ભારતનું અર્થતંત્ર બ્રિટન કરતાં મોટું થયું તો ખુશ થવા જેવી વાત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત બ્રિટનને પછાડીને ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના સંદર્ભમાં વિશ્વના પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.
બ્લૂમબર્ગના તાજેતરના ડેટા અનુસાર, ભારતે માર્ચ 2022ના અંતમાં બ્રિટનને પાછળ છોડી દીધું હતું. ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઈએમએફ)ના ડેટાના આધારે બ્લૂમબર્ગે આ તારણ કાઢ્યું છે.
બ્લૂમબર્ગ અનુસાર, આ વર્ષના માર્ચના અંતે ભારતની અર્થવ્યવસ્થા 854.7 અબજ ડૉલરની હતી, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા 816 અબજ ડૉલરની હતી.
બ્લૂમબર્ગના અંદાજ મુજબ, ભારત આગામી કેટલાંક વર્ષોમાં યુકેની અર્થવ્યવસ્થા કરતાં ઘણું આગળ નીકળી જશે.
ઑગસ્ટમાં ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.


ભારતની અર્થવ્યવસ્થા બ્રિટન કરતાં મોટી થઈ, તેમાં ખુશ થવા જેવી વાત શું છે?

- ભારત બ્રિટનને પછાડીને ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના સંદર્ભમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે
- આ વર્ષના માર્ચના અંતે ભારતની અર્થવ્યવસ્થા 854.7 અબજ ડૉલરની હતી, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા 816 અબજ ડૉલરની હતી
- બ્રિટનની વસ્તી પોણા સાત કરોડ જેટલી છે અને ભારતની વસ્તી હાલમાં લગભગ 138 કરોડ જેટલી છે
- યુકેમાં આજે પણ પ્રતિ વ્યક્તિ આવક 45 હજાર ડૉલર ઉપર છે જે ભારતમાં આજે પણ દર વર્ષે માત્ર બે હજાર ડૉલર છે.
- વિશ્લેષકો માને છે કે ભારત બ્રિટન કરતાં મોટું અર્થતંત્ર બને તેમાં કોઈ મોટી વાત નથી કારણ કે સમૃદ્ધિની બાબતમાં ભારત હજુ પણ બ્રિટન કરતાં 20 ગણું પાછળ છે
- કોવિડ મહામારી અને યુક્રેનમાં યુદ્ધ છતાં ભારતની અર્થવ્યવસ્થાની પ્રગતિ એ સંકેત છે કે ભારત સાચી દિશામાં આગળ વધી રહ્યું છે
- પરંતુ જો આ જ રીતે ભારતની અર્થવ્યવસ્થા આગામી ચાર-પાંચ વર્ષ સુધી આગળ વધતી રહેશે તો પણ માથાદીઠ આવકમાં પશ્ચિમી દેશોની સરખામણીએ પહોંચવામાં ઘણો સમય લાગશે
- ભારતમાં સંગઠિત ક્ષેત્ર એટલે કે કૉર્પોરેટ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે પરંતુ અસંગઠિત ક્ષેત્ર પાછળ જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે આપણું વિતરણ સતત બગડી રહ્યું છે. ઉચ્ચ વર્ગ સારો દેખાવ કરી રહ્યો છે, તેની આવક વધી રહી છે. પરંતુ નિમ્ન વર્ગ ગરીબ બની રહ્યો છે
- નોકરીઓમાં મહિલાઓની ઓછી ભાગીદારી પણ ભારતીય અર્થતંત્ર સામે એક મોટો પડકાર છે

માથાદીઠ આવકમાં ભારત ઘણું પાછળ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનની વસ્તી પોણા સાત કરોડ જેટલી છે અને ભારતની વસ્તી હાલમાં લગભગ 138 કરોડ જેટલી છે.
વિશ્લેષકો માને છે કે ભારત બ્રિટન કરતાં મોટું અર્થતંત્ર બને તેમાં કોઈ મોટી વાત નથી કારણ કે સમૃદ્ધિની બાબતમાં ભારત હજુ પણ બ્રિટન કરતાં વીસ ગણું પાછળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર અને આર્થિક વિશ્લેષક એમ.કે. વેણુ કહે છે, "ભારત અર્થવ્યવસ્થાના કુલ કદના સંદર્ભમાં યુકેને પાછળ છોડી દેશે તે નિશ્ચિત જ હતું. મહત્ત્વનો મુદ્દો લોકોની આર્થિક સ્થિતિનો છે. યુકેમાં આજે પણ પ્રતિ વ્યક્તિ આવક 45 હજાર ડૉલર કરતાં વધુ છે જે ભારતમાં આજે પણ દર વર્ષે માત્ર બે હજાર ડૉલર છે."
વેણુ કહે છે, "જો વાસ્તવિક સરખામણી કરવી હોય તો માથાદીઠ આવકની કરવી જોઈએ. ભારત આજે પણ આ સ્કૅલ પર યુકે કરતાં ઘણું પાછળ છે. ભારત હજુ પણ માથાદીઠ આવકના સંદર્ભમાં સૌથી પછાત દેશોમાં આવે છે. આ પરિસ્થિતિમાં એવું કહેવું ખોટું છે કે અર્થતંત્રની બાબતમાં ભારત બ્રિટન કરતાં આગળ નીકળી ગયું છે."
જેએનયુમાં પ્રોફેસર અને આર્થિક બાબતોના નિષ્ણાત અરુણકુમાર કહે છે, "ભારતની વસ્તી યુકે કરતાં લગભગ 20 ગણી છે અને આપણી જીડીપી લગભગ તેમની બરાબર છે, તો તેનો અર્થ એ છે કે માથાદીઠ આવકમાં આપણે તેનાથી 20 ગણા પાછળ છીએ. એવામાં બ્રિટન અને ભારતની અર્થવ્યવસ્થાની સરખામણી જ કરવી યોગ્ય નથી. આ સરખામણી જ ખોટી છે. ભારત અને યુકેની જીડીપીની તુલના કરી શકાય પણ સમૃદ્ધિની નહીં. માથાદીઠ આવકમાં આપણે યુકે કરતાં ઘણા પાછળ છીએ."

પડકારો વચ્ચે ભારતની આગેકૂચ

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટૉક માર્કેટ-ટ્રૅકિંગ કંપની કેડિયા કૅપિટલના રિસર્ચ હેડ અજય કેડિયાનું માનવું છે કે કોવિડ મહામારી અને યુક્રેનમાં યુદ્ધ છતાં ભારતની અર્થવ્યવસ્થાની પ્રગતિ એ સંકેત છે કે ભારત સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.
અજય કેડિયા કહે છે, "મહત્ત્વની વાત એ છે કે ભારતે ગયા મહિને જ 75મો સ્વતંત્રતા દિવસ ઊજવ્યો છે. પહેલાં આપણને વિકાસશીલ અથવા પછાત દેશ તરીકે જોવામાં આવતા હતા. પરંતુ હવે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. એવું જોવામાં મળ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં અથવા 1990ના દાયકામાં ભારતે લીધેલાં પગલાંની અસર જોવા મળી રહી છે. ભારતના વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે. 90ના દાયકામાં ભારત પાસે મર્યાદિત અનામત હતી પરંતુ આજે ભારત સૌથી મોટા વિદેશી મુદ્રા ભંડારમાં ચોથા નંબરે છે."
અજય કેડિયા કહે છે, "જ્યારે બ્રિટન અને પશ્ચિમ યુરોપિયન દેશોની અર્થવ્યવસ્થા સંકોચાઈ રહી છે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા સતત પ્રગતિ કરી રહી છે. તમામ પડકારો છતાં ભારતે તેનો વિકાસ દર જાળવી રાખ્યો છે."
એમ. કે. વેણુ કહે છે, "અત્યારે પશ્ચિમી દેશોની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનો પણ ભારતને ફાયદો થયો છે. ભારતની અર્થવ્યવસ્થા સતત આગળ વધી રહી છે. પરંતુ જો આ જ રીતે ભારતની અર્થવ્યવસ્થા આગામી ચાર-પાંચ વર્ષ સુધી આગળ વધતી રહેશે તો પણ માથાદીઠ આવકમાં પશ્ચિમી દેશોની સરખામણીએ પહોંચવામાં ઘણો સમય લાગશે."

યુક્રેન યુદ્ધની અસર
યુક્રેનમાં યુદ્ધની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓ પર પડી છે. માત્ર પશ્ચિમી દેશો જ નહીં પરંતુ દક્ષિણ એશિયા પણ તેનાથી પ્રભાવિત છે.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંકટમાં છે. પાકિસ્તાન વિવિધ કારણોસર બરબાદીના આરે પહોંચી ગયું છે. અનેક મોરચે સારી રીતે કામ કરી રહેલી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પણ પડકારોનો સામનો કરી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થા દક્ષિણ એશિયાના દેશો કરતાં વધુ સ્થિર અને સારી સ્થિતિમાં છે. જોકે, વિશ્લેષકો માને છે કે ભારતની તુલના અન્ય દક્ષિણ એશિયન દેશો સાથે થઈ શકે તેમ નથી.
અજય કેડિયા કહે છે, "જો આપણે દક્ષિણ એશિયાની વાત કરીએ, તો છેલ્લાં એક-બે વર્ષમાં આપણે જોયું છે કે જે અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી હતી તે પણ પ્રભાવિત થઈ છે. ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી, મોંઘવારીની અસર બધે દેખાવા લાગી છે. પરંતુ ભારતે આ પ્રભાવોને ઘણી હદ સુધી મર્યાદિત કર્યો છે. ભારતની તુલના શ્રીલંકા, બાંગ્લાદેશ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાઓ સાથે કરી શકાય નહીં કારણ કે ભારતનું અર્થતંત્ર આ તમામ પડોશી દેશો કરતાં ઘણું મોટું છે."
અરુણકુમાર પણ કહે છે, "ભારતની અર્થવ્યવસ્થાની તુલના દક્ષિણ એશિયાના અન્ય કોઈ દેશ સાથે થઈ શકે નહીં. કારણ કે ભારતની ઉત્પાદન ક્ષમતા શ્રીલંકા, પાકિસ્તાન કે બાંગ્લાદેશ કરતાં ઘણી વધારે છે."
કેડિયા એમ પણ માને છે કે ભારત પોતાની વિદેશનીતિ અને વ્યૂહરચનાથી યુક્રેન યુદ્ધની અસરને ઘણી હદ સુધી મર્યાદિત કરવામાં સફળ રહ્યું છે.
કેડિયા કહે છે, "એક સમય એવો હતો કે જ્યારે આપણે દવાઓ માટે અન્ય દેશો પર નિર્ભર હતા. આપણે પોલિયો પ્રોગ્રામ માટે બહારથી મદદ લેતા હતા પરંતુ કોવિડ મહામારી દરમિયાન, ભારત આત્મનિર્ભર બનીને બહાર આવ્યું. કોવિડ મહામારી અને યુક્રેન યુદ્ધે અર્થવ્યવસ્થાને અસર કરી. યુક્રેન યુદ્ધમાં ભારત તટસ્થ રહ્યું છે અને તેનો ફાયદો ભારતને મળી રહ્યો છે."
અરુણકુમારનું કહેવું છે કે યુક્રેન યુદ્ધ હજુ લાંબા સમય સુધી ચાલી શકે છે અને તેની અસર ભારત પર પણ પડી શકે છે.
અરુણકુમાર કહે છે, "યુક્રેનમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. તેની પાછળ બે મહાસત્તા છે. એક તરફ યુરોપ અને અમેરિકા યુક્રેનની સાથે છે અને બીજી બાજુ રશિયા છે. આ યુદ્ધમાં કોઈ પક્ષ હારવા માંગતો નથી, જેવો તે હારની નજીક આવશે કે તરત વધુ ગંભીર પગલાં લેશે. આનાથી આર્થિક કટોકટી વધુ ઘેરી બનશે. આ એક રીતે એક નવું શીતયુદ્ધ શરૂ થયું છે અને તેની અસર ભારત સહિત વિશ્વના દેશોને થશે તે નિશ્ચિત છે. ભારતે જાળવીને પગલાં ભરવાં પડશે.

આંકડા પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત જીડીપીના સંદર્ભમાં બ્રિટનને પછાડીને પાંચમા સ્થાને પહોંચી ગયું છે, પરંતુ કેટલાક વિશ્લેષકો આ આંકડાઓ પર શંકા વ્યક્ત કરે છે.
અરુણકુમાર કહે છે, "2019-20 પહેલાં પણ આપણે ધારતા હતા કે આપણે બ્રિટનથી આગળ નીકળી જઈશું પરંતુ પછી કોવિડ મહામારી આવી અને અર્થવ્યવસ્થા નીચે આવી. હવે સરકાર કહી રહી છે કે અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવી ગઈ છે અને આગળ વધી રહી છે. સાત સાડા સાત ટકાનો વિકાસ દર છે. પરંતુ આ આંકડાઓ માત્ર સંગઠિત ક્ષેત્ર પર આધારિત છે. તેમાં અસંગઠિત ક્ષેત્રનો સમાવેશ થતો નથી."
અરુણકુમાર કહે છે, "મારા અનુમાન પ્રમાણે, વાસ્તવિક આંકડામાં ભારતની અર્થવ્યવસ્થા પાંચમાથી સાતમા સ્થાને જતી રહી હશે કારણ કે ભારતમાં 94 ટકા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને તે દેશના ઉત્પાદનમાં 45 ટકા હિસ્સો ધરાવે છે. કેટલાંક વર્ષોથી અસંગઠિત ક્ષેત્રમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન આ ક્ષેત્રમાં ઘટાડો થયો છે. પરંતુ આ આંકડા આપણા મૂલ્યાંકનમાં સમાવિષ્ટ નથી. આપણે ફક્ત સંગઠિત ક્ષેત્રના આંકડાઓનો સમાવેશ કરીએ છીએ."
બ્લૂમબર્ગે આઈએમએફ ડેટાના આધારે ભારતની અર્થવ્યવસ્થા વિશે નવીન મૂલ્યાંકન કર્યું છે. આ અંગે સવાલ ઉઠાવતાં અરુણકુમાર કહે છે, "આઈએમએફના ડેટાના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણે પાંચમા સ્થાને આવી ગયા છીએ, પરંતુ આઈએમએફ પાસે પોતાનો કોઈ ડેટા નથી, જો સરકારી આંકડાના આધારે ગણતરી કરીએ તો એ તો બહુ સ્પષ્ટ છે કે ભારતમાં સંગઠિત ક્ષેત્ર એટલે કે કૉર્પોરેટ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે પરંતુ અસંગઠિત ક્ષેત્ર પાછળ જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે આપણું વિતરણ સતત બગડી રહ્યું છે. ઉચ્ચ વર્ગ સારો દેખાવ કરી રહ્યો છે, તેની આવક વધી રહી છે. પરંતુ નિમ્ન વર્ગ ગરીબ બની રહ્યો છે."

ભારતમાં આર્થિક અસમાનતા વધી

ભારતના લેબર પૉર્ટલ પર 27.5 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. તેમાંથી 94% લોકોએ કહ્યું છે કે તેઓ દર મહિને દસ હજાર રૂપિયાથી ઓછી કમાણી કરે છે.
પ્રોફેસર અરુણકુમાર કહે છે, "હકીકતમાં, તેમની આવકમાં ઘટાડો થયો છે કારણ કે મોંઘવારી વધી રહી છે. જ્યારે મોંઘવારી વધે છે, ત્યારે સંગઠિત ક્ષેત્રમાં મોંઘવારી ભથ્થું મળે છે, પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં પગાર વધતો નથી. આવી સ્થિતિમાં મોંઘવારીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા કામદારની ખરીદશક્તિમાં વધુ ઘટાડો થાય છે. બીજી તરફ આપણા અબજોપતિઓની સંપત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. એકંદરે જોઈએ તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે."
ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું છે પરંતુ વિશ્લેષકો માને છે કે દરેકને સમાન લાભ નથી મળી રહ્યો.
એમ.કે. વેણુ કહે છે, "ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન, સેવાઓ અને ડિજિટલ અર્થવ્યવસ્થા વધી રહી છે, પરંતુ સવાલ એ છે કે તેનો લાભ કેટલા લોકો સુધી પહોંચી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતમાં 90 ટકાથી વધુ લોકો એવા છે જેઓ દસ હજાર રૂપિયાથી પણ ઓછું કમાય છે. આ લોકો તેમની રોજિંદી જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે."

ભારત સામે પડકારો

ઇમેજ સ્રોત, AFP
કોવિડ મહામારી પછી ભારતમાં રોજગાર સંકટ ખૂબ જ ગંભીર બની ગયું છે. યુવાનોને નોકરી માટે રસ્તા પર ઊતરવું પડે છે.
સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી અનુસાર, જુલાઈ 2022માં ભારતમાં બેરોજગારીનો દર 6.80 ટકા હતો. જૂનમાં આ દર 7.80 ટકા હતો.
વિશ્લેષકોનું માનવું છે કે ભારતની અર્થવ્યવસ્થા સામે હજુ પણ અનેક મોટા પડકારો છે.
અરુણકુમાર કહે છે, "ભારતની અર્થવ્યવસ્થાનો અત્યારે સૌથી મોટો પડકાર બેરોજગારી છે. યુવા હતાશ છે. આ યુવાઓને અસંગઠિત ક્ષેત્રમાં જ સૌથી વધુ કામ મળવાનું છે. અસંગઠિત ક્ષેત્ર નબળું પડી રહ્યું છે અને બેરોજગારી પણ વધી રહી છે."
તે જ સમયે, નોકરીઓમાં મહિલાઓની ઓછી ભાગીદારી પણ ભારતીય અર્થતંત્ર સામે એક મોટો પડકાર છે.
એમ.કે. વેણુ કહે છે, "ભારતના શ્રમ બજારમાં મહિલાઓની ભાગીદારી વિશ્વના પ્રમાણની તુલનામાં સૌથી ઓછી છે. માત્ર 19 ટકા મહિલાઓ જૉબ માર્કેટમાં છે. યુપી અને બિહાર જેવાં રાજ્યોમાં તો તે દસ ટકાથી પણ ઓછી છે. જ્યાં સુધી અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી નહીં વધે ત્યાં સુધી ભારતીય અર્થતંત્ર સામે પડકારો રહેશે."
બીજી તરફ અજય કેડિયા માને છે કે પડકારો હોવા છતાં પણ ભારત આર્થિક રીતે સાચી દિશામાં કામ કરી રહ્યું છે.
કેડિયા કહે છે, "ભારત ચોક્કસપણે પડકારોનો સામનો કરી રહ્યું છે પરંતુ એવું કહી શકાય કે ભારત સાચી દિશામાં કામ કરી રહ્યું છે અને આગામી થોડાં વર્ષોમાં પણ ભારત આ જ ગતિથી આગળ વધતું રહેશે. આપણે માથાદીઠ આવકના મામલે હજુ પણ ઘણા પાછળ છીએ અને આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે પરંતુ અહીં પણ હકારાત્મક બાબત એ છે કે આપણી પાસે કરવા માટે ઘણું બધું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














