લિઝ ટ્રસ બન્યાં કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા, બનશે બ્રિટનનાં નવાં વડાં પ્રધાન

વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન બહાર લિઝ ટ્રસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન બહાર લિઝ ટ્રસ

લિઝ ટ્રસ બ્રિટનનાં નવાં વડા પ્રધાન બનશે. તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમને પોતાનાં નવાં નેતા ચૂંટી કાઢ્યાં છે. પાર્ટીના સર ગ્રેહામ બ્રેડીએ વેસ્ટમિનિસ્ટરના ક્વીન ઍલિઝાબેથ સેન્ટરમાં આ અંગેની જાહેરાત કરી છે. ટ્રસનો મુકબલો ઋષિ સુનક સાથે હતો. જોકે, ગત કેટલાક દિવસોથી એવો અંદાજ લગાવાઈ રહ્યો હતો કે બહુમતી ટ્રસ સાથે છે.

લિઝ ટ્રસ ભારતીય મૂળના ઋષિ સુનક સામેની સ્પર્ધામાં 80 હજાર કરતાં વધુ મત મળ્યા હતા. લિઝ ટ્રસને કુલ 81,326 અને સુનકને 60,399 મત મળ્યા હતા.

કુલ મતદારો પૈકી 82.6 ટકાએ મતદાન કર્યું હતું.

આમ અંતે લિઝ ટ્રસ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનાં લીડરની ચૂંટણી જીત્યાં હતાં.

તેઓ મંગળવારે બાલમોરલ ખાતે બ્રિટનનાં મહારાણી સાથેની મુલાકાત બાદ વડાં પ્રધાન બનશે. જ્યાં તેઓ યુકેમાં સરકાર બનાવવાના આમંત્રણ સંદર્ભે જશે.

સાત વર્ષની ઉંમરે લિઝ ટ્રસે પોતાની સ્કૂલમાં એક મૉક ઇલેક્શન દરમિયાન બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન મારગ્રેટ થેચરની ભૂમિકા ભજવી હતી.

થેચરે 1983માં મોટી બહુમત સાથે જીત હાંસલ કરી હતી પરંતુ ટ્રસ એમ કરી શક્યાં નહોતાં. આ વિશે ઘણાં વર્ષો બાદ વાત કરતાં ટ્રસે કહ્યું, "મેં તકનો લાભ ઉઠાવીને એક ભાવનાત્મક ભાષણ આપ્યું પરંતુ મને એક પણ મત મળ્યો નહોતો. મેં પણ ખુદને મત આપ્યો ન હતો."

39 વર્ષ બાદ તેમને આયર્ન લૅડી થેચરનાં પદચિહ્નો પર ચાલવાની તક મળી છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા અને દેશનાં વડાં પ્રધાન બનશે.

પાર્ટીના સાંસદોના મતદાનના પાંચ રાઉન્ડમાં તેમણે પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને પાછળ છોડી દીધા ત્યારે જાણકારો તેમને વિજેતા તરીકે જોવા લાગ્યા હતા.

તેમણે અલગ-અલગ બેઠકોમાં ઘણા ઍસોસિયેશનો સાથે સારા સંબંધ બનાવ્યા છે.

ઘણા મામલામાં તેઓ એક કન્ઝર્વેટિવ પાર્ટીનાં પારંપરિક સાંસદ કરતાં અલગ રહ્યાં છે.

મૅરી એલિઝાબેથ ટ્રસનો જન્મ 1975માં ઑક્સફર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતશાસ્ત્રી અને માતા નર્સ હતાં. ટ્રસ પ્રમાણે તેઓ 'ડાબેરી' હતાં.

લાઇન

લિઝ ટ્રસ વિશે કેટલીક જાણકારી

લાઇન
  • ઉંમર: 47
  • જન્મ સ્થળ: ઑક્સફોર્ડ
  • ઘર: લંડન અને નૉરફોક
  • અભ્યાસ: રાઉન્ડ હે સ્કૂલ, લીડ્સ, ઑક્સફર્ડ યુનિવર્સિટી
  • પરિવાર: ઍકાઉન્ટન્ટ હ્યૂગ ઓ લૅરી સાથે લગ્ન, બે બાળકીઓનાં માતા
  • સંસદીય ક્ષેત્ર: સાઉથ વેસ્ટ નૉરફોક

લિઝ જ્યારે પાંચ વર્ષનાં હતાં, ત્યારે તેમનો પરિવાર ગ્લાસગો પાસેના પૅસલેમાં શિફ્ટ થઈ ગયો હતો.

બીબીસી રેડિયો ફોર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના ભાઈ અને પરિવારને બોર્ડ ગેમ્સ રમવી પસંદ હતી પરંતુ કિશોરાવસ્થામાં ટ્રસને હારવું બિલકુલ પસંદ ન હતું અને તેઓ હારવા કરતાં ભાગી જવું પસંદ કરતાં હતાં.

બાદમાં તેમનો પરિવાર લીડ્સ ચાલ્યો ગયો હતો. જ્યાં તેમણે રાઉન્ડ હે સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમના પ્રમાણે આ દરમિયાન તેમણે "નાપાસ થતાં અને આશાઓ તળે દબાયેલાં બાળકો જોયાં હતાં."

જોકે, ટ્રસ સાથે ત્યાં અભ્યાસ કરનારા કેટલાક લોકો આ વાતને માનતા નથી. તેમાં ગાર્ડિયનના પત્રકાર પૅંગલી સામેલ છે. તેમણે લખ્યું, "તેઓ પોતાના જીવનની ગણતરીની ઘટનાઓ જણાવે છે અને આરામથી પોતાની સ્કૂલ અને ત્યાંના શિક્ષકો, જેમણે તેમનાં પાલન-પોષણમાં મદદ કરી, તેમને પોતાના રાજકીય ફાયદા માટે નીચું દેખાડી રહ્યાં છે."

ટ્રસે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ફિલૉસૉફી, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન પણ રાજકારણમાં ઘણાં સક્રિય હતાં. શરૂઆતમાં તેઓ લિબરલ ડેમૉક્રેટ હતાં.

1994માં પાર્ટીની કૉન્ફરન્સમાં બોલતી વખતે તેમણે રાજાશાહીને ખતમ કરવાના પક્ષમાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું, "અમે લિબરલ ડેમૉક્રેટ માટે સમાન તકના પક્ષમાં છીએ. અમે નથી માનતા કે કેટલાક લોકોનો જન્મ જ રાજ કરવા માટે થયો છે."

લાઇન

બ્રિટનનાં નવાં વડાં પ્રધાન બની શકે છે લિઝ ટ્રસ, તેમના વિશે કેટલું જાણો છો આપ?

લાઇન
  • બ્રિટનના નવા વડા પ્રધાનની રેસ લીઝ ટ્રસ જીત્યાં
  • ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ ઋષિ સુનક અને તેમના વચ્ચે પદ માટે જંગ જામ્યો હતો
  • તેઓ તેમની કારકિર્દીની પ્રથમ બે ચૂંટણીઓ હારી ચૂક્યાં છે
  • ટ્રસના કેટલાક નિર્ણયોની આકરી ટીકા પણ થઈ ચૂકી છે
  • ઘણા લોકોનું માનવું છે કે ટ્રસ પોતાના પોશાકથી માર્ગરેટ થેચર જેવાં દેખાવાનો પ્રયત્ન કરે છે
લાઇન

પ્રથમ બે ચૂંટણીમાં મળી હાર

ઑક્સફર્ડમાં જ લિઝ ટ્રસ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑક્સફર્ડમાં જ લિઝ ટ્રસ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયાં હતાં

ઑક્સફર્ડમાં જ તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયાં હતાં. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે શેલ તેમજ કૅબલ અને વાયરલેસ કંપનીઓમાં ઍકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને પોતાના સહકર્મી હ્યૂગ ઓ લૅરી સાથે વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં. બંનેને બે બાળકો છે.

ટ્રસ વર્ષ 2001માં વેસ્ટ યૉર્કશાયરના હૅમ્સવર્થથી પાર્ટીનાં ઉમેદવાર બન્યાં પરંતુ ચૂંટણીમાં હારી ગયાં હતાં. ત્યાર બાદ વેસ્ટ યૉર્કશાયરના જ કૅલ્ડર વૅલીમાં તેઓ 2005માં ચૂંટણી હારી ગયાં હતાં.

શરૂઆતમાં જ બે ચૂંટણી હાર્યા બાદ પણ તેમની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ ઓછી થઈ ન હતી. તેઓ 2006માં ગ્રીનવિચથી કાઉન્સેલર તરીકે ચૂંટાયાં હતાં. કન્ઝર્વેટિવ નેતા ડેવિડ કૅમરૂને ટ્રસને 2010માં પોતાની પ્રાથમિકતાવાળા ઉમેદવારોની 'એ લિસ્ટ'માં રાખ્યાં હતાં અને તેમને સાઉથ વેસ્ટ નૉરફોકની સુરક્ષિત બેઠક પરથી ઉતાર્યાં હતાં.

જોકે, થોડાંક વર્ષો બાદ જ્યારે ટ્રસની પાર્ટીના જ સાંસદ માર્ક ફીલ્ડ સાથે અફૅરની વાત સામે આવતાં તેમને ઍસોસિયેશનના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

લિઝ ટ્રસ બ્રિટનના નવા વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે લિઝ ટ્રસને બહાર કરવાના પ્રયત્નો પણ થયા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા

તેમને બહાર કરવાના પ્રયત્નો પણ થયા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા અને ટ્રસે 13 હજારથી વધુ મતથી એ બેઠક પર જીત મેળવી હતી.

તેમણે અન્ય ચાર કન્ઝર્વેટિવ સાંસદો સાથે મળીને 2010માં એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ 'બ્રિટેનિયા અનચેન્જ્ડ' હતું. તેમાં યુકેના ઘણા નિયમો હઠાવવાની વાત હતી જેથી વિશ્વમાં બ્રિટનની જગ્યા મજબૂત કરી શકાય. ત્યાર બાદથી તેમને મુક્ત વેપારનો સહયોગ કરનારાં અગ્રણી નેતા તરીકે જોવામાં આવે છે.

બીબીસીની એક ડિબેટમાં તેમની બ્રિટેનિયા અનચેન્જ્ડમાં એક કૉમેન્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા. તેમણે બ્રિટનના કામદારોને 'વિશ્વમાં સૌથી આળસુ' ગણાવ્યા હતા. તેમણે એ વાત પર ભાર આપ્યું કે એ તેમણે લખ્યું ન હતું.

ટ્રસ 2012માં સાંસદ બન્યાનાં માત્ર ચાર વર્ષમાં સરકારમાં શિક્ષણમંત્રી બની ગયાં અને 2014માં પર્યાવરણમંત્રી બન્યાં હતાં.

વર્ષ 2015માં ટ્રસે એક ભાષણમાં કહ્યું, "આપણે ખાણીપીણીનો બે તૃતીયાંશ ભાગ આયાત કરીએ છીએ. જે શરમની વાત છે." આ માટે તેમનો ઘણો મજાક ઉડાવવામાં આવ્યો હતો.

line

બ્રેક્ઝિટ પર યુ-ટર્ન

લિઝ ટ્રસ બ્રિટનના નવા વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લિઝ ટ્રસ

તેના એક વર્ષથી પણ ઓછા સમય બાદ ઈયૂ રેફરન્ડમનો સમય આવ્યો. ટ્રસે સન અખબારમાં લખ્યું કે બ્રૅક્ઝિટ 'એક ટ્રિપલ ટ્રૅજેડી હશે - વધુ નિયમો, ઘણાં ફૉર્મ અને યુરોપિયન યુનિયનને વેચવામાં ઘણો સમય લાગશે.'

જ્યારે તેમના પક્ષની હાર થઈ ત્યારે તેમણે પોતાની ધારણા બદલી હતી અને કહ્યું કે બ્રેક્ઝિટ એક તક છે "જે રીતે વસ્તુઓ કામ કરી રહી છે તેને હલાવવાની..."

થેરેસા મેના કાર્યકાળમાં તેઓ કાયદામંત્રી રહ્યાં અને બાદમાં ટ્રેઝરીનાં મંત્રી પણ રહ્યાં. જ્યારે બોરિસ જોનસન 2019માં વડા પ્રધાન બન્યા તો ટ્રસને આંતરરાષ્ટ્રીય વેપારનાં મંત્રી બનાવવામાં આવ્યાં હતાં.

વર્ષ 2021માં 46 વર્ષની ઉંમરે તેઓ સરકારનાં સૌથી વરિષ્ઠ પદોમાંથી એક પદ સુધી પહોંચ્યાં. ડૉમિનિક રાબ બાદ તેમણે વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું.

આ પદ પર રહીને તેમણે નૉર્ધન આઇલૅન્ડ પ્રોટોકોલની જટિલ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તે માટે ટ્રસે પોસ્ટ બ્રેક્ઝિટ ડીલની ઘણી જોગવાઈઓ રદ કરી. આ પગલાની યુરોપિયન યુનિયને ઘણી ટીકા કરી હતી.

આ સિવાય તેમણે બે બ્રિટન-ઈરાનિયન નાગરિકોને છોડાવ્યા હતા જેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે વ્લાદિમીર પુતિનની સમગ્ર સેનાને દેશમાંથી કાઢી મૂકવી જોઈએ.

જોકે, યુકેના એ લોકોનું સમર્થન કરવા માટે તેમની ટીકા થઈ હતી, જે યુક્રેનમાં લડવા માગતા હતા.

line

કૅમ્પે સાથે જોડાયેલા વિવાદ

લિઝ ટ્રસ બ્રિટનના નવા વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રસનું કૅમ્પેન પણ વિવાદોથી દૂર રહ્યું નહોતું. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કૉસ્ટ ઑફ લિવિંગની સમસ્યાને કેવી રીતે દૂર કરશો તો તેમણે કહ્યું કે તેઓ ટૅક્સનો ભાર ઘટાડવા પર ધ્યાન આપશે પરંતુ હૅન્ડઆઉટ (મફત સામાન, પૈસા વગેરે) નહીં આપે.

સરકારી કંપનીઓમાં આપવામાં આવતા પગારને વિસ્તારોની મોંઘવારી સાથે જોડવાના તેમના પ્લાનને પાછો લેવો પડ્યો હતો કારણ કે તેમની પાર્ટીના ઘણા નેતાઓએ તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આમ કરવાથી લંડનની બહાર રહેનારા લોકોનો પગાર ઓછો થઈ જશે.

તેમણે સ્કોટલૅન્ડનાં મંત્રી નિકોલા સ્ટર્જનને 'ધ્યાન આકર્ષિત કરનારા' કહ્યાં હતાં. સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ નિકોલાને 'નજરઅંદાજ કરવાનો' પૂરતો પ્રયત્ન કરે છે.

તેમ છતાં પોલ જણાવે છે કે તેઓ પાર્ટીમાં પોતાના પ્રતિદ્વંદ્વી ઋષિ સુનકથી ઘણાં આગળ છે. ઘણા લોકોનું માનવું છે કે ટ્રસ પોતાના પોશાકથી માર્ગરેટ થેચર જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે.

જોકે, તેમણે આ વાતથી ઇનકાર કર્યો છે. તેમણે જીબી ન્યૂઝને કહ્યું, "આ આશ્ચર્યચકિત કરનારી વાત છે કે મહિલા નેતાઓનું તુલના હંમેશાં માર્ગરેટ થેચર સાથે કરવામાં આવે છે પરંતુ પુરુષ નેતાઓની તુલના ટેડ હીથ સાથે કરાતી નથી."

કન્ઝર્વેટિવ પાર્ટીમાં આ પ્રકારની તુલનાથી નુકસાન થતું નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન