યુઆન વાંગ 5 : ચીનનું આ 'જાસૂસ જહાજ' કેમ બન્યું ભારત માટે માથાનો દુખાવો?

યુઆન વાંગ 5 નામના ચાઇનીઝ નૌસેના જહાજનું 16 ઑગસ્ટના રોજ શ્રીલંકાના હંબનટોટા બંદરે પહોંચવું ભારત માટે એક નવો માથાનો દુખાવો બની ગયો છે
ઇમેજ કૅપ્શન, યુઆન વાંગ 5 નામના ચાઇનીઝ નૌસેના જહાજનું 16 ઑગસ્ટના રોજ શ્રીલંકાના હંબનટોટા બંદરે પહોંચવું ભારત માટે એક નવો માથાનો દુખાવો બની ગયો છે
    • લેેખક, રાઘવેંદ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીન તેને એક 'રિસર્ચ શિપ' કહે છે. એઠલે કે એક એવું નૌસેના જહાજ જેનું કામ સમુદ્રમાં વૈજ્ઞાનિક સંસોધન કરવાનું છે.

ભારત અને અમેરિકા જેવા દેશો તેને એક "સ્પાય શિપ" માને છે. એટલે કે એક એવું જહાજ જે અન્ય દેશોની જાસૂસી કરવા માટે તહેનાત કરાયું છે.

યુઆન વાંગ 5 નામના ચાઇનીઝ નૌસેના જહાજનું 16 ઑગસ્ટના રોજ શ્રીલંકાના હંબનટોટા બંદરે પહોંચવું ભારત માટે એક નવો માથાનો દુખાવો બની ગયો છે.

ચીનનું કહેવું છે કે આ જહાજ આવશ્યક વસ્તુઓનો પુરવઠો લઈ હંબનટોટા ગયું છે.

સાથે જ ચીને કહ્યું છે કે જે પ્રકારના સમુદ્ર વિજ્ઞાનને લગતા સંશોધન સાથે જોડાયેલાં કામ આ જહાજ કરે છે, તે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે છે.

ચીને એવું પણ કહ્યું છે કે આ જહાજની પ્રવૃત્તિ કોઈ પણ દેશની સુરક્ષા અને આર્થિક હિતોને પ્રભાવિત નથી કરતી.

પરંતુ ભારતમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે હંબનટોટા બંદર પર યુઆન વાંગ 5 સાત દિવસ રોકાય તેનાથી શું આ જહાજને ભારતની નજીકથી જાસૂસી કરવાની તક મળશે, જેના કારણે ભારતનાં સુરક્ષા હિત ખતરામાં પડી શકે છે.

line

હંબનટોટાથી કેટલું દૂર છે ભારત?

શ્રીલંકાના હંબનટોટા બંદરથી ભારતના ચેન્નઈ બંરનું અંતર લગભગ 535 નૉટિકલ માઇલ કે 990 કિલોમિટર છે.

આવી જ રીતે હંબનટોટા અને કોચ્ચી બંદર વચ્ચેનું અંતર 609 નૉટિકલ માઇલ કે 1,128 કિલોમિટર છે.

વિશાખાપટ્ટનમ બંદર હંબનટોટાથી 802 નૉટિકલ માઇલ કે લગભગ 1,485 કિલોમિટરના અંતરે છે.

ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ માટે લૉન્ચ બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરનાર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટામાં સ્થિત છે જે હંબનટોટાથી લગભગ 1,100 કિલોમિટરના અંતરે છે.

લાઇન

હંબનટોટા બંદર

લાઇન
  • 150 કરોડ ડૉલર વડે બનેલ હંબનટોટા પૉર્ટ વિશ્વનાં સૌથી વ્યસ્ત બંદરમાંથી એક છે.
  • નિર્માણના સમયથી જ બંદર વિવાદોમાં રહ્યું અને તેનો વિરોધ થયો.
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના કાર્યકાળમાં બનેલ આ બંદરથી ચાઇનીઝ માલ દેશના અન્ય ભાગો સુધી પહોંચાડવાની યોજના હતી.
  • કોલંબોથી લગભગ 250 કિલોમિટર દૂર સ્થિત બંદર ચીન થકી મળેલ દેવાથી બન્યું હતું.
  • તેમાં 85 ટકા ભાગીદારી ચીનની એક્સિમ બૅંકની હતી.
  • શ્રીલંકા સરકારને દેવું ચૂકવવામાં મુશ્કેલી પડી જે બાદ બદા પૉર્ટને 99 વર્ષ માટે ચીનને લીઝ પર આપી દેવાયું હતું.
લાઇન
હંબનટોટામાં ચાઇનીઝ જહાજનું સ્વાગત
ઇમેજ કૅપ્શન, હંબનટોટામાં ચાઇનીઝ જહાજનું સ્વાગત

યુઆન વાંગ 5એ પાછલા અઠવાડિયે હંબનટોટા બંદરે ડૉક કરવાની પરવાનગી માગી હતી. પરતું આ જહાજને લઈને ભારતની ચિંતાઓની નોંધ લેવાયા બાદ તે અનુમતિ મળી નહોતી.

ભારતે આ દરમિયાન એ વાતનો ઇનકાર કર્યો હતો કે આ જહાજ હંબનટોટામાં રોકાયું તે બાબતે શ્રીલંકા પર કોઈ પણ પ્રકારનું દબાણ નાખ્યું છે.

આ જહાજ હંબનટોટા બંદરે પહોંચ્યું તે બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે ચીનના સૈન્ય ઉદ્દેશો માટે હંબનટોટાનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં અપાય.

શ્રીલંકાની દક્ષિણમાં સ્થિત હંબનટોટા બંદરને ઊંચા વ્યાજવાળાં ચીનનાં દેવાંની મદદથી બનાવવામાં આવ્યું હતું.

જ્યારે શ્રીલંકા ચીન પાસેથી લેવાયેલ દેવાની ચુકવણી કરવામાં નિષ્ફલ રહ્યું તો બંદર 99 વર્ષની લીઝ પર ચીનને સોંપી દેવાયું હતું.

line

શું છે યુઆન વાંગ 5?

યુઆન વાંગ 5 એક નવીનતમ પેઢીનાં અંતરિક્ષ-ટ્રેક્રિંગ જહાજોમાંથી એક છે જેનો ઉપયોગ ઉપગ્રહ, રૉકેટ અને આંતરમહાદ્વીપીય બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચની નિગરાની માટે કરાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુઆન વાંગ 5 એક નવીનતમ પેઢીનાં અંતરિક્ષ-ટ્રેક્રિંગ જહાજોમાંથી એક છે જેનો ઉપયોગ ઉપગ્રહ, રૉકેટ અને આંતરમહાદ્વીપીય બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચની નિગરાની માટે કરાય છે

યુઆન વાંગ 5 એક નવીનતમ પેઢીનાં અંતરિક્ષ-ટ્રેક્રિંગ જહાજોમાંથી એક છે જેનો ઉપયોગ ઉપગ્રહ, રૉકેટ અને આંતરમહાદ્વીપીય બૅલિસ્ટિક મિસાઇલ લૉન્ચની નિગરાની માટે કરાય છે.

આ જહાજ યુઆન વાંગ શ્રૃંખલાની ત્રીજી પેઢીનું ટ્રૅકિંગ જહાજ છે. જે વર્ષ 2007માં ચીનની સેનામાં સામેલ થયું. આ જહાજ જિયાંગન શિપયાર્ડમાં બનાવાયું હતું.

ચીનના સરકારી પ્રસારક સીજીટીએનના એક સમાચાર અનુસાર વર્ષ 2020માં યુઆન વાંગ 5 જહાજ ચીનનું લૉન્ગ માર્ચ - 5બી રૉકેટના લૉન્ચમાં સામેલ થયું હતું અને 81 દિવસો સુધી પ્રશાંત મહાસાગરમાં રહીને 20 હજાર નૉટિકલ માઇલ કરતાં વધુ યાત્રા કરીને પાછું ફર્યું હતું.

સીજીટીએન પ્રમાણે આ 81 દિવસ લાંબી યાત્રા દરમિયાન યુઆન વાંગ 5 કોઈ પણ બંદરે નહોતું રોકાયું.

ભારતીય નૌસેનાના એક વરિષ્ઠ સેવાનિવૃત્ત અધિકારીએ તેમની ઓળખનો ખુલાસો ન કરવાની શરતે બીબીસી પર વાત કરી.

તેમણે કહ્યું, "આ જહાજ તમારા નાક સુધી પહોંચી ગયું છે. ભારત પાસે ચિંતા કરવા માટેનાં પૂરતાં કારણો છે."

યુઆન વાંગ 5ની ક્ષમતાઓ વિશે તેઓ કહે છે કે, "આ પ્રકારનાં જહાજ ઘણાં સ્તરો પર સમુદ્રની ઊંડાઈ પર નજર રાખે છે, આ ઊંડાઈએ સબમરિન તહેનાત કરી શકાય છે. સબમરિનને તહનાત કરવાની પૅટર્ન પાણીના નીચેના તાપમાન પર નિર્ભર છે. અને તે તાપમાન એક દિવસમાં ન લઈ શકાય. તે મહિનાઓ સુધી અને અલગ અલગ ઋતુ દરમિયાન લેવા પડે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં એવું જહાજ મહિનાઓ સુધી રહી શકે છે."

નૌસેનાના વરિષ્ઠ સેવાનિવૃત્ત અધિકારી કહે છે કે, "પાણીની નીચેના તાપમાનની જાણકારી એકઠી કરીને એ વાતનો અંદાજ કાઢી શકાય છે કે જો અમુક પ્રકારની સબમરિન અમુક ખાસ વિસ્તારમાં છે તો તે કેટલી ઊંડાઈએ હશે જેનાથી તે પોતાની જાતને સારી રીતે દુશ્મનથી છુપાવી શકે."

સાથે જ તેઓ કહે છે કે જહાજ બૅલિસ્ટિક મિસાઇલોને ટ્રૅક કરે છે. તેમણે કહ્યું, "તેનો અર્થ છે કે આ જહાજનાં રડાર અને સેન્સર ખૂબ જ શક્તિશાળી છે. સૈનિક પ્રવૃત્તિઓની પૅટર્ન સ્થાપિત કરવા માટે આ જહાજોની આવશ્યકતા હોય છે."

line

ભારત માટે આ કેટલી મોટી ચિંતા?

નરેન્દ્ર મોદી અને રાનિલ વિક્રમસિંઘે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને રાનિલ વિક્રમસિંઘે

ભારતના પૂર્વ નૌસેના કમાન્ડના ભૂતપૂર્વ કમાન્ડર-ઇન-ચીફ વાઇસ એડમિરલ અનૂપસિંહે ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત અધિકારી છે.

અનૂપસિંહ કહે છે કે, "ચિંતાનો વિષય એ પણ છે શ્રીલંકા એક એવા જહાજને રોકાવાની અનુમતિ કેમ આપી રહ્યું છે જે એક સૈન્ય જહાજ કરતાં પણ ઘણું આગળ પડતું છે. આ જહાજને બેવડા ઉપયોગવાળું જાસૂસી જહાજ માનવામાં આવે છે. તે એક સર્વેક્ષણ જહાજનું પણ કામ કરે છે જે જળ સર્વેક્ષણના નામે સમુદ્ર સપાટીને જોવા જેવાં અન્ય ઘણાં કામ કરી શકે છે."

વાઇસ એડમિરલ અનૂપસિંહ પ્રમાણે હવે હંબનટોટા બંદરગાહ પર ચીનીઓનો કબજો થઈ ગયો હતો તો ભારત આ વાતને લઈને ચિંતિત હતું કે ચીની હવે આરામ કરવા કે ઈંધણ ભરાવવાના નામે પોતાનાં પીએલએ-નૌસેના જહાજો અને સબમરિન માટે આ બંદરનો ઉપયોગ કરશે.

તેઓ કહે છે કે, "ચીને ઘણી વાર કહ્યું છે કે તે આ બંદરનો ઉપયોગ પીએલએ નૌસેના બેઝ તરીકે નહીં કરે પરંતુ કોણ જાણે છે કે તે શું કહે છે અને વાસ્તવિક પરિસ્થિતિનો શો અર્થ છે?"

વાઇસ એડમિરલ અનૂપસિંહ કહે છે કે ભૂતકાળમાં પણ ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવાં જહાજ મોકલતું રહ્યું છે. તેમણે કહ્યું, "જ્યારે તેમનાથી પૂછપરછ કરાઈ તો તેમણે કહ્યું કે આ જહાજ તેમના ઉપગ્રહોને ટ્રૅક કરવા માટે તરતાં અર્થ-સ્ટેશન તરીકે કામ કરે છે અને તેમને અમુક પસંદ કરાયેલ જગ્યાઓમાં તહાત કરવાની જરૂર પડે છે."

line

શું આ જહાજ અંતરિક્ષ યુદ્ધની તૈયારીનો ભાગ છે?

અમેરિકાના સંરક્ષણવિભાગ પ્રમાણે ચીને પોતાના વર્ષ 2015ના સંરક્ષણ શ્વેતપત્રમાં આધિકારિકપણે અંતરિક્ષને યુદ્ધનું એક નવું ડોમેઇન ગણાવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના સંરક્ષણવિભાગ પ્રમાણે ચીને પોતાના વર્ષ 2015ના સંરક્ષણ શ્વેતપત્રમાં આધિકારિકપણે અંતરિક્ષને યુદ્ધનું એક નવું ડોમેઇન ગણાવ્યું હતું

અમેરિકાના સંરક્ષણવિભાગ પ્રમાણે ચીને પોતાના વર્ષ 2015ના સંરક્ષણ શ્વેતપત્રમાં આધિકારિકપણે અંતરિક્ષને યુદ્ધનું એક નવું ડોમેઇન ગણાવ્યું હતું.

અમેરિકાનું કહેવું છે કે ચીનને આશા છે કે ભવિષ્યમાં દેશો વચ્ચે થનાર સંઘર્ષમાં અંતરિક્ષની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે જ્યાં લાંબા અંતરનો હુમલો કરવાની ક્ષમતા અને બીજી સેનાઓની સંચારક્ષમતાઓને ધ્વસ્ત કરવા પર ભાર મુકાશે.

અમેરિકન કૉંગ્રેસે પોતાના એક વાર્ષિક રિપોર્ટમાં સંરક્ષણવિભાગને કહ્યું હતું કે ચીનની વ્યૂહરચનાત્મક સપૉર્ટ ફોર્સ (એસએસએફ)ની સ્પેસ સિસ્ટમ ડિપાર્ટમેન્ટ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના લગભગ તમામ અંતરિક્ષ સંચાલન માટે જવાબદાર છે. આ અંતરિક્ષ અભિયાનોમાં અંતરિક્ષ પ્રક્ષેપણ, નિગરાની અને અંતરિક્ષ યુદ્ધમાં સામેલ છે.

અમેરિકાનું કહેવું છે કે ચીનનું સ્પેસ સિસ્ટમ ડિપાર્ટમેન્ટ ઓછામાં ઓછાં આઠ ઠેકાણાંનું સંચાલન કરે છે. અમેરિકન સંરક્ષણવિભાગનું કહેવું છે કે ચીનની વ્યૂહરચનાત્મક સપૉર્ટ ફોર્સ નામીબિયા, પાકિસ્તાન આર્જેન્ટિનામાં ટ્રૅકિંગ, ટેલિમેટ્રી અને કમાન્ડ સ્ટેશન સંચાલિત કરે છે.

આ વ્યૂહરચનાત્મક સપૉર્ટ ફોર્સ ઉપગ્રહો અને આંતરમહાદ્વીપીય બૅલિસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ)ના લૉન્ચને ટ્રૅક કરવા માટે યુઆન વાંગ જહાજનું સંચાલન કરે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ