અગ્નિવીરોની ભરતીથી ભારત સરકારને કેટલી આર્થિક રાહત મળશે?

લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું છે કે, અગ્નિવીર અને પૈસા વચ્ચે કોઈ સંબંધ નથી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું છે કે, અગ્નિવીર અને પૈસા વચ્ચે કોઈ સંબંધ નથી
    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

શું અગ્નિપથ યોજનાના અમલીકરણથી ભારતનું સંરક્ષણ બજેટ ઘટશે કે પહેલા કરતાં વધી જશે... જો આવું થાય, તો શું ભારત તેના માટે તૈયાર છે?

આ પ્રશ્ન કેમ મહત્વનો છે તેના વિશે વાત કરીશું.

પરંતુ પહેલા આપણે જાણી લઈએ કે આ સવાલનો જવાબ સરકાર તરફથી મળે છે કે કેમ.

આ પ્રશ્નનો જવાબ જાણવાનો ઘણાએ પ્રયાસ કર્યો છે.

છેલ્લા બે સપ્તાહમાં અનેક પ્રૅસ કૉન્ફરન્સ અને ઇન્ટરવ્યૂ દરમિયાન સરકારના પ્રતિનિધિઓ પાસેથી આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

લાઇન

અગ્નિપથ યોજનાની વિશેષતાઓ

લાઇન
  • ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
  • ભરતી ચાર વર્ષ માટે રહેશે
  • ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને નિયમિત કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ ભરતી થનારા જવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.
  • પ્રથમ વર્ષનો પગાર દર મહિને 30 હજાર રૂપિયા હશે, ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે
લાઇન

મેં આવા 20 ઇન્ટરવ્યૂનું વિશ્લેષણ કર્યું છે અને આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે કેટલીક પ્રૅસ કૉન્ફરન્સમાં ભાગ લીધો છે. આવા જવાબો સરકાર તરફથી આપવામાં આવ્યા છે.

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે "પૈસાની વાત ભૂલી જાઓ, જો પૈસાની જરૂર હોય તો અમે ખર્ચ કરવા તૈયાર છીએ. અહીં ખર્ચનો મામલો ઊભો થવાનું કોઈ કારણ જ નથી."

લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું છે કે, "અગ્નિવીર અને પૈસા વચ્ચે કોઈ સંબંધ નથી. અમે તેમને તાલીમ આપવા અને રાખવા પાછળ વધુ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, તે કોઈ ગણતરીમાં જ નથી. જો હું એમ પણ કહું કે તમે પેન્શન પાછળ ચૂકવવા પડતા નાણાને બચાવવા જઈ રહ્યા છો, તો તમને શું લાગે છે કે તેની અસર ક્યારે થશે? તેની કોઈ અસર નથી. મારા સમગ્ર વિશ્લેષણમાં કોઈ આર્થિક પાસું નથી."

ઇન્ડિયન નેવી ચીફ ઑફ પર્સોનલ વાઇસ ઍડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે, "આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક મુદ્દાથી ઉપર છે. જો પૈસા બચશે તો તે ચોક્કસપણે (પાછા આવશે)."

શું તમને આ પ્રશ્નનો જવાબ મળ્યો?

આ સવાલનો ચોક્કસ જવાબ જાણવા માટે મેં મારા પ્રશ્નો સાથે ભારતીય સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કર્યો.

મને હજુ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. પરંતુ હવે આપણે સમજીએ કે આ પ્રશ્ન શા માટે મહત્ત્વપૂર્ણ છે.

line

આ પ્રશ્ન શા માટે મહત્ત્વનો છે?

1 ફેબ્રુઆરી, 2022ના રોજ જાહેર થયેલા સામાન્ય બજેટ મુજબ, ભારતીય સંરક્ષણ બજેટ 5.25 લાખ કરોડનું છે, જે સામાન્ય બજેટના 13.31 ટકા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1 ફેબ્રુઆરી, 2022ના રોજ જાહેર થયેલા સામાન્ય બજેટ મુજબ, ભારતીય સંરક્ષણ બજેટ 5.25 લાખ કરોડનું છે, જે સામાન્ય બજેટના 13.31 ટકા છે

1 ફેબ્રુઆરી, 2022ના રોજ જાહેર થયેલા સામાન્ય બજેટ મુજબ, ભારતીય સંરક્ષણ બજેટ 5.25 લાખ કરોડનું છે, જે સામાન્ય બજેટના 13.31 ટકા છે.

આમાં નવા ઉપકરણોની ખરીદી અને નવી ક્ષમતાઓના વિકાસ માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ છે. અને 1.19 લાખ કરોડ રૂપિયા સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના પેન્શન માટે છે.

જ્યારે સામાન્ય બજેટની જાહેરાત કરવામાં આવી ત્યારે સંરક્ષણ મંત્રાલય દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયા પર તેના વિવિધ પાસાઓની પ્રશંસા કરી હતી.

પરંતુ આ વખાણ પાછળ ભારતીય સંરક્ષણ બજેટ સંબંધિત ચિંતાજનક પાસું છુપાયેલું છે. આ પાસું પગાર અને પેન્શન પરના ખર્ચમાં વધારા અને નવી ક્ષમતાઓના વિકાસ, સંશોધન અને નવા શસ્ત્રોની ખરીદીમાં રોકાણ પરના પરિણામ સાથે સંબંધિત છે.

સરકારના 15મા નાણાં પંચે ઑક્ટોબર 2020ના રોજ શું કહ્યું તે વાંચો -

"આ જ સમયગાળા દરમિયાન (2011-12 થી 2018-19) કેન્દ્ર સરકારના કુલ ખર્ચમાં સંરક્ષણ ખર્ચનું પ્રમાણ 16.4 ટકાથી વધીને 17.4 ટકા થયું છે."

સરકારના કુલ ખર્ચમાં સંરક્ષણ પરનો ખર્ચ 2011-12માં 12.6 ટકા હતો, જે સાતમા પગાર પંચની ભલામણોને લાગુ કર્યા પછી 2018-19માં વધીને 15.1 ટકા થયો છે. આ વધારો મુખ્યત્વે પગાર અને પેન્શન પાછળના ખર્ચને કારણે થયો છે.

બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારના કુલ મહેસૂલ ખર્ચમાં સંરક્ષણ મૂડી ખર્ચનો હિસ્સો 43.8 ટકાથી ઘટીને 32.4 ટકા થયો હતો.

15મા નાણા પંચના અહેવાલનો અંશ

ઇમેજ સ્રોત, INDIAN GOVERNMENT

ઇમેજ કૅપ્શન, 15મા નાણા પંચના અહેવાલનો અંશ

આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે "2011 અને 2021 વચ્ચે પેન્શન પર ખર્ચ 15.7 ટકાના દરે વધ્યો છે, જ્યારે સમગ્ર સંરક્ષણ ક્ષેત્ર પર ખર્ચ 9.6 ટકાના દરે વધ્યો છે. અને કુલ સંસાધનો સીમિત હોવાના કારણે, પેન્શન પરના વધી રહેલા ખર્ચની અસર સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણ માટે જરૂરી ભંડોળ પર પડી છે."

15મા નાણા પંચના અહેવાલનો અંશ

ઇમેજ સ્રોત, INDIAN GOVERNMENT

ઇમેજ કૅપ્શન, 15મા નાણા પંચના અહેવાલનો અંશ

અહેવાલમાં સૂચન આપવામાં આવ્યું છે કે "સરકારે વેતન અને પેન્શનની જવાબદારીઓ ઘટાડવા અને વિશેષ રોડમૅપ સાથે સંરક્ષણ આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે તત્કાલ પગલાં લેવા જોઈએ."

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું 'અગ્નિપથ સ્કીમ'ને તે વિશેષ રોડમૅપ તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે?

line

યોજનાનું આર્થિક પાસું

અગ્નિપથ યોજના સૈન્યને યુવા બનાવવાની સમસ્યાનો ઉકેલ તો છે, સરકારે પણ તેનો દાવો કર્યો છે પરંતુ નાણાકીય કારણો પણ તેમાં ભૂમિકા ભજવી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અગ્નિપથ યોજના સૈન્યને યુવા બનાવવાની સમસ્યાનો ઉકેલ તો છે, સરકારે પણ તેનો દાવો કર્યો છે પરંતુ નાણાકીય કારણો પણ તેમાં ભૂમિકા ભજવી રહ્યા છે

તમે જોયું તેમ, સંરક્ષણ મંત્રાલયે આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી.

આવી સ્થિતિમાં બીબીસીએ 15 વર્ષથી સંરક્ષણ બજેટનું અધ્યયન કરી રહેલા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર ડૉ. લક્ષ્મણ બેહેરા સાથે વાત કરી.

ડૉ. બેહેરાએ કહ્યું છે કે, "અગ્નિપથ યોજના સૈન્યને યુવા બનાવવાની સમસ્યાનો ઉકેલ તો છે, સરકારે પણ તેનો દાવો કર્યો છે પરંતુ નાણાકીય કારણો પણ તેમાં ભૂમિકા ભજવી રહ્યા છે."

તેઓ કહે છે, "સરકારો સમક્ષ ઘણી મજબૂરીઓ હોય છે, ખાસ કરીને જ્યારે રોજગાર સંબંધિત નીતિઓ સાથે આટલી લાગણી જોડાયેલી હોય. અને તે ખૂબ જ સ્પષ્ટ છે કે સરકાર નાણાકીય બાજુ પર વાત કરવા માગતી નથી."

"પરંતુ હું માનું છું કે આ યોજનાની પાછળ નાણાકીય અવરોધો અને સંસાધનોનો અભાવ કારણભૂત છે, જેનો આપણે સામનો કરી રહ્યા છીએ."

ડૉ લક્ષ્મણ બેહેરા, એસોસિયેટ પ્રોફેસર, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, DR LAXMAN BEHERA

ઇમેજ કૅપ્શન, ડૉ લક્ષ્મણ બેહેરા, એસોસિયેટ પ્રોફેસર, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે સંરક્ષણ બજેટના સંદર્ભમાં સંસાધનોની અછતનો અર્થ શું સમજવો.

ડૉ. બેહેરા આનો ખુલાસો કરતાં કહે છે, "આ યોજનાની જાહેરાત પહેલાં, સંરક્ષણ બજેટમાં કર્મચારીઓ સંબંધિત ખર્ચ 60 ટકા હતો અને લશ્કરી સાધનો ખરીદવા, સંશોધન અને પરિવહન માટે માત્ર 40 ટકા નાણા બચ્યા હતા, જે પૂરતા નથી."

"પરિસ્થિતિ એટલી કથળી છે કે ઍગ્રીમેન્ટ પછી સરકાર પાસે પેમૅન્ટ કરવા માટે નાણા ન હોવાથી જે સામાન પાંચ વર્ષમાં આવવાનો હતો તેમાં વધુ સમય લાગ્યો કારણ કે તમારી પાસે નાણા ન હતા, જેના લીધે સામાન મગાવવામાં વિલંબ કરવો પડ્યો."

"ઉપલબ્ધ ઉપકરણોની જાળવણી પર પણ અસર પડી રહી હતી. આનો અર્થ એ છે કે તમારી પાસે ઉપકરણ છે પણ જો તેને સમયસર સર્વિસ કરવામાં ન આવે તો તેની અસરકારકતા ઘટી જાય છે. સંસાધનોની અછત ખૂબ ગંભીર અસર કરે છે."

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે અગ્નિપથ યોજના બજેટના દૃષ્ટિકોણથી કેવી રીતે મદદરૂપ સાબિત થશે.

આ પ્રશ્નના જવાબમાં ડૉ. બેહેરા કહે છે, "સરકાર કર્મચારીઓ પર જે ખર્ચ કરે છે તેમાં મોટો ઘટાડો થશે. હું આવું કેમ કહી રહ્યો છું?"

"કારણ કે અગ્નિવીરોનો સૌથી વધુમાં વધુ પગાર 40 હજાર હશે જે સરકાર દ્વારા વરિષ્ઠ સૈનિકોને આપવામાં આવતા લગભગ 80 હજાર રૂપિયાના પગાર કરતા ઘણો ઓછો છે."

"પગારની દૃષ્ટિએ, સરકારને વ્યક્તિ દીઠ 20 થી 30 હજાર રૂપિયાની બચત થશે. સાથે જ, પેન્શન પર સરકારને ત્રણ-ચતુર્થાંશ કર્મચારીઓને પેન્શન નહીં આપવું પડે."

"કારણ કે કોઈપણ એક બૅચમાં ભરતી થયેલા 75 ટકા અગ્નિવીરોને પેન્શન નહીં મળે. બજેટ પર તેની કેટલી અસર પડશે તે જોવા માટે આપણે દસ વર્ષ રાહ જોવી પડશે. પરંતુ,પાંચ વર્ષમાં આપણને કેટલાક ફેરફારો જોવા મળશે."

line

સેનામાં કેટલી જગ્યાઓ ખાલી છે

ડિસેમ્બર 2021માં આર્મી, નૅવી અને ઍરફોર્સમાં જવાનની શ્રેણીમાં કુલ 1,13,000 જગ્યાઓ ખાલી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર 2021માં આર્મી, નૅવી અને ઍરફોર્સમાં જવાનની શ્રેણીમાં કુલ 1,13,000 જગ્યાઓ ખાલી હતી

સેનામાં ખાલી જગ્યાઓની સંખ્યા પર નજર કરીએ તો ખબર પડે છે કે આનાથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો થશે.

જો કે, સરકારે આ મુદ્દે પણ કંઈ સ્પષ્ટ કહ્યું નથી.

ઉદાહરણ તરીકે, જ્યારે લેફ્ટનન્ટ જનરલ પુરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "આખી યોજના એક પરિબળ પર આધારિત છે અને તે છે યુવા."

"ઉદ્દેશ્ય કુલ સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાનો નથી. હા, અમે સંખ્યાઓને સુધારવાની પ્રક્રિયામાં છીએ. અમે સમારકામ અને જાળવણીના સંદર્ભમાં સેવાઓને આઉટસોર્સ કરી શકીએ છીએ."

"તેથી, જો અમારે સંખ્યા ઘટાડવી હોય, તો અમે રિપેર જેવા ક્ષેત્રે કરીશું, સશસ્ત્ર દળોમાં નહીં."

આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર 2021માં આર્મી, નેવી અને ઍરફોર્સમાં જવાનની શ્રેણીમાં કુલ 1,13,000 જગ્યાઓ ખાલી હતી. અને આમાં દર વર્ષે નિવૃત્ત થતા અથવા સમય પહેલાં નિવૃત્ત થતા સૈનિકોની સંખ્યા ઉમેરો. સેનામાં આવા જવાનોની સંખ્યા 75 હજાર છે.

સરકારે અત્યાર સુધી જે કહ્યું છે તે મુજબ પ્રથમ વર્ષમાં 46,000 અગ્નિવીરોની ભરતી થશે. ત્યારબાદ, ચાર-પાંચ વર્ષમાં આ સંખ્યા વર્ષે 50,000-60,000 સુધી પહોંચી જશે. તે પછી તે 90,000-1,00,000 થશે.

આ સ્થિતિમાં, અગ્નિવીર યોજના આ ખાલી જગ્યાઓ પણ ભરી શકશે એવી શક્યતા ઘણી ઓછી છે, જેનાથી પગાર અને પેન્શન સંબંધિત નાણાકીય બોજ ઘટશે.

સરકાર આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ નહીં આપી રહી હોવાથી, એ પ્રશ્ન યથાવત રહ્યો છે કે અગ્નિપથ યોજનાના અમલીકરણથી ભારતનું સંરક્ષણ બજેટ ઘટશે કે પહેલાં કરતાં વધી જશે... અને જો આવું થાય, તો શું ભારત આના માટે તૈયાર છે?

સરકારનું કહેવું છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય સંરક્ષણ બજેટ પર આર્થિક બોજ ઘટાડવાનો નથી. પરંતુ કદાચ સરકાર આ યોજના દ્વારા આ જ હેતુ પૂરો કરવા માગે છે.

જોકે, જો ખર્ચ ચાલુ રહે અથવા વધતો જાય અને સરકાર પોતાની જાતને અત્યારે છે તે જ સ્થિતિમાં જુએ તો શું ભારત આ પરિસ્થિતિનો સામનો કરી શકશે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન