ચીનમાં મકાનમાલિકોએ અચાનક લૉનની ચૂકવણી કરવાનું કેમ બંધ કર્યું? પ્રૉપર્ટી સેક્ટરનું સંકટ ઘેરાયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરંજના તેવારી
- પદ, એશિયા બિઝનેસ સંવાદદાતા

- S&P ગ્લોબલ રેટિંગ્સ પ્રમાણે ચીનમાં જે લોકોએ લૉનની ચૂકવણી કરવાની ના પાડી છે તેમની લૉનની કુલ રકમ 145 બિલિયન ડૉલર હોઈ શકે છે
- ગીટહબના એક અનુમાન પ્રમાણે લોકોએ દેશભરમાં આશરે 320 પ્રોજેક્ટમાં ઘર ખરીદ્યાં છે
- દુનિયાના બીજા સૌથી મોટા અર્થતંત્ર પરથી લોકોનો ભરોસો પણ ઓછો થયો છે
- વરિષ્ઠ ચાઇનીઝ અર્થશાસ્ત્રી જુલિયાન એવાન્સ પ્રીટચાર્ડ પ્રમાણે. ચીન હાઉસિંગ માર્કેટના ટર્નિંગ પૉઇન્ટ પર પહોંચી ગયું છે
- બૅન્કિંગ ગ્રૂપ ANZ પ્રમાણે આશરે 220 બિલિયન ડૉલર કરતાં વધારે લૉન અપૂર્ણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે
- ચીનમાં આવેલું આ સંકટ એ સ્પષ્ટ સંકેત છે કે ચીનનું અર્થતંત્ર અધવચ્ચે અટવાયેલું છે, વધુ વિગતો માટે વાંચો આ અહેવાલ...

"નિર્માણ બંધ, તો લૉન બંધ. ઘર આપો અને પૈસા મેળવો."
આ સૂત્ર સાંભળવા મળ્યું ચીનમાં જ્યાં ઘર ખરીદનારાઓમાં અસંતોષ જોવા મળ્યો છે. જૂનથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન માત્ર પ્રદર્શન સુધી જ મર્યાદિત રહ્યાં નથી. સેંકડો લોકો એવા છે જેમણે પોતાના ઘરની લૉનની ચૂકવણી કરવાનું બંધ કરી દીધું છે.
એક દંપતી મધ્ય ચીનના ઝેંગઝુમાં રહેવા માટે આવ્યું હતું.
તેમણે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે ગયા વર્ષે બિલ્ડરને ડાઉન પેમેન્ટ મળી ગયા બાદ તેમણે પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી હતી અને નિર્માણકાર્ય અટકી ગયું હતું.
પોતાનું નામ ન જણાવવાની શરતે એક મહિલા કહે છે, "હું અઢળક વખત નવા ઘરમાં રહેવાની ખુશી વિશે વિચારતી હતી. પરંતુ હવે બધી ખુશી વ્યર્થ થઈ ગઈ છે."
વધુ એક મહિલાએ ઝેંગઝુમાં ઘર ખરીદ્યું હતું અને તેઓ બીબીસીને જણાવે છે કે તેઓ પણ પોતાની લૉનની રકમની ચૂકવણી રોકવા તૈયાર છે.
તેઓ કહે છે, "જ્યારે નિર્માણકાર્ય ફરી શરૂ થશે, ત્યારે જ ફરી ચૂકવણી કરવામાં આવશે."
ઘણા લોકો ચૂકવણી કરી શકે છે, પણ તેઓ કરવા માગતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીટહબના એક અનુમાન પ્રમાણે લોકોએ દેશભરમાં આશરે 320 પ્રોજેક્ટમાં ઘર ખરીદ્યાં છે. ગીટહબ પર લોકોએ પોતાના નિર્ણય વિશે વાત કરી છે.
જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા મળી નથી કે ખરેખર કેટલા લોકોએ ચૂકવણી કરવાનું બંધ કરી દીધું છે.
S&P ગ્લોબલ રેટિંગ્સ પ્રમાણે જે લોકોએ લૉનની ચૂકવણી કરવાની ના પાડી છે તેમની લૉનની કુલ રકમ 145 અબજ ડૉલર હોઈ શકે છે. અન્ય નિષ્ણાતો પ્રમાણે આ રકમ હજુ પણ વધારે હોઈ શકે છે.
મકાનમાલિકોના આ પગલાંએ સત્તાધારીઓ ખળભળી ઊઠ્યા છે. ચીનમાં પહેલેથી અર્થતંત્ર ધીમું થયેલું છે અને રોકડ રકમની કમી પણ ઊભી થઈ છે.
વધુમાં દુનિયાના બીજા સૌથી મોટા અર્થતંત્ર પરથી લોકોનો ભરોસો પણ ઓછો થયો છે.
ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સ થિંક ટૅન્ક પ્રમાણે, "લૉનની ચૂકવણીનો બહિષ્કાર કરવો એ સૅક્ટરની નાણાકીય સ્થિતિ માટે ગંભીર ખતરા સમાન છે."
હાલમાં જ ચીનની સેન્ટ્રલ બૅન્કે મોર્ટગેજ રેટ ઘટાડ્યો છે. પીપલ્સ બૅન્ક ઑફ ચીને પાંચ વર્ષીય લૉન પ્રાઇમ રેટને 1.5 ટકા ઘટાડ્યો છે, આ રેકૉર્ડ ઘટાડો છે.

ચીનનું સંપત્તિ સંકટ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનનું પ્રોપર્ટી સૅક્ટર તેના અર્થતંત્રના ત્રીજા ભાગથી બનેલું છે. તેમાં ઘરો, ભાડા પર મળતી સંપત્તિ અને દલાલીની સેવાઓ સામેલ છે.
પરંતુ ચીનનું અર્થતંત્ર ધીમું પડેલું છે. ગયા વર્ષની સરખામણીએ છેલ્લા ત્રિમાસિકમાં તે માત્ર 0.4 ટકા વધ્યું હતું. કેટલાક અર્થશાસ્ત્રીઓ આ વર્ષે કોઈ પણ વિકાસની આશા રાખતા નથી. તેનું મોટું કારણ છે બિજિંગની ઝીરો-કોવિડ સ્ટ્રેટેજી, જેમાં વારંવાર લૉકડાઉન કરવામાં આવે છે અને પ્રતિબંધો લગાવવામાં આવે છે જેની અસર આવક, બચત અને રોકાણ પર થાય છે.
ચીનના મહત્ત્વના માર્કેટ એવા સંપત્તિ માર્કેટમાં જો ખલેલ પહોંચે તો તેનાથી વૈશ્વિક નાણાકીય સિસ્ટમ પર અસર થઈ શકે છે.
નિષ્ણાતોના મતે આ એક ચિંતાનો વિષય છે કેમ કે જો બૅન્કને લાગશે કે આ સૅક્ટર ડૂબી રહ્યું છે તો તેઓ લૉન જ નહીં આપે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના હૅડ ઑફ ગ્રેટર ચાઇના ઇકોનૉમિક રિસર્ચ, ડિંગ શુઆંગ જણાવે છે, "તે પૉલિસી પર આધારિત હશે. વિશ્વના બીજા ભાગોમાં જેમ માર્કેટના કારણે પ્રોપર્ટી સૅક્ટર સંકટમાં આવે છે તેવું અહીં નથી. આ બધું સરકાર દ્વારા થાય છે."
રિયલ એસ્ટેટ કંપનીઓ પહેલેથી વિદેશી દેવાની ચૂકવણી ચૂકી ગઈ છે. ઍવરગ્રેનેડ કંપનીને ગયા વર્ષે ડિફૉલ્ટ જાહેર કરવામાં આવી હતી જેના પર 300 અબજ ડૉલરનું દેવું હતું. આ ખૂબ હાઈપ્રોફાઇલ નુકસાન હતું. S&P એ ચેતવણી આપી છે કે જો વેચાણ નહીં થાય તો વધારે કંપનીઓ સંકટમાં આવી શકે છે. ઘરની માગ પણ વધી રહી નથી કેમ કે ચીનમાં શહેરીકરણ સાથે વસતી વિષયક ફેરફાર જોવા મળી રહ્યા છે અને સાથે વસતી વધારો પણ ધીમો છે.
કૅપિટલ ઇકોનૉમિક્સના વરિષ્ઠ ચાઇનીઝ અર્થશાસ્ત્રી જુલિયાન એવાન્સ પ્રીટચાર્ડ કહે છે, "મૂળ તકલીફ એ છે કે આપણે ચીનના હાઉસિંગ માર્કેટના ટર્નિંગ પૉઇન્ટ પર પહોંચી ગયા છીએ."

આપણે ત્યાં પહોંચ્યા કેવી રીતે?
ચીનમાં રિયલ એસ્ટેટનો હિસ્સો લગભગ 70% વ્યક્તિગત સંપત્તિ છે, અને ઘરના ખરીદદારો પૂરા ન થયેલા પ્રોજેક્ટ માટે પણ ઘણી વખત પહેલેથી ચૂકવણી કરતા હોય છે.
ઇવાન્સ પ્રીટચાર્ડ કહે છે કે આ "પ્રી-સેલ્સ" ચીનમાં નવા ઘરના વેચાણનો 70%-80% હિસ્સો ધરાવે છે. બિલ્ડર્સને તે પૈસાની જરૂર હોય છે કેમ કે તે પૈસાનો તેઓ એકસાથે ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગ કરે છે.
પરંતુ ઘણા યુવાનો અને મધ્યમ વર્ગના ચાઇનીઝ લોકો હવે સંપત્તિમાં રોકાણ કરતાં નથી. કારણ છે નબળું અર્થતંત્ર, નોકરીઓની કમી અને પગાર પર કાપ. અને હવે લોકોને એવો ડર પણ છે કે બિલ્ડર્સ તેમનો પ્રોજેક્ટ પૂરો નહીં કરે.
ઇવાન્સ પ્રીટચાર્ડ કહે છે, "તે સમસ્યાનો ભાગ છે. બિલ્ડર્સ નવા પૈસાની રાહમાં હતા અને એ પૈસા નથી એટલે નવું વેચાણ થઈ રહ્યું નથી."
બૅન્કિંગ ગ્રૂપ ANZ પ્રમાણે આશરે 220 બિલિયન ડૉલર કરતાં વધારે લૉન અપૂર્ણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે.
2020માં ચીનની સરકારે "ત્રણ રેડ લાઇન્સ" વિશે માહિતી આપી હતી જેમાં એવાં પગલાં વિશે જણાવવામાં આવ્યું હતું કે બિલ્ડર્સ કેટલી હદ સુધી લૉન લઈ શકે છે. લૉનમાં કાપ અને માર્કેટમાં તેમના પ્રત્યે ભરોસો ઓછો થવાના પગલે બૅન્કો પ્રૉપર્ટી કંપનીઓને લૉન આપવાથી પાછળ હઠી રહી છે.

સરકાર શું કરી રહી છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાલ બેઇજિંગ સ્થાનિક સરકારો પર જવાબદારી મૂકી રહ્યું છે. તેઓ ઘરના ખરીદદારોને ઓછી ડિપોઝિટ, ટેક્સ રિબેટ અને સબસિડી ઑફર કરી રહ્યા છે. સાથે જ બિલ્ડર્સને રાહત ભંડોળ આપી રહ્યા છે. પરંતુ આ બધું એક કિંમત પર આવે છે કેમ કે પ્રૉપર્ટી ડેવલપર્સ ઓછી જમીન ખરીદતા હોવાથી સ્થાનિક તિજોરીને ફટકો પડશે.
ડિંગ શુઆંગ કહે છે, "મને લાગે છે કે કેન્દ્ર સરકાર અને નિયમનકારો માટે આ જ સમય છે. અમુક સમયે તે કેટલીક કંપનીઓની સમસ્યાને રિંગ-ફેન્સ કરવા માટે પગલું ભરશે. અર્થતંત્ર માટે આ સૅક્ટર ખૂબ જ મહત્ત્વનું છે."
ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં હાલ જ એક રિપોર્ટ હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચીને 148 બિલિયન ડૉલરની લૉન પ્રૉપર્ટી ડેવલપર્સને મદદ કરવા માટે આપી છે. તો બ્લૂમબર્ગમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકોએ લૉન લીધેલી છે તેમને એક પૅમેન્ટ હૉલિડે આપવામાં આવશે અને તેનાથી તેમના ક્રેડિટ સ્કોર પર કોઈ અસર થશે નહીં.
પરંતુ હાલ જ ઑક્સફર્ડ ઇકોનૉમિક્સે કહ્યું હતું કે જો રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો સરકાર મધ્યમસ્થી કરે તો થોડા સમય માટે તે સૅક્ટરને ગતિ મળી શકે છે પરંતુ ચીનના લાંબા ગાળાના વિકાસ માટે તે યોગ્ય નથી કેમ કે સરકાર અને નાણાકીય સૅક્ટર પર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને બચાવવાનું દબાણ થઈ રહ્યું છે.
ડિંગ શુઆંગ કહે છે કે આ માત્ર નાણાકીય સંકટ નથી. લોકોએ લૉન ન ચૂકવવાની વાત કરી છે તે એક સામાજિક મુદ્દો પણ બની શકે છે.
તે રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે પણ સમસ્યા બની શકે છે કેમ કે એક વર્ષ બાદ ચૂંટણી થવાની છે અને એવી આશા છે કે તેઓ ત્રીજી વખત પણ ઐતિહાસિક જીત મેળવીને સત્તા મેળવશે.

હવે આગળ શું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નિષ્ણાતો માને છે કે 148 અબજ ડૉલરની મદદ પૂરતી નથી. કૅપિટલ ઇકોનૉમિક્સનું અનુમાન છે કે માત્ર અટવાયેલા પ્રોજેક્ટને પૂરા કરવા માટે કંપનીઓને 444 બિલિયન ડૉલરની જરૂર છે.
એ પણ સ્પષ્ટતા નથી કે બૅન્કો, ખાસ કરીને ગ્રામીણ અને નાની બૅન્કો શું આ લોકોના લૉન ન ભરવાના વિરોધને ઝીલી શકશે?
જો ફરી નિર્માણકાર્ય શરૂ થાય તો પણ ઘણા ડેવલપર્સ ટકી શકશે નહીં કેમ કે ઘરના વેચાણમાં લોકોનો રસ વધવાની શક્યતા નથી. ચાઇના રિયલ એસ્ટેટ ઇન્ફૉર્મેશન કૉર્પ પ્રમાણે ચીનના ટોપ 100 ડેવલપર્સનું સેલ્સ જુલાઈમાં ગયા વર્ષના આ જ સમયની સરખામણીએ 39.7 ટકા ઘટ્યું છે.
ચીનમાં આવેલું આ સંકટ એ સ્પષ્ટ સંકેત છે કે ચીનનું અર્થતંત્ર અધવચ્ચે અટવાયેલું છે.
ઇવાન્સ પ્રીટચાર્ડ કહે છે, "સરકાર વિકાસના નવા સ્રોતને શોધવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે પરંતુ તે પડકારજનક સાબિત થશે કેમ કે છેલ્લા ત્રણ દાયકામાં અર્થતંત્ર મિલકત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને નિકાસ પર ખૂબ નિર્ભર થયું છે."
"કદાચ ઝડપી વિકાસનો ચીનનો સમય પૂર્ણ થઈ ગયો છે અને તે જ વસ્તુ હાલ પ્રૉપર્ટી સૅક્ટરમાં જોવા મળી રહી છે."
વિશેષ માહિતી બીબીસી બેઇજિંગ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














