વાયુપ્રદૂષણ : ચીને માત્ર સાત વર્ષમાં વાયુ પ્રદૂષણને કેવી રીતે અડધું કરી નાખ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અતાહુલ્પા એમેરાઇઝ
- પદ, બીબીસી મુંડો
છેલ્લા એક દાયકામાં ચીનમાં એવા ફોટોગ્રાફ્સ ફરતા હતા જેમાં પ્રદૂષણના ગાઢ સ્તરને કારણે ધોળા દિવસે પણ સૂર્ય જોવા મળતો નથી. જોકે આજે આવી સ્થિતિ નથી.
ઉપગ્રહ માપન કરતી યુનિવર્સિટી ઑફ શિકાગોની એનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (ઈપીઆઈસી) દ્વારા જૂનમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર, ચીને 2013 અને 2020ની વચ્ચે હવામાં હાનિકારક કણોની માત્રામાં 40 ટકા ઘટાડો કર્યો છે.
આટલા ટૂંકા ગાળામાં દેશમાં પર્યાવરણમાં પ્રદૂષણમાં આ સૌથી મોટો ઘટાડો છે.
વાસ્તવમાં, ક્લીન ઍર ઍક્ટ, 1970ના સીમાચિહ્નરૂપ સ્વચ્છ હવા અધિનિયમ પછી સમાન લક્ષ્ય સુધી પહોંચવામાં યુનાઇટેડ સ્ટેટ્સને ત્રણ દાયકા લાગ્યા હતા.

શ્વાસ નહીં લઈ શકવાની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
ચીને આટલા ઓછા સમયમાં આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી?
આ પ્રશ્નનો જવાબ આપવા માટે, આપણે ફરી 2013માં પાછા જવું પડશે. એ સમયે એશિયન દેશમાં વાયુપ્રદૂષણ ચરમસીમાએ પહોંચી ગયું હતું.
2013ના વર્ષમાં, ચીનમાં સરેરાશ 52.4 માઇક્રોગ્રામ (µg) પ્રતિ ઘન મીટર (m3) PM2.5 પ્રદૂષક કણો નોંધાયા હતા. જે આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યૂએચઓ) દ્વારા ભલામણ કરાયેલ મર્યાદા કરતાં 10 ગણી વધારે છે.
PM2.5 સૂક્ષ્મ કણો અશ્મીભૂત પદાર્થો અથવા ઈંધણના દહનમાંથી પેદા થાય છે, તે શ્વસન માર્ગમાં પ્રવેશી શકતા હોવાથી આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
EPIC ખાતે ઍર ક્વૉલિટી પ્રોગ્રામ્સના ડિરેક્ટર અને રિપોર્ટના સહ-લેખક ક્રિસ્ટા હેસેનકોપે બીબીસી મુંડોને સમજાવતા કહ્યું હતું, "તે સમયે, લોકોને સમસ્યાથી અવગત કરાવતી ભારે પ્રદૂષણની ઘટનાઓ સમજાઈ અને ચીનને 'હવે તો મર્યા' એવું ભાન થયું."
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ચીનની સરકારે વાયુપ્રદૂષણ સામે લડવાની જાહેરાત કરી.
2013ના અંતે, તેણે 2,70,000 મિલિયન ડૉલરના ઉદાર બજેટ સાથે ચાર વર્ષના સમયગાળામાં પ્રદૂષણ ઘટાડવા માટે 'નેશનલ ઍર ક્વૉલિટી ઍક્શન પ્લાન' સક્રિય કર્યો, જેમાં બેઇજિંગ સિટી કાઉન્સિલ તરફથી વધારાના 1,20,000 ડૉલર ઉમેરવામાં આવ્યા.

કોલસા સામે યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
આ યોજનામાં આગામી ચાર વર્ષમાં 35 ટકા પ્રદૂષણ ઘટાડવાના ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.
તેમાં સ્વાભાવિકપણે દુશ્મન નંબર વન ખનીજ કોલસો હતું. જેણે 20મી સદીના છેલ્લા ક્વૉર્ટરથી ચીનનું ઝડપી ઔદ્યોગિકીકરણ શક્ય બનાવ્યું અને દેશનો મુખ્ય ઊર્જાસ્ત્રોત બન્યું હતું.
સરકારે સૌથી વધુ પ્રદૂષિત શહેરો અને પ્રદેશોમાં નવા કોલસાના પ્લાન્ટના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો અને પ્રવર્તમાન પ્લાન્ટને ઉત્સર્જન ઘટાડવા અથવા કુદરતી ગૅસ પર તબદિલ કરવા દબાણ કર્યું.
2017ના એક જ વર્ષમાં, ચીનના સૌથી મોટા ખનિજ ઉત્પાદક એવા શાંક્સી પ્રાંતમાં 27 કોલસાની ખાણો બંધ કરવામાં આવી હતી.
જાન્યુઆરી 2018માં, બેઇજિંગમાં છેલ્લો કોલસાનો પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે ચીની સરકારે નવા 103 પ્લાન્ટ બનાવવાની યોજના રદ કરી.
જો કે કોલસો એ ચીનનો વીજળીનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે, દેશની સત્તાવાર માહિતી અનુસાર, 2013માં કોલસા આધારિત વીજળીનું કુલ ઉત્પાદન 67.4 ટકાથી ઘટીને 2020માં 56.8 ટકા થઈ ગયું.
કોલસાની ખોટને સરભર કરવા માટે, ચીની સરકારે પવન ઊર્જા, સૌર ઊર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતોમાંથી વીજ ઉત્પાદનમાં વધારો કર્યો.
તેના કારણે સ્થિતિ એવી થઈ કે 2017માં નવીનીકરણીય ઊર્જા ચીનના કુલ વીજળી ઉત્પાદનના ચોથા ભાગનું પ્રતિનિધિત્વ કરતી હતી, જેની ટકાવારી યુનાઇટેડ સ્ટેટ્સથી પણ આગળ વધારે હતી, યુએસમાં તે વર્ષે આ હિસ્સો 18 ટકા હતો.
ચીને પરમાણુ ઊર્જાને પણ સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું. 2016 અને 2020ની વચ્ચે તેણે 20 નવા પરમાણુ ઊર્જાના પ્લાન્ટ ઊભા કરી ક્ષમતા બમણી કરીને 47 GW (ગીગાવૉટ) કરી છે અને 2035 સુધીમાં તે 180 ગીગાવૉટ સુધી પહોંચવાની યોજના ધરાવે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સની વર્તમાન ક્ષમતા કરતાં લગભગ બમણી છે.

કાર પર નિયંત્રણો

ઇમેજ સ્રોત, Getty Images
ચીને ઉદ્યોગમાં પોલાદ અને સ્ટીલની ઉત્પાદનક્ષમતા ઘટાડવાનું બીજું પગલું ભર્યું હતું. 2016 અને 2017ની વચ્ચે એક જ વર્ષમાં તેમાં 115 મિલિયન ટનનો ઘટાડો થયો હતો.
અલબત્ત, તેણે કમ્બશન એન્જિન વાહનોને બજારમાં મૂક્યાં.
બેઇજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને અન્ય મોટાં શહેરોમાં, ચલણમાં કારની સંખ્યાનો દૈનિક ક્વોટા મર્યાદિત કરવામાં આવ્યો હતો અને દર વર્ષે નવી લાઇસન્સ પ્લેટોની સંખ્યા નિયંત્રિત કરવામાં આવી હતી.
જોકે આમ છતાં સત્તાવાર ડેટા અનુસાર, ચીનમાં 2013માં 12.6 કરોડ વાહનોની સંખ્યા વધીને 2020માં 27.3 કરોડ થઈ ગઈ હતી.
અલબત્ત, ઓછા પ્રદૂષણ ઉત્સર્જન માટે: સરકારે નિયમોને કડક બનાવ્યા અને 2017ના અંતે તેણે સ્થાનિક અને વિદેશી વાહનોના ભારે પ્રદૂષણ ફેલાવતા 553 મૉડલનું ઉત્પાદન પ્રતિબંધિત કરી દીધું.

મોટાં શહેરો પર ભાર

ઇમેજ સ્રોત, Getty Images
એપિકના હવા ગુણવત્તા કાર્યક્રમોના ડિરેક્ટર કહે છે, "અમારા અનુમાન પ્રમાણે, જો નાગરિકો 2013ના સ્તરની તુલનામાં હાલની સ્વચ્છ હવા શ્વાસમાં લેવાનું ચાલુ રાખે તો સમગ્ર ચીનના લોકોના સરેરાશ આયુષ્યમાં બે વર્ષનો વધારો થઈ જશે."
હાસેનકોફે નોંધ્યું હતું કે દેશનાં મોટાં ભાગનાં મોટાં શહેરોએ 2013 અને 2020ની વચ્ચે રાષ્ટ્રીય સરેરાશ 40 ટકા કરતા પણ વધુ પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપ્યું હતું.
શાંઘાઈમાં આ કણોમાં 44 ટકા, ગુઆંગઝુમાં 50 ટકા, શેનઝેનમાં 49 ટકા અને બેઇજિંગમાં 56 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
તેમણે કહ્યું, "ચાર શહેરોના નાગરિકો એકદમ ચોખ્ખી હવામાં શ્વાસ લે છે."

અન્ય યોજનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
2013ના ચાર વર્ષના કાર્યક્રમને વાયુપ્રદૂષણ સામે લડવા માટે વધારાની બે ત્રણ-વર્ષીય યોજનાઓ દ્વારા આગળ વધારવામાં આવ્યો હતો, એક યોજના 2018માં અને બીજી 2020માં લાગુ પાડવામાં આવી હતી, જેણે ઉત્સર્જન નિયંત્રણ પગલાંને વધુ કડક બનાવ્યા છે.
બીજી તરફ, કોવિડ-19ના કારણે નિયંત્રણો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પરિવહનમાં ઘટાડો થયો, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો.
શું મહામારી અભ્યાસના પરિણામને પ્રભાવિત કરી શકે છે એવા પ્રશ્નના જવાબમાં હાસેનકોફે કહ્યું કે અભ્યાસમાં મહામારીની અસરનું ખાસ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.
જોકે, તેમણે ખાતરી આપી હતી કે "ચીનમાં 2020 માટેનો ડેટા 2014થી સતત પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાના વલણ સાથે સામાન્ય રીતે બંધબેસતો જણાય છે" અને તેથી તેમણે કોવિડ પરિબળને ઓછું મહત્વ આપ્યું હતું.

વિશ્વની સરખામણીમાં ચીન

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ઉજળું એ બધું જ સોનું નથી હોતું. તાજેતરનાં વર્ષોના પ્રયત્નો છતાં ચીને હજુ પણ તેનાં શહેરોના પ્રદૂષણને હટાવવા માટે લાંબી મજલ કાપવાની છે.
સૌથી તાજેતરના સેટેલાઇટ ડેટા અનુસાર, બેઇજિંગમાં પ્રદૂષણ સરેરાશ 37.9 µg/m3 છે, જે ન્યૂ યૉર્કમાં 6.3 µg/m3, લંડનમાં 9, મેડ્રિડમાં 6.9 અથવા મેક્સિકો સિટીમાં 20.7 કરતાં ઘણું વધારે છે.
યુનિવર્સિટી ઑફ શિકાગોના અભ્યાસનો અંદાજ છે કે ચીનની રાજધાનીના રહેવાસીઓ 2013 કરતાં સરેરાશ 4.4 વર્ષ લાંબુ જીવશે. જે પ્રદૂષિત કણોમાં તાજેતરના ઘટાડાને આભારી છે.
અન્ય સ્થળોએ પરિસ્થિતિ વધુ ખરાબ છે: નવી દિલ્હીમાં પ્રદૂષણ 107.6 µg/m3 સુધી પહોંચે છે, જે ડબલ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલ 5 µg/m3 ની મર્યાદા કરતાં વીસ ગણું કરતાં વધુ છે.
તાજેતરના ડેટા અનુસાર, બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાન એવા દેશો છે જ્યાં હવામાં સૌથી વધુ પ્રદૂષિત હવા શ્વાસમાં લેવામાં આવે છે, જ્યારે ચીન છેલ્લા દાયકામાં ટોચના પાંચ દેશમાં સામેલ હતું, જે આજે 31.6 µg/m3 સાથે નવમા ક્રમે આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
યુનાઇટેડ સ્ટેટ્સમાં સરેરાશ પ્રદૂષણ 7.1 µg/m3 છે. જ્યારે લૅટિન અમેરિકન પ્રદેશમાં ગ્વાટેમાલા, બોલિવિયા, અલ સાલ્વાડોર અને પેરુ 20 અને 30 ની વચ્ચેના સ્તર સાથે સૌથી વધુ પર્યાવરણીય પ્રદૂષણ ધરાવતા દેશોમાં આવે છે, જ્યારે બાકીના મોટાભાગે 10 અને 20 ની વચ્ચે છે.
આજે એ હકીકત છે કે પૃથ્વી પરના ઘણા લોકો એવું કહી શકતા નથી કે તેઓ સ્વચ્છ હવા શ્વાસમાં લે છે અને વિશ્વની 97 ટકા વસતી એવાં સ્થળોએ રહે છે જ્યાં હવાની ગુણવત્તા વિશ્વ આરોગ્ય સંસ્થાનના ધોરણોથી નીચે આવે છે.
હાસેનકોફે કહે છે, "આપણે શ્વાસ લઈએ છીએ તે હવાના પ્રદૂષણને કારણે આપણે ટૂંકું જીવન જીવીએ છીએ: અમારું અનુમાન છે કે તેના કારણે વૈશ્વિક સ્તરે સરેરાશ આયુષ્યના બે વર્ષથી વધુનો ઘટાડો થયો છે."
તેઓ કહે છે, "આપણા જીવન પરનો આ બોજ એઇડ્સ, મેલેરિયા કે યુદ્ધ કરતાં વધારે છે."
અભ્યાસના સહ-લેખકે ખાતરીપૂર્વક કહે છે કે વાયુ પ્રદૂષણ ઘટાડવાનો શ્રેષ્ઠ સ્ત્રોત એ ટેકનૉલૉજીનો વિકાસ નહીં, પરંતુ "સ્વચ્છ હવા નીતિઓને પ્રોત્સાહન આપવા, નાણાં ફાળવવા અને નીતિ લાગુ કરવા માટે સતત રાજકીય અને સામાજિક ઇચ્છાશક્તિ" છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













