ખોરાક : અમેરિકાથી શ્રીલંકા સુધી ખાવાપીવાની વસ્તુઓનું સંકટ કેમ ઊભું થયું છે?

ફૂડ

ઇમેજ સ્રોત, BEN GRAY

    • લેેખક, સ્ટીફની હેગાર્ટી
    • પદ, પૉપ્યુલેશન કોરેસ્પોન્ડેન્ટ, બીબીસી વર્લ્ડ સર્વિસ
લાઇન
  • દુનિયામાં ખાદ્યપદાર્થો ધીમે-ધીમે વધારે મોંઘા બની રહ્યા છે અને ક્યારેક તો તે દુર્લભ બની રહ્યા છે.
  • દુનિયાના અનેક દેશોમાં ખાવાપીવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો માટે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો.
  • કેટલાક દેશોમાં ખાવાપીવાની વસ્તુઓની અછત પણ થઈ રહી છે.
  • આ લેખમાં વાંચો કે અમેરિકાથી શ્રીલંકા સુધી ખાવાપીવાની વસ્તુઓનું સંકટ કેમ ઊભું થયું છે.
લાઇન

દુનિયામાં ખાદ્યપદાર્થો ધીમે-ધીમે વધારે મોંઘા બની રહ્યા છે અને ક્યારેક તો તે દુર્લભ બની રહ્યા છે. દરેક જગ્યાએ લોકોએ નવી પરિસ્થિતિઓને અપનાવવી પડી રહી છે અને ક્યારેક તેનો મતલબ થાય છે કે તેમણે તેમની ખાવાપીવાની આદતો બદલવી પડી રહી છે.

દુનિયાના અનેક દેશોમાં ખાવાપીવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો માટે જીવનનિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે. આ લેખમાં વાંચો કે આ પડકારનો સામનો અલગઅલગ દેશોના લોકો કેવી રીતે કરી રહ્યા છે.

અમેરિકામાં મોડી રાત્રે વૉલમાર્ટની મુલાકાત

સવારના ચાર વાગ્યા છે અને જ્યોર્જિયામાં ઉનાળો હોવાથી હવા કંઈક અલગ પ્રકારની છે. ડોના માર્ટિન કામ પરથી પરત ફરી રહ્યાં છે. નવા દિવસનો મતલબ છે શાળા જિલ્લાનાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવાની વધુ એક લડાઈ.

ડોના માર્ટિન એક ફૂડ સર્વિસ ડાયરેક્ટર છે જેમના માથે 4200 બાળકોની જવાબદારી છે. દરેક બાળક ફેડરલ ફ્રી સ્કૂલ મીલ પ્રોગ્રામ સાથે જોડાયેલું છે. કંઈક ભારતના મિડડે મીલ જેવું.

તેઓ કહે છે, "22000 જેટલાં લોકોની કમ્યુનિટી વચ્ચે અમારી પાસે બે કરિયાણાની દુકાનો છે. અહીં ખાદ્યપદાર્થોની ખૂબ તંગી છે."

ગયા વર્ષથી તેઓ એ વસ્તુઓ મેળવી શકતા નથી જેમની તેમને જરૂર છે.

જુલાઈમાં વાર્ષિક ખાદ્ય ફુગાવો 10.9 ટકાએ પહોંચી ગયો હતો જે 1979થી અત્યાર સુધી સૌથી વધારે હતો. ભાવવધારો થતાં ડોના માર્ટિનના ફૂડ સપ્લાયર્સ હવે સ્કૂલોમાં ભોજન પહોંચાડવામાં રસ દાખવતા નથી.

યુ.એસ.માં ફેડરલ શાળા ભોજન કાર્યક્રમ સખત રીતે નિયંત્રિત છે. તેનો મતલબ છે કે ચિકન નગેટ્સ પર જે બ્રેડકમ્બ્સ હોય છે તે ઘઉંના લોટના હોવા જોઈએ. ખોરાકમાં ખાંડ અને મીઠું ઓછા હોવા જોઈએ. તેના કારણે ડોના માર્ટિને આવી ચોક્કસ વસ્તુઓ જેવી કે નાસ્તા, દહીં ચોક્કસ જગ્યાએથી લાવવી પડે છે.

તેઓ જાણે છે કે તેમના સપ્લાયર્સ પણ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. મજૂરોની કમી થતાં તેમને ડ્રાઇવર નથી મળતાં અને ઈંધણના ભાવ પણ ગયા વર્ષની સરખામણીએ 60 ટકા વધી ગયા છે.

  • અમેરિકામાં વાર્ષિક ખાદ્ય ફુગાવો જુલાઈમાં 10.9 ટકાએ પહોંચ્યો હતો.
  • અમેરિકાના લોકો તેમની આવકનો 7.1 ટકા ભાગ ખોરાક પર વાપરે છે (USDA 2021)

જ્યારે સપ્લાયર્સ તેમની જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડતા નથી, ત્યારે તેમણે બીજા સ્રોતો પર આધારિત રહેવું પડે છે. હાલ જ તેમને પીનટ બટર મળી શક્યું ન હતું, જે બાળકોને ખૂબ ભાવે છે. તે ન મળતા તેમણે તેના બદલે બીન ડીપ વાપરી હતી.

તેઓ કહે છે, "મને ખબર છે કે બાળકોને તે વધારે નહીં ભાવે. પણ મારે તેમને કંઈક તો ખવડાવવું પડશે."

ઘણી વખત તેમણે અને તેમનાં સ્ટાફે વહેલી સવારે અથવા મોડી રાત્રે વૉલમાર્ટ જેવા સ્ટોર પર જાણે રેડ પાડવા જવું પડે છે.

"એક અઠવાડિયા માટે દરરોજ મારે આખા ગામમાંથી દહીં લેવું પડતું હતું. ઘણાં એવાં બાળકો છે જેઓ સ્કૂલે પરત ફરવા માટે ઉત્સાહિત છે. હું નથી ઇચ્છતી કે તેઓ એવું કહે : 'મમ્મી, અમને આજે અમારી સ્મૂથી મળી નથી."

line

શ્રીલંકાના બચાવમાં આવ્યું ફણસ

શ્રીલંકા

ઇમેજ સ્રોત, CHAMIL RUPASINGHE

શ્રીલંકાના અનોમામાં જે જગ્યાએ એક સમયે ડાંગરની ખેતી થતી હતી ત્યાં હવે કુમારી પરનાથલા પોતાના શાકભાજીના બગીચામાંથી ગ્રીન બીન્સ અને પુદીનાના પત્તાં વીણી રહ્યાં છે.

અહીંથી દેશમાં અન્યત્ર અરાજકતાની કલ્પના કરવી મુશ્કેલ છે. અહીંની સરકાર અને અર્થતંત્ર બંને ભાંગી પડ્યાં છે.

અહીં દરેક વસ્તુની અછત છે - દવાઓ, ઈંધણ અને ખોરાક. જે લોકો પાસે સારી એવી નોકરી છે તેઓ પણ સામાન્ય ચીજો ખરીદી શકતા નથી.

પરનાથલા કહે છે, "લોકોને હવે તેમના ભવિષ્યની ચિંતા છે. તેમને ડર છે કે હવે તેમને કંઈ જ ખાવા માટે નહીં મળે."

જમીન તેમનાં પરિવારની છે. કોરોના મહામારી દરમિયાન માત્ર શોખ ખાતર તેમણે કેટલીક વસ્તુઓ ઉગાવવાની શરૂ કરી હતી, પરંતુ હવે તે જીવન જીવવા માટે જરૂરી બની ગયું છે.

  • જૂન મહિનામાં શ્રીલંકામાં વાર્ષિક ખાદ્ય ફુગાવો 75.8 ટકા પર હતો
  • શ્રીલંકાના લોકો પોતાની આવકનો 29.6 ટકા ભાગ ખોરાક પર વાપરે છે.

કુમારી પરનાથલા ચોપડીઓ અને યુટ્યૂબની મદદથી શીખ્યાં કે શાકભાજી કેવી રીતે ઉગાડવા જોઈએ. હવે તેમના બગીચામાં ટમેટા, પાલક, દૂધી, અરબી અને શક્કરિયાં છે.

દરેક પાસે આટલી મોટી જમીન હોય તેવા નસીબદાર બધા લોકો નથી હોતા. ત્યારે હવે ઘણા શ્રીલંકન લોકો ફણસના ઝાડને પોતાના ખોરાકનો સ્રોત બનાવી રહ્યા છે.

કુમારી પરનાથલા કહે છે કે, "દર બીજા ગાર્ડનમાં તમને એક ફણસનું ઝાડ જોવા મળશે. અત્યાર સુધી લોકો ફણસને જાણતા ન હતા. તે ઝાડ પરથી પડી જતા અને તેનો કોઈ ઉપયોગ થતો ન હતો."

હવે કુમારી પરનાથલા ફણસનો ઉપયોગ કરીને ક્રિમી કોકોનટ કરી બનાવે છે. કેમ કે શાકભાજી તેમજ માંસ મોંઘા થવાના કારણે તેમને ખરીદી શકાતા નથી. ફણસ હવે કોટ્ટુ નામની વાનગીમાં પણ જોવા મળે છે. કોટ્ટુ એક સ્ટ્રીટ ફૂડ છે. કેટલાક લોકો તેના બીજને પીસી નાખે છે અને તેમાંથી બ્રેટ, કેક અને રોટલી માટે લોટ બનાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં માંસના બદલે દુનિયામાં ફણસે રેસ્ટોરાંના મેન્યુમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. પરંતુ શ્રીલંકા સંકટની વચ્ચે તેને આ દેશમાં નવી ઓળખ મળી.

તો આ ફણસ સ્વાદમાં કેવું હોય છે?

કુમારી પરનાથલા કહે છે, 'તેના સ્વાદને કહીને જણાવી શકાતો નથી. તે ખૂબ જ સારો હોય છે.'

line

નાઇજીરિયામાં બેકરીઓ દુર્લભ બની રહી છે

નાઈજિરિયા

ઇમેજ સ્રોત, TOM SAATER

સામાન્યપણે એમાન્યુએલ ઓનુઓરાહને રાજકારણમાં ખૂબ ઓછો રસ છે. તેઓ બેકરી ચલાવે છે અને તેઓ માત્ર પોતાની બ્રેડ વેચવા માગે છે.

પરંતુ હાલમાં નાઇજીરિયામાં તેમનું કામ અશક્ય બનવા લાગ્યું છે.

એમાન્યુએલ કહે છે, "છેલ્લા વર્ષમાં ઘઉંના લોટનો ભાવ 200 ટકા કરતાં વધારે વધ્યો છે. ખાંડનો ભાવ પણ 150 ટકા અને બેકિંગ માટે વપરાતા ઈંડાનો ભાવ 120 ટકા વધી ગયો છે. અમને ભારે નુકસાન થઈ રહ્યું છે."

તેમની પાસે 350 લોકોનો સ્ટાફ હતો જેમાંથી તેમણે 305 લોકોને છુટ્ટા કરી દેવા પડ્યા છે. તેઓ કહે છે, "તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે?"

તેઓ નાઇજીરિયાના પ્રીમિયમ બ્રેડમેકર્સ ઍસોસિયેશનના પ્રમુખ છે. જુલાઈ મહિનામાં તેઓએ પાંચ લાખ જેટલા લોકો જેઓ બેકરી વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમની સાથે રેલી કરી હતી અને ચાર દિવસની હડતાળની જાહેરાત કરી હતી.

તેમને આશા હતી કે સરકારનું ધ્યાન જશે અને જે વસ્તુઓની આયાત કરવામાં આવે છે તે વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવશે.

ખરાબ પાક અને મહામારી બાદ વધેલી માગના કારણે ઘઉં અને તેલના ભાવ આખી દુનિયામાં વધ્યા. યુક્રેન યુદ્ધના કારણે સ્થિતિ વધારે ખરાબ બની.

નાઇજીરિયામાં બેકરીમાં વપરાતી મોટાભાગની વસ્તુઓની આયાત કરવામાં આવે છે.

  • જુલાઈમાં નાઇજીરિયામાં વાર્ષિક ખાદ્ય ફુગાવો 22 ટકાએ હતો
  • નાઇજીરિયાના લોકો પોતાની આવકનો 59.1 ટકા ભાગ ખોરાક પર વાપરે છે.

દેશમાં વીજળીની પણ ખૂબ સમસ્યા છે તેના કારણે મોટાભાગના વ્યવસાયો પ્રાઇવેટ જનરેટર પર ચાલે છે જેનાથી ડિઝલનો ખૂબ ઉપયોગ થાય છે. ઈંધણનો ભાવ 30 ટકા વધ્યો છે. નાઇજીરિયા ભલે ઈંધણ સમૃદ્ધ દેશ છે, છતાં ત્યાં થોડી જ ઈંધણની રિફાઇનરીઓ છે અને તેણે પોતાનું બધું ડિઝલ આયાત કરવું પડે છે.

ચીજવસ્તુઓના ભાવોમાં ભારે વધારો નોંધાયા બાદ પણ એમાન્યુએલ ઓનુઓરાહ કહે છે કે તેઓ માત્ર 10-12 ટકા જ ભાવ વધારી શકે છે કેમ કે તેનાથી વધારે ભાવ વધારો તેમના ગ્રાહકોને પરવળી શકે તેમ નથી.

"નાઇજીરિયાના લોકો ગરીબ છે, વેપાર બંધ થઈ રહ્યા છે અને વેતન સ્થિર છે તેવામાં વધારે ભાવવધારો કરી શકાતો નથી."

નાઇજીરિયાના લોકો સરેરાશ તેમની આવકનો 60 ટકા ભાગ ખોરાક પર ખર્ચે છે. તેની વિપરિત અમેરિકામાં આ આંકડો 7 ટકાની આસપાસ છે.

જો આવી જ રીતે ચાલતું રહ્યું તો બેકરીઓ ટકી શકશે નહીં.

તેઓ કહે છે, "અમે કોઈ ચેરિટેબલ સંસ્થાઓ નથી, અમે વેપાર કરીએ છીએ અને તેમાં અમને નફો પણ મળવો જોઈએ. પણ તે છતાં અમે કામ કરતાં રહીશું જેનાથી નાઇજીરિયાના લોકો જમી શકે."

line

પેરૂમાં એક કમ્યુનલ પોટ 75 લોકોને જમાડે છે

પેરુ

ઇમેજ સ્રોત, GUADALUPE PARDO

લીમા શહેર, જ્યાં હાલ ધુમ્મસ છવાયેલી છે. પહાડી રસ્તા છે. તેની વચ્ચે જસ્ટીના ફ્લોર્સ વિચારી રહ્યાં છે કે આજે તેઓ ભોજનમાં શું બનાવશે.

આ એક એવી સમસ્યા છે જેનો રોજ સમાધાન લાવવો મુશ્કેલ છે.

સેન જુઆન ડે મિરાફ્લોર્સની મોટાભાગની વસતી ઘરેલુ કામ સાથે જોડાયેલી છે, જેમ કે કૂક, નોકરાણી, આયા, અને ગાર્ડનર. પરંતુ ફ્લોર્સની જેમ મોટાભાગના લોકોએ મહામારીમાં પોતાની નોકરીઓ ગુમાવી દીધી છે. તેમનાં પરિવારો ભૂખ્યા છે.

હવે જસ્ટીના ફ્લોર્સ પોતાના 60 જેટલા પાડોશીઓ સાથે મળ્યા છે અને તેઓ એક વાસણમાં તેમના ઘરની બહાર જમવાનું બનાવે છે. ભોજન બનાવવા માટે તેઓ લાકડા સળગાવે છે. પછી તેઓએ એક નાની ઝૂંપડી જેવું પણ બનાવ્યું છે.

ત્યાં તેમને એક સ્થાનિક પાદરીએ ચુલ્હો પણ આપ્યો છે. જસ્ટીના ફ્લોર્સે સ્થાનિક વેપારીઓને કહ્યું છે કે જે વસ્તુઓને તેઓ ફેંકી દે છે તેને તેઓ ફેંકે નહીં પણ તેમને દાન કરી દે.

હવે બે વર્ષ બાદ તેઓ 75 લોકોને દિવસના ત્રણ ટંક સુધી જમાડે છે. જસ્ટીના ફ્લોર્સે પહેલાં એક કિચન આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. તેવામાં હવે તેઓ તેમની કમ્યુનિટીનાં લીડર બન્યાં છે.

"હું લોકોનાં ઘરેઘરે જઈને દરવાજો ખટખટાવું છું અને તેમની સહાય માગું છું."

  • પેરુમાં વાર્ષિક ખાદ્ય ફુગાવો જુલાઈમાં 11.59 ટકાએ હતો
  • પેરુના લોકો તેમની આવકનો 26.6 ટકા ભાગ ખોરાક પર વાપરે છે

તેઓ માંસ અને શાકભાજીની મદદથી સ્ટ્યૂ બનાવતાં અને તેને ભાત સાથે પીરસતાં. પરંતુ છેલ્લાં કેટલાક મહિનાઓમાં દાન આવવાનું ઘટી ગયું છે અને ખાવાપીવાની ચીજ વસ્તુઓ મેળવવી અઘરી બની છે.

તેઓ કહે છે, "અમારી હાલત ખૂબ ખરાબ છે. મારે ભોજનની માત્રા ઘટાડવી પડી હતી."

તેમને હાલ ભાત જેવી સામાન્ય વસ્તુ પણ મળવી અઘરી બની છે.

એપ્રિલમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ કર્મચારીઓના વધતી મોંઘવારી, ઈંધણ અને ખાતરના વધતાં ભાવ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. આ હડતાળ લાંબી ચાલી અને તેના કારણે ખાદ્યપદાર્થોની સપ્લાયમાં ખલેલ પહોંચી.

હાલ જ ભાવવધારાના કારણે જસ્ટિના ફ્લોર્સે મટન પીરસવાનું બંધ કરી દીધું છે. તેઓ લિવર, હાડકાં જેવી વસ્તુઓનો વપરાશ કરતાં કેમ કે તે થોડી સસ્તી હતી. પરંતુ તે પણ મોંઘા થતાં તેમણે તેની જગ્યાએ ઈંડાં વાપરવાનું શરૂ કરી દીધું. તેલના ભાવ વધતાં તેમણે પરિવારોને ઈંડાં ઘરે જઈને બનાવવા કહ્યું. હવે ત્યાં ઈંડાં પણ બચ્યાં નથી.

આજે તેઓ પાસ્તા પીરસી રહ્યાં છે જેમાં ડુંગળીમાંથી બનેલો સૉસ અને બીજા હર્બ વાપરવામાં આવ્યા છે.

જસ્ટિના ફ્લોર્સ હડતાળ માટે કે ચીજવસ્તુઓની અછત માટે ખેડૂતોને દોષિત માનતાં નથી.

તેઓ કહે છે, "અમે પેરૂમાં ભોજન ઉગાવી શકીએ છીએ, પણ સરકાર અમને મદદ કરતી નથી."

line

જૉર્ડનમાં ચિકનનો બહિષ્કાર

જોર્ડન

ઇમેજ સ્રોત, AHMAD JABER

22 મેના રોજ એક અજાણી વ્યક્તિએ અરબી ભાષામાં ટ્વીટ કર્યું હતું અને લોકોને કહ્યું હતું કે તેઓ ચિકનની તસવીરો પોસ્ટ કરી હેશટેગ #Boycott_Greedy_Chicken_Companies વાપરે.

જૉર્ડનમાં થોડા દિવસ બાદ સલામ નસ્રેલ્લા સુપરમાર્કેટથી પોતાનાં ઘરે જઈ રહ્યાં હતાં અને ત્યારે તેમણે જોયું કે એક કેમ્પેઇન વાઇરલ થઈ રહી છે.

નસ્રેલ્લા કહે છે, "અમે બધી જગ્યાએથી તેના વિશે સાંભળ્યું હતું. અમારાં પરિવારજનો, મિત્રો તેના વિશે વાત કરતા હતા. સોશિયલ મીડિયા- ટીવી દરેક જગ્યાએ તેની વાત હતી."

તેમણે પોતાની ખરીદીની બિલમાં પણ ભાવ વધારા પર ધ્યાન આપ્યું. તેઓ બે બાળકોનાં માતા છે. તેઓ નિયમિતરૂપે તેમનાં માતાપિતા, બહેનો, ભત્રીજા, ભાણેજો માટે રસોઈ કરતાં હોય છે. તેના માટે તેઓ વધારે ચિકન ખરીદે છે.

ભાવવધારો જોઈને તેઓ પણ અભિયાનનો ભાગ બન્યાં.

10 દિવસ સુધી તેમણે ચિકન લેવાનું ટાળ્યું, પણ તે અઘરું હતું. કેમ કે બીજા માંસ અને માછલી વધારે મોંઘા હતા. સલામ અને તેમનો પરિવાર દરરોજ ચિકન ખાય છે.

પણ આ સ્થિતિમાં તેમણે હમ્મસ, ફલાફલ જેવી ચીજો ખાવાનું પસંદ કર્યું. અભિયાનના 12મા દિવસ બાદ ચિકનનો ભાવ પ્રતિકિલો 1 ડૉલર જેટલો ઘટ્યો.

  • જૉર્ડનમાં વાર્ષિક ખાદ્ય ફુગાવો જુનમાં 4.1 ટકાએ હતો
  • જૉર્ડનના લોકો તેમની આવકનો 26.9 ટકા ભાગ ભોજન પર વાપરે છે.

રામી બરહૌશ ચિકન ફાર્મ સંભાળે છે અને તેઓ બહિષ્કારના વિચારને સમર્થન પણ આપે છે. પરંતુ તેઓ એવું પણ વિચારે છે કે આ અભિયાન ખોટી ધારણા પર હતો.

તેમનું ચિકન ફાર્મ વર્ષની શરૂઆતથી જ ભાવવધારા સામે ઝઝૂમી રહ્યું છે, ખાસ કરીને ઈંધણ અને ચિકનના ખોરાક માટે.

વૈશ્વિક પરિબળોના કારણે ઈંધણ અને અનાજના ભાવ વધ્યા છે.

જૉર્ડનની સરકારે ચિકન પર એક પ્રાઇસ કૅપની પ્રસ્તાવના આપી છે. તેના માટે ચિકન ફાર્મ સાથે જોડાયેલા ખેડૂતો રમજાનના અંત સુધી સહમત થયા હતા. પરંતુ મે મહિનામાં તેમણે ભાવવધારો કરવો પડ્યો હતો. અને પછી સોશિયલ મીડિયા પર તેના મુદ્દે ઘોંઘાટ થવા લાગ્યો હતો.

નસ્રેલ્લા કહે છે કે તેમને એ જાણીને ખુશી થઈ કે તેમના વિરોધની કોઈ અસર થઈ પરંતુ તેમને ચિંતા પણ એ વાતની છે કે હજુ આ મુદ્દાના મૂળ સુધી પહોંચી શકાયું નથી.

"દુર્ભાગ્યપણે નાના ખેડૂતો અને ચિકનના વેપારીઓને વધારે મુશ્કેલીઓ થઈ રહી છે, મોટા વેપારીઓને નહીં જેઓ ખેડૂતોની જરૂરની દરેક વસ્તુઓના ભાવ વધારી દે છે."

(સુનેથ પરેરા, ગુઆડાલુપે પેર્ડો અને રિહમ અલ બકીમ દ્વારા અતિરિક્ત રિપોર્ટિંગ)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન