રાજકોટ : જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ, હજારોની સંખ્યામાં શિક્ષકોની રેલી, પ્રદર્શનકારીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી સંવાદદાતા

- સૌરાષ્ટ્રના 5000 જેટલા શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગ સાથે રાજકોટમાં રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજી હતી.
- તેમની માગ છે કે નિવૃત્તિ પછી સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકીએ તે માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવામાં આવે
- આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાના વચનો આપ્યાં છે
- નવી પેન્શન યોજનામાં એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે ''શૅરબજાર આધારિત આ રોકાણમાંથી નિવૃત્તિ વખતે 60 ટકા રકમ કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકીની 40 ટકા રકમ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે તેના વ્યાજમાંથી મળતી રકમ દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."

સૌરાષ્ટ્રના હજારો શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ રવિવારે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગ સાથે રાજકોટમાં રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજી હતી.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ સૌરાષ્ટ્રના સાત જિલ્લા રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છના ચારથી પાંચ હજાર કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા.
વોટ ફૉર ઓપીએસ (ઑલ્ડ પેન્શન સ્કીમ)નાં બૅનર્સ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રેલીમાં જોડાયેલા નિવૃત્ત શિક્ષક અશોક દવે બીબીસી સાથે વાત કરતા કહે છે, "જૂની પેન્શન યોજના અમારા માટે જીવાદોરી સમાન છે. હું હમણાં જ નિવૃત્ત થયો છું. મારા સીપીએફમાં 20 લાખ રૂપિયા હતા તેમાંથી મને 60 ટકા આપ્યા અને બાકીના પૈસા સરકારે રાખ્યા છે અને મને મશ્કરી સમાન 3,300 રૂપિયા પેન્શન આપે છે."
"મારા જમા પૈસા મને આપી દે તો એમાંથી પણ મને મહિને 8,000 રૂપિયા વ્યાજના મળે. મારા આઠ લાખ રૂપિયા મને મળી શકતા નથી, મારા મૃત્યુ પછી મારાં પત્નીને મળે. આ હળાહળ મશ્કરી છે."
તેઓ ઉમેરે છે, "નેતાઓ પાંચ વર્ષ માટે ચૂંટાય એ પછી આખી જિંદગી પેન્શન મેળવે છે અને અમે 20, 25 કે 30 વર્ષ નોકરી કરીએ અને પછી અમને 3300 રૂપિયા આપીને એમ કહો કે પરિવારને નિભાવો."
"અરે અમે બાળકોને મોટાં કરવામાં કંઈ બચત કરી શકતાં નથી. સરકાર મારું ઘરનું કરિયાણું, દૂધ અને લાઇટબિલ ભરી દે, મારે 3300 રૂપિયા નથી જોઈતા. મારી વડા પ્રધાનને વિનંતી કે તમે જૂની પેન્શન યોજના લાગુ પાડીને તમામ કર્મચારીઓને ખુશીના સમાચાર આપો."
તેમણે માગ કરી હતી કે "આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતા હોય, નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે તે માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે વર્ષ 2000 પછી નોકરીમાં લાગેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખૂજ જ આર્થિક નુકસાન ભોગવવું પડે છે.
લીંબડીમાંથી રેલીમાં આવેલા જસવંતસિંહ મોરી બીબીસી સાથે વાત કરતા કહે છે, "મેં આરટીઆઈ કરી છે તેમાં સરકાર કહી નથી શકતી કે 58 વર્ષની ઉંમરે મને કેટલું પેન્શન મળશે. એનપીએસમાં જમાં થતાં નાણાં શેરબજારમાં ઠલવાય છે. આ નાણાં સીધા ઉદ્યોગપતિઓને મળે છે. જૂની પેન્શન સ્કીમને સીપીએફ સાથે કોઈ લેવાદેવા નહોતી, તેને જોડીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે."
તેઓ ઉમેરે છે, "જેમની પાસે મકાન, દુકાન કે જમીન નથી તેમની નવી પેન્શન યોજના હેઠળ કેવી ખરાબ દશા થવાની છે તેનો કોઈ અંદાજ નથી. 30-30 વર્ષ સુધી નોકરી કર્યા પછી 2500-3000 પેન્શન મળે તો એનાથી મોટી મશ્કરી કઈ? "
લાલપુરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં દિવ્યાબા જાડેજા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "નવી પેન્શન યોજનામાં અમારું ભવિષ્ય સલામત નથી એટલે અમારે જૂની પેન્શન યોજના જોઈએ છે. અમારું નિવૃત્તજીવન શાંતિથી વિતાવવા માટે જૂની પેન્શન યોજના પાછી લાવવી જરૂરી છે."
"અમારી માગણી નહીં સંતોષાય તો અમે આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાનાં છીએ."
જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ સાથે રાજ્યભરમાં રેલીઓ યોજાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે અઠવાડિયા પહેલાં ગોધરામાં પણ જિલ્લાના 5000 જેટલા શિક્ષકોએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે રેલી યોજી હતી.

પેન્શન મુદ્દે રાજનીતિ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
વર્ષ 2004 પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકાઈ છે, તેની સામે હવે મોડે-મોડે ગુજરાતના કર્મચારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો થયો છે ત્યારે કૉંગ્રેસે પણ સરકારી કર્મચારીઓને પોતાની તરફ ખેંચવા આ પેન્શન સ્કીમને મુદ્દો બનાવ્યો છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાના વચનો આપ્યાં છે.
કૉંગ્રેસે પોતાના ચૂંટણી વચનોમાં સરકારી કર્મચારીઓને 10 લાખના સ્વાસ્થ્ય વીમા ઉપરાંત જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા સાથે 'રાજસ્થાન મૉડલ' ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે ગત 24 ઑગસ્ટે અમદાવાદમાં આ જાહેરાત કરી હતી.
આ નવી પેન્શન સ્કીમને લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ તેમના કર્મચારીઓના વિરોધનો સામનો કરી રહ્યા છે.
છત્તીસગઢ અને ઝારખંડની સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં આ મુદ્દો ચૂંટણીસભાઓમાં ગાજી ચૂક્યો છે.
મધ્ય પ્રદેશ, હરિયાણામાં પણ તેને લઈને ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે.
આ અંગે બીબીસી ગુજરાતીએ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમની તરફથી પ્રતિક્રિયા મળી ન હતી.

જૂની અને નવી પેન્શન સ્કીમ શું છે?

ઇમેજ સ્રોત, OPS GUJARAT
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "જૂની પેન્શન યોજનામાં પેન્શનની કુલ રકમમાં મોંઘવારી ભથ્થાનો લાભ મળતો જે હાલની યોજનામાં નથી મળતો."
"તેમજ આ લોકોની મરણમૂડી છે અને તેને શૅરબજારમાં રોકવામાં આવે છે, જેના કારણે બજારનાં પરિબળોની માઠી અસર પેન્શનની કુલ રકમ પર પડવાની સંભાવનાથી કર્મચારીઓની ચિંતામાં વધારો થયો છે."
જૂની પેન્શન સ્કીમ સમિતિના મહામંત્રી જિગર શાહે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતના છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજના પ્રમાણે, દર મહિને કર્મચારીના પગારના 10 ટકા અને સરકાર દ્વારા 10 ટકા પેન્શન ભંડોળમાં ઉમેરાય છે. આ નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે."
''શૅરબજાર આધારિત આ રોકાણમાંથી નિવૃત્તિ વખતે 60 ટકા રકમ કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકીની 40 ટકા રકમ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે તેના વ્યાજમાંથી મળતી રકમ દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."
"ધારો કે નિવૃત્તિ સમયે 20 લાખ એકઠા થયા તો 12 લાખ રૂપિયા કર્મચારીને રોકડા મળી જાય છે અને આઠ લાખના વ્યાજમાંથી મહિને જે રકમ મળે તે દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે."
તો જૂની પેન્શન સ્કીમ સમિતિના કન્વીનર ભારતેન્દુ રાજગોરે કહ્યું હતું, "નવી પેન્શન વ્યવસ્થા શૅરબજાર પર આધારિત હોવાથી કેટલું પેન્શન મળશે તેને લઈને પણ અનિશ્ચિતતા રહે છે."
"જેમ કે યુક્રેન યુદ્ધ પહેલાં પેન્શન મળતું હતું તેમાં શૅરબજાર ગબડતાં ઘટાડો થયો હશે. છેલ્લાં બે વર્ષમાં નિવૃત્ત થતાં કર્મચારીઓને બે-ત્રણ હજાર રૂપિયા પેન્શન મળતા જોયા પછી નવી પેન્શન યોજનાને લઈને ભ્રમ ભાંગી ગયો છે."
ભારતેન્દુએ ઉમેર્યું કે 60 વર્ષ પછી જીવનનિર્વાહનો પ્રશ્ન આવીને ઊભો છે.
નવી પેન્શન સ્કીમમાં કેટલું પેન્શન મળશે તે અંગે રહસ્ય હતું. નવી પેન્શન સ્કીમ હેઠળ છેલ્લાં બે-એક વર્ષથી કર્મચારીઓ રિટાયર્ડ થઈ રહ્યા છે ત્યારે આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.
ભારતેન્દુએ કહ્યું કે, "હવે લોકોને લાગી રહ્યું છે કે તેમની સાથે છળ થયું છે."
જિગર શાહે ઉમેર્યું કે "નવી પેન્શન સ્કીમ શૅરબજાર પર આધારિત છે અને તેમાં કર્મચારીઓની કોઈ સંમતિ લેવામાં આવતી નથી. પગારમાંથી માસિક 10 ટકાની કપાત પણ ફરજિયાત છે."
જૂની પેન્શન સ્કીમમાં નવા પગારપંચના લાભો મળે છે જે નવી પેન્શન સ્કીમમાં મળતા નથી.

પેન્શન સ્કીમ લાગુ કરવા પાછળનાં કારણો કયાં હતાં?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
પેન્શન યોજના 1881માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી. પારિવારિક ધંધામાં પણ તે ધ્યાન નથી આપી શકતા.
જિગર શાહે કહ્યું, "સરકારી કર્મચારીની અન્ય પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. આ કારણે સરકારી કર્મચારીની નિવૃત્તિની વય સુધીમાં એક જ વિષયમાં નિષ્ણાત હોય છે."
આ સ્થિતિમાં નિવૃત્તિ પછી કર્મચારીનું શું? એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને તેમના નિવૃત્તિ પછીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પેન્શન યોજના લાવવામાં આવી હતી, જેને વર્ષ 2004થી બંધ કરવી દેવામાં આવી.
સરકારી બૅન્કોમાં 2009 સુધી જૂની પેન્શન સ્કીમ ચાલુ હતી તે પછીથી બૅન્કોમાં પણ બંધ કરી દેવામાં આવી.
જૂના ધારાસભ્યોને પેન્શન મળે છે પરંતુ 2009 પછીના ધારાસભ્યોમાં પણ જૂની પેન્શન સ્કીમ હઠાવી લેવામાં આવી છે.

જૂની પેન્શન સ્કીમ હઠાવવા પાછળ તર્ક કેવા અપાયા?
સરકારની એવી દલીલ છે કે 'જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાથી સરકારને બહુ આર્થિક નુકસાન જાય છે. કર્મચારીઓ જેટલું લાંબું જીવે એટલું સરકારી તિજોરી માથે ભારણ વધે. ઘણી વાર તો કર્મચારીને ચૂકવેલા પગાર કરતા પેન્શન વધી જાય છે.'
જૂની પેન્શન સ્કીમમાં ઉંમર પ્રમાણે પેન્શનની ટકાવારી હતી. ઉદાહરણ તરીકે 75 વર્ષથી ઉપર ગયેલા નિવૃત્ત કર્મચારીને પગારના 60 ટકા પેન્શન મળે અને 85 વર્ષ ઉપર જાય તો પેન્શન 80 ટકા થઈ જાય.
આ બધાં કારણો આગળ ધરીને સરકારે જૂની પેન્શન યોજના નાબૂદ કરી છે.
જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગણીને લઈને બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણી અને નાણામંત્રી કનુ દેસાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમના તરફથી કોઈ પ્રતિભાવ મેળવી શકાયો નહોતો.

આટલા મોડા કેમ જાગ્યાં?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
પ્રશ્નના જવાબમાં જિગર શાહે કહ્યું કે "અમે વર્ષ 2014થી કર્મચારીઓ ગુજરાત સરકાર પાસે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરતા આવ્યા છીએ."
"હવે કર્મચારીઓમાં જાગૃતિ આવી રહી છે. કર્મચારીઓમાં જાગૃતિ મોડી આવી તેનું કારણ એ છે કે તેઓ આ વિષયને સમજ્યા જ નહોતા. તાલીમ આપવા આવતાં અધિકારીઓ પણ નવી પેન્શન યોજનાના ભારોભારો વખાણ કરતાં હતાં."
"પરંતુ બે-એક વર્ષોથી નવી પેન્શન યોજનાનાં પરિણામો આવવાનું શરૂ થયાં અને 1200-1500 રૂપિયાના પેન્શન મળવાના સમાચારો સામે આવતાં તેઓ સફાળા જાગ્યા છે."

પેન્શન કેમ જરૂરી છે?
અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર હેમંતકુમાર શાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે, "જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઈએ. પેન્શનથી લોકો નિશ્ચિંત રીતે જીવન જીવી શકે છે. "
"પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઇટી પછી પેન્શન ત્રીજો નિવૃત્તિ લાભ છે. 60 વર્ષ પછી પેન્શન આપીને દેશની 40 કરોડની વસ્તી અને એમના પરિવારને શાંતિ પ્રદાન કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ સારું પેન્શન મળવું જોઈએ."
તેમણે ઉમેર્યું કે, "ઔધોગિક કર્મચારીઓ માટે પેન્શનની સારી યોજના નથી. મારા પિતરાઈ ભાઈ અમદાવાદની જાણીતી ટેક્સ્ટાઇલ મિલમાં 35 વર્ષ સુધી ટેક્સ્ટાઇલ ઇજનેર તરીકે સેવા આપીને નિવૃત્ત થયા. નિવૃત્તિ વખતે તેમનો પગાર 70 હજાર જેટલો હતો અને તેમને હાલ પેન્શન તરીકે 2,625 રૂપિયા મળે છે. આ મજાક છે."
આ રિપોર્ટમાંબિપિન ટંકારિયા તરફથી ઇનપુટ્સ મળેલા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














