બિલકીસ કેસ : 'દોષિતો બ્રાહ્મણ હતા, સંસ્કારી હતા' : ભાજપના ગોધરાના ધારાસભ્ય રાઉલજી

સી કે રાઉલજી

ઇમેજ સ્રોત, Facebook/C K RAULJI

લાઇન
  • ગોધરાના ભાજપ ધારાસભ્ય સી.કે.રાઉલજી બિલકીસબાનો કેસમાં દોષિતોની સજામાફી પર વિચારણા માટે બનાવવામાં આવેલી કમિટીમાં સામેલ હતા.
  • તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'દોષિતો બ્રાહ્મણ હતા અને સંસ્કારી હતા.'
  • તેમના નિવેદન પર વિવાદ થઈ રહ્યો છે.
  • દોષિતોની સજા માફી પર બિલકીસબાનોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 'મને મુક્ત રીતે ફરવાનો હક્ક પાછો અપાવો'
  • બિલકીસબાનોએ કહ્યું કે તેમનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.
લાઇન

ગત 15મી ઑગસ્ટના રોજ ગુજરાતના દાહોદ જિલ્લાના ચકચારી બિલકીસબાનો રેપ કેસમાં દોષિત એવા 11 વ્યક્તિને જેલમુક્ત કરવાનો મામલો સામે આવ્યો હતો.

આ બાબત સામે આવતાં સમગ્ર દેશનાં મીડિયા સંસ્થાનોમાં આ મુદ્દો છવાઈ ગયો હતો.

હવે આ મામલે ભાજપના ગોધરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સી. કે. રાઉલજી આ મામલામાં છોડી મુકાયેલા તમામ દોષિતોની પ્રશંસા કરી છે.

નોંધનીય છે કે તેઓ આ તમામ દોષિતોને છોડી મૂકવાનો નિર્ણય કરનાર પૅનલના સભ્ય હતા.

તેમણે કહ્યું હતું કે, "દોષિતો બ્રાહ્મણ છે, અને સંસ્કારી લોકો છે. જેલમાં તેમની ચાલ ચલગત સારી હતી."

સી. કે. રાઉલજીએ આગળ કહ્યું હતું કે, "આ લોકોએ ગુનો આચર્યો છે કે કેમ તેની અમને ખબર નથી. દોષિતો સામે ઇરાદાપૂર્વક પણ કાર્યવાહી કરાઈ હોઈ શકે છે. તેમના પરિવારની ભૂતકાળની વર્તણૂક પણ સારી હતી. દોષિતો બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ તરીકે તેઓ સંસ્કારી પણ હતા. તેથી એ વાત પણ ધ્યાને લેવાઈ છે કે આ લોકોને ગુનામાં ફસાવી દેવાનો બદઇરાદો પણ હોઈ શકે છે."

મીડિયા સંસ્થા મોજો સ્ટોરી દ્વારા ટ્વિટર પર જાહેર કરાયેલા વીડિયોમાં રાઉલજી આ વાત કરતાં દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે જાગૃત નાગરિક સમાજના ઘણા લોકો દોષિતોને છોડવાની કાર્યવાહીની ટીકા કરી રહ્યા છે.

line

'મને મુક્ત રીતે ફરવાનો હક્ક પાછો અપાવો'- બિલકીસબાનો

બિકલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

બિલકીસબાનોએ તેમની ઉપર દુષ્કર્મ તથા પરિવારજનોની હત્યામાં જનમટીપના 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે તેમનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.

પોતાનાં વકીલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહ્યું, "બે દિવસ પહેલાં 15 ઑગસ્ટના રોજ મારો 20 વર્ષ જૂનો ઘાવ ફરી તાજો થયો. મારી અને મારા પરિવારજનોની જિંદગી બરબાદ કરનારા તથા મારી ત્રણ વર્ષની દીકરીને છીનવી લેનારા ગુનેગારો છૂટી ગયા છે. મારી પાસે કોઈ શબ્દો નથી, હું આઘાતમાં છું."

"આજે હું માત્ર એટલું જ કહેવા માગું છુ કે કોઈ મહિલાને આપવામાં આવેલા ન્યાયનો આવો અંત કેવી રીતે થઈ શકે? મેં દેશના સર્વોચ્ચ ન્યાયાલય ઉપર વિશ્વાસ રાખ્યો. વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખ્યો. હું ધીમે-ધીમે આ આઘાત સાથે જીવવાનું શીખી રહી હતી."

"11 દોષિતોના છૂટી જવાથી મારાં સુખશાંતિ છીનવાઈ ગયાં છે. ન્યાય પરથી મારો વિશ્વાસ હચમચી ગયો છે. મારું દુખ અને ડગી ગયેલો વિશ્વાસ માત્ર મારા માટે જ નહીં, પરંતુ અલગ-અલગ અદાલતોમાં ઝઝૂમી રહેલી તમામ મહિલાઓને માટે છે."

"આટલો મોટો તથા અન્યાયપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં કોઈએ મારી સલામતી કે સુખાકારી વિશે વિચાર ન કર્યો. હું ગુજરાત સરકારને અપીલ કરું છું કે મહેરબાની કરીને આ અન્યાયી નિર્ણય પાછો ખેંચે. શાંતિથી અને ભય વગર જીવવાનો મારો અધિકાર મને પાછો આપો. મારી તથા મારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો."

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે, 11 આરોપીઓને મુક્ત કરવા માટે જે કમિટી બેઠી હતી, તેમાં ગોધરાના કલેકટર ઉપરાંત ભાજપના બે ધારાસભ્ય સીકે રાઓલજી તથા સુમન ચૌહાણ પણ હતાં. આ સિવાય ગોધરાના પૂર્વ નગરસેવક મુરલી મૂલચંદાણી તથા ભાજપની મહિલા પાંખનાં સ્નેહાબહેન ભાટિયાનો સમાવેશ થતો હતો.

આ મુદ્દે ટેકનિકલ સવાલ પણ ઉઠી રહ્યાં છે.

'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે ગુનેગારોને છોડી મૂકવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારનું કહેવું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી, તેમાં દુષ્કર્મના આરોપીઓ પ્રત્યે ઢીલ નહીં વર્તવાનું કહેવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમયે અદાલતે નિર્દેશ આપ્યો હતો કે ગુનો થયો ત્યારે જે નીતિ લાગુ હોય તેના આધારે રાજ્ય સરકાર નિર્ણય લે. આથી ગુજરાત સરકારે 1992માં પ્રવર્તમાન નીતિના આધારે નિર્ણય લીધો હોવાનું કહીને બચાવ કરી રહી છે.

બીજી બાજુ, સીબીઆઈએ જે કેસની તપાસ કરી હોય અને આરોપીઓને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હોય તો તેના માટે કેન્દ્રની સહમતિ જરૂરી છે. જ્યારે તામિલનાડુની સરકાર રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને છોડી દેવા માટે નિર્ણય લીધો હતો, ત્યારે આ મુદ્દો આગળ કરીને તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

line

શું છે મામલો?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2002માં થયેલાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ પાસે રણધિકપુર ગામમાં એક ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. એમની ત્રણ વર્ષની બાળકી સાલેહાની પણ નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાઈ હતી.

21 જાન્યુઆરી, 2008માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકીસબાનો સાથે સામૂહિક બળાત્કાર અને પરિવારના સાત સભ્યોની હત્યાના આરોપમાં 11 દોષિતોને જન્મટીપની સજા સંભળાવી હતી. બાદમાં બૉમ્બે હાઈકોર્ટે એમની સજાને કાયમ રાખી હતી.

15 વર્ષથી વધુ સમય જેલની સજા ભોગવ્યા બાદ દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે સજામાફી માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીના મામલે ધ્યાન આપવા નિર્દેશ કર્યા હતા.

એ બાદ ગુજરાત સરકારે એક સમિતિ રચી હતી. આ સમિતિએ સંબંધિત મામલાના 11 દોષિતોની સજા માફ કરવા માટે સર્વસંમતિથી ફેંસલો લીધો હતો અને તેમને મુક્ત કરી દેવા ભલામણ કરી હતી.

આખરે 15 ઑગસ્ટે આ મામલે જન્મટીપની સજા ભોગવી રહેલા 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા.

સુપ્રીમ કોર્ટમાં કાર્યરત વકીલ પ્યોલી સ્વતિજા કહે છે કે ગુજરાત સરકારની કમિટીએ આ મામલે દોષિતોની સજામાફ કરી એને મુક્ત કરવાનો ફેંસલો લીધો કઈ રીતે લીધો એ એમની સમજથી બહાર છે

તેઓ કહે છે, "એક વખત સુપ્રીમ કોર્ટે કહી દીધું કે સજામાફીનો નિર્ણય ગુજરાત સરકાર જ કરી શકે છે તો ગુજરાત સરકારે જે કમિટી રચી એની પાસે શક્તિઓ હતી પણ એ શક્તિનો ઉપયોગ આંખ બંધ કરીને ના કરી શકે. તેણે ચોક્કસથી એ જોવું જોઈએ ગુનાની પ્રકૃતિ શું હતી?"

"આ પાસાંને જોવાં જ પડે, માત્ર કેદીનો વ્યહાર કેવો છે એ નહીં, ગુનાની પ્રકૃતિ કેવી હતી એ. જો ગુનાની પ્રકૃતિ જોવામાં આવે તો એક સારા અંત:કરણવાળી કમિટી કઈ રીતે આ પ્રકારનો નિર્ણય લઈ શકે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન