IND vs PAK : મોહમ્મદ રિઝવાન નહીં, આ ખેલાડી છે પાકિસ્તાનની જીતના અસલી હીરો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા

- ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-ફોર મૅચમાં પાકિસ્તાનની જીત
- મોહમ્મદ રિઝવાને 51 બૉલમાં 71 રન બનાવીને ટીમને જીતની નજીક લઈ ગયા
- મૅચમાં અન્ય એક પાકિસ્તાની ખેલાડીનું ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડ પ્રદર્શન

પાકિસ્તાને એશિયા કપની પ્રથમ મૅચમાં હારનો બદલો લઈ લીધો છે. પાકિસ્તાનને જીતવા માટે 182 રન બનાવવાના હતા અને એક સમયે આ પડકાર તેમના માટે ઘણો સરળ લાગી રહ્યો હતો.
તેનું કારણ એ હતું કે મોહમ્મદ રિઝવાન નામના આક્રમક બૅટર ક્રીસ પર હતા. મોહમ્મદ રિઝવાનને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ કદાચ લાંબા સમય સુધી નહીં ભૂલી શકે.
દુબઈના આ જ મેદાન પર એક વર્ષ પહેલાં વર્લ્ડ ટી-20ની મૅચ અગાઉ તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા અને તે સમયે પણ મૅચમાં આવીને તેમણે એવું શાનદાર પ્રદર્શન બતાડ્યું કે ભારત દસ વિકેટથી મૅચ હારી ગયું હતું.
એશિયા કપની આ મૅચમાં પણ વિકેટકીપિંગ વખતે એવું લાગ્યું કે તેઓ ઇજાગ્રસ્ત થયા છે પરંતુ બૅટિંગ કરતી વખતે તેમના પર ઇજાની કોઈ અસર જોવા ન મળી.

ઇમેજ સ્રોત, Getty Images
ઇનિંગના પહેલા જ બૉલ પર ચોગ્ગો મારીને તેમણે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
બાબરના આઉટ થયા બાદ બીજી જ ઓવરમાં તેમણે હાર્દિક પંડ્યાને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ અર્શદીપની ઓવરમાં રિઝવાને તેમની ખાસિયત બની ચૂકેલા સ્પેશિયલ શૉટથી સ્ક્વૅર લેગ પર છગ્ગો ફટકાર્યો હતો.
રિઝવાન જ્યાં સુધી ક્રીસ પર રહ્યા ત્યાં સુધી પાકિસ્તાનનું પાસું ભારે હતું પરંતુ સામે લક્ષ્ય ખૂબ મોટું હતું. તેઓ જ્યારે 51 બૉલમાં 71 રન બનાવીને આઉટ થયા ત્યારે પાકિસ્તાનને 19 બૉલમાં 35 રનની જરૂર હતી.
બાદમાં પાકિસ્તાની ખેલાડીઓ આસિફ અલી અને ખુશદિલ શાહે પ્રેશરમાં આવ્યા વગર મૅચને સંભાળી રાખી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોહલીએ જણાવ્યા 'મૅચ વિનર'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ મૅચનો અસલી હીરો કોણ હતો, તે વિશે પ્રેસ કૉન્ફરન્સમાં વિરાટ કોહલીએ જણાવ્યું, "રિઝવાન ક્રીસ પર હતા પરંતુ મોહમ્મદ નવાઝે જે કર્યું એ મૅચ માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો."
વિરાટ કોહલીએ જે મોહમ્મદ નવાઝનાં વખાણ કર્યાં તેઓ આ મૅચના અસલી વિનર સાબિત થયા.
લૅફ્ટ આર્મ સ્પિન બૉલર નવાઝે ચાર ઓવરમાં માત્ર 25 રન આપ્યા હતા. આ દૃષ્ટિએ આખી મૅચમાં તેઓ સૌથી સારા બૉલર સાબિત થયા હતા.
ભારતની ઇનિંગ્સ દરમિયાન તેમણે આક્રમક એવા સૂર્યકુમાર યાદવની પણ વિકેટ લીધી હતી. આ પહેલાની બંને મૅચોમાં નવાઝે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.
આ સિવાય તેમણે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે તેઓ ક્રીસ પર ઊતર્યા ત્યારે પાકિસ્તાનને 11 ઓવરમાં 119 રનની જરૂર હતી અને આ પડકાર તેમના માટે મુશ્કેલ લાગતો હતો.
પરંતુ નવાઝે માત્ર 20 બૉલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા મારીને 42 રન બનાવી દીધા હતા. આ તેમના કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર પણ છે.
મૅચ બાદ તેમને ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ 'મૅન ઓફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
28 વર્ષીય મોહમ્મદ નવાઝે ઍવોર્ડ લીધા બાદ કહ્યું, "જ્યારે હું બેટિંગ કરવા ઊતર્યો ત્યારે ટીમને પ્રતિ ઓવર 10થી વધુ રન બનાવવાની જરૂર હતી."
"મેં નક્કી કરી લીધું હતું કે જો બૉલ મારા ઝોનમાં આવશે તો હું ફટકારીશ જ. મારા દિમાગમાં તે એકદમ ક્લિયર હતું. તેને લઈને મેં વધારે કંઈ ના વિચાર્યું."

ઇમેજ સ્રોત, Getty Images
ખાસ વાત એ પણ છે કે જો પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે તેમને બેટિંગમાં વહેલાં ન મોકલ્યા હોત તો તેમને બેટિંગ કરવાની તક મળી ન હોત.
મૅચ પૂરી થયા બાદ બાબર આઝમે કહ્યું, "નવાઝના બેટિંગ ક્રમમાં ફેરફાર કરતી વખતે મેં વિચાર્યું હતું કે બે લેગ સ્પિનરો સામે આ ઠીક રહેશે."
નવાઝ કૅપ્ટનના ભરોસા પર સંપૂર્ણ ખરા ઊતર્યા.
જોકે, તેઓ ટીમને જીત અપવવા સુધી ટકી ના શક્યા. ભુવનેશ્વર કુમારના સ્લો બૉલ પર છગ્ગો ફટકારવા જતી વખતે બાઉન્ડ્રી લાઇન પર તેમનો કૅચ પકડાઈ ગયો હતો.
જોકે, ત્યાં સુધી તેઓ ટીમને જીતની એકદમ નજીક લાવી ચૂક્યા હતા.
લૅફ્ટ હૅન્ડ સ્પિનર અને બૅટર નવાઝ અંડર-15 તેમજ અંડર-19ના રસ્તે પાકિસ્તાન નેશનલ ટીમ સુધી પહોંચ્યા છે. અત્યાર સુધી તેઓ પાંચ ટેસ્ટ મૅચ, 22 વન-ડે અને 33 ટી-20 રમી ચૂક્યા છે.
રાવલપિંડીમાં જન્મેલા નવાઝ બાળપણથી શોએબ અખ્તરના પ્રશંષક રહ્યા છે.
શોએબ અખ્તરે જ્યારે પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારે નવાઝ માત્ર ત્રણ વર્ષના હતા. એક યુટ્યૂબ ઇન્ટરવ્યૂમાં મોહમ્મદ નવાઝે જણાવ્યું કે તેમના પર અઝહર મહમૂદનો પણ પ્રભાવ રહ્યો છે.
આ બે ફાસ્ટ બૉલરના પ્રભાવને કારણે તેઓ શરૂઆતમાં ફાસ્ટ બૉલિંગ કરતા હતા પરંતુ અંડર-14 ક્રિકેટ દરમિયાન તેમની ટીમનો એક સ્પિનર ઇજાગ્રસ્ત થતાં કોચે તેમને સ્પિન બૉલિંગ કરવા કહ્યું હતું.
સમય જતાં બેટિંગ પર ધ્યાન આપવાથી વધારે થાક લાગતો હતો. જેના કારણે તેઓ ફાસ્ટ બૉલિંગની જગ્યાએ સ્પિન બૉલિંગ તરફ આગળ વધ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













