શું આપણે બૉટલમાં પૅક પાણી સાથે પ્લાસ્ટિક પણ પી રહ્યાં છીએ?

ઇમેજ સ્રોત, ORB MEDIA
- લેેખક, ડેવિડ શુક્મન
- પદ, સાયન્સ એડિટર
અગ્રણી બ્રાન્ડ્ઝનાં બૉટલ્ટ વોટર એટલે કે બાટલીબંધ પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એ પૈકીનાં લગભગ તમામમાં પ્લાસ્ટિકના કણો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારના સૌથી મોટા પરીક્ષણમાં નવ દેશોમાંથી બૉટલબંધ પાણીની 250 બૉટલ્સની ચકાસણી કરવામાં આવી હતી.
ઓર્બ મીડિયા નામના પત્રકારત્વના સંગઠનના નેતૃત્વમાં આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, પ્રત્યેક એક લીટર બૉટલબંધ પાણીમાંથી પ્લાસ્ટિકના સરેરાશ દસ પાર્ટિકલ્સ મળી આવ્યા હતા, જેનું કદ માણસના વાળ કરતાં મોટું હતું.
જેમની બ્રાન્ડ્ઝના પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ કંપનીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમના બૉટલિંગ પ્લાન્ટ્સમાં સર્વોચ્ચ ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે.
ફ્રેડોનિયામાંની સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂ યોર્ક ખાતે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ખાતે કેમિસ્ટ્રીનાં પ્રોફેસર શેરી મેસને વિશ્લેષણ કર્યું હતું.
પ્રોફેસર શેરી મેસને બીબીસીને કહ્યું હતું, "દરેક બૉટલમાંથી અમને પ્લાસ્ટિક મળી આવ્યું હતું."
"અમારો ઉપક્રમ ચોક્કસ બ્રાન્ડ્ઝને દોષી ઠરાવવાનો નથી. અમે એ દર્શાવવા ઇચ્છીએ છીએ કે પ્લાસ્ટિક સર્વત્ર જોવા મળી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્લાસ્ટિક આપણા સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયું છે અને આપણે જે પાણી પી રહ્યાં છીએ તેમાં પણ પ્રસરી ગયું છે."

ઇમેજ સ્રોત, Getty Images
પ્લાસ્ટિકનો સુક્ષ્મ અંશ પેટમાં જવાથી નુકસાન થતું હોવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી, પણ તેના સંભવિત સૂચિતાર્થોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજી લેવા જોઈએ.
આ પરીક્ષણનાં તારણ બાબતે ટિપ્પણી કરતાં પ્રોફેસર શેરી મેસને કહ્યું હતું, "પ્રમાણની દૃષ્ટિએ તે બહુ જોખમી નથી, પણ ચિંતાકારક જરૂર છે."
નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે, જે વિકાસશીલ દેશોમાં નળનું પાણી પ્રદૂષિત થઈ ગયું હોય એ દેશોના લોકોએ પ્લાસ્ટિકની બૉટલમાંથી પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ.
આ પરીક્ષણના તારણો બાબતે પ્રતિભાવ મેળવવા સંબંધિત કંપનીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
કંપનીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પ્રોડક્ટ્સ સલામતી અને ગુણવત્તાના સર્વોચ્ચ ધારાધોરણ અનુસારની હોય છે.
માઇક્રોપ્લાસ્ટિક્સ સંબંધી નિયમો અને એ સંબંધી પરીક્ષણની કોઈ સર્વસ્વીકૃત પદ્ધતિના અભાવ પરત્વે પણ કંપનીઓએ ધ્યાન દોર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર શેરી મેસને ગયા વર્ષે નળના પાણીમાંથી પ્લાસ્ટિકના અંશ શોધી કાઢ્યા હતા, જ્યારે અન્ય સંશોધકોએ સીફૂડ, બીયર, સમુદ્રી નિમર અને હવામાંથી પણ પ્લાસ્ટિકના અંશો શોધી કાઢ્યા હતા.
બીબીસીની બહુ વખણાયેલી બ્લ્યુ પ્લેનેટ -2 શ્રેણીમાં સર ડેવિડ એટનબરોએ આપણા સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના જોખમની વાત કરી હતી.
તેને પગલે પ્લાસ્ટિક પરત્વે સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન થઈ રહ્યું છે ત્યારે આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
કઈ રીતે કરવામાં આવ્યું હતું પરીક્ષણ?

મોટી વસતી ધરાવતા કે મોટા પ્રમાણમાં બૉટલબંધ પાણીનો ઉપયોગ કરતા દેશોમાંથી પાણીની 11 અલગઅલગ વૈશ્વિક અને રાષ્ટ્રીય બ્રાન્ડ્ઝની બૉટલો આ પરીક્ષણ માટે ખરીદવામાં આવી હતી.
એ પૈકીની ઇન્ટરનેશનલ બ્રાન્ડઝમાં એક્વાફિના, દાસાની, એવિયન, નેસ્લે પ્યૉર લાઇફ અને સાન પેલ્લેગ્રિનોનો સમાવેશ થાય છે.
એ પૈકીની અગ્રણી નેશનલ બ્રાન્ડઝમાં આક્વા (ઇન્ડોનેશિયા), બિસ્લેરી (ભારત), ઇપ્યોરા (મેક્સિકો), ગેરોલ્સ્ટેઇનર (જર્મની), મિનાલ્બા (બ્રાઝિલ) અને વાહાહા(ચીન)નો સમાવેશ થાય છે.
કોઈ ઘાલમેલ ટાળવાના હેતુસર દુકાનોમાંથી પાણીની બૉટલો ખરીદતી વખતે અને કુરિયર કંપની મારફત ડિલિવરી મેળવતી વખતે વીડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું.
અમેરિકામાંથી પાણીની કેટલીક બૉટલ ઑનલાઇન ઓર્ડર આપીને મંગાવવામાં આવી હતી.
સમુદ્રી પાણીમાંથી ઝડપભેર પ્લાસ્ટિકના અંશો શોધી કાઢવા માટે બ્રિટિશ વિજ્ઞાનીઓએ તાજેતરમાં એક ટેક્નિક વિકસાવી છે.
એ ટેક્નિક અનુસાર, દરેક બૉટલમાં નાઇલ રેડ નામની એક ડાય ઉમેરીને પ્લાસ્ટિકનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિકના કણોને ડાય કઈ રીતે ચોંટેલી રહે છે અને ચોક્કસ પ્રકારના પ્રકાશમાં ચમકાવે છે એ અગાઉના અભ્યાસોમાં સ્થાપિત થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર શેરી મેસન અને તેમનાં સાથીઓએ પાણીમાંથી મળેલાં ડાયયુક્ત સેમ્પલ્સને ફિલ્ટર કર્યાં હતાં અને 100 માઇક્રોન્સથી મોટા દરેક અંશની ગણતરી કરી હતી.
એ પૈકીના કેટલાક અંશો પ્રમાણમાં મોટા હતા. એવા અંશોનું ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી વડે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
એ અંશો પ્લાસ્ટિકના અને ચોક્કસ પ્રકારના પૉલીમરના હોવાનું વિશ્લેષણ વડે નક્કી કરવામાં આવ્યું હતું.
પ્રતિ એક લીટર પાણીમાં 100 માઇક્રોન્સથી નાના પ્લાસ્ટિકના સરેરાશ 316 અંશો જોવા મળ્યા હતા.
રાતે આકાશમાં કેટલા તારા હોય છે તેની ગણતરી માટે ખગોળશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી ટેક્નિક મારફત પ્લાસ્ટિકના અંશોની ગણતરી કરવામાં આવી હતી.

ક્યા પ્રકારના પ્લાસ્ટિકના અંશો મળ્યા?

બૉટલબંધ પાણીમાંથી મળેલા પોલીપ્રોપીલીન પ્રકારના પ્લાસ્ટિકના અંશનું પ્રમાણ 54 ટકા હતું, જ્યારે નાઇલોન, પૉલીસ્ટાયરીન, પૉલીથીલિન અને પૉલીસ્ટર-ટેરેફ્થેલેટ પ્રકારના પ્લાસ્ટિકના અંશનું પ્રમાણ અનુક્રમે 16,11,10 અને 6 ટકા હતું.
એઝ્લોન, પૉલીક્રીલેટ્સ અને કોપોલીમેટ્સ જેવાં અન્ય પ્રકારનાં પ્લાસ્ટિકના અંશનું પ્રમાણ ત્રણ ટકા હતું.
આ અભ્યાસનાં તારણોની સમીક્ષા સમાન જ્ઞાન ધરાવતા લોકોએ કરી હતી અને અભ્યાસના તારણો એક સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.
આ કારણસર બીબીસીએ આ ક્ષેત્રના નિષ્ણાતોનો પ્રતિભાવ મેળવ્યો હતો.
યુનિવર્સિટી ઑફ ઇસ્ટ એન્ગ્લિયાના ડૉ. એન્ડ્રૂ માયેસ નાઈલ રેડ ટેક્નિકના શોધકો પૈકીના એક છે.
તેમણે જણાવ્યું હતું કે બૉટલબંધ પાણીમાં પ્લાસ્ટિકના અંશોનું પ્રમાણ આ અભ્યાસના તારણ કરતાં વધુ હોય એ શક્ય છે.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટન સરકારની કેમિસ્ટ ઓફિસના સલાહકાર અને ફૂડ સ્ટાન્ડર્ડ્ઝ એજન્સીના સ્થાપક સભ્ય માઇકલ વોકરે જણાવ્યું હતું કે આ અભ્યાસ સારી રીતે હાથ ધરવામાં આવ્યો હતો.
100 માઇક્રોન્સથી ઓછી જાડાઈ ધરાવતા કણોને પ્લાસ્ટિક ગણવામાં ન આવતા હોવાનું બન્ને નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું.
બૉટલબંધ પાણીમાં પ્લાસ્ટિકના અંશો ક્યાંથી આવતા હશે એ પાયાનો સવાલ છે.
બૉટલનું ઢાંકણુ પૉલીપ્રોપીલિનમાંથી બનાવવામાં આવે છે. તેથી બૉટલ ખોલવાની પ્રક્રિયામાં તેના અંશો અંદરના પાણીમાં પડતા હોવાનું માનવામાં આવે છે.

કંપનીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ બૉટલ્ટ વોટરનું ઉત્પાદન કરતી કંપનીઓનો પ્રતિભાવ પણ મેળવ્યો હતો.
નેસ્લે કંપનીએ જણાવ્યું હતું કે તેમણે માઇક્રોપ્લાસ્ટિક્સનું આંતરિક પરીક્ષણ છેલ્લાં બે વર્ષથી શરૂ કર્યું છે અને તેમને પાણીમાંથી કશું જોખમી મળી આવ્યું નથી.
જર્મનીની ગેરોલ્સ્ટેઈનર કંપનીએ પણ જણાવ્યું હતું કે, તેમને ત્યાં માઇક્રોપ્લાસ્ટિક્સના પરીક્ષણનું કામ વર્ષોથી કરવામાં આવે છે, અને તેમના પાણીમાં પ્લાસ્ટિકનાં અંશોનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું ઓછું છે.
પ્રોફેસર શેરી મેસનના અભ્યાસના તારણો વિશે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કોકા-કોલા કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ ગુણવત્તાના સૌથી આકરા ધારાધોરણોનું પાલન કરે છે અને શુદ્ધિકરણની અનેક સ્તરીય પ્રક્રિયાનો ઉપયોગ કરે છે.
પેપ્સીકોએ માઇક્રોપ્લાસ્ટિક્સના વિજ્ઞાનને ઊભરતું ક્ષેત્ર ગણાવ્યું હતું અને વધુ વૈજ્ઞાનિક વિશ્લેષણની જરૂરિયાત દર્શાવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














