શેખ હસીનાનો ભારત પ્રવાસ : ભારત-બાંગ્લાદેશ વચ્ચેના આ મુદ્દાઓનો ઉકેલ ક્યારે આવશે?

શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીના
    • લેેખક, પવન સિંહ અતુલ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે
  • શેખ હસીનાની યાત્રા દરમિયાન, ઉગ્રવાદ અને સુરક્ષા જેવા મહત્ત્વના વિષયો પર સારી એવી પ્રગતિ જોવા મળી શકે
  • ગયા વર્ષે બાંગ્લાદેશમાં ફેની નદી પર બનેલા મૈત્રી સેતુના ઉદ્ઘાટન બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ઉષ્મા જોવા મળી
  • જોકે, તિસ્તા નદીના પાણીને બાંગ્લાદેશ સાથે વહેંચવાનો મુદ્દો ખૂબ સંવેદનશીલ છે
લાઇન

બાંગ્લાદેશની રચનામાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા બાદ સૌથી યોગ્ય તો એ હતું કે નવા રાષ્ટ્ર બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા સ્થપાય પણ છેલ્લાં 50 કરતાં વધારે વર્ષોના ઇતિહાસને આ સંબંધોમાં ઘણા ઉતારચઢાવ જોવા પડ્યા છે.

બાંગ્લાદેશની સ્વાધીનતાના નાયક અને પહેલા રાષ્ટ્રપતિ મુજિબુર રહેમાનના કાર્યકાળ દરમિયાન જન્મેલી બંને દેશો વચ્ચે મિત્રતાની ઉષ્મા એમની હત્યા બાદ ધીમેધીમે ઘટતી ગઈ પરંતુ શેખ મુજિબનાં દીકરી શેખ હસીના વાજિદ પહેલીવાર 1996માં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન બન્યાં ત્યારે ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં સુધાર થવા લાગ્યો.

વર્ષ 2009માં ફરી એક વખત શેખ હસીના વડાં પ્રધાનના ખુરશી પર બેઠાં અને તેમણે બાંગ્લાદેશના રાજકારણ અને વિદેશનીતિને નવી રીતે ઘડવાનું શરૂ કર્યું.

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે છે અને ફરી એક વખત બંને દેશો વચ્ચે સહયોગ પર વાતચીત થશે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે શેખ હસીનાની યાત્રા દરમિયાન ઉગ્રવાદ અને સુરક્ષા જેવા મહત્ત્વના વિષયો પર સારી એવી પ્રગતિ જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે તેના માટે જો ભારતે નાનીમોટી સમજૂતીઓ કરવી પડે તો કરી લેવી જોઈએ.

આ દરમિયાન ગયા વર્ષે બાંગ્લાદેશમાં ફેની નદી પર બનેલા મૈત્રીસેતુના ઉદ્ઘાટન બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ફરી એકવાર ઉષ્મા જોવા મળી છે.

પુલ શરૂ થતાં ત્રિપુરાના સબરૂમથી ચટગાંવબંદરનું અંતર 80 કિલોમિટર જેટલું જ રહેશે, જેનાથી વેપાર અને લોકોની અવર-જવર ખૂબ સરળ થઈ જશે.

line

મજબૂત સંબંધનો વારસો

ભારત

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશ ડિસેમ્બર 1971 સુધી પાકિસ્તાનનો જ ભાગ હતો અને લોકો એને 'પૂર્વ પાકિસ્તાન' તરીકે ઓળખતા હતા.

શેખ મુજિબુર રહેમાનની આગેવાનીમાં પૂર્વ પાકિસ્તાનમાં વિદ્રોહ થયો અને એક લોહિયાળ સંઘર્ષ બાદ, બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો. ભારત બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપનારો પહેલો દેશ હતો.

બાંગ્લાદેશના મુક્તિસંગ્રામમાં ભારતની ભૂમિકા વિશે કંઈ છુપાયેલું નથી. આખા સંઘર્ષમાં ભારતીય યોગદાને એક નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

બંને દેશો વચ્ચે સંબંધ કોઈ સામાન્ય પાડોશીઓ જેવા ન રહેતાં ભાષા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય, ઇતિહાસ અને કળાના મજબૂત દોરથી બંદાયેલો છે.

એમાં કોઈ બેમત નથી કે પાડોશી સાથેનો સહયોગ વધે એમાં બંને દેશોનાં હિત જોડાયેલાં છે અને બંને દેશો માટે એ ફાયદાનો સોદો પણ છે.

આ તો આદર્શ સ્થિતિ છે પણ હકીકતે ભારત-બાંગ્લાદેશ સંબંધ ક્યારેય એ ઊંચાઈ સુધી પહોંચી નથી શક્યો નથી, જેનો એ ખરેખર હકદાર હતો.

line

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ શો છે?

તિસ્તા નદીના પાણીની વહેંચણી પર બાંગ્લાદેશમાં પણ રાજનીતિ થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તિસ્તા નદીના પાણીની વહેંચણી પર બાંગ્લાદેશમાં પણ રાજનીતિ થઈ રહી છે

વર્ષ 2009 બાદથી બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગનાં ઘણાં ઉદાહરણ જોવાં મળ્યાં છે. પૂર્વોત્તર ભારતમાં ચરમપંથી ગતિવિધિઓ પર નિયંત્રણ મેળવવા માટે બાંગ્લાદેશે ઘણી વખત સહયોગ કર્યો છે.

એક જમાનામાં આસામમાં સક્રિય અલગતાવાદી સંગઠન 'યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ' (ULFA)ના બાંગ્લાદેશમાં ઘણાં ઠેકાણાં હતાં.

શેખ હસીના પીએમ બન્યા બાદ આવાં સંગઠનો વિરુદ્ધ બાંગ્લાદેશે કાર્યવાહી કરી અને ઘણા ચરમપંથીઓને ભારતને સોંપ્યા. જોકે, હજુ પણ કેટલીક એવી બાબતો છે કે જેના પર આ બંને દેશની ઇચ્છા હોવા પણ કંઈ વિશેષ પ્રગતિ થઈ શકી નથી.

તિસ્તા નદીના પાણીનું વિભાજન આમાં સૌથી મહત્ત્વનો અને હાઈ પ્રોફાઇલ મુદ્દો છે.

બંને દેશોમાં સચિવસ્તરે આ વિભાજન પર મહોર લાગી ગઈ હતી પરંતુ વાત અટકી ગઈ હતી.

વર્ષ 2011થી આ મુદ્દો લંબાઈ રહ્યો છે. ભારતના એ વખતના વડા પ્રધાન મનમોહનસિંહ એ જ વર્ષે ઢાકામાં તિસ્તા નદી જળસંધિ પર હસ્તાક્ષર કરવાના હતા પરંતુ મમતા બેનરજી આ વાત પર સહમત નહોતાં.

બીજો વિષય એ છે જેમાં બાંગ્લાદેશ ભૂતાન અને નેપાળ સાથે વેપાર વધારવા માટે ભારત પાસેથી ટ્રાન્ઝિટ રૂટ ઇચ્છે છે. નેપાળ અને ભૂતાન એવા દેશો છે જેની પાસે દરિયો નથી.

બાંગ્લાદેશ આ દેશોને પોતાનાં બંદરો સાથે જોડીને આર્થિક લાભ ઉઠાવવા માગે છે. બાંગ્લાદેશ દુનિયામાં શણનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. પરંતુ ભારતે શણ પર કેટલાક ટેરિફ બેરિયર (કર) લગાવ્યા છે જેના પર બાંગ્લાદેશને વાંધો છે.

વરિષ્ઠ પત્રકાર ગૌતમ લાહિડી કહે છે, "ભારતનો તર્ક છે કે જો બંને દેશો વચ્ચે નવો ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ થઈ જાય તો ઍન્ટી ડંપિંગ ટૅરિફ નિરર્થક થઈ જશે. આ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને કંપ્રેહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ કહેવામાં આવે છે. આમ તેનું સમાધાન શક્ય છે."

પરંતુ જે મુદ્દા પર કોઈ અંતિમ સમાધાન નીકળી શક્યું નથી તેમાં પ્રમુખ છે તિસ્તા નદીનું વિભાજન.

line

તિસ્તા પર વિવાદ

તિસ્તા

ઇમેજ સ્રોત, Getty Images

હિમાલયની નજીક સાત હજાર મીટર ઊંચા પાહુનરી ગ્લૅશિયરમાંથી નીકળતી 414 કિલોમિટર લાંબી તિસ્તા નદી સિક્કિમથી ભારતમાં પ્રવેશ કરે છે.

ત્યારબાદ તે પશ્ચિમ બંગાળમાંથી થઈને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. બાંગ્લાદેશમાં તે બ્રહ્મપુત્ર નદીને મળી જાય છે અને બ્રહ્મપુત્ર આગળ જઈને પદ્મા નદીને મળે છે.

ગંગા નદીને બાંગ્લાદેશમાં પદ્મા કહેવામાં આવે છે. પદ્મા આગળ જઈને મેઘના નદીને મળે છે અને મેઘના નદી બંગાળની ખાડીમાં ભળી જાય છે.

કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તિસ્તા નદીના વિભાજન પર સમજૂતી સધાય.

આ વિભાજનની સમજૂતી માટે ડ્રાફ્ટ પણ તૈયાર છે. અધિકારિક સ્તરે તેમાં સહમતી પણ સધાઈ ગઈ હતી પરંતુ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર તેના વિરોધમાં છે.

ભારત એક સંઘીય માળખું ધરાવતો દેશ છે જેમાં નદીઓ પર રાજ્યોનો અધિકાર છે.

રાજ્યોની સંમતિ વગર કેન્દ્ર સરકાર કોઈ અન્ય દેશ સાથે કોઈ પ્રકારની સંધિ કરી શકતી નથી. તિસ્તા નદીના પાણીને બાંગ્લાદેશ સાથે વહેંચવાનો મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી જાહેરમાં તેનો વિરોધ કરી ચૂક્યાં છે.

વર્ષ 2017માં ઉત્તરી બંગાળમાં કૂચબિહારમાં થયેલી એક જનસભામાં તેમણે કહ્યું હતું, "આમી બાંગ્લાદેશ કે ભાલોબાશિ, કિન્તુ બાંગ્લા તો આગે... એટલે કે હું બાંગ્લાદેશને પ્રેમ કરું છું, પરંતુ પશ્ચિમ બંગાળ એની પહેલાં છે."

આ નદીના પાણીના વિભાજનનો વિવાદ માત્ર બે દેશો વચ્ચે વિદેશનીતિનો જ વિષય રહ્યો નથી. પશ્ચિમ બંગાળમાં જ્યારથી મમતા બેનરજી સત્તા પર આવ્યાં છે, ત્યારથી તેઓ આ સમજૂતીને સ્વીકારવાની ના પાડે છે. તેમના વિરોધના કારણે જ આ સમજૂતી હજુ સુધી થઈ શકી નથી.

પત્રકાર ગૌતમ લાહિડી ભૂતકાળમાં ડોકિયું કરીને બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી પર કંઈક આ રીતે પ્રકાશ પાડી રહ્યા છે, "જ્યારે પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બાસુની સરકાર હતી ત્યારે તેમણે આ વિશે હામી ભરી હતી. તેમની જ પહેલના કારણે 1996માં ગંગાના પાણીનું વિભાજન થયું હતું. પરંતુ તિસ્તા પર હજુ સુધી કોઈ સહમતી બની શકી નથી."

તિસ્તાનું પાણી બાંગ્લાદેશ માટે ખૂબ મહત્ત્વનું છે.

દેશના ઉત્તર વિસ્તારોમાં પાણીની તંગી છે અને એને સિક્કિમના રસ્તે ઉત્તર બંગાળમાંથી પસાર થઈને બાંગ્લાદેશમાં પ્રવેશ કરનારી તિસ્તા નદી જ પૂરી કરી શકે છે. એ વિસ્તારોમાં ગરમીના દિવસોમાં ખેતીવાડી માટે પૂરતું પાણી મળતું નથી.

line

પશ્ચિમ બંગાળના વિરોધનું કારણ

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી

મમતા બેનરજી સીએમ બન્યા બાદ આ મુદ્દો અટકી ગયો છે.

જાદવપુર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના રિલેશન વિભાગમાં ભણતાં શુભોજિત નસ્કર કહે છે, "તિસ્તા નદી સંધિમાં બંને દેશોની જનતાને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે તેના પર વિવાદ છે. આ માત્ર બંને દેશોનાં વિદેશમંત્રાલયનો મામલો હોઈ શકે નહીં. તેમાં સામાન્ય લોકોનો મત મેળવવો પણ જરૂરી છે. જો સામાન્ય જનતાનો મત લેવામાં ન આવે તો તેનું સમાધાન મેળવવું મુશ્કેલ છે. પશ્ચિમ બંગાળના ઉત્તરમાં ખેડૂતો પર આવી કોઈ સંધિની નકારાત્મક અસર પડી શકે છે."

મમતા બેનરજીના દૃષ્ટિકોણ વિશે ગૌતમ લાહિડી જણાવે છે, "મમતા બેનરજીનો મત છે કે તિસ્તાના પાણીની ઉત્તર બંગાળના ખેડૂતોને વધારે જરૂર છે. એટલે તેઓ એવી સમજૂતી કરી શકતાં નથી કે દુષ્કાળ સમયે પાણી બાંગ્લાદેશને આપવામાં આવે."

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પણ બાંગ્લાદેશનો તિસ્તાના પાણી પર અધિકાર છે પરંતુ ભારતમાં રાજકીય કારણોસર આવું શક્ય બન્યું નથી. એક જમાનામાં ઉત્તર બંગાળના ભાજપ નેતા પણ તિસ્તા જળસંધિનો વિરોધ કરતા હતા.

કેન્દ્ર અને રાજ્યમાં અલગઅલગ રાજકીય પાર્ટીના સત્તારૂઢ હોવાના કારણે પણ આ સમસ્યાનું સમાધાન જોવા મળી રહ્યું નથી.

line

તિસ્તા સિવાયની બીજી પણ નદીઓ

તિસ્તા સિવાય 54 નદીઓ છે જે ભારતથી બાંગ્લાદેશમાં વહે છે. હાલ થયેલી બેઠકોમાં સાત નદીઓનાં પાણી પર સહમતી બની છે અને અન્ય આઠ નદીઓ વિશે ડેટા એકત્રિત કરવા વિશે સહમતી બની છે.

તો કદાચ 15 નદીઓ પર સમજૂતી ભવિષ્યમાં થઈ શકે એમ છે.

જોકે, ગૌતમ લાહિડી કહે છે કે તિસ્તાના પાણીની વહેંચણી એક ભાવનાત્મક મુદ્દો બની ગયો છે અને તેનું સમાધાન નીકળે તો બંને દેશો વચ્ચે 'પીપલ ટૂ પીપલ' સંબંધોમાં પણ ઘણો સુધારો આવશે.

તેઓ કહે છે કે જો બંને દેશોના લોકોમાં પરસ્પર ભરોસો વધ્યો તો એ ભારતના હિતમાં જ હશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન