ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે અભિયાન છેડવાની જરૂર કેમ પડી?

પોલીસ

ઇમેજ સ્રોત, Twitter/Harsh Sanghavi

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતભરમાં પોલીસ લોકદરબાર ભરીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવી રહી છે. એક સપ્તાહ સુધી આ પ્રકારે તમામ જિલ્લાઓમાં આ અભિયાન ચાલશે.

આ સાથે આ લોકદરબારોમાં જે પ્રકારે લોકો ફરિયાદો કરી રહ્યા છે તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે.

પણ સવાલ એ છે કે રાજ્યમાં અચાનક રાજ્ય સરકારે વ્યાજખોરો સામે અભિયાન કેમ ચલાવવું પડ્યું?

જાણકારો કહે છે કે કોરોના મહામારી બાદ ઘણા લોકો રૂપિયાની તંગીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં તેમને વ્યાજે રૂપિયા લેવા પડે છે અને પછી તેઓ વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે.

ઊંચા દરના વ્યાજનું ચુકવણું થતું નથી અને પછી નાદારીની સ્થિતિ આવીને ઊભી રહે છે અથવા તો તેઓ માનસિક દબાણ હેઠળ આવીને કોઈ અનિચ્છનિય પગલું ઉઠાવે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કેમ વ્યાજખોરી સામે પગલાં લેવાની જરૂર પડી?

બીબીસી ગુજરાતી
  • ગુજરાત પોલીસ રાજ્યભરમાં વ્યાજખોરો સામે ખાસ અભિયાન ચલાવી રહી છે પણ શું વ્યાજખોરોના કથિત ત્રાસનું દૂષણ આ અભિયાનથી અટકશે?
  • કોરોના મહામારી બાદ ઘણા પરિવારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે તેને પરિણામે તેમને વ્યાજે રૂપિયા લેવા પડે છે, ઊંચા વ્યાજદર હોવાથી જો ચુકવણું સમયસર ન થાય તો વ્યાજના ચક્રવ્યૂહમાં તેઓ ફસાઈ જાય છે અને કેટલાક કેસોમાં લોકો આત્મહત્યા જેવું અનિચ્છનીય પગલું પણ ભરે છે.
  • આ અભિયાનમાં કેટલાક પોલીસકર્મીઓ અને નેતા સામે પણ રજૂઆતો થઈ છે, જાણકારો કહે છે કે તંત્રના આંખ આડા કાન વગર આ પ્રકારે રૂપિયાને ગેરકાયદે વ્યાજે ફેરવવાનો ધંધો શક્ય નથી
  • જાણકારો કહે છે કે વ્યાજે અપાતા મોટાભાગના રૂપિયા બ્લૅક મની હોય છે
  • શું છે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અને વ્યાજે રૂપિયા લેતી વખતે શી કાળજી રાખવી તેના પર જાણકારોનો શું છે અભિપ્રાય?
બીબીસી ગુજરાતી

વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં કેવી રીતે ફસાય છે પરિવારો?

દીપક ભટ્ટ તેમના પરિવાર સાથે, જેમની સ્થિતિ વ્યાજે પૈસા લેવાને કારણે ખરાબ થઈ

ઇમેજ સ્રોત, bipin tankariya

ઇમેજ કૅપ્શન, દીપક ભટ્ટે રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસના યોજાયેલા લોકદરબારમાં આપવીતી જણાવી હતી

રાજકોટમાં રહેતા રોહિત ભટ્ટ પણ વ્યાજખોરીના ખપ્પરમાં ફસાઈ ચૂક્યા છે. કોરોના મહામારીમાં લૉકડાઉનને કારણે જરૂર પડતા રોહિતે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે તેમણે 14.40 લાખનું ચુકવણું કરી દીધું પણ જેમણે તેમને પૈસા ઉછીના આપ્યા હતા તેમણે બીજું 20 લાખ રૂપિયાનું વ્યાજ માગ્યું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રોહિત ભટ્ટ તેમને નાણાં ધીરનારા પર આરોપ લગાવતા કહે છે કે, "વ્યાજખોરોએ તેમની પાસેથી તેમનું મકાન પણ લખાવી લીધું હતું. કોરા ચેક પણ લઈ લીધા હતા. દર દસ તારીખે અમે 60 હજારનું વ્યાજ મહિને-દહાડે ચૂકવતા હતા, છતાં તેમણે અમારા લીધેલા ચેકને બૅન્કમાં બાઉન્સ કરાવીને અમને ફસાવી દીધા."

રોહિત ભટ્ટના ભાઈ દીપક ભટ્ટે રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસના યોજાયેલા લોકદરબારમાં આપવીતી જણાવી હતી.

આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરનિવાસી અને હાલ રાજકોટ રહેતા યાસીન દીવાનનો સામે આવ્યો છે.

યાસીન દલાલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "મારી પાસે 30 હજાર રૂપિયાના બદલામાં દુકાન-ઘર બધું લખાવી દીધું હતું. મેં તો પૈસા ચૂકવી દીધા પણ મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ હતી. તેમનાથી ચુકવણું ન થયું તો વ્યાજખોરોએ મારા ચેક બૅન્કમાં બાઉન્સ કરાવી દીધા. મારા ભાઈને ધમકી આપી તેથી તેઓ આત્મહત્યા કરવાનું વિચારવા લાગ્યા. અમે તેમને સુરેન્દ્રનગરથી રાજકોટ લઈ આવ્યા."

યાસીન બીબીસી ગુજરાતીને વધુમાં જણાવે છે કે અમે જ્યારે રાજકોટમાં યોજાયેલા પોલીસ દરબારમાં આ અંગે ફરિયાદ કરી તો પોલીસે કહ્યું કે જ્યાં આ ઘટના ઘટી છે તે સુરેન્દ્રનગરમાં ફરિયાદ કરો.

યાસીન કહે છે કે તેમને સુરેન્દ્રનગર જતા જ ડર લાગે છે ત્યાં ક્યાં ફરિયાદ કરવા જવું.

બીબીસી

'શાહુકારો માફિયાગીરી કરે છે'

ભાવનગર પોલીસે ગેરકાયદે વ્યાજે નાણાં ફેરવતા ચાર લોકોની ધરપકડ કરી

ઇમેજ સ્રોત, nitin gohel

ઇમેજ કૅપ્શન, ભાવનગર પોલીસે ગેરકાયદે વ્યાજે નાણાં ફેરવતા ચાર લોકોની ધરપકડ કરી

જાણકારો કહે છે કે જો કોઈ સમયસર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ જ નહીં પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે દંડ પણ ચૂકવવાનો રહે છે.

દંડ ઉમેરાતો જાય છે અને તે ન ભરાય તો નાણાં ધીરનારા શાહુકારો રંજાડવાનું શરૂ કરે છે.

જાણીતા રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે સતામણી એવી હોય છે કે ક્યારેક કાચા-પોચા લોકો આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે.

રીના બ્રહ્મભટ્ટ વધુમાં ઉમેરે છે કે, "ઘણી વાર વ્યાજખોરો મધર ઇન્ડિયા ફિલ્મના લાલાની ભૂમિકામાં હોય છે. તેઓ ક્યારેક મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા પણ અચકાતા નથી. પોલીસે જે અભિયાન શરૂ કર્યું છે તે સારું છે, પણ વડોદરાની વાત કરીએ તો ત્યાં આરોપ લાગી રહ્યો છે કે ત્યાં યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરોની ધમકીને કારણે કેટલાક પીડિતો પોતાની ફરિયાદ નોંધાવવા આવ્યા નહોતા."

રીના બ્રહ્મભટ્ટ વધુમાં ઉમેરે છે કે વ્યાજખોરો રીતસરની માફિયાગીરી કરે છે અને તેમની ઘણી વાર તંત્ર સાથેની મિલીભગત હોય છે જેને કારણે તેની સામે ઘણી વાર કોઈ પગલાં ભરાતાં નથી.

જોકે બીજી તરફ જે પ્રકારે વ્યાજખોરો સામે અભિયાન છેડ્યું છે તેમણે પગલાં લેવાનાં શરૂ કરી દીધાં છે.

રાજ્યભરમાં ઠેરઠેર જેમની સામે ફરિયાદો મળી રહી છે તેવા શાહુકારો સામે પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે.

પણ જાણકારો કહે છે કે આ પ્રકારે વ્યાજખોરો સામે પગલાં ભરવાને બદલે લોકો વ્યાજની ચુંગાલમાં કેમ ફસાય છે તેના મૂળમાં જવાની જરૂર છે.

રીના બ્રહ્મભટ્ટ કહે છે કે, "જેને ઝડપથી રૂપિયા જોઈતા હોય અને જે બૅન્ક પાસે લોન ન લઈ શકે તેવી સ્થિતિમાં હોય તેવા લોકો જ આવા શાહુકારો પાસે જાય છે. ત્યારે સરકારે આવા લોકોને સરળતાથી અને ઝડપથી લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ."

તો અમદાવાદના જાણીતા ક્રાઇમ રિપોર્ટર અને રાજકીય વિશ્લેષક પ્રશાંત દયાળ કહે છે કે આ પરિસ્થિતિ માટે માત્ર વ્યાજખોરોને જ દોષ દેવો યોગ્ય નથી, કારણ કે વ્યાજે નાણાં લેનાર પણ એટલા જ જવાબદાર છે.

પ્રશાંત દયાળ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે, "જે લોકો પાસે પૂરતા દસ્તાવેજો નથી હોતા, જેઓ ડિફોલ્ટ થઈ ચૂક્યા છે તેઓ જ આવા ઊંચા વ્યાજે નાણાં લેવા જાય છે, કારણ કે ઊંચા વ્યાજદર કોને આપવા ગમે?"

પ્રશાંત દયાળ કહે છે કે ભલે પોલીસે આ પ્રકારનું અભિયાન છેડ્યું હોય પણ તેનાથી આ સમસ્યાનો હલ નહીં આવે, કારણ કે ભૂતકાળમાં પણ સરકારે વ્યાજખોરો સામે આ પ્રકારનાં અભિયાન છેડ્યાં હતાં અને સમસ્યા ઠેરની ઠેર છે.

પ્રશાંત દયાળ આ સમસ્યા પાછળ વ્યાજે લેનારા લોકોની સરળતાથી નાણાં પ્રાપ્ત કરવાની લાલસા પણ જવાબદાર છે.

રીના બ્રહ્મભટ્ટ કહે છે કે આવી ફરિયાદોનો રાફડો ફાટ્યો છે જેને કારણે તેનો નિકાલ કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી સુવિધાઓ પણ સરકારે ઊભી કરવી જોઈએ અને પીડિતો પોતાની વ્યથા અને ફરિયાદો ખૂલીને કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

રીના બ્રહ્મભટ્ટ વધુમાં કહે છે કે જે પૈસા વ્યાજે લે છે તેમનામાંથી ભય દૂર કરવાની તાતી જરૂર છે.

બીબીસી

શું કહે છે પોલીસ?

પોલીસ

ઇમેજ સ્રોત, paresh padhiyar

જોકે પોલીસતંત્ર કહે છે કે ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. અને પોલીસ આવા વ્યાજખોરો સામે લોકોને મુક્તિ અપાવવાનું કામ કરી રહી છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે એવું નથી કે વ્યાજખોરો સામે અત્યારે જ કાર્યવાહી શરૂ થઈ હોય.

આશિષ ભાટિયા કહે છે કે , "પોલીસનું આ કામ છે. હાલ ઝુંબેશ ચાલી રહી છે અને નવા વર્ષમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે."

જોકે પોલીસ દ્વારા જે લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે તેમાં કેટલાક પોલીસકર્મીઓ સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે.

પાટણમાં અને ભાવનગરમાં થયેલા લોકદરબારમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ છે.

પાટણમાં એક રમેશ પ્રજાપતિ નામના દિવ્યાંગે ફરિયાદ કરતા કહ્યું હતું કે તેમના દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસે 2 લાખ વ્યાજે લીધા હતા. પછી ઉઘરાણી કરવા માટે પોલીસકર્મીએ તેમના પુત્ર પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું.

જોકે લોકદરબારમાં હાજર રેન્જ આઈજી જેઆર મોથલિયાએ ખાતરી આપી હતી કે તેઓ તપાસ કરશે. સાથે ભાવનગરમાં પણ એક મહિલાએ પોલીસ કૉન્સ્ટેબલ સામે આ જ પ્રકારે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી માટે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ નોંધાવી છે.

બીબીસી ગુજરાતીએ આ અંગે જ્યારે રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયાને પૂછ્યું કે પોલીસ સામે પણ વ્યાજખોરો સાથેની સંડોવણીના આરોપો લાગી રહ્યા છે? તો આશિષ ભાટિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "અમારી જાણમાં આવી કોઈ ઘટના આવી નથી."

જોકે તેમણે વધુમાં જણાવ્યું કે આ ઝુંબેશ બાદ જે કોઈ ફરિયાદો મળશે તેના નિકાલનું યોગ્ય આયોજન કરાશે.

બીબીસી

નેતાઓ સામે પણ ફરિયાદ થઈ

નવસારીનાં પતિ-પત્ની જ્યોતિ આહીર અને દીપક આહીરે વીજલપુર નગરપાલિકાના ભાજપના નગરસેવક સામે ફરિયાદ નોંધાવી

ઇમેજ સ્રોત, dharmesh amin

ઇમેજ કૅપ્શન, નવસારીનાં પતિ-પત્ની જ્યોતિ આહીર અને દીપક આહીરે વીજલપુર નગરપાલિકાના ભાજપના નગરસેવક સામે ફરિયાદ નોંધાવી

માત્ર પોલીસ સામે જ નહીં પરંતુ નેતાઓ સામે પણ આ મામલે ફરિયાદો થઈ રહી છે. નવસારી વીજલપોર નગરપાલિકાના ભાજપના કૉર્પોરેટર જગદીશ મોદી સામે આ જ પ્રકારની ફરિયાદો થઈ છે.

નવસારીમાં રહેતાંં જ્યોતિ આહીરે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જ્યોતિ આહીરના પતિ દીપક આહીરે બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે તેમણે સોનું ગિરવી મૂકીને 49 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે તેમને 70 લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું કહેવામાં આવ્યું.

દીપક આહીર બીબીસી સાથે વાતચીત કરતાં ગળગળા થઈ ગયા હતા.

દીપક આહીર કહે છે કે જ્યારે અમે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે જગદીશ મોદીએ પોલીસને કહ્યું કે તેઓ અમને જાણતા નથી. અમારી પાસે કોઈ દસ્તાવેજ નથી જેના આધારે અમે અમારા ગિરવી રાખેલા સોનાને પરત લઈ શકીએ.

દીપક આરોપ પણ લગાવે છે કે ભલે અમે પોલીસ ફરિયાદ કરી છે પણ જગદીશ નેતા હોવાથી તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય.

તો બીજી તરફ સુરત ખાતેના બીબીસી સહયોગી ધર્મેશ અમીન સાથે વાતચીત કરતાં જગદીશ મોદી કહે છે કે તેમની સામેના આરોપો નિરાધાર છે.

જગદીશ મોદીએ વધુમાં કહ્યું કે. "12 વર્ષથી હું આ ધંધો કરું છું. મારી સામે કોઈએ ફરિયાદ નથી કરી. આ એક રાજકીય ષડ્યંત્ર છે."

જગદીશ વ્રજ જ્વેલર્સ નામની જ્વેલરીની દુકાન ચલાવે છે અને સાથે લાઇસન્સ લઈને વ્યાજે નાણાં ધીરવાનું કામ પણ કરે છે.

બીબીસી

'બ્લૅકમની પણ જવાબદાર'

પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

વ્યાજખોરોની નેતાઓ સાથે મિલીભગતના આરોપો તો થતા જ રહે છે, પણ જાણકારો એ આરોપ પણ લગાવે છે કે વ્યાજ પર નાણાં ધીરવાં પાછળ બ્લૅકમની પણ જવાબદાર છે.

પ્રશાંત દયાળ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહે છે કે રોકાણ ન કરી શકાય તેવું કાળું નાણું વ્યાજે ફરે છે.

પ્રશાંત દયાળ જણાવે છે કે, "કાળાં નાણાંનો કાં તો સોનું ખરીદવા, કાં તો જમીન ખરીદવા કે પછી વ્યાજે ફેરવવા અથવા આંગડિયામાં કે હવાલામાં ઉપયોગ થાય છે."

અમદાવાદના જાણીતા કાયદાના જાણકાર રાજેન્દ્ર શુક્લ કહે છે કે વ્યાજે ફેરવાતું ઘણું ખરું નાણું કાળું હોય છે જેનો કોઈ હિસાબ-કિતાબ નથી હોતો.

રાજેન્દ્ર શુક્લ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે, "કાળાં નાણાં ક્યાંથી આવે છે તે બધાને ખબર છે. આ કાળાં નાણાંનો સ્રોત એવો હોય છે જે બૅન્કમાં મૂકી શકાતો હોતો નથી તેથી તે વ્યાજે ફરે છે."

રાજકોટના કાયદાના જાણકાર નીલેશ દેસાઈ બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં કહે છે કે આ પ્રકારે વ્યાજે પૈસા લેનારા પૈકી ઘણા આઇટી રિટર્ન ભરતા હોતા નથી અને તેથી તેમને લોન મળતી ન હોવાથી તેમને આ પ્રકારે ઊંચા દરે વ્યાજ પર નાણાં લેવાની જરૂર પડે છે.

નીલેશ દેસાઈ કહે છે કે, "લખાણ પણ એવું હોય છે કે જો વ્યાજ પર નાણાં નહીં ભરે તો પૈસા ઉછીના લેનારા પર દબાણ વધે છે અને તેને કારણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા પણ તેઓ અચકાતા નથી."

બીબીસી

રાજકીય પક્ષો શું કહે છે?

ભાજપ, કૉંગ્રેસ અને આપ પણ પોલીસના આ અભિયાનને આવકારે છે.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે સામાન્ય જનતા જો વ્યાજખોરોને કારણે હેરાન થતી હોય તો તેને તેમાંથી મુક્ત કરવાનું કામ સરકારનું છે અને સરકાર લોકોની મદદ કરવાના આ જ મિશન પર કામ કરી રહી છે.

તો કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે પોલીસનું આ અભિયાન આવકારદાયક છે, પણ જોવાનું એ રહે છે કે જેમની સામે ફરિયાદો થઈ છે તેમની સામે કાર્યવાહી થાય છે કે નહીં.

તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉ. કરણ બારોટ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ લગાવે છે કે ભાજપના શાસનમાં પ્રજાને ઘણા વખતથી વ્યાજખોરોની હેરાનગતિ સહન કરવી પડી રહી હતી. પણ હવે જ્યારે આ અભિયાન શરૂ થયું છે તો તેઓ આશા રાખે છે કે પોલીસ કોઈ પણ ચમરબંધી જો ગુનેગાર હોય તો તેમની સામે પગલાં ભરશે અને પીડિતોને ન્યાય મળશે.

બીબીસી

'ભારતમાં આપઘાત થવાનું ચોથું સૌથી મોટું કારણ આર્થિક'

રાજકોટ પોલીસના લોકદરબારમાં ઉપસ્થિત રહેલાં કાજલબહેન વૈઠાનું કહેવું છે તેમના પતિએ વ્યાજખોરીના ચક્કરમાં આત્મહત્યા કરી હતી

ઇમેજ સ્રોત, bipin tankariya

ઇમેજ કૅપ્શન, રાજકોટ પોલીસના લોકદરબારમાં ઉપસ્થિત રહેલાં કાજલબહેન વૈઠાનું કહેવું છે તેમના પતિએ વ્યાજખોરીના ચક્કરમાં આત્મહત્યા કરી હતી

ઘણી વાર કેટલાક આત્મહત્યા કરવા માટે વિચારે છે. મનોચિકિત્સકો તેની પાછળ ડીપ્રેશન, જિદ્દ કે પછી આબરું પ્રત્યે વધારે પડતી સભાનતાને જવાબદાર ગણે છે. આવા લોકો ઘણી વાર લાગણીશીલ બની જાય છે અને લૉજિકથી નથી વિચારતા કે તેમને જો કંઈ થઈ ગયું તો પરિવારનું શું થશે.

સાઇકૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે કે આત્મહત્યા એ ઉપાય નથી. ગમે તેટલા પૈસા લીધા હોય પરંતુ જો તેમને ધમકી મળી રહી હોય તો પહેલાં પોલીસ ફરિયાદ કરી દેવી જોઈએ, જેથી તે ભયમુક્ત થાય.

ડૉ. ભીમાણી કહે છે કે, "ભારતમાં જે આપઘાતો થાય છે તેમાં ચોથું સૌથી મોટું કારણ આર્થિક છે. તેઓ આવેશમાં આવીને કે લાગણીવશ થઈને આવો કોઈ નિર્ણય નથી લેતા પરંતુ તેમાં ધીરે-ધીરે હતાશાનું નિર્માણ થાય છે અને ડીપ્રેશન અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તે આવું આકરું પગલું ભરે છે."

ડૉ. ભીમાણી કહે છે કે આવા વ્યક્તિનું વર્તન આ તબક્કે બદલાઈ જાય છે. તે ક્યાં તો બંધ કમરામાં બેસીને એન્ટિસોશિયલ બની જાય છે, ક્યાં તો વધુ પડતી પ્રેમાળ બનીને કૃત્રિમ વ્યવહાર કરતી થઈ જાય છે.

ડૉ. ભીમાણી ઉમેરે છે કે "જો તેમના પરિજનમાં કોઈ એબનૉર્મલ બિહેવિયર જોવા મળે અને હતાશાની પરાકાષ્ઠા જોવા મળે તો તાત્કાલિક પરિજનોએ સજાગ થઈને તેની સારવાર કરાવી જોઈએ, જેથી આવી આપદાથી બચી શકાય."

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

બીબીસી

વ્યાજે પૈસા લેતી વખતે શી કાળજી રાખવી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પૂર્વ આઈપીએસ આરજે સવાણી કહે છે કે જો વ્યાજખોરોના ચક્કરમાંથી બચવું હોય તો પહેલાં તો રાષ્ટ્રીયકૃત બૅન્કો કે પછી સહકારી મંડળીઓ કે પછી સહકારી બૅન્કો અથવા તો માન્યતાપ્રાપ્ત ફાઇનાન્સિયલ સંસ્થાઓ પાસેથી જ લોન લેવી.

સવાણી વધુમાં કહે છે કે, "ઘણી વાર પાંચ લાખની રકમ વ્યાજે લીધી હોય અને તેમાં વ્યાજના ચક્કરમાં 50 લાખનું મકાન જતું રહે તેવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે કેટલીક કાળજી લેવી જરૂરી છે. સામાજિક મોભો દેખાડવા ખોટા ખર્ચા ટાળો. ઉછીનાં નાણાં લઈને ભવ્ય લગ્ન-સમારંભો કરવાનું ટાળો. દેખાદેખીનો વાઇરસ ખતરનાક છે તેનાથી બચો."

સવાણી વધુમાં ઉમેરે છે કે માથાભારે લોકો પાસે વ્યાજે નાણાં લેવાનું ટાળો, કારણ કે તેમની નજર તમારી સંપત્તિ પર હોય છે જે તમને મદદના બહાને પૈસા ઉછીના આપશે અને પછી તે તમારી સંપત્તિ પડાવી શકે છે. આ સિવાય તેમણે નીચેના મુદ્દે પણ કાળજી લેવાની વાત કરી. 

  • આર્થિક મંદી સમયે નાણાં ઊંચાં વ્યાજે લેવાનું ટાળો
  • ઉછીના લેવા સિવાય વિકલ્પ ન હોય તો જરૂરી નાણાં જ વ્યાજે લો
  • વ્યાજખોરો નક્કી રેટ કરતા વધુ વ્યાજ વસૂલી શકતા નથી
  • જેની પાસે વ્યાજે પૈસા લો છો તેનું રજિસ્ટ્રેશન થયું છે કે નહીં તે ચકાસો
  • જે વ્યક્તિ જીએસટી કે ઇન્કમ ટૅક્સ છુપાવતી હોય અને ગેરકાયદે પ્રવૃત્તિમાં રત હોય તેની પાસે નાણાં લેવાનું ટાળો
  • બ્લૅકમનીનો વહીવટ કરતા હોય તેની સાથે વ્યવહાર કરવાનું ટાળો
  • વ્યાજખોરો ચેકથી નાણાં આપતા નથી તેને કારણે તેઓ આવાં નાણાંની વસૂલાત માટે કોર્ટનો આશરો લઈ શકતા નથી તેથી તેઓ જોર-જુલમ કરે છે
  • વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકાય છે
  • જે વસ્તુ ગિરવી મૂકીને વ્યાજે પૈસા લો છો તેની વિગતો અને મૂલ્ય સાથેની પાકી રસીદ જરૂર લો
  • જ્યારે વ્યાજ ચૂકવો ત્યારે અને મુદ્દલ ચૂકવો ત્યારે તેની પાકી રસીદ જરૂર લો

જોકે સવાણી કહે છે કે, "આપણે ગમે તેટલી જાગૃતિ લેવા માટેની સલાહો આપીએ પણ પોલીસતંત્ર અને સરકાર આ મામલે સંવેદનશીલ નથી. ન સંવેદનશીલ છે વ્યાજખોરો. તેથી આ ક્રાઇમ અટકવાનો નથી."

બીબીસી

શું છે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 વિશે સમજણ આપતાં કાયદાના જાણકાર રાજેન્દ્ર શુક્લ કહે છે કે, "આ કાયદામાં વ્યાજે જે પૈસા લે છે તેની સુરક્ષા માટે બધું જ છે, પણ તેનાથી થાય છે ઊલટું. એટલે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે."

કાયદાની સમજણ આપતાં રાજેન્દ્ર શુક્લે કહ્યું કે, "ગુજરાત મની લૅન્ડરર્સ ઍક્ટ 2011ના આ કાયદામાં જોગવાઈ છે કે જે વ્યક્તિ વ્યાજે પૈસા આપવાનો ધંધો કરે છે તેણે તેમનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેનું રજિસ્ટ્રેશન નથી હોતું તે પૈસા વ્યાજે આપી નથી શકતો."

રાજેન્દ્ર શુક્લે વધુમાં કહ્યું કે, જે વ્યક્તિ જે તે વિસ્તાર માટે રજિસ્ટ્રેશન કરાવે તે જ વિસ્તારમાં તે નાણાં વ્યાજે આપી શકે છે બીજા વિસ્તારમાં નહીં.

તેઓ કહે છે કે જે વ્યક્તિ વ્યાજે પૈસા આપવાના ધંધાનું રજિસ્ટ્રેશન કરાવે છે તેની વેલિડિટી પાંચ વર્ષની હોય છે. પાંચ વર્ષ પછી તેણે આ ધંધો ચાલુ રાખવો હોય તો તેનું લાઇસન્સ સમાપ્ત થાય તે પહેલાં તે ફરીથી રીન્યુ કરાવવું પડે છે.

રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વ્યાજે પૈસા આપનારે પોતાના આવકનો સ્રોત બતાડવો પડે છે. સાથે તેની કેશબુક, પૈસા કોને વ્યાજે આપ્યા અને તેની સાથેની લેવડ-દેવડનો હિસાબ-કિતાબ રાખવો પડે છે.

રાજેન્દ્ર શુક્લના જણાવ્યા પ્રમાણે જો વ્યક્તિ પોતાનું વ્યાજ ચૂકતે કરે છે કે પછી મુદ્દલ આપે છે તો તેની પણ પાકી રસીદ મની લૅન્ડરે આપવાની રહે છે. આ લેણદેણનો હિસાબ એક પાસબુક જેવો હોય છે તે પાંચ વર્ષ માટે રાખવો ફરજિયાત છે.

જે વ્યક્તિ નાણાં વ્યાજે લે છે અને તે જે વસ્તુ ગિરવી મૂકે છે તેની મૂલ્ય સહિતની વિગતો ધરાવતી પાકી રસીદ તેણે આપવી પડે છે. ઉપરાંત વ્યાજ કે મુદ્દલ ન ચૂકવાય તો બે વર્ષ સુધી તે ગિરવી મૂકેલી વસ્તુનો નિકાલ કરી શકતો નથી.

ગુજરાતમાં મની લૅન્ડર વ્યક્તિ પાસેથી સિક્યૉરિટી આપવા પર વધુમાં વધુ વર્ષે 12 ટકા અથવા તો સિક્યૉરિટી નહીં હોય તો વધુમાં વધુ વાર્ષિક 15 ટકા વ્યાજ લઈ શકે છે. આ વ્યાજનો દર રાજ્ય સરકાર નક્કી કરે છે.

શાહુકાર સરકારે નક્કી કરેલા વ્યાજદરથી ઉપરના દરે વ્યાજે નાણાં નથી આપી શકતો.

આ કાયદાના ભંગ કરનારને 25 હજાર સુધીનો દંડ અને અથવા બે વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

બીબીસી
બીબીસી