રકૃતિને શહેરની ડિઝાઈનમાં સમાવી છે. ટોરોન્ટોમાં રેવાઇન સિસ્ટમ અને દરિયાકિનારો છે, મોન્ટ્રીયલમાં મોન્ટે રોયલ અને શ્રેણીબદ્ધ વૃક્ષોવાળી શેરીઓ છે તેમજ વાનકુવરમાં સ્ટેનલી પાર્ક છે, જે વિશ્વની શહેરી પ્રકૃતિનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૈકીનો એક છે.”
"મોટાં શહેરોની બહાર પણ કુદરત પરનું ફોક્સ મુખ્ય બાબત છે, જે રહેવાસીઓ માટે વન કેટલું મહત્ત્વનું છે તે દર્શાવે છે.” ફોકે કહ્યું હતું, “અમે પ્રકૃતિને પ્રેમ કરતા લોકો છીએ.”
જમીનના સંદર્ભમાં વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા દેશમાં આવેલાં આ ત્રણ કૅનેડિયન શહેરોનું પોતપોતાનું આગવું આકર્ષણ છે. આ શહેરોમાં રહેતા લોકો સાથે વાત કરીને અમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓ એ શહેરમાં શા માટે રહે છે અને તેને કેમ પ્રેમ કરે છે?

બધા માટે લાભકારક પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
દેશના મનોહર પશ્ચિમ કિનારે આવેલું વાનકુવર, સંસ્કૃતિ અને પર્યાવરણ સબ-ઇન્ડેક્સમાં સૌથી વધુ ગુણાંકને લીધે કૅનેડામાં સૌથી વધુ રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન પામ્યું છે.
ટોચનાં 10 શહેરોમાં તે માત્ર ઑકલૅન્ડની પાછળ છે. આવી લાગણી અહીંના રહેવાસીઓમાં જોવા મળે છે અને તેઓ ઊડીને આંખે વળગે તેવી અહીંની પ્રાકૃતિક સુંદરતાના દિવાના છે.
શહેરની બહાર એક કમ્યુનિકેશન ફર્મ ચલાવતાં ફોકે કહ્યું હતું, “વાનકુવરનાં પર્વતો અને સમુદ્રનું અનોખું સંયોજન તેને અત્યંત આકર્ષક બનાવે છે. વાનકુવરમાં 20 વર્ષ રહ્યા પછી પણ મને આ શહેરનું આકર્ષણ ઓસર્યું નથી.”
ફોકના કહેવા મુજબ, શહેરની સુંદરતા નિહાળવા, પોતીકાપણાની અનુભૂતિ માટે ખાસ કરીને વરસાદ પડતો હોય ત્યારે ઘરની બહાર નીકળી જ પડે છે! સ્ટેન્લી પાર્ક પહોંચી જવું જોઈએ. તે શહેરની વચ્ચે આવેલું 405 હેક્ટરમાં ફેલાયેલું સાર્વજનિક ઉદ્યાન છે. તેમાં સદીઓ જૂનાં વૃક્ષો સાથે કૉસ્ટલ રેઇનફોરેસ્ટ છે. તેમાં 700-800 વર્ષ જૂના લાલ દેવદારના હોલો ટ્રી તરીકે ઓળખાતાં લાંબાં વૃક્ષોનો પણ સમાવેશ થાય છે.
જેઓ હાઈકિંગના શોખીન હોય તેમણે ગ્રાઉસ પર્વત પરની 2.9 કિલોમીટરની ગ્રાઉસ ગ્રાઇન્ડ ટ્રેલ પર હાઇકિંગ કરવું જોઈએ, એવી ભલામણ કરતાં ફોકે કહ્યું હતું, “ઘણીવાર તેને કુદરતી સ્ટેરમાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેના પર સીધું ચઢાણ બહુ આકરું છે, પરંતુ ટોચ પર પહોંચો પછી લાગે કે મહેનત કરી તે લેખે લાગી છે. પર્વતની ટોચે આવેલ રેસ્ટોરાંમાં કૉફી કે વાઇનનો સ્વાદ માણવાનો. કુદરતી નજારો મન ભરીને માણવાનો પછી ગોન્ડોલામાં બેસીને નીચે આવવાનું.”
જેમને શાંત સાહસો પસંદ છે તેમના માટે અહીં ખાણીપીણીનો ઉત્તમ પ્રબંધ છે. સ્ટોલરે કહ્યું હતું, “ફેન્સી રેસ્ટોરાંથી માંડીને કૂલ ફૂડ ટ્રક્સ અને ફાર્મર્સ માર્કેટ્સ સુધીનું બધું અહીં છે. સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ ઉપલબ્ધ છે.”
સ્થાનિક રહેવાસીઓ વાનકુવરની સુશીનાં વખાણ કરતા થાકતા નથી. સ્ટોલરના કહેવા મુજબ, અહીં અનેક શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ જાપાની રેસ્ટોરાં આવેલાં છે.
આ શહેર ઉદ્યોગસાહસિકતાની અને સહકારની ભાવનાને પ્રોત્સાહિત કરે છે, જેનાથી ઘર જેવા આવકારની લાગણી સર્જાય છે. સ્ટોલરે કહ્યું હતું, “વાનકુવરના લોકો ખુલ્લા મનના, વૈવિધ્યપ્રચૂર અને કળા, ટેકનૉલૉજી કે પર્યાવરણપ્રિય બાબતોને પ્રેમ કરે છે. નાનકડો ભૌગૌલિક વિસ્તાર શહેરને વ્યવસ્થિત તથા સર્જનાત્મક રાખે છે. અહીં તમને સ્થાનિક ખરીદીને પ્રોત્સાહિત કરતા તેમજ સમુદાયને ટેકો આપતા જંગી બૉક્સ સ્ટોર્સ જોવા નહીં મળે. અહીં બધા માટે લાભકારક પરિસ્થિતિ છે.”

કૅલગરી : સૌને આવકાર

ઇમેજ સ્રોત, Getty Images
આલ્બર્ટાના પશ્ચિમ પ્રાંતમાં રૉકી માઉન્ટન્સ નજીક આવેલા કૅલગરીએ અશાંતિ અને સરકારી ભ્રષ્ટાચારની બાબતમાં, પોતાની સંપૂર્ણ સ્થિરતા સાથે કૅનેડાનાં બે અન્ય શહેરોને પાછળ છોડી દીધાં છે.
રહેવાસીઓ કૅલગરીને મોટાં શહેરોની અનુભૂતિ ધરાવતું નાનું ગામ ગણાવે છે. કૅનેડાનાં અન્ય શહેરોની સરખામણીએ અહીં ગુજરાનખર્ચ ઓછો છે.
કૅલગરીના રહેવાસી અને ટ્રાવેલ બ્લોગર લોરા પોપે કહ્યું હતું, “કૅનેડાનાં મોટાં શહેરો પૈકીનું એક હોવા છતાં કૅલગરીએ પોતાનું અનન્ય આકર્ષણ જાળવી રાખ્યું છે. તે મિલનસાર સ્થાનિક લોકો, સમુદાયલક્ષી માનસિકતા અને પાડોશકેન્દ્રી ફાર્મર્સ માર્કેટ્સને આભારી છે. તેમ છતાં, ટ્રેન્ડી ખાણીપીણી, સાંસ્કૃતિક તહેવારો અને અદભૂત નાઇટલાઈફની વાત આવે ત્યારે કૅલગરીમાં કોઈ કમી નથી.”
240થી વધુ વંશીય મૂળના લોકો અને 165 ભાષાઓ સાથેનું કેલગરી કૅનેડાનું ત્રીજું સૌથી મોટું વૈવિધ્યસભર શહેર છે. શહેરમાં નફાકારક ઑઇલ અને ગૅસઉદ્યોગ, મોટો વ્હાઈટ કૉલર બિઝનેસ સમુદાય અને જીવનનિર્વાહનો પોસાય તેવો ખર્ચ પણ છે.
એડમોન્ટોનથી ત્રણ વર્ષ પહેલાં અહીં આવેલા કમ્યુનિકેશન પ્રોફેશનલ જેસી પી કાયાબોએ કહ્યુ હતું, “કેલગેરીના લોકો પાસે પૈસા છે અને તેમને પૈસા ખર્ચવા ગમે છે.” તેનો અર્થ એ થાય કે ઉનાળાના મહિનાઓમાં ડાઉનટાઉન અને આસપાસના વિસ્તારો ભરચક હોય છે, જ્યારે હૉકીની સિઝનમાં સૂટ અને ટાઈના સ્થાને કેલેગરી ફ્લેમ્સ જર્સીઓ જોવા મળે છે. જુલાઈના પ્રથમ શુક્રવારથી 10 દિવસની વાર્ષિક કેલગરી સ્ટેમ્પિડ શરૂ થાય છે. એ વખતે બધા લોકો પશ્ચિમી પરિધાન કરે છે અને સમગ્ર વિશ્વના લોકોને આવકારે છે.
કૅલગરીસ્થિત કેપ્ટિવેટ બેનિફિટ્સ ઍડવાઈઝરી ફર્મના માલિક શેનોન હ્યુજીસે કહ્યુ હતું, “લોકો ઘરની બહાર નીકળે છે. શેરીઓમાં ગીરદી હોય છે અને રેસ્ટોરાં વ્યસ્ત હોય છે.”
શહેરનાં પહાડી દૃશ્યનો ખરા અર્થમાં આનંદ માણવા માટે સૂર્યાસ્તના સમયે મેજર ટૉમ રેસ્ટોરાંમાં જગ્યા બૂક કરાવવાનું સૂચન શેનોને કર્યું હતું. કૅનેડાના મોટા ભાગના હિસ્સાની માફક પ્રકૃતિ સુધી પહોંચવાની આસાનીથી અહીં જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે.
ઉત્તર અમેરિકામાં કૅલગરી પાસે સૌથી વ્યાપક પાક્કા રસ્તાઓ અને બાઈકવે નેટવર્ક છે. તેમાં પગપાળા ચાલતા લોકો અને સાયકલપ્રવાસીઓ માટે 1,000 કિલોમીટરથી વધુના રસ્તા છે.
પોપે કહ્યું હતું, “આ રસ્તાઓ પરની બાઇકરાઈડને લીધે મને શહેરના કેટલાંક છૂપાયેલી રત્નોની ભાળ મળી હતી, શાનદાર દૃશ્યો જોવા મળ્યાં હતાં.”
શિયાળામાં પણ આ શહેરમાં સ્કીઇંગ, સ્કૅટિંગ, ટ્યૂબિંગ, સ્નોશૂઇંગ અને આઈસ બાઇકિંગ જેવી પ્રવૃત્તિની પણ કોઈ કમી નથી. કૅલગરી 1988માં વિન્ટર ઑલિમ્પિક્સનું યજમાન બન્યું હતું. એ સમયની માળખાકીય સુવિધાઓ આજે પણ ઉપલબ્ધ છે.
રહેવાસીઓનું કહેવું છે કે, અહીંનો શિયાળો લાંબો અને ઠંડોગાર હોય છે. તેથી ગરમ પ્રદેશોમાંથી આવતા પ્રવાસીઓએ આકરી ઠંડીમાં પહેરી શકાય તેવાં વસ્ત્રો ખરીદવા જોઈએ.

ટોરોન્ટો : સાંસ્કૃતિક વૈવિધ્ય સાથોસાથ શ્રેષ્ઠ જીવનશૈલી

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના સૌથી વધુ વસ્તીવાળું ટોરોન્ટો 1,500થી વધુ પાર્ક્સ સાથે મોટાં શહેરની અનુભૂતિ આપે છે. સ્થિરતાની બાબતમાં પરફેક્ટ સ્કોર સાથે ટોરોન્ટો સલામતીની ભાવના જાળવી રાખે છે.
લોકો ચાલતા હોય, જાહેર પરિવહનમાં પ્રવાસ કરતા હોય કે પછી સાયકલ ચલાવતા હોય, તેમને આરામનો અનુભવ થાય છે. ખાસ કરીને માનવકેન્દ્રીત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે અહીં જીવન મોટાં શહેરોની સરખામણીએ ઘણું સરળ છે.
રહેવાસીઓ માટે પાથ એટલે કે ભૂગર્ભ પગપાળા ચાલવા માટેના માર્ગ છે, જેને કારણે કૅનેડાનો શિયાળો સહ્ય બને છે. ટોરોન્ટોના રહેવાસી અને બ્લૉગર હોઆંગ એન લેએ કહ્યું હતું, “મારી ઓફિસથી ઍરપૉર્ટ, જમવાનું, શોપિંગ અને ડૉક્ટરની ઍપોઇન્ટમૅન્ટ સુધીનું બધું સુલભ છે. વિન્ટર કોટની જરૂર પડતી નથી.”
આ વાત સાથે સહમત થતાં કાયરા માર્સ્કેલે જણાવ્યું હતું કે, ટોરોન્ટો ટ્રાન્ઝિક કમિશન ખામી વગરનું નથી. તેમાં સંકલિત પરિવહન વિકલ્પો ઉપલબ્ધ છે.
મોટા ભાગની પરિવહનસેવા ચાર મિનિટથી ઓછા સમયમાં મળે છે. કોઈ ઉપનગરમાંથી શહેરમાં આવવા માટે ડ્રાઈવિંગ એકમાત્ર વિકલ્પ હોય ત્યારે આ સુવિધાથી ઘણો ફરક પડે છે.
તેમણે ઉમેર્યું હતું, “આ શહેરમાં રેન્ટલ બાઈક્સ પણ ઉપલબ્ધ છે. તે પ્રવાસનનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે. તેનો આનંદ મેં તાજેતરમાં માણ્યો હતો.”
ટોરોન્ટો તેના વૈવિધ્ય માટે વિખ્યાત છે. અહીંના 51 ટકાથી વધુ રહેવાસીઓ કૅનેડાની બહાર જન્મેલા છે. સોફ્ટવેર કંપની 'હોસ્ટાવે'ના સીઈઓ અને સહસ્થાપક માર્કસ રેડરે કહ્યું હતું, “પશ્ચિમનું આ એકમાત્ર મોટું શહેર છે, જેમાં (અશ્વેત) લઘુમતી બહુમતીમાં છે. અહીં ઘણી સંસ્કૃતિ તથા ભાષાઓના અનુભવની તકો મળે છે અને કૅનેડા કોઈના જેવા બનવાને બદલે બહુસાંસ્કૃતિકતાનો સ્વીકાર કરે છે.”
આ સાંસ્કૃતિક વૈવિધ્ય સંખ્યાબંધ તહેવારો, દરેકને પોસાય તેવું ભોજન અને વિચારોના આદાનપ્રદાન તથા જીવનશૈલીનો આદર લોકોને સમૃદ્ધ બનાવે છે.
મોટા બિઝનેસીસથી માંડીને નવા સ્ટાર્ટ-અપ્સ સુધી તમામની ઉદ્યોગસાહસિકતાની ભાવના પણ ટોરોન્ટોને પ્રભાવિત કરે છે.
(ઉબર, ગૂગલ અને ફેસબૂક બધાની ઓફિસો અહીં આવેલી છે) ટોરોન્ટો તાજેતરનાં વર્ષોમાં ન્યૂયૉર્ક સિટી અને સિલિકોન વેલી પછી ઉત્તર અમેરિકાનું ત્રીજું સૌથી મોટું ટેકનૉલોજી હબ બની ગયું છે.
અહીંના રહેવાસીઓના કહેવા મુજબ, શહેરને વિવિધ સમુદાય સાથે જોડવામાં આવે છે ત્યારે ટેકનૉલૉજીકલ પરિદૃશ્ય વિવિધ સંસ્કૃતિ અને પશ્ચાદભૂના લોકો માટે અદભૂત ઍક્સપોઝર સર્જે છે.
'કેચકોર્નર' નામની ઍપ્લિકેશનના સહ-સ્થાપક અને સીઈઓ જોનાથન અઝોરીએ કહ્યું હતું, “લોકોના કામ અને અંગત જીવનના સંદર્ભમાં સાંસ્કૃતિક આદત કેળવવાનું રસપ્રદ હોય છે. આ બધું તમારા શહેરને છોડ્યા વિના આંતરરાષ્ટ્રીય વર્કલાઈફનો અનુભવ પ્રાપ્ત કરવા જેવું છે.”














