વારાણસીની જેમ વૃંદાવનમાં પણ કૉરિડૉર: વ્રજવાસીઓને વિકાસ સામે શું વાંધો છે?

વૃંદાવન
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

“મોદીજીને, યોગીજીને જઈને કહેજો, અમે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ કે અમને અહીંથી હટાવશો નહીં. અમારે બાંકે બિહારીના દર્શન કરવા હોય છે, વૃદ્ધાવસ્થામાં પગ પણ કામ કરતા નથી, અમે ક્યાં જઈશું?”

આ શબ્દો છે રાધારાની તિવારી નામનાં વૃદ્ધાના.

બાંકે બિહારી મંદિર જતી ગલીઓના મોટાભાગના રહેવાસીઓના મનમાં આવી જ ભાવના છે. અહીં કોઈ બાળક સાથે વાત કરો કે યુવાન સાથે, વૃદ્ધો સાથે વાત કરો કે મહિલા સાથે. બધા એટલું જ કહે છે કે, “અમને અમારા ઠાકોરજીથી દૂર કરશો નહીં. અમે તેમના વિના રહી નહીં શકીએ.”

ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની માફક વૃંદાવનના બાંકે બિહારી મંદિર વિસ્તારમાં પણ નવો કૉરિડૉર બનાવવા ઇચ્છે છે, જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓને બહેતર સુવિધાઓ મળે અને મંદિરમાં આસાનીથી દર્શન કરી શકાય.

આ માટે સરકાર મંદિરની આસપાસની પાંચ એકર જમીન હસ્તગત કરીને અહીં પણ ભવ્ય કૉરિડૉરનું નિર્માણ કરવા ઇચ્છે છે.

આ કૉરિડૉર કેવો હશે અને ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે, એ વિશે ઉત્તર પ્રદેશ સરકાર કે મથુરા વહીવટીતંત્ર તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.

બીબીસી ગુજરાતી

વૃંદાવન કૉરિડૉર અંગે કેમ સ્થાનિકો ‘અણગમો’ વ્યક્ત કરી રહ્યા છે?

  • ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની માફક વૃંદાવનના બાંકે બિહારી મંદિર વિસ્તારમાં પણ નવો કૉરિડૉર બનાવવા ઇચ્છે છે
  • આ પ્રસ્તાવનો આશય ધાર્મિક સ્થળે આવતા શ્રદ્ધાળુઓને સારી સુવિધાઓ અને સરળ દર્શનનો લાભ મળે તે હોવાનું કહેવાયું છે
  • સરકાર આ હેતુ માટે ભવ્ય કૉરિડૉરનું નિર્માણ કરવા આસપાસની જમીન હસ્તગત કરવાની ઇચ્છા ધરાવે છે
  • પરંતુ સ્થાનિકો આ વાતને લઈને ખુશ દેખાતા નથી
  • ઘણા લોકો પોતાના ‘ઠાકોરજી’થી દૂર થવા અંગે વિચાર પણ કરવા માગતા નથી
બીબીસી ગુજરાતી
વૃંદાવન

બીબીસીએ મથુરાના કલેક્ટરનો સંપર્ક કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

બીજી તરફ વ્રજ તીર્થ વિકાસ પરિષદના ઉપાધ્યક્ષ શૈલજા શ્રીકાંત કહે છે કે “આ મામલો હાલ અદાલતમાં છે. તેથી આ વિશે હાલ કશું કહી શકાય તેમ નથી.”

તેમના કહેવા મુજબ, “વૃંદાવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. સરકાર તેમને સુવિધા આપવા ઇચ્છે છે. તે માટે કૉરિડૉર બનાવવાનો પ્રસ્તાવ છે. સરકાર વૃંદાવનનો વારસો જાળવી રાખીને અહીં કામ કરતા સેવાયતોના અધિકાર સુરક્ષિત રાખીને તેમજ આજુબાજુ રહેતા લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ કામ કરશે.”

બીબીસી ગુજરાતી

કૉરિડૉરની વાત શરૂ ક્યાંથી થઈ?

બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે
ઇમેજ કૅપ્શન, બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2022ની 20 ઓગસ્ટે જન્માષ્ટમી નિમિત્તે બાંકે બિહારી મંદિરમાં મોટી માનવમેદની એકત્ર થઈ હતી. એ દરમિયાન થયેલી નાસભાગમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા.

મથુરાવાસી વરિષ્ઠ પત્રકાર આનંદ શર્માએ અલાહાબાદ હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને મંદિરમાં લોકોના ધસારાના વ્યવસ્થાપનને બહેતર બનાવવાની માગ કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય.

તે અરજીની સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે હાઈ કોર્ટમાં 2022ની 27 સપ્ટેમ્બરે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે સરકાર મંદિરના બહેતર વહીવટ માટે એક નવું ટ્રસ્ટ બનાવવા ઇચ્છે છે અને યાત્રીઓને બહેતર સુવિધા આપવા માટે બાંકે બિહારી મંદિરની આસપાસ કૉરિડૉર બનાવવા ઇચ્છે છે. તે કૉરિડૉર પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલો હશે.

એફિડેવિટમાં સરકારે એમ પણ જણાવ્યું હતું કે જમીન હસ્તગત કરવા માટે બાંકે બિહારી મંદિરના ભંડોળનો જ ઉપયોગ કરવામાં આવશે, જ્યારે આજુબાજુના વિસ્તારમાં પાર્કિંગ તથા અન્ય સુવિધાઓના વિકાસ માટેનો ખર્ચ રાજ્ય સરકાર કરશે.

સરકારે જે નવું ટ્રસ્ટ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તેના સભ્યોની નિમણૂંક ઉત્તર પ્રદેશ સરકાર જ કરશે. નવા ટ્રસ્ટની સભ્ય સંખ્યા 11ની હશે અને તેમાં મંદિરના માત્ર બે ગોસ્વામીને સ્થાન આપવામાં આવશે.

વૃંદાવન

મંદિરમાં થયેલી દૂર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ વડા સુલખાન સિંહના અધ્યક્ષપદ હેઠળ રચવામાં આવેલી તપાસ સમિતિએ પણ તેના રિપોર્ટમાં મંદિરમાં આવવા-જવા માટે કૉરિડૉર બનાવવાની ભલામણ કરી હતી.

એ તપાસ અહેવાલમાં યમુના નદી પર પુલ બનાવીને યમુનાપાર વિસ્તારમાં વ્યાપક યાત્રી સુવિધા વિકસાવવાની અને બાંકે બિહારી મંદિર જતી તમામ ગલીઓને સાત મીટર સુધી પહોળી કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી.

આનંદ શર્માની અરજીની સુનાવણી કરતાં અલાહાબાદ હાઈ કોર્ટે પણ મંદિરના ધનકોષનો ઉપયોગ ક્ષેત્રના વિકાસ માટે કરવાનું સૂચન કર્યું હતું.

અરજદાર આનંદ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “મંદિરમાં અયોગ્ય રીતે વહીવટ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે બધું બરાબર થઈ જાય. મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે તેની ક્ષમતા માત્ર 400 લોકોની હતી, પરંતુ હવે સપ્તાહાંતના દિવસોમાં અહીં એક લાખથી વધુ લોકો આવે છે. અહીં કાયમ નાસભાગની સ્થિતિ હોય છે. અહીં બહેતર વ્યવસ્થા થાય, જેથી લોકોને પૂરતી સુવિધા મળી રહે અને કોઈ જાનહાનિ ન થાય તેવી માગણી જ મેં કરી છે.”

ગ્રે લાઇન

કઈ રીતે બનશે કૉરિડૉર?

વૃંદાવન

કૉરિડૉરનો સત્તાવાર નકશો હજુ બહાર પાડવામાં આવ્યો નથી કે એ બાબતે વિગતવાર માહિતી પણ આપવામાં આવી નથી. બીબીસીને વિશ્વાસપાત્ર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પાંચ એકર જમીનમાં આકાર પામનારા આ કૉરિડૉરમાં 10,000 શ્રદ્ધાળુઓ માટે જગ્યા હશે.

યમુના નદીના કિનારે રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે અને ત્યાંથી મંદિર સુધીનો કૉરિડૉર હશે. જે મકાનોને હટાવવાનાં છે, તેની યાદી નગરપાલિકાએ બનાવી લીધી છે. જોકે, કૉરિડૉરના નિર્માણ સંબંધી કોઈ પણ કામ અદાલતના ચૂકાદા પછી જ હાથ ધરવામાં આવશે.

કૉરિડૉર માટે કેટલાં ઘર તોડવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. નગરપાલિકાએ અત્યાર સુધી 300 ઘરને ચિન્હિત કર્યાં છે.

બીબીસી ગુજરાતી

મંદિર સાથે જોડાયેલા લોકોમાં આક્રોશ શા માટે?

રજત ગોસ્વામી

બાંકે બિહારી મંદિરના ગોસ્વામી અને સ્થાનિક લોકો કૉરિડૉર બનાવવાના સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. મંદિરના ગોસ્વામીઓએ પોતાના લોહીથી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને કૉરિડૉર નહીં બનાવવાની અપીલ કરી છે.

તેનું કારણ જણાવતાં, મંદિરના વહીવટ સાથે અગાઉ સંકળાયેલા અને મંદિરના ખજાનાના રક્ષણ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી ચૂકેલા રજત ગોસ્વામી કહે છે કે “સરકાર પાંચ એકર જમીન હસ્તગત કરી રહી છે. તેનું વળતર મંદિરના ધનકોષમાંથી આપવામાં આવશે. અમે તેનો વિરોધ કરીએ છીએ. સરકાર મંદિરની વર્તમાન વ્યવસ્થાપક સમિતિને વિખેરીને નવી સમિતિ બનાવવાની છે. અમે તેનો પણ વિરોધ કરીએ છીએ.”

રજત ગોસ્વામીના કહેવા મુજબ, “સરકાર મંદિરના ખજાના પર નિયંત્રણ મેળવવા ઇચ્છે છે.”

વૃંદાવન

ઉત્તર પ્રદેશ સરકારની દલીલ એ છે કે કૉરિડૉર બનવાથી અહીં આવનારા શ્રદ્ધાળુઓને બહેતર સુવિધાઓ મળશે અને તેઓ મંદિરમાં આસાનીથી દર્શન કરી શકશે. જોકે, મંદિર સાથે જોડાયેલા લોકો એ દલીલ સાથે સહમત નથી.

મંદિરના રાજભોગ આનંદ ઉત્સવ સેવા અધિકારી જ્ઞાનેન્દ્ર આનંદ કિશોર ગોસ્વામી કહે છે કે “સરકારે કાશીમાં જે કૉરિડૉર બનાવ્યો છે તેમાં માત્ર સેલ્ફી પોઈન્ટ્સ બન્યાં છે. ભગવાન શિવજીના દર્શન આજે પણ ગણ્યાંગાંઠ્યા લોકો જ કરી શકે છે. ત્યાં ઉભા રહેવાની કોઈ વ્યવસ્થા નથી. આવો, દૂરથી જુઓ અને ચાલ્યા જાઓ. શું અહીં પણ સેલ્ફી પોઈન્ટ્સ બનાવવાનાં છે?”

તેમના કહેવા મુજબ, “સરકાર અહીંની કુંજ ગલીઓની ભાવનાને ખતમ કરવા ઇચ્છે છે. વ્રજવાસીઓ પર કઠોર આધાત કરીને તેમને અહીંથી કાઢવા ઇચ્છે છે. સરકાર વૃજવાસીઓના ઘર તોડીને તેમને અહીંથી ઉખેડી ફેંકવાની જોગવાઈ કરી રહી છે. અહીં અનેક મંદિર છે, ઘર-ઘરમાં મંદિર છે. એ મંદિરોને તોડવાની વ્યવસ્થા સરકાર કરી રહી છે.”

બીબીસી ગુજરાતી

‘અમારી શ્રદ્ધા પર આઘાત’

વૃંદાવન

સુમિત મિશ્રા પૈતૃક પરંપરા અનુસાર બાંકે બિહારી મંદિરમાં પુરોહિત બનેલા છે.

સુમિતનું ઘર મંદિરની તદ્દન બાજુમાં જ આવેલું છે. પોતાના ઘરની બાલ્કનીમાંથી મંદિરના શિખરના દર્શન કરતાં સુમિત કહે છે કે “અમે સવારે ઉઠતાંની સાથે બાંકે બિહારી મંદિરના શિખરના દર્શન કરીએ છીએ. રાત્રે ઉંઘતા પહેલાં પણ દર્શન કરીએ છીએ. બાંકે બિહારીના દર્શનનો આનંદ અમે કોઈ પણ કિંમતે છોડવા તૈયાર નથી. તે અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે કોઈ છીનવી શકશે નહીં.”

વૃંદાવન

પોતાના ઘરની અગાસીમાંથી યમુના તટ દેખાડતાં સુમિત કહે છે કે “યમુના કિનારો અહીંથી માત્ર 200 મીટર દૂર છે. તેના બીજા કિનારા પર સેંકડો એકર જમીન ખાલી પડી છે. તેમાં શ્રદ્ધાળુઓ માટે પ્રતિક્ષાલયનું નિર્માણ શા માટે કરવામાં આવતું નથી? તેમાં યાત્રીઓને રોકીને મર્યાદિત પ્રમાણમાં અહીં તબક્કાવાર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંની કુંજ ગલીઓ પણ બચી જશે અને યાત્રાળુઓને પણ સરળતા રહેશે.”

બાંકે બિહારી મંદિરની ચારે તરફ સાંકડી ગલીઓ છે. કેટલીકની પહોળાઈ તો એક મીટરથી પણ ઓછી છે, જ્યારે કેટલીક ત્રણ-ચાર મીટર પહોળી છે.

અહીંના લોકો શ્રદ્ધાપૂર્વક માને છે કે આ એ ગલીઓ છે, જ્યાં ભગવાન કૃષ્ણ ક્યારેક રમતા હતા.

આ ગલીઓમાંના મકાનો પર હવે લાલ નિશાન કરવામાં આવ્યાં છે. તેનાથી અહીં રહેતા લોકોમાં બેચેની અને અનિશ્ચિતતા છે.

એક મહિલા કહે છે કે “અમારું ઘર પણ ક્યાંક કૉરિડૉરના માર્ગમાં ન આવી જાય તેની અમને ચિંતા છે. અમે અમારું ઘર આપી શકીએ નહીં, કારણ કે બાંકે બિહારીજી અમારા ઘરની એકદમ નજીક છે. અહીંથી ઉઠાવીને અમને બીજે ક્યાંક ફેંકવામાં આવશે તો અમે રોજ અહીં કેવી રીતે આવીશું?”

સ્થાનિક યુવાન કુંજ બિહારી પાઠક કહે છે કે “નગરપાલિકા કે બીજા કોઈ સરકારી વિભાગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી નથી. લાલ નિશાન ક્યા હેતુસર કરવામાં આવ્યાં છે તે જણાવ્યું નથી. રસ્તા પહોળા થશે, ઘરો તોડવામાં આવશે, શું થશે તે કોઈને ખબર નથી, પરંતુ દરેક વૃજવાસી ઇચ્છે છે કે કુંજ ગલીઓનું અસ્તિત્વ ખતમ ન થવું જોઈએ. આ ગલીઓ જ વૃંદાવનની ઓળખ છે. આ ગલીઓ નહીં હોય તો વૃંદાવનની અલગ ઓળખ પણ નહીં હોય.”

સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ પોતાનાં ઘર તથા સંસ્કૃતિના રક્ષણ માટે કોઈ પણ હદે જશે.

વૃંદાવન

સ્થાનિક વેપારી અને બાંકે બિહારી વ્યાપારી સંગઠનના સ્થાપક અધ્યક્ષ અમિત ગૌતમ કહે છે કે “આ હેરિટેજ સિટી છે. વૃંદાવન કુંજ ગલીઓની નગરી છે. વૃંદાવનની પૌરાણિક છબીને જ નષ્ટ કરી નાખવામાં આવશે તો અહીં પ્રવાસીઓ શું જોવા આવશે? તેઓ ઇમારતો અને મોલ જોવા આવશે? એ તો તેમને ગમે ત્યાં જોવા મળશે.”

કૉરિડૉરના માર્ગમાં ઘણી દુકાનો પણ આવે છે. શ્વેતા બંસલનો પરિવાર મંદિર નજીક વસ્ત્રોની દુકાન ચલાવે છે. શ્વેતા કહે છે કે “સરકાર કહે છે કે વળતર આપવામાં આવશે, પણ વળતરમાંથી અમારું પેટ કેટલા દિવસ ભરાશે? અહીં અમારાં ઘર છે, પરિવાર છે, દુકાનો છે. અમારાં સપનાં, અમારી જિંદગી તેની સાથે જોડાયેલી છે. તેનું શું થશે? અહીં કામ કરતા કર્મચારીઓનું શું થશે?”

બીબીસી ગુજરાતી

‘આસ્થા અને ધર્મનો મહિમા તથા માયા’

વૃંદાવન

રાજધાની દિલ્હીથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલા વૃજમાં વસેલા વૃંદાવનની આગવી ઓળખ છે. યમુના કિનારેથી બાંકે બિહારી મંદિર તરફ જતી સાંકડી ગલીઓ તથા મંદિરની આસપાસના રસ્તાઓ પર પૂજા સામગ્રી, મીઠાઈ તથા ચાટની સંખ્યાબંધ દુકાનો છે. અહીંનો આગવો રંગ છે.

મોટાભાગનો ટ્રાફિક શહેરની બહારના વિસ્તારમાં જ રોકી દેવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પગપાળા મંદિર તરફ આગળ વધતી વખતે માર્ગમાંની દુકાનોમાંથી સામાન ખરીદે છે, ચા-પાણી પીએ છે અને સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણે છે.

ચહેરા પર પીળા રંગથી રાધે-રાધે છાપી આપતા બાળકો અને મહિલાઓ રસ્તામાં ઠેકઠેકાણે શ્રદ્ધાળુઓને રોકીને 10 રૂપિયાના બદલામાં રાધે-રાધેની છાપ છાપી આપે છે.

વૃંદાવનની ચારેય તરફ પરિક્રમા માર્ગ છે. તેના પર દેશભરમાંથી આવતા અનેક કૃષ્ણભક્ત ઉઘાડા પગે પરિક્રમા કરતા જોવા મળે છે. કેટલાક અહીં ધરતી પર માથું ટેકવીને તો કેટલાક અહીંની માટીને ચૂમીને આગળ વધતા રહે છે. અહીં ધર્મ તથા આસ્થાનો મહિમા તથા માયા જોવા મળે છે.

વૃંદાવન

કેટલાક શ્રદ્ધાળુ એકલા ભક્તિમાં રમમાણ હોય છે તો કેટલાક સમૂહમાં કરતલ ધ્વનિ સાથે રાધે-રાધે કહેતાં આગળ વધતા રહે છે. વૃંદાવનના લોકો માને છે કે કૉરિડૉર બનશે તો અહીં રંગ-રૂપ તથા સંસ્કૃતિ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.

બીબીસી ગુજરાતી

પ્રવાસીઓ શું ઇચ્છે છે?

વૃંદાવન

સવાર થતાંની સાથે જ હજારો પ્રવાસીઓનો પ્રવાહ બાંકે બિહારી મંદિર તરફ આગળ વધે છે. અનેક ગલીમાં એટલી ભીડ હોય છે કે તેમાં પગલું મૂકવું મુશ્કેલ બને છે.

દિલ્હીથી પોતાના પરિવાર સાથે અહીં આવેલા સુનીલ મેહતાની કૉરિડૉર બાબતે કહે છે કે “અમારી આસ્થા યથાવત રહેવી જોઈએ. મંદિરમાં દર્શનની યોગ્ય વ્યવસ્થા થઈ જાય તો સારું. કૉરિડૉર બનાવવાથી દર્શનની સમસ્યાનું નિરાકરણ થવાનું નથી. કૉરિડૉર નહીં બને તો પણ ચાલશે, પરંતુ મંદિરની અંદર સુચારુ વ્યવસ્થા હોવી જોઈએ. અમે એક નંબરના ગેટમાંથી દાખલ થઈ છીએ, પણ પાંચ નંબરના દરવાજેથી બહાર નીકળવું પડે છે. પગરખાં ઉતારવાની વ્યવસ્થા નથી. મંદિરની વ્યવસ્થા ઠીક કરવા પર વધારે ધ્યાન આપવું જરૂરી છે.”

શિમલાથી પોતાના પરિવાર સાથે વૃંદાવન આવેલાં પૂનમ કહે છે કે “અમે દર વર્ષે અહીં આવીએ છીએ. અત્યારે જે આનંદ મળે છે તે પછી નહીં મળે. ગલીઓમાં ફરી-ફરીને જવાનું, નાની-નાની દુકાનો પર અટકીને સામાન ખરીદવાનું બહુ ગમે છે. વિકાસ જ જોવો હોય તો મોટા-મોટા મોલમાં ચાલ્યા જાઓ. અહીંનું જે પરિદૃશ્ય છે તે અલગ છે. કૉરિડૉર બનશે તો એ નહીં રહે. ભગવાનમાં અમારી શ્રદ્ધા છે, તેથી અમે ફરી અહીં આવીશું, પણ એ આનંદ નહીં મળે.”

જોકે, કૉરિડૉર બાબતે બધા પ્રવાસીઓનો અભિપ્રાય એકસમાન નથી.

બેંકની નોકરીમાંથી નિવૃત્ત થઈને છેલ્લા ચાર વર્ષથી વૃંદાવનમાં વસેલા ખુશીરામ બંસલ કહે છે કે “છેલ્લાં 40 વર્ષથી વૃંદાવન આવતો હતો. નિવૃત્ત થયા બાદ અહીં જ વસી ગયો છું. રોજ મંદિરે દર્શન કરવા જાઉં છું. કૉરિડૉરના નિર્માણથી ઘણી રાહત થશે. હું તેનાથી બહુ રાજી છું. કૉરિડૉર બન્યા પછી અત્યાર કરતાં દસ ગણા પ્રવાસીઓ અહીં આવશે. સરકાર જે ઘર તોડવાની છે, તેનું વળતર પણ આપવાની છે. બહુ ગોકિરો ન કરવો જોઈએ.”

બીબીસી ગુજરાતી

અનિયંત્રિત વિકાસ, અસલી વૃંદાવન બચ્યું છે?

વૃંદાવન

વૃંદાવન વિશેની અનેક કથાઓ છે. કેટલાક લોકો માને છે કે વૃંદા નામની એક ગોપી હતી. એ રાજાની કુંવરી હતી અને તેણે કૃષ્ણને પતિ સ્વરૂપે પામવા માટે તપ કર્યું હતું. તેના નામ પરથી આ ક્ષેત્રનું નામ વૃંદાવન પડ્યું છે.

સંસ્કૃતમાં વૃંદ શબ્દનો અર્થ સમૂહ પણ થાય છે. તેથી વનના સમૂહને પણ વૃંદાવન કહેવામાં આવે છે. વૃંદાનો એક અન્ય અર્થ છે તુલસી. તેથી એવું માનવામાં આવે છે કે અહીં તુલસીનું વન હતું.

વૃંદાવનનો અર્થ ભલે ગમે તે હોય, પરંતુ તેમાં વન જરૂર છે. એ વન વૃંદાવનમાં બહુ ઓછું જોવા મળી રહ્યું છે.

ઇસ્કોન મંદિર, કૃપાળુ મહારાત, નીમ કરૌલી બાબા અને અન્ય ધર્મગુરુઓને કારણે પણ વૃંદાવન આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. એ શ્રદ્ધાળુઓ માટે હોટેલ તથા અન્ય સુવિધાઓ વિકસાવવા શહેરમાં નવું નિર્માણ થઈ રહ્યું છે.

બીબીસી

વૃંદાવન હવે ક્રોંક્રિટનું જંગલ બની ગયું છે. તે પોતાની મર્યાદાની બહાર વિસ્તરી રહ્યું છે. તેના વિકાસની સૌથી વધુ કિંમત અહીંના જંગલે જ ચૂકવી છે.

શહેરના જાણીતા વેપારી અને વૃંદાવન તીર્થના પુરોહિત કપિલ દેવ ઉપાધ્યાય કહે છે કે “સ્મૃતિ સ્વરૂપે કેટલુંક જંગલ જરૂર બચ્યું છે, પરંતુ મોટાભાગનું જંગલ ખતમ થઈ ગયું છે. વૃંદાવનની વસ્તીમાં ઝડપી વધારો થવાને કારણે સૌથી મોટો કુઠારાઘાત જંગલ પર જ પડ્યો છે.”

કપિલ દેવ ઉપાધ્યાયના કહેવા મુજબ, “એક સમયે વૃજમાં વિખ્યાત કહેવત હતી કે ‘બીત ગઈ જન્માષ્ટમી, પડન લગી ઠંડ, ભજો રાધે ઘુમંત.’ તેનો અર્થ એ હતો કે જન્માષ્ટમી સુધી તો અહીં યાત્રાળુઓ આવતા હતા, પણ એ પછી આકરી ઠંડી પડતી હતી અને યાત્રાળુઓનો દુકાળ પડતો હતો. અમારા જેવા બ્રાહ્મણો વૃંદાવનમાં રોકાતા ન હતા, પણ યજમાનોના ઘરે જતા હતા અને દક્ષિણા માગતા હતા. તેના વડે જ પંડિત પરિવારોનું ગુજરાન ચાલતું હતું. એક જમાનામાં અહીં હજારો લોકો આવતા હતા. હવે લાખો લોકો આવે છે. અહીં આવતા યાત્રાળુઓની સંખ્યા ઝડપભેર વધી છે. તે કારણે પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે.”

વૃંદાવનમાં ગમે તેની સાથે વાત કરો, બધા લોકો કુંજ ગલીની વાત જરૂર કરે છે. ગુંજનો અર્થ થાય છે છોડ અને વેલીઓ વડે બનેલી ગલી. બાંકે બિહારી મંદિરની આસપાસ રહેતા લોકો એવી દલીલ કરે છે કે આ ગલીઓમાં કૃષ્ણએ લીલા કરી હતી. તેથી કુંજ ગલીઓને જાળવી રાખવી જોઈએ.

બીબીસી ગુજરાતી

વિકલ્પ શું છે?

વૃંદાવન

સરકારે કાશી વિશ્વનાથ મંદિર કૉરિડૉર બનાવવાનું શરૂ કર્યું ત્યારે વારાણસીમાં પણ વિરોધ થયો હતો, પરંતુ ઘરો અને મંદિરો તોડીને આખરે કૉરિડૉર માટે જગ્યા કરવામાં આવી હતી. વૃંદાવનમાં પણ ઘણા લોકો માને છે કે વિરોધ છતાં સરકાર કૉરિડૉર બનાવશે જ.

કૉરિડૉરને સમયની જરૂરિયાત ગણાવતાં કપિલ દેવ ઉપાધ્યાય કહે છે કે “મોટા પ્રમાણમાં યાત્રાળુ આવી રહ્યા છે અને વર્તમાન મૂળભૂત સુવિધાઓ તેમના માટે પૂરતી નથી. તેથી બે વિકલ્પ બચે છેઃ બાંકે બિહારીની મૂર્તિને ત્યાંથી બીજા સ્થળે લઈ જઈને ખુલ્લી જગ્યામાં તેની સ્થાપના કરવામાં આવે અથવા તો બાંકે બિહારી મંદિર સુધીના માર્ગોનો વિસ્તાર કરવામાં આવે. વિકાસની આ પ્રક્રિયામાં તોડફોડ તો થશે જ, પરંતુ એ સિવાયનો કોઈ વિકલ્પ નથી.”

તેઓ ઉમેરે છે કે “તેનાથી અનેક લોકો પ્રભાવિત થશે. તેમની લાગણી સમજી શકાય તેમ છે. મારી બહેનનું મકાન પણ કૉરિડૉરના માર્ગમાં છે. આવા ઘણા લોકો છે, પરંતુ મહાન હેતુ માટે આટલો ત્યાગ તો કરવો જ પડશે, અન્યથા વૃંદાવનમાં નિરંકુશ પરિસ્થિતિનું નિર્માણ થશે.”

(પૂરક માહિતીઃ સુરેશ સૈની, મથુરા)

રેડ લાઇન
રેડ લાઇન