હિટ ઍન્ડ રન : પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી, પછી કઈ રીતે પકડાયાં?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- સમાજના એક પ્રસંગમાં નીતિન અને શૈલેશ પ્રજાપતિ મળ્યા
- પહેલી નજરમાં નીતિન શૈલેશનાં પત્ની શારદાના પ્રેમમાં પડ્યો
- નીતિને શારદાને પ્રેમિકા બનાવવા શૈલેશનો ધંધામાં પાર્ટનર બનાવ્યા
- ત્રણ વર્ષમાં પ્રેમમાં ગળાડૂબ નીતિન અને શારદાએ શૈલેશની હત્યા કરાવડાવી
- પોલીસને મળેલી એક કડી, જેણે માર્ગ અકસ્માતનો કેસ હત્યાનો હોવાનું પુરવાર કર્યું

"જ્યારે મેં પહેલી વખત શૈલેશ સાથે શારદાને જોઈ ત્યારથી તેના પ્રેમમાં પડી ગયો હતો. તેથી મેં શૈલેશને ગામથી અહીં બોલાવ્યો, ધંધામાં પાર્ટનર બનાવ્યો અને શારદાનો પ્રેમ હાંસલ કર્યો. પણ..."
કંઇક આ પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ નીતિન પ્રજાપતિ નામના વ્યક્તિએ પોતાના મિત્ર શૈલેશ પ્રજાપતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
તેમણે પોલીસને જણાવ્યું હતું કે, "હું અને તેની પત્ની શારદા પ્રેમમાં હતાં, પણ તે આડે આવતો હતો. તેથી અમે સોપારી આપીને તેની હત્યા કરાવી નાખી."
મૃતક શૈલેશ અને હત્યાના આરોપસર પકડાયેલ નીતિન બોટાદના રાણપુર ગામના રહેવાસી હતા. બંને એક જ જ્ઞાતિના હોવાથી એક પ્રસંગમાં બંનેનો ભેટો થયો હતો.
તે દિવસે જ પહેલી વખત શૈલેશની પત્ની શારદાને જોઇને નીતિન પ્રેમમાં પડી ગયો હતો અને ત્યારથી જ તેને પોતાની પ્રેમિકા બનાવવાનો કારસો ઘડ્યો હતો.

મિત્રતાથી ભાગીદારી અને હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
નીતિન અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ અને તેની આસપાસમાં જમીન લે-વેચ અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો હતો. તેણે કરેલી કબૂલાત અનુસાર, તેણે શૈલેશને પરિવાર સાથે અમદાવાદ આવીને પોતાની સાથે ધંધામાં જોડાઈ જવા કહ્યું.
તેણે આગળ કહ્યું, "મેં તેને (શૈલેશ)ને ધંધામાં મારો ભાગીદાર બનાવ્યો. કામ સારું ચાલતું હોવાથી તે સારા એવા પૈસા પણ કમાતો થઈ ગયો હતો."
બંને એક જ જ્ઞાતિના હોવાથી ઘરે આવવા-જવાનું સરળ હતું. સમય જતાં નીતિન અને શારદા એકબીજાનાં પ્રેમમાં પડ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શારદા જ્યારે એકલાં હોય ત્યારે નીતિન ઘરે જતો. બંને અવારનવાર બહાર હોટલમાં પણ મળતાં હતાં.
ત્રણ વર્ષમાં પ્રેમ એટલી હદ સુધી આગળ વધી ગયો હતો કે હવે બંનેને શૈલેશ નડતરરૂપ લાગવા લાગ્યા હતા.
આખરે બંનેએ વિચાર્યું કે જો હવે ભેગા રહેવું હોય તો શૈલેશને વચ્ચેથી હઠાવવો પડશે. ત્યાર બાદ તેમણે શૈલેશની હત્યાનો કારસો ઘડ્યો હતો.
શારદાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે શૈલેશને નીતિન અને તેમના પ્રેમસંબંધની ગંધ આવી ગઈ હતી. જેથી બંનેએ છ મહિના અગાઉ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
શારદાએ પોલીસને કહ્યું હતું કે નીતિને કોઇક 'કાણિયા' નામની વ્યક્તિને હત્યા માટે સોપારી આપી હતી. આ અંગે નીતિને પોલીસને કહ્યું હતું કે તેમણે ગોમતીપુરમાં રહેતાં યાસીન ઉર્ફે કાણિયા નામની વ્યક્તિને 10 લાખ રૂપિયામાં શૈલેશની સોપારી આપી હતી.
પોલીસ મુજબ, શારદાએ શૈલેશના ફોટા પાડીને નીતિનને મોકલ્યા હતા અને રોજ સવારે તે કેટલા વાગ્યે, ક્યાં મૉર્નિંગ વૉક માટે જાય છે, તેની માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ સિવાય શારદાએ શૈલેશની ઓળખ થાય તે માટે ભૂરા રંગની ટી-શર્ટ અને કાળું ટ્રૅક પેન્ટ પહેર્યું હોવાની માહિતી પણ આપી હતી અને 24 જૂને હત્યાના દિવસે પણ શૈલેશને એ જ કપડાં પહેરવા માટે આપ્યાં હતાં.
24 જૂને વહેલી સવારે મૉર્નિંગ વૉક દરમિયાન એક મિની ટ્રકની અડફેટે શૈલેશનું મૃત્યુ થયું હતું.

કઈ રીતે ભેદ ઉકેલાયો?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
પ્રાથમિક તબક્કે આ ઘટના 'હિટ ઍન્ડ રન' જેવી લાગતી હતી. પોલીસ મથકે પણ તેની નોંધ માર્ગ અકસ્માત તરીકે કરવામાં આવી હતી.
શૈલેશના પરિવારમાં પણ બધાએ માની લીધું હતું કે અકસ્માતમાં જ તેમનું મૃત્યુ થયું છે પણ પોલીસને તપાસમાં એક એવી બાબત ધ્યાને આવી, જેના લીધે ઘટના પરથી પડદો ઊંચકાયો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પૅક્ટર એન. એલ. દેસાઈ કહે છે, "વસ્ત્રાલના જાહેરમાર્ગ પર બનેલી આ ઘટના સંદર્ભે અમે સીસીટીવી કૅમેરા તપાસ્યા હતા. એમાં જોવા મળ્યું કે શૈલેશ સૂમસામ રસ્તાની બાજુમાં ચાલતા જતા હતા અને પાછળથી આવીને ટ્રકે ટક્કર મારી હતી."
તેઓ આગળ કહે છે, "રસ્તો સૂમસામ હતો અને આવા રસ્તા પર જો કોઈ વ્યક્તિ વચ્ચે આવે તો સામાન્ય રીતે ચાલક બ્રેક મારી દે છે પરંતુ આ ટ્રકના ચાલકે બ્રેક મારી નહોતી અને રસ્તાની બાજુમાં ચાલી રહેલા શૈલેશને ટક્કર મારીને ત્યાંથી નાસી છૂટ્યો હતો."
શૈલેશ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પોલીસને શરૂઆતમાં ધંધાની અદાવતમાં તેમની હત્યા થઈ હોવાનું લાગ્યું પણ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેમના ભાગીદાર નીતિનની તપાસ કરતાં શારદા અને નીતિન બંને ઘણા સમયથી એકબીજાના સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું.
પોલીસે બંનેના ફોન નંબર અને વૉટ્સઍપ ચૅટ તપાસ્યા બાદ બંનેના લગ્નેત્તર સંબંધો હોવાનું બહાર આવ્યું અને બંનેની અટકાયત કર્યા બાદ પૂછપરછમાં બંનેએ ગુનાની કબૂલાત કરી દીધી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













