કૅનેડાની ઇમિગ્રેશન પૉલિસી શું અન્ય દેશો માટે આદર્શ બની શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images

- કૅનેડા સહિત વિશ્વના કયા દેશો એવા છે જ્યાં કુશળ કામદારો અને શ્રમિકોની તાતી જરૂરિયાત છે?
- ગુજરાતમાંથી પણ ઘણા લોકો વિદેશમાં રોજગાર અને જીવનની મહત્ત્વપૂર્ણ તકોની શોધમાં જાય છે
- લોકોને નાગરિકત્વ આપવા માટે આમંત્રિત કરવા માટેની કૅનેડાની નીતિ ઉદાર છે
- કુશળ શ્રમિકોની અછતની સમસ્યા સામે કૅનેડા જ નહીં પરંતુ ઘણા દેશો ઝઝૂમી રહ્યા છે
- પરંતુ શું આ જ નીતિ કામદારો અને શ્રમિકોની જરૂરિયાત ધરાવતા અન્ય દેશોએ પણ અપનાવવી જોઈએ?
- જર્મની સહિત ઘણા દેશોમાં અન્ય દેશોના નાગરિકોને આમંત્રિત કરાય છે, પરંતુ ત્યાંની અલગ અલગ સમસ્યાઓ પણ છે


ઇમેજ સ્રોત, Getty Images
13 દેશના 29 લોકો માટે કૅનેડાનો રાષ્ટ્રીય ધ્વજ દિવસ એટલે કે 15 ફેબ્રુઆરી 2022 યાદગાર બની ગયો. આ દિવસથી તેમનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું.
રાષ્ટ્રીય ધ્વજ દિવસના રોજ એ લોકોને વીડિયો કૉલ થકી કૅનેડાની રાષ્ટ્રીયતાના શપથ અપાવીને નાગરિકતા પ્રદાન કરાઈ. નવા નાગરિકોએ કૅનેડાનું રાષ્ટ્રગીત પણ સાંભળ્યું.
સમારોહમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો પણ સામેલ થયા અને સમારોહ 35 મિનિટ સુધી ચાલ્યો.
કૅનેડામાં લોકોની અછત છે અને કામ કરનારાની પણ અછત છે. આ સમસ્યાના નિરાકરણ માટે કૅનેડાએ 2025 સુધી કુશળ રોજગાર કરનારા અપ્રવાસીઓની સંખ્યા પ્રતિવર્ષ પાંચ લાખ કરતાં વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.
કુશળ શ્રમિકોની અછતની સમસ્યા સામે કૅનેડા જ નહીં પરંતુ ઘણા દેશો ઝઝૂમી રહ્યા છે.
તો શું અન્ય દેશોએ પણ કૅનેડાનું ઇમિગ્રેશન મૉડલ કે ઇમિગ્રેશન પૉલિસી અપનાવવાં જોઈએ?

જેટલું વધુ તેટલું સારું

ઇમેજ સ્રોત, Getty Images
ટોરન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં અપ્રવાસ અને એકીકરણ શોધ કેન્દ્રનાં અધ્યક્ષ એના ટ્રિએનડીફિલાડૂ કહે છે કે, “એવું મનાય છે કે અપ્રવાસી દેશોમાં નવું કૌશલ્ય, નવી પ્રતિભા અને નવી પરંપરાઓ અને વિવિધતા લાવે છે. તો જેટલા વધુ લોકો અને જેટલી વધુ વિવિધતા એટલું સારું હોય છે.”
ભૂભાગના હિસાબે કૅનેડા, રશિયા બાદ વિશ્વનો સૌથી મોટો દેશ છે પરંતુ કૅનેડાની વસતિ માત્ર ત્રણ કરોડ આઠ લાખ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૌગોલિક દૃષ્ટિએ કૅનેડા અલગ પડેલું છે અને એ ક્ષેત્રોથી દૂર છે જ્યાં અસ્થિરતા અને આર્થિક સમસ્યાઓ વધુ છે. આના કારણે કૅનેડા અપ્રવાસને નિયંત્રિત કરી શકે છે અને નક્કી કરી શકે છે કે દેશમાં કોને વસાવવા.
કૅનેડામાં ઇમિગ્રેશનનો ઇતિહાસ લાંબો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ 1947માં કૅનેડાએ પોતાના ઇમિગ્રેશન કાયદામાં બદલાવ કર્યો અને કામ કરવા માટે વિદેશીઓને લાવવાનું શરૂ કર્યું હતું જેથી અર્થતંત્રનું પુનર્નિર્માણ થઈ શકે.
તે બાદ 1960ના દાયકામાં કૅનેડાએ અંકો પર આધારિત ઇમિગ્રેશન પૉલિસી કે પૉઇન્ટબેઝ્ડ ઇમિગ્રેશન મૉડલ અપનાવ્યું. આવું કરનાર કૅનેડા પ્રથમ દેશ બન્યો.
એના કહે છે કે, “આ માનવસંશાધન આધારિત વ્યવસ્થા છે. જો તમારી ઉંમર 35 કે તેથી વધુ છે તો અમુક અંક મળશે. જો અંગ્રેજી અને ફ્રેન્ચ આવડે છે તો તેના અંક મળશે. જો તમારાં ભાઈ કે બહેન કૅનેડામાં છે તો તેના અંક મળશે, જો તમારી પાસે કૅનેડામાં કામ કરવાનો અનુભવ છે તો થોડા વધુ અંક મળશે.”
કૅનેડામાં અપ્રવાસન માટે વિદેશથી અરજી કરાય છે સૌથી વધુ અંક મેળવનારાને કૅનેડા આવીને સ્થાયી નિવાસી બનવા માટે આમંત્રિત કરાય છે. નાગરિકોના કૅનેડા પહોંચતાં જ આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
એના ટ્રિએનડીફિલાડુ જણાવે છે કે આ એક નિયંત્રિત વ્યવસ્થા છે. પરંતુ સ્થાયી નિવાસીનો દરજ્જો મેળવવાની સાથે મતદાનનો અધિકાર પણ મળે છે, જે એક રાજકીય અધિકાર છે.
તેઓ કહે છે કે, “ત્રણ વર્ષ સુધી સ્થાયી નિવાસી રહ્યા બાદ તમે કૅનેડાની નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકો છો. આ દરજ્જા હેઠળ તમારા પરિવારના સભ્ય પણ તમારી સાથે આવીને રહી શકે છે અને તેઓ અંગ્રેજી કે ફ્રેંચ જાણતા હોય તે જરૂરી નથી હોતું. તમારાં પતિ કે પત્નીને વર્ક પરમિટ મળે છે. યુરોપિયન દેશોની દૃષ્ટિએ આ અજીબ છે.”

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2025 સુધી 15 લાખ લોકોને દેશમાં વસવાટ માટે આમંત્રિત કરવાનું કૅનેડાનું લક્ષ્ય છે.
એટલે કે દર વર્ષે પાંચ લાખ લોકોને આમંત્રિત કરવા જે કૅનેડાની હાલની યોજનાનો એક ભાગ છે.
એના કહે છે કે વડા પ્રધાને 2018માં ત્રણ વર્ષમાં 12 લાખ લોકોને લાવવાની જાહેરાત કરી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં મુશ્કેલી પડી અને હવે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેને વધારીને વાર્ષિક પાંચ લાખ કરી દેવાયું છે.
આ સંખ્યા માત્ર સ્થાયી નિવાસીનો દરજ્જો મેળવવા માટે છે. આ સિવાય ચિકિત્સાકર્મીઓ કે કૃષિશ્રમિકો માટે પણ અપ્રવાસ યોજનામાં તજવીજ છે.
આમાંથી ઘણા લોકો કાળાંતરે સ્થાયી નિવાસનો અધિકાર મેળવી લે છે.
ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને સિંગાપુરમાં પણ અંક આધારિત અપ્રવાસ યોજના છે પરંતુ કૅનેડા તેનાથી અલગ છે, કારણ કે કૅનેડામાં સ્થાયી નિવાસી તરીકે આવો એ પહેલાંથી તમારી પાસે નોકરી હોવી જરૂરી નથી. એટલે કે ત્યાં પહોંચીને જાતે નોકરી શોધવી પડે છે.
કૅનેડામાં બેરોજગારીનો દર માત્ર પાંચ ટકા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે લોકોને ત્યાં પહોંચતાંની સાથે જ નોકરી મળી જશે. પરંતુ ડૉક્ટર, ચિકિત્સાકર્મીઓ અને આઈટી ઇજનેરો માટે અહીં વધુ નોકરીઓ છે.
એના ટ્રિએનડીફિલાડુ કહે છે કે કૅનેડાના પાડોશી દેશ અમેરિકા અને વિશ્વમાં ઘણી જગ્યા જેમ કે બ્રાઝિલ અને ભારતમાં પણ દક્ષિણપંથી તાકતો પ્રભાવી છે અને નસલવાદની સમસ્યા છે.
તેઓ કહે છે કે, “એવું નથી કે આ સમસ્યા કૅનેડામાં નથી. પરંતુ ત્યાં લોકો એ વાત જાણે છે અને આ સમસ્યાનું નિરાકરણ ઇચ્છે છે. અહીં પણ સપાટી પરની હકીકત આદર્શ તો નથી જ.”

જિંદગી અને મૃત્યુનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા દેશોમાં વસતિ વૃદ્ધિદર અને અપેક્ષિત આયુષ્યમાં બદલાવ આવી રહ્યા છે અને શ્રમબજાર પર તેની અસર પડી રહી છે. કૅનેડામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર મેલિંડા મિલ્સ કૅનેડામાં આ બદલાવનાં કારણો વિશે જણાવે છે કે ઘણા દેશોમાં ચિકિત્સાવ્યવસ્થા બહેતર થઈ છે અને લોકોનાં ખાનપાનમાં સુધારો થયો છે જેનાથી હવે લોકોનું અપેક્ષિત આયુષ્ય વધી ગયું છે પરંતુ બીજી તરફ ઘણા દેશોમાં વસતિ વૃદ્ધિદર પણ ઘટ્યો છે.
તેઓ કહે છે કે, “મહિલા હવે વધુ શિક્ષિત થવા લાગી છે અને નોકરીઓ કરવા લાગી છે. આ સાથે જ ઘણા દેશોમાં બાળકોની દેખરેખની વ્યવસ્થા મોજૂદ નથી. પૂર્વ એશિયા અને યુરોપના ઘણા દેશોમાં મકાનોની અછત છે. તો તેનાં ઘણાં માળખાગત કારણ છે.”
જનસંખ્યા વૃદ્ધિદરમાં ઘટાડાનું એક કારણ રાજકીય પણ છે. 1980ના દાયકામાં ચીને વસતિનિયંત્રણ નીતિ લાગુ કરી. જે અંતર્ગત એક પરિવારમાં માત્ર એક જ બાળકની પરવાનગી અપાઈ હતી.
30 વર્ષ સુધી આ નીતિ ચાલુ રખાઈ પરંતુ વર્ષ 2015માં તે સમાપ્ત કરી દેવાઈ. પરંતુ આ બાદ પણ ત્યાં જન્મદરમાં ખાસ કોઈ ઉછાળો નથી જોવા મળ્યો.
ચીનને લઈને આ મુદ્દે મેલિંડા કહે છે કે, “ચીનનો મામલો રસપ્રદ છે. તેની વસતિ ખૂબ મોટી છે. પરંતુ વૃદ્ધ થતી જતી વસતિની જગ્યા નવી વસતિ માટે જન્મદર ઓછામાં ઓછો 2.1 ટકા હોવો જોઈએ.”
“જ્યારે કે ચીનનો વર્તમાન જન્મદર 1.16 છે તેથી તેની વસતિમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમજ વસતિના મામલે ભારત ચીનથી આગળ નીકળી ગયું છે. ઘણા દેશોની વસતિ ઘટવા જઈ રહી છે.”
તેઓ આગળ કહે છે કે, “2050 સુધી જર્મનીની વસતિ પાંચ ટકા અને ચીનની વસતિ સાત ટકા ઘટવાનું અનુમાન છે. તેમજ ઇટાલીની વસતિ 12 ટકા અને જાપાનની વસતિ 16 ટકા ઘટી શકે છે. લાતવિયા અને લિથુઆનિયા જેવા બાલ્ટિક ક્ષેત્રની વસતિ 20 ટકા ઘટવાનું અનુમાન છે. આની આ દેશો પર ઊંડી અસર પડશે.”
લોકોના અપેક્ષિત આયુષ્યમાં વૃદ્ધિ અને જન્મદરમાં ઘટાડાથી જે સ્થિતિ પેદા થઈ છે તેને ઘણા દેશોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
મેલિંડા મિલ્સ કહે છે હવે કામ કરનારાની અછત થઈ ગઈ છે. સ્વાસ્થ્યસેવાઓમાં ઘટાડો થઈ રહ્યો છે અને સમાધાન માટે અપ્રવાસ વિશે પણ વિચારી રહ્યા છે. પરંતુ ઘણા દેશોમાં વસતિ ઝડપથી વધી પણ રહી છે.
મેલિંડા કહે છે કે પાકિસ્તાન, ફિલિપિન્સ અને ઘણા આફ્રિકન દેશોમાં જેમ કે મિસર, તંજાનિયા અને કોંગોમાં વસતિ ઝડપથી વધી રહી છે અને ત્યાં યુવાન વસતિ વધુ છે.
તેઓ કહે છે કે, “નાઇજીરિયાની વસતિ વાર્ષિક 3.6 ટકાની તેજીથી વધી રહી છે. હાલ તેની વસતિ 20 કરોડ છે અને અનુમાન છે કે 2050 સુધી તે 40 કરોડ થઈ જશે.”
“એક તરફ જ્યાં વસતિ વૃદ્ધ થતી જઈ રહી છે અને બીજી તરફ વિશ્વના અન્ય ભાગોમાં શિક્ષિત અને પ્રશિક્ષિત યુવાનોની વસતિ મોટી સંખ્યામાં મોજૂદ છે તો આપણે દેશની સીમાઓ વિશે અને અપ્રવાસ વિશે નવા પ્રકારે વિચારવું પડશે.”

દેશ અને વિદેશ

લોકો પોતાનો દેશ છોડીને વિદેશ તરફ કેમ વળી રહ્યા છે આ અંગે વૉશિંગટન ડીસીસ્થિત કાઉન્સિલ ઑફ ફૉરેન રિલેશન્સના સિનિયર ફેલો અને આફ્રિકન મામલાના વિશેષજ્ઞ એબેનઝેર ઓબાડારે કહે છે કે લોકો ઘણાં કારણોથી વિદેશ જઈને વસે છે.
તેઓ કહે છે કે, “પોતાના દેશમાં થઈ રહેલ રાજકીય ઉત્પીડન અને અસુરક્ષા કે આર્થિક ચિંતાના કારણે લોકો દેશ છોડી દે છે. આ લોકોને આર્થિક પ્રવાસી કહેવાય છે. આમાંથી મોટા ભાગના લોકો 18થી 30 વર્ષની ઉંમર વચ્ચેના હોય છે. આ લોકો પોતાની કાબેલિયતના ચરમ પર હોય છે. આ લોકો પ્રતિભાશાળી હોય છે. તેઓમાં કૌશલ્ય અને સર્જનાત્મકતા હોય છે તેમ જ તેઓ ઉદ્યોગસાહસિક પણ હોય છે.”
જ્યારે પ્રતિભાશાળી અને અનુભવી યુવાનો પોતાનો દેશ છોડી દે છે તો તેની એ દેશ પર પડતી અસર અંગે એબેનઝેર કહે છે કે જે દેશના યુવાનો દેશ છોડી રહ્યા છે એ તેના માટે દેશના અતિ આવશ્યક અને મહત્ત્વપૂર્ણ સંશાધનની ચોરી થવા જેવું છે.
તેઓ કહે છે કે, “આનાથી પેદા થનારી કમીની ક્ષતિપૂર્તિ ઘણી મુશ્કેલ છે. તેની એ દેશનાં રાજકારણ, તકનીકી વિકાસ, સ્વાસ્થ્યસેવાઓ અને શિક્ષણસંસ્થાઓ પર ખૂબ ખરાબ અસર પડે છે. દર વર્ષે લગભગ 20 હજાર ઍકેડૅમિક લોકો આફ્રિકા છોડે છે. એ દેશોએ તેની ભારે કિંમત ચૂકવવી પડે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ દેશ પોતાની પ્રતિભાને બહાર જવાથી રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવાને લઈને એબેનઝેર ઓબાડારે કહે છે કે જો તેઓ નીતિનિર્માતા હોત તો કોશિશ કરત કે દેશમાં સારી શિક્ષણવ્યવસ્થા બને. યુવાનોને સારું શિક્ષણ પ્રાપ્ત કરવા અને પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવા માટેની પૂરતી તકો મળે.
તેઓ આગળ કહે છે કે, “ઘણા લોકો ઇંગ્લૅન્ડ કે અન્ય દેશોમાં એટલા માટે નથી જતા, કારણ કે ત્યાં માળખાગત સુવિધા નાઇજીરિયા કરતાં અત્યંત બહેતર છે. બલકે એટલા માટે જાય છે કારણ કે એ સુવિધાઓ મેળવવા માટે ત્યાં એટલી મુશ્કેલી નથી પડતી જેટલી તેમના પોતાના દેશમાં પડતી હોય છે.”
એબેનઝેર ઓબાડારે કહે છે કે આ સમસ્યા હાલ એટલી મોટી નથી લાગતી કે સરકાર વિચારે છે કે અમુક હજાર લોકો જતા રહે તેમ છતાં પાછળ ઘણા લોકો છે. પરંતુ તેઓ સરકારને ચેતવે છે કે આફ્રિકાની વસતિ આવનારાં 30 વર્ષોમાં 80 કરોડથી એક અબજ સુધી પહોંચી જશે અને પ્રતિભાશાળી લોકોનું અપ્રવાસન આ સ્તરે ચાલતું રહ્યું તો આવનારાં વર્ષોમાં મોટી સમસ્યા ઊભી થઈ જશે.
એવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જો આફ્રિકા સરકારોએ આ સમસ્યાનું સમાધાન ન કર્યું તો ભવિષ્યમાં તેમની સામે મોટી સમસ્યા હશે.
તેઓ આગળ કહે છે, “આપણે સરકારોની જવાબદારી નક્કી કરવાની જરૂર છે. તેમનાથી પુછાય કે કેમ તમારા પ્રતિભાશાળી લોકો દેશ છોડી રહ્યા છે. યુવાનોને રોજગાર આપવા માટે શું સહાયતા જોઈએ? આ સરકારોના પ્રશાસનની રીતોની નિગરાની અને જવાબદારી હોવી જોઈએ. સામાન્ય આફ્રિકન લોકો પણ આવું જ ઇચ્છે છે.”

કૅનેડાની નકલ

ઇમેજ સ્રોત, Getty Images
બર્લિનસ્થિત રૉબર્ટ બૉશ ફાઉન્ડેશનમાં વરિષ્ઠ શોધકર્તા જેસિકા બાયથરનું માનવું છે કે અનુમાન અનુસાર આવનારાં વર્ષોમાં ઘણા દેશોને કુશળ કર્મચારીઓ અને શ્રમિકોની અછતનો સામનો કરવો પડશે.
તેઓ કહે છે કે, “આ અછતની સમસ્યાના નિરાકરણ માટે દેશોએ પોતાની આબાદીને બહેતર પ્રશિક્ષણ આપીને તેમનું કૌશલ્ય વધારવું પડશે. પરંતુ આ સિવાય ઘણાં ક્ષેત્રોમાં પ્રવાસી શ્રમિકોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.”
જર્મનીમાં શ્રમિકો અને કર્મચારીઓની ભારે અછત છે. આ સાથે જ ત્યાં જન્મદર સતત ઓછો થતો જઈ રહ્યો છે અને વસતિનો મોટો ભાગ વૃદ્ધ થઈ રહ્યો છે.
એક અનુમાન અનુસાર આર્થિકપણે પોતાની પ્રતિસ્પર્ધાત્મકતા બરકરાર રાખવા માટે જર્મનીને વાર્ષિક ચાર લાખ પ્રવાસી કર્મચારીઓની જરૂરિયાત છે.
જેસિકા બાયથર કહે છે કે આ લક્ષ્યને પ્રાપ્ય કરવા માટે જર્મનીની નવી ગઠબંધન સરકારે પોતાના અપ્રવાસના નિયોમાં વ્યાપક સુધારા કર્યા છે જેથી સરળતાથી અપ્રવાસી શ્રમિકોને જર્મની આવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. ઘણા દશકોમાં પહેલીવખત આટલી ઉદાર નીતિ અપનાવાઈ છે.
જેસિકા અનુસાર, જર્મનીમાં નવા નિયમો અંતર્ગત અપ્રવાસની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે.
તેઓ કહે છે કે, “પહેલાંની સરખામણીએ શ્રમિકોને લાવવા માટે આવશ્યક લઘુતમ વેતનને ઘટાડાયું છે. આ સાથે જ અપ્રવાસીઓ માટે જર્મનીની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે લઘુતમ ગાળાને આઠ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરી દેવાયો છે અને અમુક મામલામાં તે ત્રણ વર્ષ પણ કરાયો છે.”


જરૂરિયાત છતાં ટાર્ગેટ પૂરો નથી થઈ રહ્યો

ઇમેજ સ્રોત, Getty Images
જે દેશો સામે આ સમસ્યા છે તેમની સંખ્યા વધી રહી છે અને સમાધાન દૂર લાગી રહ્યું છે. જેસિકા કહે છે કે ઘણા દેશ પ્રશિક્ષિત શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યો છે.
“હંગરી ઇમિગ્રેશનના પક્ષમાં નથી રહ્યું. ત્યાં પણ નિર્માણક્ષેત્ર, આઈટી ક્ષેત્ર, હોટલઉદ્યોગમાં પ્રશિક્ષિત કામદારોની ભારે અછત છે જેના કારણે દેશમાં અસ્થાયી વર્ક પરમિટ વધારી દેવાઈ છે જેથી વિયેતનામ અને અન્ય દેશોથી શ્રમિક આવી શકે.”
પરંતુ ઉદાર નીતિઓ છતાં આ દેશોને ઇમિગ્રેશનના પોતાના લક્ષ્યને મેળવવામાં પરેશાની થઈ રહી છે.
જેસિકા બાયથર કહે છે કે એવું નથી કે જર્મની આવવા માટે લોકો સ્પર્ધામાં લાગેલા છે. તેમજ ભાષાની સમસ્યા પણ હોય છે.
તેઓ જણાવે છે કે, “એવા સમાચાર પણ છે કે જે લોકો આવ્યા છે તેઓ જર્મની છોડીને પાછા જઈ રહ્યા છે, કારણ કે રોજબરોજના જીવનમાં ભાષાની અડચણ સિવાય તેમને નસલવાદી ભેદભાવ પણ ભોગવવો પડે છે અથવા તો તેઓ આ સમાજમાં સહજ મહેસૂસ નથી કરતા.”
જેસિકા આગળ કહે છે કે, “જર્મની સરકાર ઘણાં પગલાં ઉઠાવી રહી છે જેથી અપ્રવાસી જર્મન સમાજમાં હળીમળી જાય. તેમને જર્મન ભાષા શીખવવામાં આવી રહી છે. પરંતુ અપ્રવાસ વગર આ દેશોએ મોટા પડકારોનો સામનો કરવો પડશે.”
ઘણા દેશ કૅનેડાની જેમ ઉદારવાદી ઇમિગ્રેશન પૉલિસી અપનાવતા દેખાઈ રહ્યા છે. પરંતુ કૅનેડાનું ઇમિગ્રેશન મૉડલ શું બધા માટે અનુકૂળ હશે?
કૅનેડાનો વિશાળ ભૂભાગ અને બેરોજગારીના દરમાં કમી અને સામાન્ય લોકોનું અપ્રવાસ નીતિને સમર્થન જે અન્ય દેશો પાસે નથી. તેથી જવાબ સીધો છે – કૅનેડાની વાત હોય કે અન્ય કોઈ દેશની એક અપ્રવાસન નીતિ તમામ દેશોમાં લાગુ ન થઈ શકે?














