ગુજરાત રોજગારી આપવામાં ટોચ પર હોય તો વિદેશ જનારાઓની સંખ્યા કેમ વધી રહી છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"દેશમાં મહેનત કરવા છતાં તક નથી મળતી એટલે લોકો જોખમ લઈને મોટી રકમ ખર્ચીને વિદેશ જાય છે." ગુજરાતના ભૂતપૂર્વ નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે હાલમાં જ આ વાત અમદાવાદ ખાતે સરદારધામની ઈ-લાઇબ્રેરીનાં ઉદ્ઘાટન સમયે કહી હતી, જેના કારણે વાદવિવાદ પણ થયો હતો.

કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા. મૃતકો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતી વખતે કાતિલ ઠંડીનો ભોગ બન્યા હતા.

બેરોજગારીનું એક માપ એના પરથી પણ નીકળે છે કે અમુક હજાર ખાલી જગ્યા પર ભરતી બહાર પડે છે ત્યારે ત્યાં નોકરી મેળવવા લાખોની સંખ્યામાં યુવાઓ ફોર્મ ભરે છે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બેરોજગારીનું એક માપ એના પરથી પણ નીકળે છે કે અમુક હજાર ખાલી જગ્યા પર ભરતી બહાર પડે છે ત્યારે ત્યાં નોકરી મેળવવા લાખોની સંખ્યામાં યુવાઓ ફોર્મ ભરે છે.

આ ઘટનાની સમાંતર ઉત્તર ગુજરાતના કલોલના ડીંગુચાનો એક પરિવાર પરદેશ ગયો ગુમ થઈ ગયો હોવાની વાત સામે આવી છે.

એવો દાવો કરાઈ રહ્યો છે કે કૅનેડાની આકરી ઠંડીમાં એ જ પરિવાર થીજીને મૃત્યુ પામ્યો છે. એ સંદર્ભે નીતિન પટેલે આ વાત કહી હતી. ડીંગુચાના પરિવાર મામલે સરકારે હજુ સુધી કોઈ ઔપચારિક સ્પષ્ટતા નથી કરી.

વિવાદ વકરતા નીતિનભાઈએ એવો બચાવ પણ કર્યો હતો કે, "વિદેશ જવા માટે ટૂંકો રસ્તો કેટલાંક પરિવારો અપનાવે છે એમાં કોઈક વખત દુઃખદ ઘટના બનતી હોય છે. "

"આપણા દેશમાં અને રાજ્યમાં આવા યુવાનોને વધુને વધુ નોકરીની તક મળે તો તેઓ પરિવારને સુખી કરી શકે. એવી વ્યવસ્થા થાય એ માટે રાજ્ય સરકાર, ભારત સરકાર અને સામાજિક સંસ્થાઓ સતત પ્રયાસ કરતી હોય છે."

નીતિનભાઈએ ભલે બચાવ કર્યો હોય પણ વિદેશ જવા માટે ગુજરાતીઓની સંખ્યા દર વર્ષે જે રીતે વધી રહી છે એ આંકડા જ કહે છે કે નીતિનભાઈએ સરદારધામમાં કહી હતી એ વાતમાં તથ્ય છે.

line

આંકડામાં ઇમિગ્રેશન

દેશમાં ભલે ગુજરાતને ગ્રૉથ એન્જીન તરીકે રજૂ કરવામાં આવતું હોય પણ રાજ્યમાં બેરોજગારી પણ વ્યાપક છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દેશમાં ભલે ગુજરાતને ગ્રૉથ એન્જીન તરીકે રજૂ કરવામાં આવતું હોય પણ રાજ્યમાં બેરોજગારી પણ વ્યાપક છે.

સેન્ટર ફૉર ઇમિગ્રેશન સ્ટડીઝ નામની સંસ્થાનો એક રિપોર્ટ સપ્ટેમ્બર-2018માં પ્રકાશિત થયો હતો જેમાં અમેરિકામાં રહેતા તથા અન્ય ભાષા બોલતા લોકોની વિગત છે.

જેમાં વર્ષ 2017માં અમેરિકામાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ચાર લાખ 34 હજાર 264 દર્શાવવામાં આવી હતી.

તબક્કાવાર જોઈએ તો આ આંકડો વર્ષ 2000માં બે લાખ 35 હજાર 988નો હતો. જે 2010માં વધીને 3,56,394 પર પહોંચ્યો હતો. જે દર્શાવે છે કે વર્ષ 2010 થી 2017ના સાત વર્ષના ગાળામાં અમેરિકામાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો હતો. અલબત, ત્યાં પંજાબી અને દક્ષિણ ભારતીય ભાષા બોલનારા લોકોની સંખ્યા પણ વધી છે.

દેશદેશાવરમાં ગુજરાતીઓ પહોંચી ગયા છે. ઢોકળા અને ખાખરાની નાની-મોટી દુકાનો ખુલી ગઈ છે. આ વાત જેટલી હરખ પમાડે છે એટલી જ આંચકો પણ પમાડે છે.

થોડા વિગતમાં ઉતરીએ. ગુજરાતમાંથી વિદેશ જનારાઓમાં મોટો વર્ગ વિદ્યાર્થીઓનો છે. પહેલી જાન્યુઆરી 2016થી ફેબ્રુઆરી 2021 દરમિયાન ગુજરાતમાંથી એક લાખ 77 હજાર 529 વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશ ગયા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વૈશ્વિક મહામારીને લીધે વર્ષ 2020માં વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હતી, પણ વર્ષ 2016 થી 2019 સુધીના આંકડા પર નજર કરીએ તો સંખ્યા ઉત્તરોત્તર વધી જ છે.

ગુજરાતમાંથી 2016માં 24 હજાર 775, 2017માં 33 હજાર 751, 2018માં 41 હજાર 413, જ્યારે 2019માં 48 હજાર 51 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા.

વિદેશ જવા ઇચ્છુકોને માર્ગદર્શન પૂરું પાડતી સંસ્થા કૅમ્પસનાઇટના પ્રોપ્રાઇટર જયદીપ શાહ બીબીસીને જણાવે છે, "વિદેશ જનારાઓમાં વિદ્યાર્થીઓનો વર્ગ એટલા માટે વધુ છે, કેમકે તેમની ઇચ્છા ત્યાં ઊચ્ચ અભ્યાસની હોય છે. જેમાંથી 80-90 ટકા લોકો પછી ત્યાં જ વસવાટ કરી લે છે. જુદા-જુદા દેશ પણ ઇચ્છતા હોય છે કે તેમને ત્યાં વિદ્યાર્થીઓ ભણવા આવે કારણ કે, તેમની પાસેથી મોટાપાયે વિદેશીભંડોળ આવે છે. ત્યાંની સરકાર પણ એવું ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ત્યાં જ વસે, જેથી તેમના અભ્યાસનો લાભ મળે અને સંસાધનોની જરૂરિયાત પૂરી થાય."

line

ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર રાજ્ય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં છ લાખ કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ આવ્યું છે.

અગાઉના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સપ્ટેમ્બર-2019માં દાવો કર્યો હતો કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાત રોજગારી આપવામાં નંબર વન રાજ્ય છે.

હાલનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2021માં કહ્યું હતું, "ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં 17 લાખ 31 હજાર લોકોને રોજગારી આપી છે. વર્ષ 2021માં એક લાખ 66 હજાર લોકોને ગુજરાતે રોજગારી આપી છે."

ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં છ લાખ કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ આવ્યું છે. વિગતે જોઈએ તો વર્ષ 2017થી 2021 સુધી પાંચ લાખ 99 હજાર 121 કરોડનું મૂડીરોકાણ રાજ્યમાં આવ્યું છે. આ આંકડા કેન્દ્ર સરકારના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ (ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ઍન્ડ પ્રમૉશન) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

એમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં 1744 ઇન્ડસ્ટ્રિયલ આંત્રપ્રિનિયૉર મૅમોરૅન્ડમ મળ્યા છે. જે દેશના કુલ મૂડીરોકાણનો 25 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, જેમાંથી એક હજાર 218 અરજી અમલી બની હતી, જેમાં કુલ ત્રણ લાખ 41 હજાર 227 કરોડનું મૂડીરોકાણ થયું હતું.

વાસ્તવિક રીતે સરેરાશ સાડા ત્રણ લાખ કરોડનું મૂડીરોકાણ થયું હોય તો એ પણ નોંધપાત્ર મૂડીરોકાણ કહેવાય.

એક તરફ ગુજરાતને મૉડલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવતું હોય. રાજ્યમાં રોકાણના આંકડા હરખ પમાડે એવા હોય છતાં વિદેશ જનારાઓની સંખ્યા વધી રહી હોય તો એ આશ્ચર્ય પમાડે એવું છે.

આનું કારણ જાણવા ખેડા જિલ્લાનાં રોજગાર અધિકારી ડીકે ભટ્ટ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું, "વિદેશ જવા માટે દરેક લોકો પાસે અલગ-અલગ કારણ હોય છે. કોઈને એમ લાગતું હોય કે વિદેશમાં વધારે સ્કૉપ છે એટલે જતા હોય છે. અમારે ત્યાં આણંદમાં ધર્મજ નામનું ગામ છે ત્યાંથી ઘણા લોકો વિદેશ ગયા છે."

"દરેક ઘરમાંથી એક-બે જણા વિદેશમાં હોય તો તેમને એવું હોય કે ત્યાં જઈએ. ત્યાં સરળતાથી ગોઠવાઈ શકતા હોય તેથી પણ જતા હોય છે."

line

નોકરીમાં સ્પર્ધા અને રાજકારણથી ત્રસ્ત યુવા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વસતિ અને નોકરીધંધામાં વધી રહેલી ગળાકાપ સ્પર્ધા પણ લોકો માટે વિદેશ જવાનું કારણ બન્યા છે.

જયદીપ શાહ કહે છે, "નોકરીઓમાં એ હદે સ્પર્ધા અને રાજકારણ વધી ગયા છે એનાથી કંટાળીને લોકો હવે વિદેશની વાટ પકડતાં થયા છે. આજે અહીં વસતી અને સ્પર્ધા ખૂબ વધી ગયાં છે."

"સ્પર્ધાને કારણે એક હતાશા આવી રહી છે. હવે તો એમઈ અને એમ ફાર્મ જેવા વિષયોમાં માસ્ટર્સ અને પીએચડી કરનારા લોકો પણ વિદેશ જવા માટે અરજી કરવા માંડ્યા છે."

"સારો અભ્યાસ અને નોકરી ધરાવતાં લોકો જ્યારે વિદેશ જવા માટે અમારી પાસે માર્ગદર્શન મેળવવા આવે ત્યારે અમને પણ સવાલ થાય છે કે આવું કેમ? પછી તેમની પાસેથી જવાબ મળતો હોય છે કે તેમની પાસે સારી જૉબ છે, પણ કામ કે નૉલેજ - આવડત પ્રમાણે તેમનો જે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એ થઈ નથી રહ્યો એવું તેમને લાગે છે."

"તેમનામાં હતાશા પણ જોવા મળે છે. તેમને લાગે છે કે કામ અને જીવન વચ્ચેનું સંતુલન નથી મળી રહ્યું. જેને કારણે તેઓ વિદેશ જવાનું મન બનાવે છે."

line

ચાર લાખથી વધુ શિક્ષિત બેરોજગાર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

દેશમાં ભલે ગુજરાતને 'ગ્રૉથ એન્જિન' તરીકે રજૂ કરવામાં આવતું હોય, પણ રાજ્યમાં બેરોજગારી પણ વ્યાપક છે. ગુજરાતીઓ વિદેશ જવાનો નિર્ધાર કરે છે એનું મહત્ત્વનું કારણ એ પણ છે. ગુજરાતમાં ચાર લાખથી વધુ બેરોજગારો છે અને તેમાંનાં મોટા ભાગના શિક્ષિત છે.

ગત વર્ષે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાળના સવાલના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે રાજ્યમાં ચાર લાખ છ હજાર સાત નોંધાયેલા બેરોજગાર હતા, જેમાંથી ત્રણ લાખ 85 હજાર 506 શિક્ષિત બેરોજગાર હતા.

રાજ્ય સરકાર વારંવાર એવું કહે છે કે ગુજરાતમાં બેરોજગારી દર ઓછો છે ત્યારે બીજી બાબત એ છે કે વિકાસનું મૉડલ ગણાતા ગુજરાતમાં ચાર લાખ બેરોજગારો એ કોઈ નાનો આંકડો કહેવાય?

બેરોજગારી સામે ગુજરાતમાં આંદોલનો થયા છે. ખાલી પડેલી નોકરીઓની ભરતી કરવામાં આવે એ મુદ્દે યુવાઓએ રસ્તા પર અને સોશિયલ મિડિયા પર આંદોલનો કર્યા છે. બેરોજગારીનું એક માપ એના પરથી પણ નીકળે છે કે અમુક હજાર ખાલી જગ્યા પર ભરતી બહાર પડે છે ત્યારે ત્યાં નોકરી મેળવવા લાખોની સંખ્યામાં યુવા ફૉર્મ ભરે છે.

લોકરક્ષક દળની 10 હજાર 459 જગ્યા માટે નવ લાખ 46 હજાર જેટલા ફૉર્મ ભરાયા હતા. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઑફિસ આસિસ્ટન્ટની અંદાજે ત્રણ હજાર 900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં અંદાજિત 10 લાખ 45 હજાર ઉમેદવારોએ ફૉર્મ ભર્યા હતા.

ગુજરાતમાં ત્રણ માર્ચ 2021ના રોજ વિધાનસભામાં જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ને લગતો એક પ્રશ્ન પૂછાયો હતો. જેમાં જવાબ મળ્યો હતો કે રાજ્યમાં વિવિધ જીઆઈડીસીમાં બે હજાર 114 ઉદ્યોગ બંધ થયા છે.

આમ, સરવાળે જોઈએ તો વિદેશ જવાની ઇચ્છા ગુજરાતીઓમાં વધી હોય તો એનાં ઘણાં કારણ છે. કોઈની પાસે ડીગ્રી છે તો નોકરી નથી. કોઈની પાસે સારી ડીગ્રી છે તો નોકરીમાં થઈ રહેલા દાવપેચ અને સ્પર્ધાને કારણે તે વિદેશ જવા ઇચ્છે છે.

વિદેશ જવાની લ્હાયમાં જ્યારે કોઈ ગેરકાયદે રસ્તો અપનાવે ત્યારે ક્યારેક હચમચાવી દેનારી ઘટનાઓ સામે આવતી હોય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો