બેરોજગારી: શહેરોમાં કેમ બેરોજગારી વધી રહી છે અને શો છે ઉપાય?

ઇમેજ સ્રોત, GCSHUTTER
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
હાલ જ કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે એપ્રિલ 2014થી માર્ચ 2022 વચ્ચે આઠ વર્ષમાં વિભિન્ન સરકારના વિભાગોમાં સ્થાયી નોકરી મેળવવા માટે આશરે 22 કરોડ લોકોએ અરજી કરી હતી.
આ સમયગાળામાં જે લોકોને કેન્દ્ર સરકારમાં સ્થાયી નોકરી મળી તેમની સંખ્યા આશરે 7.22 લાખ હતી.
સરળ શબ્દોમાં કહીએ તો જેટલા લોકોએ નોકરી માટે અરજી કરી તેના માત્ર 0.32 ટકા ઉમેદવારોને સરકારી નોકરી મળી છે.
ભારતમાં બેરોજગારીના કારણે ઊભી થયેલી સ્થિતિનું આ માત્ર એક ઉદાહરણ છે.
વર્ષ 2020 અને 2021માં કોવિડ-19ની મહામારીના કારણે સેંકડો લોકોએ નોકરીઓ ગુમાવી. મહામારીના કારણે લાગેલા પ્રતિબંધોના પગલે ઘણી સરકારી ભરતીઓ પર પણ ખરાબ અસર પડી.
આ બધાનું પરિણામ એ હતું કે ભારતનાં ઘણાં રાજ્યોમાં બેરોજગાર લોકોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો.
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઑફ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ) પ્રમાણે કોરોના મહામારીના કારણે દેશમાં લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે આશરે 12 કરોડ લોકોની નોકરીઓ ગઈ.
સીએમઆઈઈના સંશોધનમાં એ પણ બહાર આવ્યું હતું કે 2021માં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક કરોડ ભારતીયોએ નોકરી ગુમાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સંક્ષિપ્તમાં: બેરોજગારી: શહેરોમાં કેમ બેરોજગારી વધી રહી છે અને શું છે ઉપાય?

- સેન્ટર ફૉર મૉનિટરિંગ ઑફ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ) પ્રમાણે કોરોના મહામારીના કારણે દેશમાં લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે આશરે 12 કરોડ લોકોની નોકરીઓ ગઈ
- સીએમઆઈઈ અનુસાર 2021માં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક કરોડ ભારતીયોએ નોકરી ગુમાવી હતી
- ભારતમાં એક તરફ ગ્રામીણ બેરોજગારી ઘટી છે ત્યારે બીજી તરફ શહેરી બેરોજગારી વધતી જોવા મળી
- તજજ્ઞોનું કહેવું છે કે સરકારી ક્ષેત્રોમાં ભરવામાં આવી રહેલી સ્થાયી ખાલી જગ્યાઓની સંખ્યા ખૂબ ઓછી છે
- તેમનું કહેવું છે કે દેશમાં નોકરીઓ વધારવા માટે સરકારની સમગ્ર રણનીતિ લેબર-ઇન્ટેસિવ કે શ્રમ-પ્રધાન હોવી જોઈએ
- ડિમૉનેટાઇઝેશન, જીએસટી અને મહામારીની અસર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર નકારાત્મક અને સંગઠિત ક્ષેત્રની મોટી કંપનીઓ માટે સકારાત્મક રહી છે
- નિષ્ણાતોનું કહેવું છે કે આશરે 20 ટકા નોકરીઓ જ સંગઠિત ક્ષેત્રમાંથી આવે છે જ્યારે 80 ટકા નોકરીઓ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે

શહેરોમાં કેમ બેરોજગારી વધી રહી છે?

ઇમેજ સ્રોત, SOPA IMAGES
હાલ જ સીએમઆઈએ દ્વારા કેટલાક આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.
આ આંકડા પ્રમાણે, જુલાઈના મહિનામાં ભારતનો બેરોજગારી દર 6.80 ટકા જેટલો નીચો થઈ ગયો જે છેલ્લા છ મહિનામાં સૌથી નીચલા સ્તરે હતો. જૂનમાં આ દર 7.80 ટકા હતો. ચોમાસા દરમિયાન વધતી કૃષિ ક્ષેત્રની ગતિવિધિઓને જુલાઈમાં બેરોજગારી દર ઘટવાનું એક મોટું કારણ માનવામાં આવ્યું.
આ આંકડા પરથી જાણવા મળ્યું કે ભારતમાં એક તરફ ગ્રામીણ બેરોજગારી ઘટી છે ત્યારે બીજી તરફ શહેરી બેરોજગારી વધતી જોવા મળી જેનું મુખ્ય કારણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં નોકરીઓની ઘટતી સંખ્યા માનવામાં આવી.
આવી સ્થિતિમાં બેરોજગારી સામે લડી રહેલા લોકો જ સમજી શકે છે કે રોજગાર શોધવો કેટલું મુશ્કેલ કામ હોઈ શકે છે.
સીએમઆઈઈના બેરોજગારી વિશેના આંકડાનું કેન્દ્ર સરકાર ખંડન કરતી આવી છે.
28 જુલાઈના રોજ રાજ્યસભાને આપેલા એક જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા કરાવવામાં આવેલા પીરિઑડિક લેબર ફૉર્સ સર્વે કે આવધિક શ્રમ બળ સર્વેક્ષણ પ્રમાણે ભારતના બેરોજગારી દરમાં ઘટાડો નોંધાયો છે.

સરકાર તરફથી ખંડન
સરકારે કહ્યું કે રોજગાર સૃજન સાથે રોજગાર ક્ષમતામાં સુધાર સરકારની પ્રાથમિકતા છે અને કેન્દ્ર સરકારે દેશમાં રોજગાર સૃજન માટે વિભિન્ન પગલાં ઉઠાવ્યાં છે અને ઘણી યોજનાઓ શરૂ કરી છે.
અમે એવી કેટલીક યોજનાઓ પર નજર નાખી જે સરકારના કહેવા પ્રમાણે નોકરીના ઉમેદવારો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.
1. નેશનલ કૅરિયર સર્વિસ પોર્ટલ
નેશનલ કૅરિયર સર્વિસ અથવા રાષ્ટ્રીય કરિયર સેવા પોર્ટલ (https://www.ncs.gov.in)ને શ્રમ અને રોજગાર મંત્રાલય ચલાવે છે.
આ પોર્ટલ રોજગાર સાથે સંબંધિત સેવાઓ જેવી કે જૉબ મૅચિંગ, કૅરિયર કાઉન્સિલિંગ, વ્યાવસાયિક માર્ગદર્શન, કૌશલ વિકાસ કાર્યક્રમોની જાણકારી, ઇન્ટર્નશિપ વગેરે પૂરું પાડે છે. આ પોર્ટલ પર ઉપલબ્ધ બધી સેવાઓ નોકરીના ઇચ્છુકો, નિયોક્તાઓ, પ્રશિક્ષણ પ્રદાતાઓ અને પ્લેસમેન્ટ સંગઠનો માટે નિઃશુલ્ક છે.
આ પોર્ટલ પર લૉગ-ઇન કરીને સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીઓ માટે અરજી કરી શકાય છે. સાથે જ આ પોર્ટલના માધ્યમથી આયોજિત કરવામાં આવતા રોજગાર મેળામાં પણ ભાગ લઈ શકાય છે.
સરકાર પ્રમાણે એનસીએસ પોર્ટલ પર અત્યાર સુધી 94 લાખ કરતાં વધારે ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે અને આ સિવાય આ યોજના અંતર્ગત આયોજિત રોજગાર મેળાના માધ્યમથી 2 લાખ કરતાં વધારે નોકરીવાંછુઓને રોજગારી મળી છે.

2. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના

ઇમેજ સ્રોત, NOAH SEELAM
કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ યુવાનોને કૌશલ પ્રદાન કરીને તેમને નિયમિત માસિક મજૂરી કે લઘુતમ મજૂરી ઉપરની નોકરી અપાવવાનો છે.
આ યોજના અંતર્ગત ચલાવવામાં આવી રહેલા પ્રશિક્ષણ કાર્યક્રમોનો લાભ 15થી 35 વર્ષની ઉંમર સુધીના લોકો ઉઠાવી શકે છે. મહિલાઓ અને અન્ય નબળા વર્ગના લોકો, જેમ કે વિકલાંગ વ્યક્તિઓ માટે સૌથી મહત્તમ આયુ સીમા 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
નોકરી શોધી રહેલા લોકો પરામર્શ અને માર્ગદર્શન મેળવવા સાથે એ પણ જાણી શકે છે કે તેઓ કેવા પ્રકારના કામ કરવા માટે ઉપયુક્ત છે. ત્યાર બાદ તેઓ પોતાની યોગ્યતાના આધારે કોઈ ટ્રેડ માટે પસંદગી પામે છે.
સરકારનું કહેવું છે કે વેલ્ડરથી માંડીને પ્રીમિયમ શર્ટ વેચતા સેલ્સ પર્સનથી માંડીને કમ્પ્યુટર પર કામ કરતા બેક-ઑફિસ કર્મચારી ઉમેદવારો 550 કરતાં વધારે પ્રકારનાં કામોમાંથી પોતાના માટે યોગ્ય કામ શોધી શકે છે.
યોજના અંતર્ગત સરકારી પ્રશિક્ષણ કેન્દ્રોમાં નવું કૌશલ શીખ્યા બાદ નોકરી માટે ઇચ્છુક લોકો સરકારી માન્યતા પ્રાપ્ત કૌશલ પ્રમાણપત્ર મેળવી શકે છે.
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમારે તમારી ગ્રામ પંચાયત કે ગ્રામ રોજગાર સેવક સાથે નોંધણી કરાવવી પડશે. ગ્રામ રોજગાર સેવક નજીકના પ્રશિક્ષણ કેન્દ્રના મોબિલાઇઝેશન સ્ટાફને તમને મળવાનું કહેશે અને તમને પરામર્શ તેમજ માર્ગદર્શન આપશે.
અરજદાર https://kaushalpanjee.nic.in/ પર પણ રજિસ્ટ્રેશન કરી શકે છે.

3. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાઈ)

ઇમેજ સ્રોત, TRILOKS
સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલી અન્ય એક મહત્ત્વની યોજના પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાઈ) છે જેનો ઉદ્દેશ સ્વરોજગારની સુવિધા પૂરી પાડવાનો છે.
આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની કોલૅટરલ-ફ્રી લૉન (એવી લોન જેમાં કોઈ ગૅરન્ટીની જરૂર હોતી નથી) સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો અને વ્યક્તિઓને આપવામાં આવે છે. જેથી તેઓ પોતાની વ્યાવસાયિક ગતિવિધિઓને સ્થાપિત અથવા વિસ્તારિત કરી શકે.
સરકારી આંકડા પ્રમાણે આ યોજના અંતર્ગત આઠ જુલાઈ 2022 સુધી આશરે 36 કરોડ લોકોની લૉન મંજૂર કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત આપવામાં આવતી લૉન કૉમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, લઘુ વિત્ત બૅન્ક, માઇક્રો-ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન, અને નૉન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.
લૉન લેવા ઇચ્છુક ઉપર જણાવવામાં આવેલી સંસ્થાઓ સાથે સીધો સંપર્ક કરી શકે છે અથવા www.udyamimitra.in પોર્ટલ પર ઑનલાઇન અરજી કરી શકે છે.
નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન 1.31 કરોડ લૉન મંજૂર કરવામાં આવી છે. સરકારી આંકડા પ્રમાણે આ નાણાકીય વર્ષમાં મંજૂર કરવામાં આવેલી 91,115 કરોડ રૂપિયાની લૉનમાંથી 85,817 કરોડ રૂપિયાની લૉનનું વિતરણ થઈ ચૂક્યું છે.

સરકારી ખાલી જગ્યાની ભરમાર?

ઇમેજ સ્રોત, NURPHOTO
ગત જુલાઈમાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 1 માર્ચ 2021 સુધી 40.35 લાખની સ્વીકૃત સંખ્યાની સરખામણીએ કેન્દ્ર સરકારના વિભાગોમાં આશરે 9.79 લાખ ખાલી જગ્યાઓ હતી. આ ખાલી જગ્યાઓ ગ્રૂપ એ, બી, અને સીનાં પદો માટે હતી.
હાલ જ સરકારે સંસદમાં જણાવ્યું કે ત્રણ સશસ્ત્રદળોમાં દર વર્ષે સરેરાશ 60 હજાર ખાલી પદ હોય છે જેમાંથી આશરે 50 હજાર ખાલી પદ થળસેનામાં હોય છે. સરકારે એમ પણ કહ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીના કારણે ભરતી પ્રક્રિયાઓ બંધ પડી હોવાના કારણે ભારતીય સેનામાં આશરે 1 લાખ કરતાં વધારે જવાનોની ઘટ છે.
છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો સરકારી ખાલી પદો પર ભરતી ન થવી પણ એક ચર્ચાનો વિષય રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રેલવે ભરતી બૉર્ડની પસંદગી પ્રક્રિયાને લઈને હજારો યુવાનોએ હિંસક પ્રદર્શન કર્યું હતું.
જૂન મહિનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.
આંધ્ર પ્રદેશમાં 1998માં સરકારી શાળામાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ હતી તેના નિમણૂકપત્રો 22 વર્ષ બાદ આ વર્ષે જૂન મહિનામાં અપાયા હતા. નિમણૂકપત્ર મેળવનારા ઘણા લોકો હવે સેવાનિવૃત્તિની વય નજીક છે.
જૂન મહિનામાં જ સશસ્ત્રદળો માટે કેન્દ્ર સરકારની નવી ભરતી યોજના અગ્નિપથે દેશના ઘણા વિસ્તારોમાં ભારે વિરોધપ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ ટ્રેનોમાં આગ લગાવી દીધી અને રેલવેના પાટાને નુકસાન પહોંચાડ્યું હતું.
14 જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી કે તેમની સરકાર આગામી 18 મહિનાની અંદર 'મિશન મોડ'માં 10 લાખ કર્મચારીઓની ભરતી કરશે.
પ્રોફેસર રવિ શ્રીવાસ્તવ દિલ્હીસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ડેવલપમૅન્ટના સેન્ટર ફૉર એમ્પલૉયમૅન્ટ સ્ટડીઝના ડિરેક્ટર છે.
તેઓ કહે છે, "સરકારી નોકરીઓમાં ખાલી પદોને ભરવાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો ખૂબ બોલે છે. પરંતુ હજુ સુધી તે વધુ કંઈ કરી શકી નથી."
"તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર બધા જ સ્તરે કૉન્ટ્રેક્ટના રૂપમાં લોકોને નોકરીઓ આપી રહી છે. લાંબા સમયથી સ્થાયી ખાલી પદોને ભરવામાં આવી રહ્યા નથી. ઉદાહરણ તરીકે સશસ્ત્રદળોમાં નોકરીઓનું શું થઈ રહ્યું છે?"
તેઓ કહે છે કે મૂળ રૂપે પેન્શન સહિતના અન્ય લાભોના ભારને ઓછો કરવા માટે સરકાર સશસ્ત્રદળોમાં કૉન્ટ્રેક્ટની નોકરીઓની શરૂઆત કરી રહી છે.
"સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ એ જ થઈ રહ્યું છે. સરકારી ક્ષેત્રોમાં ભરવામાં આવી રહેલી સ્થાયી ખાલી જગ્યાઓની સંખ્યા ખૂબ ઓછી છે."

કૌશલ વિકાસ અને નોકરીઓ

ઇમેજ સ્રોત, DEEPAK SETHI
કેન્દ્ર સરકાર સમયાંતરે કૌશલ વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓની વાતો કરે છે. પરંતુ શું કૌશલ વિકાસથી સરળતાથી નોકરીઓ મળી રહી છે?
પ્રોફેસર શ્રીવાસ્તવનું કહેવું છે કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કૌશલ વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ લોકોને નોકરીઓ અપાવવામાં વધારે સફળ થઈ નથી.
તેઓ કહે છે, "ઉદાહરણ તરીકે વસ્ત્રો બનાવતી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે કૌશલ વિકાસની યોજનાઓ ચલાવી રહી છે અને સરકાર દ્વારા આપવામાં આવતી કેટલીક સબસિડીનો લાભ લઈ રહી છે. પછી તે લોકોને પોતાની પરિધાન કંપનીઓમાં રોજગાર આપે છે. પરંતુ તેમના દ્વારા સૃજિત નોકરીઓની ગુણવત્તા બહુ સારી નથી."
પ્રોફેસર શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે તેનું કારણ એ છે કે માત્ર કુશળ લોકોનો એક જથ્થો બનાવી લેવું પૂરતું નથી.
"જ્યાં સુધી તમે શ્રમબજાર વિશે કંઈ નથી કરતા અને જ્યાં સુધી તમે શ્રમબજારમાં એ નોકરીઓને પ્રીમિયમ સાથે પ્રદાન નથી કરી શકતા ત્યા સુધી લોકોને સારી નોકરીઓ મળશે નહીં."
"એટલે આદિવાસી મહિલાઓ વણકરના રૂપમાં પ્રશિક્ષિત થવામાં છ મહિના લગાડે છે પરંતુ પછી તેઓ બેંગલુરુ કે દિલ્હીમાં કોઈ પરિધાન બનાવનારી કંપનીમાં લઘુતમ મજૂરી પર જ કામ કરે છે."

કેવી રીતે વધશે નોકરીઓ?

ઇમેજ સ્રોત, MAYUR KAKADE
પ્રોફેસર શ્રીવાસ્તવ કહે છે કે દેશમાં નોકરીઓ વધારવા માટે સરકારની સમગ્ર રણનીતિ લેબર-ઇન્ટેસિવ કે શ્રમ-પ્રધાન હોવી જોઈએ.
તેઓ કહે છે, "આપણે શ્રમપ્રધાન રણનીતિને આક્રમક રૂપે આગળ વધારવી પડશે. તેનો મતલબ છે કે પૂંજીને સબસિડી આપવાના બદલે શ્રમ રોજગારને સબસિડી આપવામાં આવે. ઉદાહરણ તરીકે કેન્દ્રની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ વિકાસને પ્રોત્સાહન આપવાના નામે પૂંજીને સબસિડી આપે છે. જો તમે રોજગાર વધારવા માગો છો તો આ પ્રકારની યોજના કામ નહીં આવે."
ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાતમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2020માં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી હતી જેનો ઉદ્દેશ ઘરેલૂ એકમોમાં નિર્મિત ઉત્પાદનોના વધતા વેચાણ પર કંપનીઓને પ્રોત્સાહન આપવાનો છે.
સાથે જ વિદેશી કંપનીઓને ભારતમાં દુકાનો ખોલવા માટે આમંત્રિત કરવા સિવાય આ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક કંપનીઓને વર્તમાન હાજર મૅન્યુફૅક્ચરિંગ એકમોની સ્થાપના કે વિસ્તાર માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે.
પ્રોફેસર શ્રીવાસ્તવનું માનવું છે કે નોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ) ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના વિકાસને સુવિધાજનક બનાવવામાં આવે.
તેમના પ્રમાણે સરકારે એ જાણવું પડશે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોના આગળ વધવામાં શું મુશ્કેલીઓ છે અને એ અવરોધોને દૂર કરવામાં તેમની મદદ કરવી પડશે.
તેઓ કહે છે, "જો તમે ખૂબ નાના ઉત્પાદકોની ઉત્પાદકતા વધારો છો તો તે ન માત્ર રોજગાર વધારે છે પરંતુ આવક પણ વધારે છે. ભારતમાં કામ કરનારા ઘણા લોકો પર્યાપ્ત કમાણી કરતા નથી. તમારી પાસે એક એવી રણનીતિ હોવી જોઈએ જે નાના ઉદ્યોગને નાપસંદ ન કરે, અને તેમને વિકસવામાં મદદ કરે."
પ્રોફેસર શ્રીવાસ્તવનું કહેવું છે કે ડિમૉનેટાઇઝેશન, જીએસટી અને મહામારીની અસર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર નકારાત્મક અને સંગઠિત ક્ષેત્રની મોટી કંપનીઓ માટે સકારાત્મક રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આશરે 20 ટકા નોકરીઓ જ સંગઠિત ક્ષેત્રમાંથી આવે છે જ્યારે 80 ટકા નોકરીઓ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે.
શ્રીવાસ્તવ પ્રમાણે છેલ્લાં 7-8 વર્ષમાં ઉત્પાદન અને લાભ આ ખૂબ મોટી કંપનીઓના પક્ષમાં જતા રહ્યા છે. "પરંતુ આ કંપનીઓ પાસે એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સરખામણીએ રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા ખૂબ ઓછી છે જેમણે બજારમાં પોતાનો હિસ્સો ગુમાવી દીધો છે. આ જ મુખ્ય કારણ છે કે જૉબ સ્પેસનો વિસ્તાર થઈ રહ્યો નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














