ગુજરાતમાં હવે વિરોધપ્રદર્શન કાઠું કેમ બનશે અને વિરોધ કરનારને 'જેલમાં કેમ જવું' પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- ગુજરાત રાજયમાં હવે વિરોધ નોંધાવવો અન્ય કોઈ પણ મોટા રાજ્યની સરખામણીએ વધુ મુશ્કેલ બની શકે છે
- એપ્રિલ 2021ના રાજય સરકારના વિધેયક પર હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર મરાઈ છે
- જાહેરનામાનો ભંગ કરીને કોઈ પ્રદર્શન થાય તો અત્યાર સુધી કાયદાની જોગવાઈ અનુસાર, માત્ર કમિશનર ફરિયાદી બને તો જ ફરિયાદ દાખલ થઈ શકતી હતી
- સુધારા બાદ સામાન્ય વ્યક્તિ કે પોલીસ કૉન્સ્ટેબલ પણ ફરિયાદ નોંધાવી શકે છે, ધરપકડ કરી શકે છે અને કોર્ટ તે ગુનાની નોંધ લેશે
- આ ફેરફારની વિરોધપ્રદર્શન પર શું અસર થઈ શકે છે?

વર્ષ 2021માં ફોજદારી કાર્યરીતિ (ગુજરાત સુધારા) વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું હવે તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સ્વીકૃતિ મળી ગઈ છે એટલે આ વિધેયક હવે કાયદાનું સ્વરૂપ લીધું છે.
રાષ્ટ્રપતિની સહી બાદ જો કોઈ કલમ 144નું ઉલ્લંઘન કરીને દેખાવો કરશે તો તેની સામે આઇપીસી સેક્શન 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે.અન્ય શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં હવે જો કલમ 144 લાગુ હોય અને છતાં કોઈ પ્રદર્શન કરે કે વિરોધ કરે તો તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવાની સરકાર અને પોલીસને વધારાની કાયદાકીય શક્તિ મળી છે. કલમ 144નો ઉલ્લંઘન કરનારા પર સખ્ત થતા સરકારે આ અપરાધને સંગીન અપરાધની શ્રેણીમાં રાખ્યો છે.
પહેલાં આ કલમનું ઉલ્લંઘન કરનારાઓ સામે સંગીન ગુનો નોંધાતો નહોતો અને જો ગુનો નોંધાતો પણ હતો તો તેમને કોઈ જામીન લેવા નહોતા પડતા અને તેઓ છૂટી જતા હતા.
હવે ફેરફાર બાદ કલમ 144ના ઉલ્લંઘન કરનારાઓ સામે કલમ 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે.
આ ફેરફારને કેટલાક લોકો લોકોના અધિકાર પર તરાપ સમાન ગણી રહ્યા છે. બીબીસીએ આ સમગ્ર મામલે કાયદા નિષ્ણાતો અને સંબંધિત તજજ્ઞો સાથે વાત કરી હતી.

બદલાવ અને કાયદાનો ઉદ્દેશ

ઇમેજ સ્રોત, Getty Images
જિલ્લાના સંચાલનની જવાબદારી જિલ્લા કલેક્ટર પાસે હોય છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા સુરત જેવાં શહેરોમાં પોલીસ કમિશનર કોઈ પણ જાહેરનામું બહાર પાડી શકે છે.
CrPC એ કોઈ પણ પોલીસને તેમનું કામ કરવા માટે મદદરૂપ થાય છે. આ કાયદાની વિવિધ કલમો હેઠળ રહીને પોલીસને પોતાનું કામ કરવાનું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
CrPCની કલમ 195 મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈ એવો ગુનો કરે છે કે જેમાં ઇન્ડિયન પીનલ કોડ કે IPCની કલમ 174થી 188 સુધીની કલમોનું ઉલ્લંઘન થતું હોય તો તેમાં હજી સુધી જે તે વ્યક્તિની ધરપકડ થતી ન હતી અને તેના પર ચાર્જશીટ થતી ન હતી, કારણ કે આ ગુનામાં ફરિયાદ જ નહોતી થતી.
ઘણી વાર કલમ 144નું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરનાં પગલાં લેવાની જરૂર રહેતી પણ પહેલાંના અધિનિયમ અંતર્ગત જેમણે કલમ 144નો હુકમ બજાવ્યો છે તેવા જાહેર સેવક માટે ઉલ્લંઘન કરનારા સામે ફરિયાદી બનવું ફરજિયાત હતું.
સરકારી સૂત્રો પ્રમાણે તેના કારણે પોલીસ અધિકારીઓ માટે ઉલ્લંઘનની ન્યાયિક નોંધ લેવામાં અવરોધ ઊભો થતો હતો.
બીજું કે ફોજદારી કાર્યરીતિ (સુધારા) અધિનિયમ 2005થી આઈપીસી 1860માં કલમ 174-ક દાખલ કરવામાં આવી હતી. તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 82 હેઠળ જાહેરનામા સંબંધમાં હાજર ન થવાની બાબતને શિક્ષાપાત્ર બનાવવામાં આવી હતી.
174-ક હેઠળનો ગુનો પોલીસ અધિકારનો ગુનો છે તેમ છતાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 195(1)(ક)(3)થી સંબંધિત જાહેર સેવકની લેખિત ફરિયાદના આધારે હોઈ તે સિવાય ગુનાઓની ન્યાયિક નોંધ લેવામાં હકૂમત ધરાવતી કોર્ટને પ્રતિબંધિત કરેલી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કલમ 174-ક અને કલમ 188 હેઠળ પોલીસ અધિકારના ગુના થયા હોવાના સંબંધમાં પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ફોજદારી કેસોનું રજિસ્ટ્રેશન સરળ બનાવવા માટે આઈપીસી 1973ની કલમ 195ની જોગવાઈઓ સુધારવી જરૂરી બની હતી.

આ ફેરફારથી વિરોધના અધિકારને કેવી રીતે ફરક પડશે?

ઇમેજ સ્રોત, lpd.gujarat.gov.in
CrPC 144 હેઠળ મૅજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર વગેરે અધિકારીઓ પાસે સત્તા હોય છે કે તેઓ એક જાહેરનામું બહાર પાડીને ચારથી વધુ લોકો કોઈ પણ રાજકીય કે બિનરાજકીય મેળાવડા માટે ભેગા ન થઈ શકે, અને જો થવું હોય તો પરવાનગી લેવી પડે, તેવો હુકમ કરે છે.
જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરે તો CrPC 195ની સત્તા હેઠળ પોલીસ અધિકારી ભંગ કરનાર વ્યક્તિની આઇપીસી 188 મુજબ અટકાયત કરી શકે છે. એટલે કે સરકારના કોઈ નીતિ-નિર્ણયનો વિરોધ હોય કે પછી કોઈ રાજકીય મેળાવડો હોય, જો ચારથી વધુ લોકો ભેગા થવાના હોય, તો પોલીસની પરવાનગીની જરૂર છે.
હવે વિધેયકમાં ફેરફાર બાદ પોલીસને અટકાયત કરવા સહિત જો ઇચ્છે તો પ્રદર્શનકારીઓ પર કાયદેસરની પોલીસ ફરિયાદ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવાનો અધિકારી મળી શકશે, જે બીજા પણ અનેક ગુનાઓમાં થતું હોય છે.
મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડૅમોક્રૅસી નામની એક સંસ્થા સરકારની વિવિધ નીતિઓ પર લોકોના અવાજને વાચા આપે છે.
આ સંસ્થાનાં એક સભ્ય મીનાક્ષીબહેન જોષી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "હવે લોકો વિરોધ કરતા ડરશે. ગુજરાતમાં પહેલેથી જ ડરનો માહોલ છે અને તેમાંય આ ફેરફાર બાદ હવે લોકોને પોલીસ કેસની બીક રહેશે અને વિરોધ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થશે."
તો કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે કે "અંગ્રેજોના સમયથી કલમ 144 લાગુ છે છતાં અંગ્રેજોના સમયમાં પણ તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે આટલી કડક કાર્યવાહી નહોતી થતી."

'લોકોના અધિકાર પર તરાપ'

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડૅમોક્રૅસી નામની આ સંસ્થાએ હાલમાં આ કાયદાના ફેરફારથી લોકોને શું અસર થશે તે વિશે એક ચર્ચા પણ કરી હતી.
જોષી વધુમાં કહે છે કે, "આ કાયદાની જરૂર શું હતી તે વિશે અમને સમજાતું નથી."
જોકે આ ફેરફારો 2022ના એપ્રિલ મહિનામાં તે સમયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે, "સ્થળ પર હાજર પોલીસ કર્મચારી આઇપીસી 174એ અને 188 મુજબ કેસ નોંધી શકે તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે. તેનાથી કાયદામાં જે છટકબારીઓ છે, તે બંધ કરવામાં મદદ મળશે અને કાયદો વધુ કડક બનશે."
આ વિશે રાજ્ય સરકારના પ્રવક્તા અને કાયદામંત્રી ઋષિકેશ પટેલ સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે તેમને હજી સુધી આ અંગે જાણ નથી. જોકે ત્યારબાદ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમને મોકલેલા એસએમએસનો પણ આ લખાય છે, ત્યાં સુધી કોઈ જવાબ આવ્યો ન નથી.
કાયદા વિભાગના સચિવ પીએમ રાવલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હવે જ્યારે રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ છે, ત્યારે આ અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં તમામ જિલ્લા પોલીસવડા અને જે તે વિભાગને મોકલવામાં આવશે.

ઇમેજ સ્રોત, ANI
રાષ્ટ્રપતિએ જે ગુજરાતના વિધેયક પર હસ્તાક્ષર કર્યા છે તે વિશે કેટલાક કાયદાવિદ કહે છે કે કલમ 144ના બહાને સરકાર વિરોધનો સૂર દબાવવા માગે છે.
પીપલ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ (PUCL)ના એક સભ્ય પ્રસાદ ચાકો બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "પહેલાં વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ વગેરે પણ સહેલાઈથી ભેગા થઈ જતા હતા, પરંતુ હવે ગુજરાતમાં વિરોધના નામે માત્ર પરેશાની જ થશે તેવું લાગે છે. પહેલાંથી આટલી બધી પરવાનગીઓ લેવાની હોય છે, તેમાંય આ નવા ફેરફાર બાદ ગુજરાતમાં વિરોધ કરવાના અધિકાર પર એક મોટી તરાપ છે."
આવી જ રીતે આરટીઆઈ ઍક્ટિવિસ્ટ પંક્તિ જોગ પણ કહે છે કે, "સરકારની સામે વિરોધ કરવો તે લોકોનો અધિકાર છે અને આ કાયદાના ફેરફારથી એ અધિકાર પર સીધી તરાપ છે."
તો અમદાવાદના જાણીતા કાયદાવિદ્ રાજુ શુક્લ બીબીસી સંવાદદાતા જય શુક્લ સાથે વાત કરતા કહે છે કે, "સરકારને ખબર પડશે કે તેમના વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે એટલે પ્રદર્શનકારીઓને દબાવવા માટે પહેલાં કલમ 144 લાગુ કરશે અને પછી જો પ્રદર્શન યોજાય તો કલમ 144ના ભંગ હેઠળ ફોજદારી ગુનો દાખલ કરશે."
રાજુ શુક્લ વધુમાં ઉમેરે છે કે પહેલાં કલમ 144ના જાહેરનામાનો ભંગ કરનારાઓની ધરપકડ થતી નહોતી, માત્ર તેમની અટકાયત કરીને થોડી વાર બાદ છોડી મૂકવામાં આવતા હતા. પરંતુ હવે તેમની સામે ધરપકડનો ભય ઊભો થયો છે એટલે લોકો પ્રદર્શન કરતા ગભરાશે.
રાજુ શુક્લ એમ પણ કહે છે કે ગુજરાત સરકારે કરેલા આ સુધારા અલોકતાંત્રિક છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા જોઈએ.

શું છે કલમ 174-ક અને 188?

ઇમેજ સ્રોત, ANI
આ કલમ વિશે વિગતવાર સમજાવતા ઍડવૉકેટ બંદીશ સોપારકરે એક યૂટ્યૂબ વીડિયો મારફતે કહ્યું હતું કે, 'પહેલાં એવું થતું હતું કે જો આ બે કલમો (174-ક અને 188) હેઠળ જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવી હોય તો તેમાં ફરિયાદી તરીકે જે અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હોય તે જ અધિકારીએ ફરિયાદ કરવી પડે, એટલે કે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરે ફરિયાદી બનવું પડે તો જ ફરિયાદ થાય અને જે તે વ્યક્તિ પર ચાર્જશીટ થાય.'
તેમના કહેવા પ્રમાણે, 'જોકે હવે CRPC 195માં ફેરફાર બાદ આવું નથી રહ્યું. હવે જે અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હોય તે જ નહીં પરંતુ ગમે તે સામાન્ય વ્યક્તિ કે પોલીસ કૉન્સ્ટેબલ પણ ફરિયાદ નોંધાવી શકે છે, ધરપકડ કરી શકે છે અને કોર્ટ તે ગુનાની નોંધ લેશે.'
'એટલે કે સીધા શબ્દોમાં હવેથી જો 144 કલમનો ભંગ થયો તો જે તે વ્યક્તિને પોલીસ પકડીને, તેના પર કેસ કરીને, તેને પોલીસ લૉકઅપમાં નાંખીને કોર્ટમાં રજૂ કરીને, તેની પર ચાર્જશીટ કરી શકે છે.'

કલમ 144નો ભંગ કરનારાને શું સજા થઈ શકે?
આઈપીસી 144 લાગુ હોય અને જો કોઈ વ્યક્તિ સરકાર કે સરકારી અધિકારી દ્વારા આપવામાં આવેલા આ નિષેધાત્મક આદેશનું ઉલ્લંઘન કરે અથવા કાનૂન વ્યવસ્થામાં રોકાયેલી વ્યક્તિને નુકસાન પહોંચાડે તો તેને ઓછામાં ઓછી એક મહિનાની જેલ કે 200 રૂપિયાનો દંડ અથવા બંને સજા આપી શકાય છે.
સરકારના આદેશના ઉલ્લંઘન કરવાથી માનવ જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા વગેરેને ખતરો હોય તો ઓછામાં ઓછી 6 મહિનાની જેલ કે 1000 રૂપિયાના દંડ કે બંને પ્રકારની સજાની જોગવાઈ છે.
જોકે હવે આ કલમ હેઠળના ગુનાઓ માટે નિષેધાત્મક આદેશો આપનારા જાહેર સેવકો એટલે કે કલેક્ટર અથવા પોલીસ કમિશનની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ પણ ફરિયાદી બની શકશે.














