રૂપિયા સાત કરોડ માટે બીજા માણસની હત્યા કરી, પછી ખેલ્યો પોતાના જ મોતનો ખેલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રવીણ શુભમ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
BBC
  • દેવાની જાળમાંથી બહાર નીકળવા માટે તેમણે આખરે જીવન વીમા યોજના પર નજર ઠેરવી હતી
  • ધર્માએ પોતાના નામે કુલ 25 વીમા પોલિસી લીધી હતી. તમામ વીમા પોલિસીની કિંમત રૂ. 7.4 કરોડ થતી હતી
  • તેણે જીવતેજીવ આ પૈસા કેવી રીતે મેળવી શકાય તેની યોજના બનાવી હતી
  • એ યોજનામાં ધર્મા ઉપરાંત તેમનાં પત્ની, દીકરો, મોટી બહેન અને ભાણેજ પણ સામેલ હતા
  • આ યોજના અમલમાં મૂકવા માટે બધાએ એક વર્ષ સુધી સતત કામ કર્યું હતું
  • ધર્મા ખરેખર મૃત્યુ પામ્યા છે તેની ખાતરી ગામ લોકોને તથા પોલીસને કરાવવી જરૂરી હતી
  • તેથી ધર્મા જેવી દેખાતી વ્યક્તિનો મૃતદેહ મેળવવો જરૂરી હતો
બીબીસી ગુજરાતી
BBC

ઇમેજ સ્રોત, UGC

તે આંધ્ર પ્રદેશમાં તેલંગાણા સચિવાલયમાં કામ કરતો સરકારી કર્મચારી હતો.

તેના નામે કરોડોનો વીમો લેવામાં આવ્યો હતો. જીવતો છે ત્યાં સુધી તે વીમાના પૈસા નહીં મળે, એવું જણાવવામાં આવ્યું એ પછી તેણે જીવતેજીવ પોતાના મોતનું નાટક રચ્યું હતું.

કઈ રીતે કર્યું મોતનું નાટક?

મેડક જિલ્લાના ટેકમાલ મંડલના વેંકટાપુર તળાવ પાસેથી સાતમી જાન્યુઆરીએ આંશિક રીતે બળી ગયેલી કાર મળી આવી હતી. તે કારમાં એક મૃતદેહ પણ હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ ટેકમાલ પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મૃતદેહ ધર્મા નામના વ્યક્તિનો છે, જે તેલંગાણા સચિવાલયમાં કામ કરતો હતો.

ધર્માનો મૃતદેહ મળ્યાની માહિતી તેનાં પત્ની નીલા તથા પરિવારના સભ્યોને આપવામાં આવી હતી. પરિવારજનો પાસેથી મળેલી માહિતીને ખરી માનીને પોલીસે આઈપીસીની કલમ 174 હેઠળ શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

વેંકટપુર ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ તળાવની સફાઈ માટે ગયા હતા. તેમને તળાવના કિનારા પર પેટ્રોલની બોટલ નજરે પડી હતી. એ બોટલ ઉપાડતી વખતે તેમની નજર આંશિક રીતે બળેલી કાર અને તેની અંદર રહેલા મૃતદેહ પર પણ પડી હતી. તેમણે તરત જ તેની જાણ વેંકટપુરના સરપંચને કરી હતી.

ગામના સરપંચ લચ્છા ગૌડના જણાવ્યા મુજબ, ગામમાંથી કચરો ઉપાડવા ટ્રેક્ટર લઈને આવેલા સફાઈ કામદારોને એક લાશ મળી આવી હતી. તેમણે આ વાત મને જણાવી કે તરત જ મેં તે ટેકમાલ પોલીસ સ્ટેશનને જણાવ્યું હતું.

લચ્છા ગૌડના કહેવા અનુસાર, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. એ વખતે ધર્માનાં પત્ની તથા પરિવારજનો ત્યાં હાજર હતા. મૃતદેહ ઘર્માનો હોવાની પુષ્ટિ તેમણે કરી હતી. લાશ ઉપરથી બળી ગઈ હતી, પરંતુ તેના પગ બળ્યા ન હતા. એ પગ જોઈને બીજા સંબંધીએ જણાવ્યું હતું કે આ લાશ ધર્માની જ છે.

BBC

અહીં જ થયો લોચો

BBC

ઇમેજ સ્રોત, UGC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મેડક જિલ્લાનાં પોલીસ વડા રોહિણી પ્રિયદર્શિનીએ સમગ્ર ઘટના વિશે મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે ધર્મા મેડક જિલ્લાના ટેકમાલ મંડળના ભીમલટાંડા ગામનો રહેવાસી છે.

તેઓ તેલંગાણા સચિવાલયમાં સિંચાઈ વિભાગમાં સહાયક વિભાગીય અધિકારી તરીકે 2007થી કામ કરતા હતા. અધિકારી બનતા પહેલાં તેમણે છ વર્ષ સુધી સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.

તેમના પરિવારમાં પત્ની નીલા, બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. દીકરીઓ આઈઆઈટીમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરો સ્કૂલમાં ભણે છે. આખો પરિવાર કુકટપલ્લી વિસ્તારમાં ભાડાના એક ફ્લેટમાં રહે છે. તેના પરિવારના બીજા સભ્યો ભીમલટાંડામાં રહે છે અને તેમને મળવા તેઓ ઘણીવાર ભીમલટાંડા જાય છે.

ધર્માને 2018માં શેરબજારની લત લાગી હતી. પુષ્કળ પૈસા કમાવા માટે તેમણે માર્કેટમાં મોટા પ્રમાણમાં રોકાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં સારી એવી કમાણી પણ થઈ હતી. પૈસા મળવા લાગ્યા એટલે તેઓ વૈભવી જીવન જીવવા લાગ્યા હતા.

જોકે, 2019માં કોરોના મહામારી અને પછી યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને કારણે શેરબજાર પડી ભાંગ્યું હતું. એમાં ધર્માને મોટું નુકસાન થયું હતું.

રોકાણ ડૂબી ગયાનું કહીને તેમણે લોન લેવાનું શરૂ કર્યું હતું અને બમણી કમાણી કરવાના આશયથી તેમણે શેરબજારમાં વધુ રોકાણ કર્યું હતું, પરંતુ એ વખતે પણ નસીબે તેમને સાથ આપ્યો ન હતો. તેમણે પૈસા ગૂમાવ્યા હતા અને તેમની માથે દેવાનો ડુંગર ખડકાયો હતો.

લોનની ઉઘરાણી માટે લોકો ઘરે આવવા લાગ્યા ત્યારે ઘરમાં પૈસા બાબતે વિખવાદ વધ્યો હતો. દેવું કેવી રીતે ફેડવું તે બાબતે તેમણે પરિવારજનો સાથે ચર્ચા શરૂ કરી હતી. એ વખતે તેઓ નિઝામાબાદ જિલ્લાના નવીપેઠમાં રહેતા તેમનાં મોટા બહેન સુનંદા તેજવત તથા સીસીટીવી કેમેરા ટેકનિશિયન તરીકે કામ કરતા તેમના ભાણેજ શ્રીનિવાસ સાથે સતત સંપર્કમાં હતા.

BBC

વીમા પૈસાથી લોન ચૂકવવાનું તરકટ

BBC

ઇમેજ સ્રોત, UGC

દેવાની જાળમાંથી બહાર નીકળવા માટે તેમણે આખરે જીવન વીમા યોજના પર નજર ઠેરવી હતી. ધર્માએ પોતાના નામે કુલ 25 વીમા પોલિસી લીધી હતી. તમામ વીમા પોલિસીની કિંમત રૂ. 7.4 કરોડ થતી હતી.

ધર્મા હયાત હોય ત્યાં સુધી એ નાણાં મળવાના ન હતાં. તેથી તેણે જીવતેજીવ આ પૈસા કેવી રીતે મેળવી શકાય તેની યોજના બનાવી હતી. એ યોજનામાં ધર્મા ઉપરાંત તેમનાં પત્ની, દીકરો, મોટી બહેન અને ભાણેજ પણ સામેલ હતા.

આ યોજના અમલમાં મૂકવા માટે બધાએ એક વર્ષ સુધી સતત કામ કર્યું હતું. ધર્મા ખરેખર મૃત્યુ પામ્યા છે તેની ખાતરી ગામ લોકોને તથા પોલીસને કરાવવી જરૂરી હતી. તેથી ધર્મા જેવી દેખાતી વ્યક્તિનો મૃતદેહ મેળવવો જરૂરી હતો.

BBC

આંબાવાડીમાં કામ અપાવીશ કહીને ફસાવ્યો

BBC

ઇમેજ સ્રોત, UGC

ગયા નવેમ્બરમાં નામપલ્લી મેટ્રો સ્ટેશન પર ધર્માની મુલાકાત અંજય્યા નામની વ્યક્તિ સાથે થઈ હતી. અંજય્યા ધર્મા જેવો જ દેખાતો હતો. નિઝામાબાદમાં આંબાવાડીમાં કામ અપાવીશ એમ કહીને ધર્માએ અંજચ્યાને ફસાવ્યો હતો. મહિને રૂ. 20,000 પગાર આપવાનું નક્કી થયા બાદ અંજય્યા કામ કરવા તૈયાર થયો હતો.

ધર્માએ કાવતરાના ભાગરૂપે એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. ધર્મા, અંજય્યા અને શ્રીનિવાસ સાતમી જાન્યુઆરીએ નામપલ્લી સ્ટેશને મળ્યા હતા. એ પછી ત્રણેય જણ નિઝામાબાદ જવા રવાના થયા હતા.

ધર્માએ તે જ દિવસે અંજય્યાનો કાંટો કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ અંજય્યા નશામાં હોવાથી તે યોજના બીજા દિવસ પર મુલતવી રાખવામાં આવી હતી. તેમને ખબર હતી કે દારુ પીને કાર ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવશે તો તેમને વીમાના પૈસા નહીં મળે.

BBC

ઇમેજ સ્રોત, UGC

હત્યા કરી અને કારને આગ ચાંપી

આગળ લાંબો પ્રવાસ કરવાનો છે એમ કહીને ધર્મા, અંજય્યા તથા શ્રીનિવાસ એ રાતે નિઝામાબાદની એક હોટેલમાં રોકાઈ ગયા હતા. જમ્યા પછી અંજય્યા બહાર જવાનું કહીને નીકળી ગયો હતો અને પાછો આવ્યો ન હતો. તેથી અંજય્યાની હત્યાનો પ્લાન રદ્દ કરવો પડ્યો હતો.

આઠમી જાન્યુઆરીની વહેલી સવારે જમ્મુ નિઝામાબાદ રેલવે સ્ટેશનના કુલી ક્વાર્ટર્સમાં ધર્મા બાબુ નામની વ્યક્તિને મળ્યો હતો. તેને આંબાવાડીમાં કામ અપાવવાનું કહ્યું તેથી બાબુ પણ ધર્મા સાથે જવા તૈયાર થઈ ગયો હતો. ધર્માએ તેના દાઢી, વાળ કપાવી આપ્યા હતા અને સારા કપડા પણ અપાવ્યાં હતાં.

આખરે રાતે ધર્મા અને શ્રીનિવાસ બાબુને વેંકટપુર નજીકના તળાવ પાસે લઈ ગયા હતા. બાબુ પહેલાં કારમાં બેસવા તૈયાર ન હતો. તેથી ધર્મા અને શ્રીનિવાસે તેને લાકડી વડે ફટકાર્યો હતો. બાબુને કારમાં બેસાડી, કાર પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. બાબુ મરી ગયાની ખાતરી થયા બાદ તેની લાશને કારની આગળની સીટ પર ગોઠવવામાં આવી હતી.

BBC

ધર્મા જીવતો છે તેની ખબર કેમ પડી?

BBC

ઇમેજ સ્રોત, UGC

પોલીસને શરૂઆતથી જ શંકા હતી કે કારમાંથી મળેલી લાશ ધર્માની નથી. એ ઉપરાંત ધર્માના પરિવારજનોનું વર્તન પણ શંકાસ્પદ હતું. તેથી પોલીસની શંકા ઘેરી બની હતી. પોલીસે પરિવારજનો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. કારમાંથી મળેલી લાશની ચામડીના અને ધર્માની ત્વચાનો રંગ મેળ ખાતો ન હતો. તેથી પોલીસની શંકા દૃઢ બની હતી.

પોલીસે સઘન તપાસ કરી ત્યારે તેમને નિઝામાબાદમાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલું ધર્માનું વીડિયો ફૂટેજ મળ્યું હતું. અંતે પોલીસે પુરાવા દેખાડીને પરિવારજનોને જણાવ્યું હતું કે ધર્મા જીવંત છે.

બાબુની હત્યા કર્યા બાદ ધર્મા ઈન્દોર ભાગી ગયો હતો. પોલીસ વડા રોહિણીના જણાવ્યા મુજબ, ધર્મા વતનમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. ધર્મા ઉપરાંત તેનાં પત્ની, પુત્ર, મોટી બહેન અને ભાણેજની પણ ધરપકડ કરવામાં આવી છે.

ધર્માનો પુત્ર સગીર વયનો હોવાથી તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ અંજય્યા તથા ધર્માની પૂછપરછ ચાલી રહી છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે વીમાના પૈસાથી લોન ચૂકવી શકાય, પરિવારના એક સભ્યને ધર્માની જગ્યાએ નોકરી અપાવી શકાય અને પત્નીને પેન્શન મળે એવા હેતુસર હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ મામલે આઈપીસીની કલમક્રમાંક 302, 364, 120બી, 201 અને 202 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

BBC
BBC