મોન્ટેકસિંહ આહલુવાલિયા જૂની પેન્શન યોજનાને 'સૌથી મોટી રેવડી' કેમ ગણાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

- અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહલુવાલિયાએ જૂની પેન્શન યોજનાને 'વાહિયાત' અને 'ભવિષ્યમાં કંગાળ બનાવનારી' ગણાવી છે
- અહલૂવાલિયાએ કહ્યું કે જે લોકો તેને આગળ લઈ જઈ રહ્યા છે, તેનું પરિણામ 10 વર્ષ પછી નાણાકીય વિનાશ હશે
- મનમોહનસિંહ સરકાર દરમિયાન આહલુવાલિયા આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા, આયોજન પંચ હવે અસ્તિત્વમાં નથી
- આહલુવાલિયા 1990ના દાયકાથી લગભગ ત્રણ દાયકા સુધી આર્થિક સુધારાની પ્રક્રિયા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા
- ગત નવેમ્બરમાં આહલુવાલિયાએ જૂની પેન્શન યોજનાને 'સૌથી મોટી રેવડી' ગણાવી હતી
- કૉંગ્રેસ શાસિત સરકારો, રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવામાં આવી છે

પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ ડેપ્યુટી ચૅરમૅન અને અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહલુવાલિયાએ જૂની પેન્શન યોજનાને 'વાહિયાત' અને 'ભવિષ્યમાં કંગાળ બનાવનારી' ગણાવી છે.
અહલૂવાલિયાએ શુક્રવારે કહ્યું, "જે લોકો તેને આગળ લઈ જઈ રહ્યા છે, તેનું પરિણામ 10 વર્ષ પછી નાણાકીય વિનાશ હશે. મારું માનવું છે કે આ પગલું વાહિયાત છે અને આર્થિક દેવાળા તરફ દોરી શકે છે."
આહલુવાલિયાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે હિમાચલ સહિત કેટલાક રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ જૂની પેન્શન યોજનાને મુદ્દો બનાવ્યો હતો. ઘણી રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજનાને ફરી લાગુ પણ કરી છે.
આહલુવાલિયાના તાજેતરના નિવેદનને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કેટલાક લોકોએ તેમની ટીકા કરી છે.
આહલુવાલિયા પહેલેથી જ જૂની પેન્શન યોજનાની ટીકાકાર રહ્યા છે અને અગાઉ તેમણે તેને 'સૌથી મોટી રેવડી' ગણાવી હતી.
મનમોહનસિંહ સરકાર દરમિયાન આહલુવાલિયા આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા. આયોજન પંચ હવે અસ્તિત્વમાં નથી.
આહલુવાલિયા 1990ના દાયકાથી લગભગ ત્રણ દાયકા સુધી આર્થિક સુધારાની પ્રક્રિયા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન આપવામાં આવે છે. જે નિવૃત્તિ સમયે મળતા મૂળ પગારના 50 ટકા જેટલું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આહલુવાલિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર શુક્રવારે એક કાર્યક્રમમાં બોલતા મોન્ટેકસિંહ આહલુવાલિયાએ કહ્યું, "એક અર્થશાસ્ત્રી તરીકે, હું કહીશ કે રાજકીય પક્ષો અને શાસક પક્ષોએ સિસ્ટમને આવા પગલા લેવાથી રોકવું જોઈએ જે ચોક્કસપણે નાણાભીડ તરફ દોરી જશે."
તેમણે આગળ કહ્યું, "પરંતુ કરવું કેવી રીતે? એ માટે જનતાને વ્યાપકપણે સમજાવવાની જરૂર છે કે ભવિષ્યમાં તેની પાછળ કેટલો ખર્ચ થશે."
આહલુવાલિયાએ કહ્યું, "રાજકીય વ્યવસ્થામાં જે લોકો આની કિંમત ચૂકવે છે તેમની વાતો પણ સાંભળવી જોઈએ અને જો રાજકીય વ્યવસ્થા આ કરી શકતી ન હોય તો મારી પાસે આનો કોઈ ઉકેલ નથી."
તેમણે કહ્યું, "આ જ પ્રકારની વસ્તુઓ અન્ય દેશોમાં પણ થાય છે અને આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઘણા દેશો રાજકીય રીતે બેજવાબદારીભર્યા નિર્ણયો લઈ રહ્યા છે. પરંતુ તેમાં સુધારા માટે પણ અવકાશ હોય છે. સમસ્યા એ છે કે આવું પગલું ભરવા માટે કેન્દ્ર સરકાર પર ઘણું દબાણ હશે, પછી ભલે ગમે તેની સરકાર હોય.”

સરકારોને સલાહ

ઇમેજ સ્રોત, Getty Images
મોન્ટેકસિંહ આહલુવાલિયાએ કહ્યું કે સુધારાનો મુખ્ય આધાર રાજ્યો પર હોય છે અને એવા ઘણા સુધારા છે જેમાં કેન્દ્રને કંઈ કરવાપણું હોતું નથી.
તેમણે કહ્યું, "ઉદાહરણ તરીકે, રાજ્યના કાયદા અનુસાર કેટલાય કિસ્સામાં અપરાધીકરણને ખતમ કરવામાં કેન્દ્રની કોઈ ભૂમિકા નથી. કેન્દ્ર રાજ્યને આમ કરતાં રોકી શકતું નથી. પરંતુ રાજ્યો તેમ કરતા નથી. આવી સંપૂર્ણપણે રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ ઘણી બાબતોની લાંબી યાદી બનાવી શકાય છે."
તેમણે કહ્યું, "આ દૃષ્ટિકોણથી માત્ર પેન્શન યોજના જ નહીં પરંતુ વીજળીના દરો નક્કી કરવાની બાબત પણ સંપૂર્ણપણે રાજ્યના અધિકાર હેઠળ છે, કેન્દ્ર સરકાર રાજ્ય સ્તરે વીજળીના દરો નક્કી કરતી નથી."
તેમણે કહ્યું, "આમ, રાજકીય સ્તરે અખબારો વગેરેમાં એક સંવાદ બનાવવો પડશે અને જનતાને પણ જાણ કરવી પડશે જેથી લોકોને પણ ખબર પડે કે શું થઈ રહ્યું છે. જો આવું ન થાય તો એનો અન્ય કોઈ સરળ ઉપાય નથી."

પહેલાં પણ ટીકા કરી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
મોન્ટેકસિંહ આહલુવાલિયા જૂની પેન્શન યોજનાની અગાઉ પણ ટીકા કરી ચૂક્યા છે.
થોડા દિવસો પહેલા આહલુવાલિયાએ જાહેરમાં કહ્યું હતું કે ભૂતકાળમાં અમે જે સાચી દિશામાં આગળ વધીને સિદ્ધિઓ મેળવી હતી તેનાથી વિપરીત દિશામાં આ બધું થઈ રહ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર, ગત નવેમ્બરમાં આહલુવાલિયાએ જૂની પેન્શન યોજનાને 'સૌથી મોટી રેવડી' ગણાવી હતી.
કૉંગ્રેસ શાસિત સરકારો, રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવામાં આવી છે. હિમાચલ સરકાર પણ તેનો અમલ કરવાનું વચન આપી રહી છે.
શનિવારે હિમાચલના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂએ કહ્યું હતું કે, "અમે ટૂંક સમયમાં પ્રથમ કેબિનેટ બેઠક બાદ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અન્ય રાજ્યોમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ઉઠવા લાગી છે.

નિવેદનનો પ્રતિભાવ
આહલુવાલિયાના નિવેદન પર ચર્ચા છેડાઈ છે. તેમણે જે કહ્યું તેના પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેમના નિવેદનને યોગ્ય ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકોએ તેમના આ નિવેદનની ટીકા પણ કરી છે.
ટીકા કરનારાઓમાં કૉંગ્રેસના નેતાઓ પણ સામેલ છે.
આહલુવાલિયાના આ નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, “જો દેશ 60 વર્ષ સુધી જૂની પેન્શન યોજના લાગુ કરીને વિકાસ કરી શકતો હોય તો શું કર્મચારીને વૃદ્ધાવસ્થામાં સુરક્ષિત અનુભવવાનો અધિકાર નથી?”
"જો કર્મચારી 30-35 વર્ષ સુધી નોકરી કરે અને તેને વૃદ્ધાવસ્થામાં પેન્શન પણ ન મળે તો તે પોતાનું સર્વશ્રેષ્ઠ કેવી રીતે આપી શકશે, તે સુશાસનમાં કેવી રીતે ભાગીદારી નોંધાવી શકશે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે કૉંગ્રેસે આમાંથી શીખ મેળવવી જોઈએ. તેમણે ટ્વીટ કર્યું છે કે, "કૉંગ્રેસે તેમના જ પરિવારના વડા પ્રધાનના વિશ્વાસુ અર્થશાસ્ત્રીની વાત પર મંથન કરવું જોઈએ, તેઓ ટુંકાગાળાના રાજકીય લાભ મેળવવા દેશના ભવિષ્ય સાથે શું કરી રહ્યા છે, તમારા પોતાના જ લોકોની વાત સાંભળી લો, પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિષ વમન કરો."
તો કેટલાક લોકો આહલુવાલિયા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને યોગ્ય ગણાવી રહ્યા છે.
એક ટ્વિટર યૂઝર રવિન્દ્ર સાઠેએ ટિપ્પણી કરી, "આશા છે કે આહલુવાલિયા આ પ્રાથમિક અર્થશાસ્ત્ર તેમના રાજકીય બૉસ રાહુલ ગાંધીને સમજાવશે, જેમની પાર્ટી તેમના શાસનવાળા રાજ્યોમાં આ વિનાશક યોજનાને ફરી લાગું કરવા પર અડગ છે."
અન્ય એક ટ્વિટર યૂઝર શ્રીકાંત પાંડેએ લખ્યું છે, "35 વર્ષની સેવા પછી તમને 70,000 રૂપિયાનો પગાર મળે છે. એક નિવૃત્ત કર્મચારી એનપીએસ હેઠળ મળેલા 1,900 રૂપિયા પર કેવી રીતે જીવશે? આના ઉપર પણ અર્થશાસ્ત્રીઓએ પ્રકાશ પાડવો જોઈએ. અન્યથા તેમને જૂની પેન્શન યોજના વિરુદ્ધ બોલવાનો કોઈ અધિકાર નથી."

જૂની પેન્શન યોજના શું છે?
નિવૃત્ત કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ ફરજિયાત પેન્શન મેળવવાનો અધિકાર છે. પેન્શનની રકમ નિવૃત્તિ સમયે મળતા મૂળ પગારના 50 ટકા હોય છે. એટલે કે મૂળ પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે.
એટલું જ નહીં, નિવૃત્ત કર્મચારીને પણ કામ કરતા કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થામાં સતત વધારાની સુવિધા મળે છે.
જેના કારણે મોંઘવારી વધવાની સાથે પેન્શનમાં પણ વધારો થતો રહે છે.

કયા રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાન બાદ ઘણા રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો. હકીકત એ પણ છે કે આ તમામ રાજ્યો બિન-ભાજપ શાસિત છે.
હિમાચલ પ્રદેશની તાજેતરની ચૂંટણીઓમાં પેન્શન એક મુખ્ય જાહેર મુદ્દા તરીકે પ્રકાશમાં આવ્યો હતો.
રાજ્યના નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂએ કહ્યું કે તેઓ તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાનું વચન પૂરું કરશે.
રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ સરકારોએ પહેલાથી જ જૂની પેન્શન યોજનાને ફરી લાગૂ કરવાનો નિર્ણય લઈ લીધો છે.
ગયા મહિને પંજાબ સરકારે પણ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાનો આદેશ જારી કર્યો હતો.
18 નવેમ્બરે જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) હેઠળ આવતા કર્મચારીઓને જૂની સ્કીમનો લાભ આપવામાં આવશે.
પરંતુ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર આ બાબતે અલગ મંતવ્ય ધરાવે છે. ભાજપની કેન્દ્ર સરકારે નજીકના ભવિષ્યમાં જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવાની શક્યતાને નકારી કાઢી છે.
ધીરે ધીરે, અન્ય રાજ્યોમાં પણ જૂની પેન્શન યોજનાને ફરી લાગૂ કરવા માટે કર્મચારી સંગઠનો તરફથી દબાણ વધી રહ્યું છે.
વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા સહિત નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જાણકારોનું માનવું છે કે જો આ મુદ્દો જોર પકડતો રહેશે તો તેની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં કેન્દ્રની તત્કાલીન અટલ બિહારી સરકારે જૂની પેન્શન યોજનાને ખતમ કરીને નવી પેન્શન યોજનાની જાહેરાત કરી હતી.
કૉપી: સંદિપ રાય

















