હોટલ અને રેસ્ટોરાં સર્વિસ ચાર્જ માગે તો શું કરવું? ફરિયાદ ક્યાં કરવી?

રેસ્ટોરન્ટ્સ "સર્વિસ ચાર્જ"ના નામે ગ્રાહકના બિલમાં ઘણીવાર 5% થી 15% ટિપ ઉમેરે છે

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન
  • રેસ્ટોરાંમાં "સર્વિસ ચાર્જ" હેઠળ ગ્રાહકના બિલમાં ઘણીવાર 5% થી 15% ટિપ ઉમેરે છે
  • હવે નવા નિયમો પ્રમાણે, રેસ્ટોરન્ટ હવે બિલમાં "ડિફૉલ્ટ અથવા ઑટોમૅટિક રીતે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં"
  • ગ્રાહકો તેમની ફરિયાદ ઓનલાઈન અથવા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા નોંધાવી શકે છે
  • ફરિયાદ અંગેની વધુ માહિતી વેબસાઇટ www.consumerhelpline.gov.in પરથી મળી શકશે

ભારતના ગ્રાહકસુરક્ષા વિભાગે હોટલ અને રેસ્ટોરાંને બિલ પર સર્વિસ ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ગ્રાહકસુરક્ષા વિભાગે કહ્યું કે ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડવામાં આવતી ફરિયાદોમાં વધારો ભારે થયો છે તે પછી આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

રેસ્ટોરાં "સર્વિસ ચાર્જ" હેઠળ ગ્રાહકના બિલમાં ઘણીવાર પાંચ ટકાથી 15 ટકા ટિપ ઉમેરે છે.

હવે નવા નિયમો પ્રમાણે, રેસ્ટોરાં હવે બિલમાં "ડિફૉલ્ટ અથવા ઑટોમૅટિક રીતે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં".

નવી માર્ગદર્શિકા રેસ્ટોરાંને "કોઈપણ નામે" ગ્રાહકો પાસેથી ટિપ એકત્રિત કરવા અથવા "ટિપ ચૂકવવાનો ઇનકાર કરનારા ગ્રાહકોને સેવા અથવા પ્રવેશ નકારવા" પર પણ પ્રતિબંધ મૂકે છે.

દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી રેસ્ટોરાંમાં ટિપને લઈને બેફામ નાણા પડાવવામાં આવી રહ્યા છે અને ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમને આ વધારાના ચાર્જ વિશે જાણ કરવામાં આવતી નથી.

2017માં, સરકારના ગ્રાહક બાબતોના વિભાગે માર્ગદર્શિકાઓ જારી કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગ્રાહકોએ મેનુ કાર્ડ પર માત્ર સરકારી કર સાથે દર્શાવેલ કિંમતો ચૂકવવાની રહેશે.

વિભાગે જણાવ્યું હતું કે, "લોકો ટિપ આપવી કે નહીં તે અંગે તેમના "વિવેકબુદ્ધિ"નો ઉપયોગ કરી શકે છે અને ગ્રાહકની સંમતિ વિના વધારાના શુલ્ક "અયોગ્ય વેપાર પ્રથા" સમાન છે."

સરકારે તેના બદલે રેસ્ટોરાંને તેના કર્મચારીઓને યોગ્ય વેતન ચૂકવવા અને ખર્ચને પહોંચી વળવા ઉત્પાદનના ભાવમાં વધારો કરવા કહ્યું છે.

જોકે, રેસ્ટોરાંએ બિલમાં સર્વિસ ચાર્જના નામે ટિપ ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું.

line

શું સર્વિસ ચાર્જ ભરવો જરૂરી છે?

રેસ્ટોરાં તરફથી વસૂલાતો સર્વિસ ચાર્જ એ એક અયોગ્ય વેપાર કરવાની નીતિ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેસ્ટોરાં તરફથી વસૂલાતો સર્વિસ ચાર્જ એ એક અયોગ્ય વેપાર કરવાની નીતિ છે

ગયા મહિને, સરકારે નેશનલ રેસ્ટોરાં ઍસોસિએશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઈ) સાથે બેઠક બોલાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેને ગ્રાહકો તરફથી ભારે માત્રામાં ફરિયાદો મળી છે કે તેઓને હજુ પણ "સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે ઘણી વખત મનસ્વી અને ભારે રકમ હોય છે" અને તેઓ "જો તેને બિલમાંથી દૂર કરવાની વિનંતી કરે તો તેમને હેરાન કરવામાં આવે છે".

પાંચ લાખ કરતાં વધુ રેસ્ટોરાંનું પ્રતિનિધિત્વ કરતા એનઆરએઆઈ દ્વારા સર્વિસ ચાર્જની પ્રથાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તે "વ્યક્તિગત નીતિની બાબત" છે અને આવો ચાર્જ વસૂલવો "ગેરકાયદેસર" નથી.

તેઓએ એવી પણ દલીલ કરી હતી કે સર્વિસ ચાર્જથી સરકારને પણ વધારાની આવક મળે છે કારણ કે રેસ્ટોરાં ગ્રાહકો પાસેથી જે ચાર્જ લે છે તેના પર ટૅક્સ ચૂકવે છે.

નવી માર્ગદર્શિકા કહે છે કે ગ્રાહકો તેમની ફરિયાદ ઑનલાઇન અથવા નેશનલ કન્ઝ્યૂમર હૅલ્પલાઇન દ્વારા નોંધાવી શકે છે.

કેન્દ્રીય ગ્રાહકસુરક્ષા વિભાગની માર્ગદર્શિકામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હોટલ અને રેસ્ટોરાં તરફથી વસૂલાતો સર્વિસ ચાર્જ એ એક અયોગ્ય વેપાર કરવાની નીતિ છે. અને હવે આ પ્રકારની વસૂલાત પર ગ્રાહક સીધી ફરિયાદ દાખલ કરી શકે છે.

line

શું સર્વિસ ચાર્જ ભરવાનઓ ઇનકાર કરી શકાય? ફરિયાદના રસ્તા શું છે?

સર્વિસ ચાર્જ માટે તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1915 અથવા એનસીએચની એપ પર ફરિયાદ નોંધાવી શકો છો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર્વિસ ચાર્જ માટે તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1915 અથવા એનસીએચની એપ પર ફરિયાદ નોંધાવી શકો છો

હવે જો તમારી પાસેથી કોઈ હોટલ કે રેસ્ટોરાં સર્વિસ ચાર્જ વસૂલતી હોય તો તમે તેમને વિનંતી કરી શકો કે આ ચાર્જ તેઓ બિલમાંથી હઠાવી લે કારણ કે તે નિયમ મૂજબ હવે મરજિયાત છે.

જો તમારી વિનંતી સ્વીકારવામાં ન આવે તો તમારી પાસે વિકલ્પ છે કે તમે નેશનલ કન્ઝ્યૂમર હૅલ્પલાઇન નંબર 1915 અથવા એનસીએચની ઍપ પર ફરિયાદ નોંધાવી શકો છો.

નેશનલ કન્ઝ્યૂમર હૅલ્પલાઇન એ વૈકલ્પિક ફરિયાદ મિકેનિઝમ છે જે કોર્ટમાં અરજી દાખલ કર્યા પૂર્વે આપની ફરિયાદના સમાધાન માટે કાર્યરત છે. એનસીએચની વેબસાઇટ પર આપેલ માહિતી પ્રમાણે આ હૅલ્પલાઇન રાષ્ટ્રીય રજાઓના દિવસોને બાદ કરતા રોજ સવારે આઠથી રાત્રે આઠ સુધી કાર્યરત રહે છે.

વિભાગની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ 8130009809 નંબર પર એસએમએસ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

ફરિયાદ અંગેની વધુ માહિતી વેબસાઇટ www.consumerhelpline.gov.in પરથી મળી શકશે. વેબસાઇટ પર ઑનલાઇન ફરિયાદ કરવાનો પણ વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે.

આ સિવાય સર્વિસ ચાર્જની અયોગ્ય વેપાર નીતિ વિરુદ્ધ કન્ઝ્યૂમર કમિશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે. જેના માટે www.e-daakhil.nic.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ફરિયાદને જિલ્લા સ્તરે કન્ઝ્યૂમર કમિશનમાં પણ નોંધાવી શકાય છે.

નવા ગ્રાહકસુરક્ષા કાયદા 2019 પ્રમાણે વધુમાં જો તમે www.e-daakhil.nic.in પરથી ફરિયાદ કરો છો તો ઘણી જગ્યાએ કન્ઝ્યૂમર કમિશન પાસે એવી સગવડતા છે કે તમારે કોર્ટમાં હાજરી આપ્યા વગર વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પણ સુનાવણીમાં ભાગ લઈ શકાશે.

આના સિવાય સીસીપીએની માર્ગદર્શિકામાં વધુ એક વિકલ્પ આપવામાં આવ્યો છે. જે મુજબ તમારી પાસેથી વસૂલાતા સર્વિસ ચાર્જ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર ઑફિસમાં સીસીપીએ તરફથી કરવામાં આવતી તપાસ અને પ્રક્રિયા હેઠળ પણ ફરિયાદ નોંધાવી શકો છો. તમારે ઇમેલથી ફરિયાદ નોંધાવવી હોય તો તે માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તમે [email protected] ઉપર ફરિયાદનો ઇમેલ કરી શકો છો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન