અફઘાનિસ્તાન : એ દિવસ દૂર નથી જ્યારે અહીં એક પણ હિંદુ કે શીખ નહીં હોય
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, કાબુલ
15 ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યું હતું તેનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.
તેવામાં રાજધાની કાબુલ સહિત બીજા વિસ્તારોમાં કોઈ મોટા ચરમપંથી ધડાકા કે હુમલા અંગે તણાવ છે.

યુદ્ધ તો ખતમ થઈ ગયું પણ એવું લાગે છે કે જાણે આ દેશમાં શાંતિ જ નથી.
આ માહોલમાં અમે પહોંચ્યા કાબુલના કેન્દ્રમાં. અહીં લોખંડની મોટી ચાદરોથી બનેલા દરવાજા જ્યારે અમે ખખડાવ્યા તો નાની એવી જાળી ધરાવતી બારી પાછળથી એક ચહેરાએ સંશયિત અંદાજમાં અમારો પરિચય પૂછ્યો.
તેઓ પ્રાચીન અસામાઈ મંદિરના પૂજારી અને અફઘાનિસ્તાનમાં ગણતરીના બચેલા હિંદુઓમાંથી એક હરજિતસિંહ ચોપરા હતા.
આ મંદિરમાં માતાની પૂજા થાય છે, જ્યાં અખંડ જ્યોત સળગે છે. અહીં શિવાલય છે અને ભોલેનાથની પૂજા પણ થાય છે. સાથે જ અહીં શ્રીમદ્ભગવત અને રામાયણ પણ છે.
ગાર્ડ સિવાય મંદિરના મોટા એવા ભાગમાં હરજિતસિંહ પોતાનાં પત્ની બિંદિયાકોર સાથે રહે છે. તાલિબાનના અફઘાનિસ્તાનમાં સુરક્ષા કારણોસર બંનેના પરિવાર ભારત જતા રહ્યા છે, પરંતુ હરજિત અને બિંદિયા અહીં જ રહી ગયાં.
સંભવિત હુમલાના ડરથી મંદિરમાં પૂજા પણ ચૂપચાપ થાય છે, જેના ફિલ્મિંગની પરવાનગી નથી. ડર છે કે ક્યાંક પૂજા વિશે ખબર પડવા પર ચરમપંથીઓ હુમલો ન કરી દે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સમયે અફઘાનિસ્તાનના ખોસ્ત વિસ્તારમાં મસાલાનું કામ કરનારા હરજિત કહે છે, "બેઠાં છીએ અમે માતારાણીનાં ચરણોમાં. તેમની સેવા કરી રહ્યાં છીએ. અમે ડરીશું નહીં. અમે માતાનું મંદિર નહીં છોડીએ."
તેઓ કહે છે, "અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા આઠ-11 હિંદુ બચ્યા છે. ગણતરીનાં સાત-આઠ ઘર. એક મારું ઘર છે. એક રાજારામ છે, ગજનીમાં. એક-બે ઘર કાર્તી પરવાનમાં છે. એક-બે ઘર શેર બજારમાં છે. તેઓ ગરીબ લોકો છે જેઓ પાસપોર્ટ વિશે જાણતા પણ નથી. લોકો ભણેલાગણેલા નથી. શરૂઆતથી અહીં જ મોટા થયા છે."
"પહેલાં એક બૉમ્બ બ્લાસ્ટ જલાલાબાદમાં થયો હતો. તેના કારણે આશરે 600-700 લોકો ભારત જતા રહ્યા હતા. જ્યારે શેર બજાર (કાબુલમાં) બૉમ્બ બ્લાસ્ટ થયા તો તેમાં 30 ઘર નાશ પામ્યાં હતાં. તેનાથી 200 લોકો ફરી ભારત જતા રહ્યા હતા. જ્યારે તાલિબાન આવ્યું તો ડરીને લોકો ભારત જતા રહ્યા. જ્યારે કાર્તે પરવાનમાં દુર્ઘટના થઈ તો 50-60 લોકો ભારત જતા રહ્યા. અમે તો સેવા માટે રોકાયાં છીએ. મંદિર માટે. કોઈ હિંદુ કે શીખનું મન અહીં લાગતું નથી. બધા ભારત જવા માગે છે."
વર્ષ 2018માં જલાલાબાદમાં એક આત્મઘાતી હુમલામાં અને વર્ષ 2020માં કાબુલમાં ગુરુદ્વારા પર ચરમપંથી હુમલામાં ઘણા શીખોનાં મૃત્યુ થયાં હતાં. આ વર્ષે જૂનમાં કાબુલના કાર્તી પરવાન ગુરુદ્વારામાં હુમલામાં એક શીખનું મૃત્યુ થઈ ગયું.
બિંદિયાકોરનો આખો પરિવાર ભારતમાં છે. અહીં તેમનો આખો દિવસ ઘરનું કામ અને મંદિરની સેવામાં વીતી જાય છે.
તેઓ કહે છે, "પહેલાં મંદિરમાં 20 પરિવાર રહેતા હતા. ડરના કારણે લોકો જવા લાગ્યા. પછી પાંચ પરિવાર અહીં રહી ગયા. તેઓ પણ ડરી ગયા અને જતા રહ્યા. પછી ધીમે ધીમે બધા છોડીને જતા રહ્યા. પહેલા પરિસ્થિતિ ખૂબ બગડેલી હતી. ધડાકા થઈ રહ્યા હતા. ગયા વર્ષે તાલિબાનના લોકો આવી ગયા, પછી બાકી લોકો પણ જતા રહ્યા. અમે એકલાં અહીં રહી ગયાં."
તેમના ઘરની બાજુમાં ખાલી રૂમ અને દરવાજા પર લટકેલાં તાળાં વીતેલા સમયની કહાણી રજૂ કરી રહ્યાં હતાં.

અફઘાનિસ્તાનમાં કેવી રીતે જીવી રહ્યા છે હિંદુ અને શીખ?

- અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને 15મી ઑગસ્ટે એક વર્ષ પૂરું થયું છે
- આ દરમિયાન સ્થાનિક શીખો અને હિંદુઓનાં જીવનમાં નકારાત્મક અસર પડી હોવાનું કહેવાઈ રહ્યું છે
- માત્ર શીખો અને હિંદુઓ જ નહીં દેશમાંથી ખ્રિસ્તી અને બૌદ્ધો પણ અન્ય સ્થળોએ જવા માટે મજબૂર બની ગયા છે
- એક વખત બજારોમાં ધીકતા વેપારના માલિક અફઘાની હિંદુઓ અને શીખો તેમના પર અવારનવાર થઈ રહેલા હુમલાથી ત્રસ્ત અને ગભરાયેલા છે
- અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાન દેશમાં રહેલ તમામ પ્રજાની સુરક્ષા માટે કટિબદ્ધ હોવાનો દાવો કરે છે

ગુમ થઈ રહેલા હિંદુ અને શીખ

મંદિરની જગ્યાથી થોડે જ દૂર છે કાર્તી પરવાન વિસ્તાર. કાબુલના દરેક વિસ્તારની જેમ અહીં પણ દરેક જગ્યાએ ચેક પોસ્ટ છે અને રસ્તાઓ પર બંદૂક સાથે તાલિબાનીઓ જોવા મળે છે.
એક સમય હતો જ્યારે કાર્તી પરવાન અફઘાન હિંદુઓ અને શીખોની દુકાનોથી ખચોખચ ભરેલું હતું. સ્થાનિક નિવાસી રામ સરણ ભસીન કહે છે, "એક સમયે આ આખો વિસ્તાર હિંદુઓ અને સરદારોનો હતો. કરન્સી, કપડાંનો બિઝનેસ હિંદુઓનો હતો. ડૉક્ટર હિંદુઓ હતા, કરિયાણાની દુકાનો હિંદુઓની હતી. સરકારી પોસ્ટોમાં હિંદુ ડૉક્ટર હતા, ઇજનેર હતા. તેઓ સેનામાં પણ હતા."
તેઓ ઘણાં વર્ષો જૂનાં એ દિવસોને યાદ કરે છે જ્યારે તેમના પ્રમાણે કાબુલ પર રૉકેટનો વરસાદ થતો હતો અને એક રૉકેટ તેમના ઘર પર પડ્યું પરંતુ ફાટ્યું નહીં.
તેઓ કહે છે, "હું ઘરે ન હતો, મારાં પત્ની ઘરે હતાં. ભગવાને બચાવી લીધાં. એ સારું છે કે રૉકેટ ફાટ્યું નહીં. જો ફાટી ગયું હોત તો ન મારું ઘર હોત, ન મારાં પત્ની."
પરંતુ આજે તાલિબાનના અફઘાનિસ્તાનમાં ડરના ઓછાયા હેઠળ લોકો ક્યાં તો ઘરોમાં બંધ છે, અથવા તો ખૂબ જરૂરી કામ પડવા પર થોડી વાર માટે જ બહાર નીકળે છે.
એક આંકડા પ્રમાણે 1992 પહેલાં અફઘાનિસ્તાનમાં બે લાખ 20 હજાર કરતાં વધારે હિંદુ અને શીખ હતા. પરંતુ છેલ્લાં 30 વર્ષોમાં હિંદુ અને શીખો પર હુમલા, ભારત કે બીજા દેશોમાં પલાયન બાદ તેમની સંખ્યા 100ની આસપાસ જ રહી ગઈ છે. અને આ સંખ્યા સતત ઓછી થઈ રહી છે.
અફઘાનિસ્તાનની સ્થાનિક સંસ્થા પોર્સેશ રિસર્ચ ઍન્ડ સ્ટડીઝ ઑર્ગેનાઇઝેશન અલ્પસંખ્યકોના મુદ્દાઓ પર કામ કરે છે. તાલિબાનના આવ્યા બાદ સંસ્થા હાલ બંધ છે અને સંસ્થામાં કામ કરતા ઘણા લોકોએ દેશ છોડી દીધો છે.
સંસ્થાએ અફઘાનિસ્તાનમાં હિંદુઓ અને શીખોની સ્થિતિ પર હાલના પોતાના એક રિપોર્ટમાં કહ્યું, "અફઘાનિસ્તાનથી હિંદુઓ અને શીખોના પલાયનનો ઇતિહાસ 1980ના દાયકાના સોવિયત કબજા અને અફઘાનિસ્તાનમાં કઠપૂતળી કૉમ્યુનિસ્ટ સરકારો વિરુદ્ધ જેહાદવિરોધી આંદોલન સાથે જોડાયેલો છે. ત્યારથી જ દરેક દિવસના પ્રતિબંધ, અત્યાચાર અને અલ્પસંખ્યકોનો દેશથી પલાયન ચાલી રહ્યો છે."
રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનના હિંદુઓ અને શીખો માટે 1960-1980 વચ્ચેનો સમય સૌથી શાંતિનો હતો જ્યારે તેમને લાલા કે મોટાભાઈ કહીને બોલાવવામાં આવતા હતા અને લોકો સાથે તેમના સંબંધ સારા હતા.
પરંતુ મોટી સંખ્યામાં તેમનું પલાયન 1988થી શરૂ થયું જ્યારે 13 એપ્રિલ વૈશાખીના દિવસે જલાલાબાદમાં હથિયારધારી એક વ્યક્તિએ 13 શીખ શ્રદ્ધાળુઓ અને ચાર મુસ્લિમ સિક્યૉરિટી ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
અપહરણ, ધાર્મિક, સામાજિક અને રાજકીય શોષણ, તેમની જમીન અને પ્રૉપર્ટી હડપી લેવી વગેરેથી હિંદુઓ અને શીખોની આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક હાલત ખરાબ થઈ હતી.
રિપોર્ટના લેખક અલી દાદ મોહમ્મદી હિંદુઓ અને શીખો સાથે ચાલી આવી રહેલા કથિત ભેદભાવ પર વાત કરે છે, "જ્યારે પણ તેઓ ઘરોમાંથી નીકળતા હતા, તેમનાં બાળકો સાથે દુર્વ્યવ્હાર કરવામાં આવતો હતો. તેમને બિન-મુસ્લિમ, હિંદુ કાચલું કહીને બોલાવવામાં આવતા હતા. તેઓ એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા હતા કે તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. તેઓ અફઘાનિસ્તાન છોડી શકતા હતા, અથવા તો અફઘાનિસ્તાનમાં ઘરોમાંથી બહાર નીકળી શકતા ન હતા. પછી તેમનાં પ્રૉપર્ટી, ઘરોને લડાવૈયાના નેતાઓએ ઝડપી લીધાં."
કાબુલમાં રહેતા મોહમ્મદી પ્રમાણે દસ વિસ્તારોમાં ફીલ્ડવર્કના આધારે તેમને જાણકારી મળી કે હિંદુ મંદિરો અને ગુરુદ્વારાઓને નુકસાન પહોંચાડી તેમને કચરા ફેંકવાનાં સ્થળ અથવા ત્યાં પોતાનાં ઢોર બાંધવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
જે ગુરુદ્વારા બચી ગયા તેમાંથી કેટલાક પર ઘાતકી ચરમપંથી હુમલા થયા હતા.

કાર્તી પરવાન ગુરુદ્વારા પર હુમલો અને તેનું સમારકામ

આ વર્ષના જૂન માસની આ વાત છે જ્યારે કાર્તી પરવાન વિસ્તારના ખૂબ જ જૂના ગુરુદ્વારા પર ચરમપંથી હુમલામાં એક શીખનું મૃત્યુ થયું હતું અને ગુરુદ્વારાને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું.
અમે કાર્તી પરવાન ગુરુદ્વારા પહોંચ્યા જ્યાં તાલિબાનની આર્થિક મદદથી સમારકામ ચાલી રહ્યું હતું.
ગુરુદ્વારામાં ચક્કર લગાવતા, સીઢીઓ ચઢતાં-ઊતરતાં જોયું કે જૂનમાં થયેલા હુમલામાં ગુરુદ્વારાને કેટલું નુકસાન પહોંચ્યું છે.
તે દિવસે અહીં રાખવામાં આવેલાં શીખોનાં ઇતિહાસ સાથે જોડાયેલાં પુસ્તકો, પોથીઓ, ખુરશી, ટેબલ, સિક્યૉરિટી કૅમેરા, બારીઓ, કાર્પેટ, કબાટ અને બીજું ઘણું બધું સળગી ગયું હતું. અમને જણાવવામાં આવ્યું કે સમારકામ કરી રહેલા લોકો સ્થાનિક અફઘાન હતા. ગુરુદ્વારામાં કોઈ પથ્થર ધરી રહ્યું હતું તો કોઈ સફાઈ કરી રહ્યું હતું.
જ્યારે હુમલો થયો, ત્યારે ગુરુદ્વારાના કૅરટેકર ગુરનામસિંહ રાજવંશ એ દિવસે નજીકમાં જ હતા.
તેઓ કહે છે, "ગુરુદ્વારાની પાછળ અમારું ઘર છે, અમે ત્યાં રહીએ છીએ. જ્યારે સમાચાર મળ્યા કે ગુરુદ્વારા પર હુમલો થયો છે તો અમે અહીં આવી ગયા. જોયું કે રોડ બંધ છે. 18 લોકો ગુરુદ્વારામાં હતા. ખૂબ મુશ્કેલી હતી. એક સુવિંદરસિંહજી હતા, જેઓ બાથરૂમમાં શહીદ થઈ ગયા."
આ ઇન્ટરવ્યૂ બાદ બીજા હિંદુઓ અને શીખોની જેમ ગુરનામસિંહ પણ ભારત જતા રહ્યા, પરંતુ હજુ પણ અફઘાનિસ્તાનમાં એવા લોકો છે જેમને ભારતીય વિઝાની આતુરતાથી રાહ છે, કેમ કે એક બાદ એક થઈ રહેલા હુમલાના કારણે તેમની અંદર અસુરક્ષાની લાગણી વધી રહી છે.
કાબુલ આવતા પહેલાં દિલ્હીના તિલકનગરમાં ગુરુ અર્જુન દેવજી ગુરુદ્વારામાં મારી મુલાકાત હરજિતકોર અને તેમના પરિવાર સાથે થઈ. તેઓ થોડા સમય પહેલાં જ કાબુલથી દિલ્હી પહોંચ્યાં હતાં.
તેમનાં ત્રણ બાળકોમાંથી સૌથી નાના બાળકના હૃદયમાં કાણું છે. દિલ્હી પહોંચીને તેઓ ખૂબ ચિંતામુક્ત દેખાતાં હતાં.
હરજિતે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન પહેલાં પણ હાલત ખરાબ હતી અને હવે વધારે ખરાબ છે. બૉમ્બ બ્લાસ્ટ અને ગોળીઓના કારણે ત્યારે જીવ પર ખૂબ ખતરો હતો. આખો દિવસ ઘરમાં કેદ થઈને રહેવું પડતું હતું અને બાળકોનું શિક્ષણ પણ બંધ હતું.
બીજી તરફ ગુરનામસિંહ જણાવે છે કે અફઘાનિસ્તાનમાં એવા કેટલાક લોકો પણ છે જેઓ ભારત ગયા પરંતુ તેમણે પારિવારિક કે વ્યવસાય, કે પ્રૉપર્ટીની મજબૂરીના કારણે અફઘાનિસ્તાન આવવું પડ્યું.

લઘુમતી પર હુમલા યથાવત્

કાર્તી પરવાન ગુરુદ્વારા રોડ તરફ છે. રસ્તાની બીજી બાજુ શીખોની દુકાનો છે જેમાંથી એક પર ગયા મહિને જુલાઈમાં ગ્રેનેડથી અજ્ઞાત લોકોએ હુમલો કર્યો હતો.
હુમલાથી દવાઓની આ દુકાનને ચાર લાખ અફઘાની રૂપિયા સુધીનું નુકસાન પહોંચ્યું પરંતુ કોઈને ઈજા થઈ ન હતી.
બપોરે થયેલા આ હુમલાના સમયે દુકાનના માલિક અરજીતસિંહ નજીકમાં જ જમવા ગયા હતા અને ત્યારે તેમને જોરથી ધડાકો સંભળાયો હતો.
તેમણે જણાવ્યું, "અમે બહાર નીકળ્યા એ જોવા કે શું થઈ ગયું. જોયું કે મારી દુકાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. અહીં વચ્ચે મોટું એવું કાઉન્ટર પડ્યું હતું. તેને એટલું નુકસાન થયું હતું કે પૂછો નહીં. બધો સામાન નીચે વિખેરાયેલો હતો."
પરંતુ અરજિતના જીવન પર ચરમપંથની અસર પહેલાં પણ પડી ચૂકી છે.
અરજિત પ્રમાણે કાર્તી પરવાન ગુરુદ્વારામાં હુમલામાં મૃત્યુ પામેલા સવિંદરસિંહ તેમના બનેવી હતા. તેના પહેલાં 2018માં થયેલા હુમલામાં પણ તેમના પરિવારજનોનાં મૃત્યુ થયાં હતાં.
તેમની દુકાનની બાજુમાં યુનાની દવાઓની એક અલગ દુકાન ચલાવનારા સુખબીરસિંહ ખાલસા પ્રમાણે ગ્રેનેડ હુમલાથી હિંદુ અને શીખોમાં ભયનો માહોલ છે.
તેઓ કહે છે, "કાલે ત્યાં હુમલો થયો હતો, બની શકે કે આજે અહીં થાય. મારી ડ્યૂટી સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધીની છે. હું હમણાં સાડા ત્રણ વાગ્યે દુકાન પર આવ્યો છું. પત્ની અને બાળકો આવવા દેતાં નથી. ગુરુદ્વારા પણ બંધ છે. અમે ગુરુનાં દર્શન કરી શકતાં નથી. મારા પર શું વીતી રહી છે એ મને જ ખબર છે."
સુખબીરસિંહ ખાલસાના ઘરમાં બધાની પાસે ભારતીય વિઝા છે પરંતુ તેમનાં પત્ની પાસે વિઝા નથી, જેની તેઓ રાહ જોઈ રહ્યાં છે. એવા બીજા પણ પરિવારો છે જેમાં કેટલાક સભ્યોને વિઝા મળ્યા છે તો કેટલાક લોકો વિઝા મળવાની રાહ જોઈ રહ્યા છે.
અફઘાનિસ્તાનથી ભાગી રહેલા હિંદુઓ અને શીખો પર તાલિબાનનું કહેવું છે કે તેમની નીતિ દરેકનું રક્ષણ કરવાની છે.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝાદરાને વાતચીતમાં કહ્યું, "અમારી નીતિ બધાની એટલે કે અફઘાનિસ્તાનના દરેક નાગરિકની રક્ષા કરવાની છે અને તે હિંદુ અને શીખ અલ્પસંખ્યકો પર પણ લાગુ છે. અમે તેમને સુરક્ષા આપી રહ્યા છીએ. તેમને લાગે છે કે તેમને કોઈ ખતરો છે તો તેમણે એ જાણકારીને અમારી ફોર્સ સાથે શૅર કરવી જોઈએ. તેઓ તેમને સુરક્ષા આપવા માટે છે."
તાલિબાન રસ્તાઓ પર ભારે ભારે ગાડીઓ પર બંદૂક લઈને પેટ્રોલિંગ કરતાં જોવા મળે છે.
અફઘાનિસ્તાન દાયકાઓથી યુદ્ધ, બૉમ્બ બ્લાસ્ટ, ટાર્ગેટેડ કિલિંગના પડછાયા હેઠળ જીવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ફંડિંગ રોકાઈ જવાથી, છેલ્લા કેટલાક મહિનામાં દુષ્કાળ અને ભૂકંપની સ્થિતિના કારણે અર્થવ્યવસ્થા ખરાબ હાલતમાં છે. લોકો ભીખ માગવા મજબૂર થયા છે અને લોકો માટે જમવાની અને દવાઓની વ્યવસ્થા કરવી અઘરી સાબિત થઈ રહી છે.
જેના માટે શક્ય છે તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે.
ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે જેવી રીતે બામિયાનમાં બૌદ્ધ નથી રહ્યા, કે પછી હેરાત અને પશ્ચિમી અફઘાનિસ્તાનથી ખ્રિસ્તીઓ જતા રહ્યા છે, તેવામાં એ દિવસ દૂર નથી જ્યારે ઇતિહાસકાર કહેશે કે એક સમય હતો જ્યારે અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ રહેતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












