બોરિસ જૉન્સન : એ 'સેક્સ સ્કૅન્ડલ' જેના કારણે બ્રિટનના મંત્રીઓએ રાજીનામાં આપ્યાં

બોરિસ જૉન્સનની કૅબિનેટમાંથી બે સિનિયર મંત્રીઓ સહિત અન્ય મંત્રીઓ અને સહયોગીઓ ઉપરાંત સેક્રેટરીઓ મળીને કુલ 27 રાજીનામાં પંડ્યા છે અને તે પણ છેલ્લા 24 કલાકમાં.

બ્રિટનના રાજકારણમાં આ ઘટના એક રાજકીય ભૂકંપ સમાન હતી, કારણ કે માત્ર અડધા કલાકના અંતરે રાજીનામું આપી દેનાર બે મોટા મંત્રીઓએ વડા પ્રધાન બોરિસ જૉન્સનની નેતૃત્વક્ષમતા પર પ્રશ્નો ઊભા કર્યા છે.

બોરિસ જૉન્સન

ઇમેજ સ્રોત, PA Media

બ્રિટનના તાજા રાજકીય ઘટનાક્રમ પાછળ એક સેક્સ સ્કૅન્ડલ હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં વડા પ્રધાન બોરિસ જૉન્સનના એક નજીકના સાંસદ સંડોવાયેલા હોવાનું કહેવાય છે.

નાણામંત્રી ઋષિ સુનકે રાજીનામું આપતા કહ્યું કે બ્રિટનના નાગરિકોને આશા છે કે સરકાર એક "યોગ્ય અને ગંભીર" રીતે કામ કરે.

તો આરોગ્યમંત્રીના પદ પરથી રજીનામું આપતા સાજિદ જાવિદે દાવો કર્યો કે સરકાર દેશહિતમાં કામ નથી કરી રહી.

આ બંને રાજીનામાં બાદ ચર્ચા ચાલી રહી છે કે સરકાર પણ કદાચ ટકી શકશે નહીં અને ત્યાર બાદ વિરોધીઓ બોરિસ જૉન્સનના રાજીનામાની માગ કરી રહ્યા છે.

લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે કહ્યું કે, "બધી ગંદકી, બધી નિષ્ફળતા પછી હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કન્ઝર્વેટિવ સરકાર પડી રહી છે."

લિબરલ ડેમૉક્રેટિક પાર્ટીના નેતા એડ ડેવીએ કહ્યું કે બોરિસ જૉન્સન પાસેથી રાજીનામું આપતા "તેમના કાર્યકાળને એક અરાજક સરકાર ગણાવી જેણે દેશને નિષ્ફળ બનાવ્યો છે."

હાલમાં જ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો હતો અને એ વાતને હજુ એક મહિનો પણ નથી થયો ત્યારે તેમના રાજીનામાની માગ થઈ રહી છે.

અવિશ્વાસ પ્રસ્તાવમાં 41 ટકા સાંસદોએ તેમની સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. ત્યારે બોરિસ જૉન્સન કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન છતાં વડા પ્રધાનના નિવાસસ્થાનમાં પાર્ટી કરવાને લઈને મુશ્કેલીમાં મુકાયા હતા.

line

એ સેક્સ સ્કૅન્ડલ જેનાથી સંકટ શરૂ થયું

ઋષિ સુનક

ઇમેજ સ્રોત, Reuters

30 જૂનના બ્રિટનના સમાચારપત્ર 'ધ સન' દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ક્રિસ પિંચરે લંડનની એક ખાનગી ક્લબમાં બે પુરુષોને આપત્તિજનક રીતે અડક્યા હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બોરિસ જૉન્સને પિંચરને પાર્ટીના ડેપ્યુટી વ્હિપ બનાવ્યા હતા. 'ધ સન'નો રિપોર્ટ આવ્યા બાદ પિંચરે રાજીનામું આપવું પડ્યું હતું.

પરંતુ કેટલાક દિવસોમાં જ બ્રિટનના મીડિયામાં એવા કેટલાક અહેવાલો આવ્યા. હાલનાં વર્ષોમાં પિંચર પર જાતીય સતામણી અંગેના ઓછામાં ઓછા છ વધુ કેસ સામે આવ્યા છે.

પિંચરને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા. તેમણે માફી માગવી પડી અને કહ્યું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. તેમણે કહ્યું કે તેઓ "પ્રોફેશનલ મેડિકલ મદદ" લઈ રહ્યા છે.

line

વિવાદ સાથે બોરિસ જૉન્સનનો શો સંબંધ?

બોરિસ જૉન્સન

ઇમેજ સ્રોત, Getty Images

બોરિસ જૉન્સન આમ તો આ સેક્સ સ્કૅન્ડલ સાથે સીધી રીતે સંકડાયેલા નથી પરંતુ આ સ્કૅન્ડલને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

એક તરફ તો તેમની પસંદગી પર પ્રશ્નો થઈ રહ્યા છે. આ મામલામાં સરકારના વલણની પણ ટીકા થઈ રહી છે.

એક જુલાઈએ બ્રિટન સરકારે પત્રકારોને કહ્યું કે વડા પ્રધાનને પિંચરની નિમણૂક પહેલાં તેમના પર લાગેલા "ખાસ આરોપો" વિશે કંઈ ખબર નથી.

તેમના અનેક મંત્રીઓએ પણ આવી જ વાત કરી હતી.

પરંતુ ચાર જુલાઈએ વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે બોરિસ જૉન્સનને આવા આરોપોની માહિતી હતી, જેનું નિરાકરણ થયું અથવા જેના પર સત્તાવાર ફરિયાદ નથી થઈ.

પ્રવક્તાએ કહ્યું કે પિંચરની નિમણૂકને રોકવી યોગ્ય ન ગણાયું, કારણ કે આ આરોપો સાબિત નહોતા થયા.

ક્રિસ પિંચર

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ક્રિસ પિંચર

એ જ દિવસ બપોરે બીબીસીએ જણાવ્યું કે બોરિસ જૉન્સનને 2019-2020માં જ પિંચરની વિરુદ્ધ લાવવામાં આવેલી એક ઔપચારિક ફરિયાદ વિશે માહિતી આપવામાં આવી હતી, ત્યારે તેઓ વિદેશમંત્રી હતા.

આ ફરિયાદ પર આગળ અનુશાસનાત્મક કાર્યવાહી પણ થઈ હતી જેનાથી એ વાતની પુષ્ટિ થાય છે કે દુર્વ્યવહાર થયો હતો.

પછી બોરિસ જૉન્સને બીબીસીને કહ્યું કે, "મારી પાસે એવી ફરિયાદ આવી હતી પરંતુ તે જૂની વાત છે. બસ મૌખિક કહેવામાં આવ્યું હતું.... પરંતુ આ કોઈ બહાનું નથી, મારે તેના પર પગલાં લેવાં જોઈતાં હતાં."

વડા પ્રધાને પિંચરની નિમણૂકને ભૂલ ગણાવી હતી અને કહ્યું હતું કે તેમણે બહુ ખરાબ વર્તન કર્યું, જેના માટે તેમણે પીડિતો પાસે માફી માગી છે.

લાઇન

આગળ શું થઈ શકે છે?બીબીસીના રાજકીય સંપાદક ક્રિસ મેસનનું વિશ્લેષણ

લાઇન

બીબીસીના રાજકીય સંપાદક ક્રિસ મેસને કહ્યું કે આ બધું સત્ય સાથે સંબંધિત છે. કેટલાક આરોપો અને સવાલો છે. સરકારે જે રીતે પરિસ્થિતિને સાચવી છે, શું લોકો તેના પર ભરોસો કરશે? પિંચર સ્કૅન્ડલથી કેટલીક બાબતોમાં ફેરફાર આવ્યો છે. કોરોના મહામારીના લૉકડાઉનમાં પાર્ટીનું આયોજન થયું જેમાં વડા પ્રધાન પોતે સામેલ થયા હતા.

વિવાદો પર સરકારના જવાબ પણ સમય સમયે બદલાતા રહ્યા છે. પ્રથમ બચાવમાં જે તર્ક આપવામાં આવ્યા તે હાસ્યાસ્પદ હતા. બોરિસ જૉન્સને એક મહિના પહેલાં જ અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા હતા. જૉન્સનના ટીકાકારો નેતૃત્વ બદલવાની માગ કરી રહ્યા છે.

બોરિસ જૉન્સનના ટીકાકાર ઍન્ડ્ર્યુ બ્રાઇડને સ્કાય ન્યૂઝને કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનને લઈને નિયમમાં ફેરફારની જરૂર છે.

પિંચર સ્કૅન્ડલના કારણે બ્રિટનમાં રાજકીય પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ટોચના બે મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે અને આ સિલસિલો અહીં જ રોકાશે નહીં. હજુ વધુ મંત્રીઓ રાજીનામું આપી શકે છે.

જૂન મહિનામાં થયેલી પેટાચૂંટણીમાં પાર્ટીની હારથી બોરિસ જૉન્સન પર વધુ દબાણ વધશે. આ હારને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ ઓલિવર ડૉડેને રાજીનામું આપવું પડ્યું હતું.

વડા પ્રધાન કાર્યાલયને આશા છે કે પરિસ્થિતિ કાબૂમાં આવી જશે. બોરિસ જૉન્સન પાસે હજુ પણ વિદેશ, ગૃહ, રક્ષા અને વેપાર મંત્રાલય છે. એ યાદ રાખવું જોઈએ કે ગૉર્ડન બ્રાઉન પણ મંત્રીના રાજીનામા બાદ બચી ગયા હતા, કારણ કે બાકીના કૅબિનેટ મંત્રીઓ તેમની સાથે હતા.

પરંતુ બોરિસ જૉન્સનની કૅબિનેટમાં અન્ય જુનિયર મંત્રીઓ તેમની વિરુદ્ધ છે અને તેઓ પણ સુનકની જેમ રાજીનામું આપી શકે છે. આની પહેલાં પૂર્વ વડાં પ્રધાન ટેરેસા મેને પણ પાર્ટીમાં વોટિંગનો સામનો કરવો પડ્યો હતો. તેઓ જીતી ગયાં હતાં પરંતુ તેમણે બ્રૅક્ઝિટને કારણે છ મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન