સાયરસ મિસ્ત્રી : નવ મિનિટમાં 20 km, પૂરપાટ કાર દોડી એટલે અકસ્માત થયો?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- ટાટા ગ્રૂપ ઑફ કંપનીઝના છઠ્ઠા ચૅરમૅન રહી ચૂક્યા હતા સાયરસ મિસ્ત્રી
- અમદાવાદ-મુંબઈ ઍક્સપ્રેસ વે પર થયો હતો અકસ્માત
- મહારાષ્ટ્રમાં સૂર્યા નદી પરના પુલ પાસે થયો હતો અકસ્માત
- પોલીસની પ્રાથમિક તપાસમાં શું માહિતી મળી?

ટાટા સન્સના પૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મહારાષ્ટ્રના પાલઘર નજીક એક માર્ગઅકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. તેઓ 54 વર્ષના હતા. સમાચાર સંસ્થા પીટીઆઈને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમની કાર ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
કારમાં તે સમયે કુલ ચાર લોકો હતા. પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનાં આ અકસ્માતમાં મૃત્યુ નીજપ્યાં હતાં.
બ્રીચ કેન્ડી હૉસ્પિટલનાં ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતાં જ્યારે બાજુની સીટમાં તેમના પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. ડેરિયસ જેએમ ફાઇનાન્સિયલ પ્રાઇવેટ ઇક્વિટીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ છે.
પારસીઓના ધર્મગુરુ ખુરશીદજી વડા દસ્તૂરના જણાવ્યા પ્રમાણે સાયરસ મિસ્ત્રી અને પંડોલે પરિવારે રવિવારે સવારે ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાત લીધી હતી.
ઈરાનશાહ આતશ બહેરામ ભારતમાં પારસી ધર્મનાં આઠ અગ્નિમંદીરો પૈકીનું એક અને પ્રથમ મંદીર છે.

કેવી રીતે થયો અકસ્માત?

ઇમેજ સ્રોત, ANI
હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર લખે છે, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર પૂરપાટ જઈ રહી હતી અને પાછળની સીટ પર બેસેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મૃત્યું થયું હતું. બન્નેએ સીટ બેલ્ટ નહોતા બાંધ્યા.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસસૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાલઘરમાં ચારોટી ચૅકપોસ્ટ પરથી મર્સીડીઝ કાર બપોરે 2:21 વાગ્યે પસાર થઈ હતી જ્યારે અકસ્માત બપોરે 2:30 વાગ્યે સૂર્યા નદી પર આવેલા પુલ પર થયો હતો, જે ચૅકપોસ્ટથી લગભગ 20 કિલોમિટર દૂર છે.
જેના આધારે ગાડીએ 20 કિલોમિટરનું અંતર માત્ર નવ મિનિટમાં કાપ્યું હોવાનું પીટીઆઈ પોલીસના હવાલેથી જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત ગાડી ચલાવી રહેલાં ડૉ. અનાહિતાથી ચૂક (ઍરર ઑફ જજમૅન્ટ) થઈ હોવાનું પણ પોલીસનું માનવું છે.
ઇકૉનોમિક ટાઇમ્સ સૂત્રોને ટાંકીને લખે છે, 'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોડ ઇજનેરી કે વાહનમાં કોઈ ખામી નહોતી. આગળની સીટ પર બેસેલી બન્ને વ્યક્તિ માટે ઍર બૅગ ખૂલી હતી. જ્યારે પાછળની સીટમાં આવી કોઈ ઍૅર બૅગ જોવા નહોતી મળી. એ ઉપરાંત પાછળ બેઠેલી વ્યક્તિઓએ સીટ બેલ્ટ પણ નહોતો બાંધ્યો.'
આ પહેલાં પાલઘરના પોલીસ અધીક્ષક બાલાસાહેબ પાટીલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું, "અકસ્માત થયો ત્યારે ડૉ. અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતાં. તેમના પતિ ડેરિયસ આગળની સીટ પર બેઠા હતા અને સાયરસ તેમજ જહાંગીર પંડોલે પાછળની સીટ પર બેઠા હતા."
એસપી અનુસાર, 'પ્રથમ દૃષ્ટિએ કારની ગતિ વધારે હતી એવું જણાય છે. જ્યારે તેઓ સૂર્યા નદી પરના પુલ પર પહોંચ્યાં, ત્યારે રસ્તો ત્રણ લૅનથી બે લૅનમાં ફેરવાયો હતો અને ત્યાં કાર પુલની ધારમાં ધસી ગઈ.'
ઈજાગ્રસ્ત પંડોલે દંપતીને વાપીની જે હૉસ્પિટલમાં સારવાર હેઠળ લવાયાં એ રેઈનબો હૉસ્પિટલના ડૉક્ટર તેજસ શાહે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું "જ્યારે પંડોલેને અમારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમની હાલત ખરાબ હતી."
"તેમનું ઑક્સિજન સેચ્યુરેશનનું સ્તર ઘટી ગયું હતું અને તેથી તેમનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું હતું. તેમને ઘણાં ફ્રૅક્ચર છે અને તેઓ ટ્રોમામાં છે. પરંતુ તેમનું બ્લ઼ડ પ્રેશર અને ઑક્સિજન સ્તર હવે સામાન્ય થઈ રહ્યું છે. અમને કહેવામાં આવ્યું છે કે મુંબઈથી ડૉક્ટરોની એક ટીમ પણ તેમને જોવા માટે આવી રહી છે."

પોલીસ તપાસમાં શું-શું બહાર આવ્યું?
પોલીસ તપાસમાં મળેલી માહિતી અંગે સમાચાર સંસ્થાના ઇનપુટ સાથે હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે :
- સાયરસ મિસ્ત્રી અને જહાંગીર મિસ્ત્રીને તપાસનારા ડૉક્ટરનું કહેવું છે કે સાયરસ મિસ્ત્રીને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા પરંતુ જહાંગીર પંડોલેનું હૉસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું.
- સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેને માથાના ભાગે ગંભીર ઈજા હતી. જહાંગીરને ડાબા પગે ફ્રૅક્ચર પણ હતું.
- અકસ્માતના સમયે સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે ગાડી પૂરઝડપે જઈ રહી હતી અને પુલ શરૂ થયો તે પહેલા ડાબી બાજુએથી અન્ય એક ગાડીને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને એવામાં કાબૂ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.
- આગળની સીટ પર બેઠેલાં અનાહિતા અને તેમના પતિ ડેરિયસને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે વાપીની રેઇનબો હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
- આ દંપતીનો ઍરબૅગ્સના કારણે જીવ બચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કારમાં સવાર હતાં પારિવારિક મિત્રો

ઇમેજ સ્રોત, ANI
એનડીટીવીના અહેવાલ અનુસાર, કારમાં સાયરસ મિસ્ત્રી, ડેરિયસ પંડોલે, અનાહિતા પંડોલે અને જહાંગીર પંડોલે હાજર હતાં.
ડેરિયસ અને અનાહિતા પતિ-પત્ની છે. જહાંગીર પંડોલે ડેરિયસના ભાઈ છે અને આ ત્રણેય સાયરસ મિસ્ત્રીના પારિવારિક મિત્રો છે. પંડોલેના પિતાનું પંદેરક દિવસ પહેલાં જ મૃત્યુ થયું હતું.
મિન્ટના અહેવાલ પ્રમાણે, અનાહિતા પંડોલે મુંબઈની પ્રખ્યાત બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ખ્યાતનામ ગાયનેકૉલોજિસ્ટ છે.
તેમના પતિ ડેરિયસ પંડોલે જે. એમ. ફાઇનાન્સિયલ પ્રાઇવેટ ઇક્વિટી નામની કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છે.
અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સાથે મૃત્યુ પામનારા જહાંગીર પંડોલે ડેરિયસના ભાઈ હતા. તેઓ ટાટા ગ્રૂપના પૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર પણ રહી ચૂક્યા હતા.
સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચૅરમૅનપદેથી હઠાવવાની વાતનો જહાંગીર પંડોલેએ વિરોધ કર્યો હતો અને બાદમાં ટાટા ગ્રૂપ છોડી દીધું હતું.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













