એ દેશો જે ભારતીયોને નાગરિકતા માટે આમંત્રણ આપી રહ્યા છે, કેટલો ખર્ચ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી આજકાલ ઘણા લોકો વિદેશ જવાની ઘેલછા ધરાવતા હોવાનું જોવા મળે છે.
ઘણા વિદેશમાં અભ્યાસ, રહેવાના હેતુસર તો કેટલાક કાયમી નાગરિકતાની આશામાં એ દિશામાં પ્રયાણ કરતા હોય છે.
અભ્યાસ, રોજગાર અને કમાણીની સારી તકોની શોધમાં વિદેશ પ્રયાણ કરવા ઇચ્છુક લોકો મોટા ભાગે કૅનેડા, અમેરિકા, યુકે અને ઑસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશો પર પોતાની પસંદગી ઉતારતા હોય છે.
આ દેશોમાં રહેલી તકો અથવા તેનો આભાસ તેમને ભારત સહિત ઘણા દેશોના નાગરિકો માટે એક પસંદગીનું સ્થળ બનાવે છે.
આ દેશોમાં જવા માટે નાણાકીય સંશાધનો, કૌશલ્ય અને નિયત પ્રમાણમાં ભાષાકૌશલની જરૂરિયાતો પ્રાથમિક આવશ્યકતા મનાય છે.
પરંતુ એવા પણ કેટલાક દેશો છે જ્યાં પ્રમાણસર ઓછાં નાણાંનું રોકાણ કરીને કાયમી વસવાટ, નાગરિકતા, સ્થાનિક સુવિધાઓનો લાભ મેળવી શકાય છે.
આ અહેવાલમાં આપણે આવા જ દેશો અને ત્યાં સ્થાયી થવાના રસ્તા-આવશ્યકતાઓ પર એક નજર કરીશું.

નાગરિકતા સાથે મફત સ્વાસ્થ્ય વીમાનો લાભ

ઇમેજ સ્રોત, Getty Images
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર દર વર્ષે હજારો પૈસાદાર ભારતીયો કાયમી રહેઠાણ કે નાગરિકત્વ મેળવી વિદેશ પહોંચી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૉર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014થી 2018 સુધીમાં 23 હજાર તવંગર ભારતીયોએ વૈકલ્પિક સિટીઝનશિપ પ્રોગ્રામનો લાભ લઈને વિદેશ જઈ વસ્યા છે.
હેન્લે પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન ડૅશબોર્ડ અનુસાર વર્ષ 2023માં 6,500 માલદાર ભારતીયો દેશ છોડી વિદેશમાં સ્થાયી થાય તેવી શક્યતા છે.
આવી જ રીતે કેટલાક દેશો પ્રમાણસર ઓછા ભાવે નાગરિકત્વ કે કાયમી વસવાટનો અધિકાર આપી રહ્યા છે.
આવો જ એક દેશ છે ડૉમિનિકા.
ડૉમિનિકા એ એક સુંદર કૅરિબિયન ટાપુ છે.
આ ટાપુ દેશનો સિટીઝનશિપ પ્રોગ્રામ સૌથી આકર્ષક યોજના પૈકી એક છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર 76.46 લાખ રૂપિયામાં આ દેશનો સિટીઝનશિપ પ્રોગ્રામ ખરીદી શકાય છે.
આ દેશના નાગરિકોને અમેરિકા, કૅનેડા અને યુકે સહિત 140 દેશોમાં વિઝા-ફ્રી મુસાફરીનો લાભ મળે છે.
આ સિવાય આ દેશના નાગરિકો મફત સ્વાસ્થ્ય વીમો અને મૂડીલાભ કર કે વારસાઈને લગતા કર ચૂકવવાના હોતા નથી.
ડોમિનિકા સરકારની વેબસાઇટ અનુસાર આ સિવાય ડોમિનિકાની નાગરિકતા સાથે એક કરતાં વધુ નાગરિકતા હાંસલ કરવાનો અધિકાર પણ મળી જાય છે.

સેન્ટ લુસિયા

ઇમેજ સ્રોત, Getty Images
ડૉમિનિકાની માફક જ સેન્ટ લુસિયા પણ આવું જ એક સુંદર કૅરિબિયન ટાપુ છે. 76.46 લાખ રૂપિયામાં આ દેશનું નાગરિકત્વ મેળવી શકાય છે. આ દેશના નાગરિકોનેય 140 દેશોની વિઝા-ફ્રી મુસાફરી કરવાની તક પ્રાપ્ત થાય છે.
અહીં બિઝનેસ માલિકો કરમોકૂફી સહિત દસ વર્ષ સુધી કૉર્પોરેટ ઇનકમ ટૅક્સ અને સંપત્તિવેરામાં છૂટ મળે છે.
નાગરિકોનાં બાળકો 18 વર્ષની વય સુધી મફત શિક્ષણનો લાભ મેળવી શકે છે.

એન્ટિગા અને બર્બુડા

ઇમેજ સ્રોત, Getty Images
76.46 લાખ રૂપિયા ચૂકવીને સુંદર એવા એન્ટિગા ઍન્ડ બર્બુડા ટાપુ દેશની પણ નાગરિકતા મેળવી શકાય છે.
દેશની આધિકારિક વેબસાઇટ અનુસાર અહીંનો પાસપોર્ટ ધરાવનાર નાગરિકોને યુકે સહિતના 150 દેશોની વિઝા-ફ્રી મુસાફરીની સગવડ મળે છે. આ સિવાય અહીંના નાગરિક યુનાઇટેડ કિંગડમમાં રહેવા અને કામ કરવાની પરવાનગી અપાવતા ટીયર 1 ઇન્વેસ્ટર વિઝા માટે અરજી કરી શકે છે.
આ સિવાય યુનિવર્સિટી ઑફ વેસ્ટ ઇન્ડિઝમાં અહીંના નાગરિકોને પ્રાથમિકતા અપાય છે.

વેનુઆતુ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં આવેલા સુંદર ટાપુ વેનુઆતુની નાગરિકતાય 91.25 લાખ રૂપિયામાં મેળવી શકાય છે.
આ દેશના નાગરિકોને 120 દેશોમાં વિઝા-ફ્રી ટ્રાવેલની સુવિધા મળે છે, જેમાં ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને સિંગાપોર સામેલ છે.
આ સિવાય વેનુઆતુના નાગરિકને યુનિવર્સિટી ઑફ સાઉથ પૅસિફિકમાં ટ્યૂશન ફી ચૂકવ્યા વગર શિક્ષણ મેળવવાની છૂટ અપાય છે.
આ સિવાય માન્ય દેશોના બિઝનેસ વિઝા માટે પણે પ્રાથમિકતા અપાય છે.

ગ્રેનેડા

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ ઇતિહાસ માટે જાણીતા ગ્રેનડાની નાગરિકતા પણ 1,14,69,000 રૂપિયામાં મેળવી શકાય છે.
અહીંના નાગરિકોને 130 દેશોની વિઝા-ફ્રી મુસાફરી કરવાની તક મળે છે.
નાગરિકો સંપત્તિવેરો ચૂકવ્યા વગર જમીનના માલિક બની શકે છે. તેમજ અહીંના નાગરિકે બીજા દેશમાં વસવાટ માટેના વિઝા માટે અરજી કરવાની હોય તો તેને પ્રાથમિકતા અપાય છે.
ગ્રેનડિયન નાગરિકતાની સાથે અમેરિકામાં રહેવા અને કામ કરવા માટેનો અધિકાર આપતા વિઝા પ્રોગ્રામની મંજૂરી પણ મળે છે.
ગ્રેનેડાની આધિકારિક વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર અહીંના નાગરિકો બે દેશોની નાગરિકતા રાખી શકે છે. આ સિવાય તમારાં પતિ કે પત્ની, બાળકો, માતાપિતા સહિતના પરિવારજનોને પણ દેશની નાગરિકતા મળી શકે છે.
બાળકો અને યુવાનોને ટોચની સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં પ્રાથમિકતા અપાય છે.
જોકે, અહીં નોંધનીય છે કે ભારતના બંધારણમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ નવ અંતર્ગત જો કોઈ નાગરિક વિદેશી નાગરિકતાનો સ્વીકાર કરે તો તેવી સ્થિતિમાં તે ભારતનો નાગરિક રહેશે નહીં.

ગોલ્ડન વિઝા પ્રોગ્રામ
આ સિવાય કેટલાક દેશ એવી પણ યોજનાઓ ચલાવે છે જે સંસાધનો અને કૌશલ્ય ધરાવતા લોકોને ઇન્વૅસ્ટમેન્ટ પ્રોગ્રામ થકી વિદેશમાં જઈ વસવાની તક પ્રાપ્ત થાય છે.
નાણાકીય સંસાધન ધરાવતા લોકોએ આ દેશોના અર્થતંત્રમાં અમુક પૈસા રોકવાના હોય છે, આ પ્રોગ્રામને ગોલ્ડન વિઝા પ્રોગ્રામ પણ કહે છે.
આ વિઝાની મદદથી આવા દેશોમાં જતા લોકો રહેઠાણનો અધિકાર હાંસલ કરે છે, જે જે-તે દેશની નાગરિકતા માટેનું પ્રથમ સોપાન બની શકે છે.

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વિશ્વના ધનિક દેશો પૈકી એક મનાતા ઑસ્ટ્રેલિયામાં વ્યક્તિ તેમના અર્થતંત્રમાં અઢી મિલિયન ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે 13.29 કરોડ રૂપિયાનું રોકાણ કરીને દેશની કામચલાઉ નાગરિકતા હાંસલ કરી લે છે. આધિકારિક વેબસાઇટ અનુસાર કાયમી વસવાટ માટે જે-તે વ્યક્તિએ ઑસ્ટ્રેલિયા સાથે સારા સંબંધો પ્રદર્શિત કરવા માટે પાંચ વર્ષના વસવાટમાંથી બે વર્ષ ઑસ્ટ્રેલિયામાં ગાળવાનાં હોય છે.

માલ્ટા

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય યુરોપિયન દેશમાં વસવાટની મહેચ્છા ધરાવતા લોકો માટે માલ્ટા પણ કંઈક આવી જ તક રજૂ કરે છે.
માલ્ટામાં વસવાટ માટેની પરમિટ મેળવવા માટે જે-તે વ્યક્તિએ 1.75 લાખ યુરો એટલે કે લગભગ 1.55 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાનું હોય છે. આ સિવાય વસવાટની પરમિટ માટે પાંચ લાખ યુરો એટલે કે 4.44 કરોડ રૂપિયાની સંપત્તિ હોવી જોઈએ.
માલ્ટાની વસવાટની પરમિટ સાથે યુરોપના કેટલાક વિસ્તારોમાં વિઝા-ફ્રી મુસાફરીની તકેય મળે છે.
તેમજ આ વિકલ્પ અપનાવનારને કાયમ માટે માલ્ટામાં પરિવાર સાથે રહેવાની પરવાનગી મળી જાય છે.

અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય અમેરિકામાં પણ વસવાટ માટેની પરવાનગી મેળવવા માટે ઇમિગ્રન્ટ ઇન્વૅસ્ટર પ્રોગ્રામ અંતર્ગત અરજી કરી શકાય છે.
આ પ્રોગ્રામમાં વસવાટ માટેની લાયકાત મેળવવા માટે અરજદાર એક વિકલ્પ પ્રમાણે આઠ લાખ અમેરિકન ડૉલર એટલે કે લગભગ સવા ચાર કરોડ રૂપિયાનું સીધું મૂડી રોકાણ કરવાનું રહે છે.
પરંતુ આ વિકલ્પ માટે જે-તે બિઝનેસ ટાર્ગેટેડ ઍમ્પ્લોયમૅન્ટ એરિયામાં હોય એ જરૂરી છે.
જો પ્રબળ રોજગારીવાળા ક્ષેત્રમાં કંપની હોય તો જે તે વ્યક્તિએ અમેરિકામાં 1.05 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8.70 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે.














