મુંબઈ વરસાદ : એ કારણો જેના લીધે શહેર વરસાદમાં થઈ જાય છે જળબંબાકાર

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP/GETTY IMAGES
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વરસાદે ફરી એક વખત મુંબઈના લોકોનું રોજિંદું જીવન ખોરવી દીધું છે, શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
મુંબઈના ચેમ્બુરમાં ભારે વરસાદથી બનેલી બે અલગ અલગ ઘટનાઓમાં 20 લોકો મૃત્યુ પામ્યાં છે.
મુંબઈમાં વાશી નાકા નજીક ન્યૂ ભારત નગરમાં ભારે વરસાદને પગલે શનિવારે મધરાતે એક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેને લીધે દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં 17 લોકો મૃત્યુ પામ્યાં છે અને બે લોકો રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે તો છત્રપતિ શિવાજી ટર્મિનસથી થાણેની રેલ સેવાઓને અસર પહોંચી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી સ્થિતિ છે કે દર વર્ષે ચોમાસામાં કમ સે કમ એકાદ વખત તો એવું થાય જ કે મુંબઈમાં વરસાદી પાણી ભરાઈ જાય, પણ આવું કેમ થાય છે?
એકસમયે 'પૂર્વના લંડન' તરીકેની ખ્યાતિ ધરાવતા શહેર મુંબઈની સ્થિતિ ઉત્તરોત્તર વિકટ થઈ રહી છે. આ પરિસ્થિતિ માટે અનેક પરિબળો કારણભૂત છે.

1. કોરોનાકાળમાં કામગીરી

ઇમેજ સ્રોત, Reuters
સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ તથા મે મહિનામાં બીએમસી દ્વારા પ્રિ-મૉન્સુન કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં ગટર અને નાળાંની સફાઈ, જોખમકારક ઝાડ, હૉર્ડિંગ્સ તથા બીલબોર્ડ હઠાવવા જેવી કામગીરી હાથ ધરવામાં આવે છે.
આ અરસામાં જ રેલવે તથા અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સાથે સંકલન કરીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે માર્ચ મહિનાથી જ મુંબઈમાં કેસોની સંખ્યામાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. આને કારણે સમગ્ર તંત્ર કોરોનાસંબંધિત કામગીરીમાં જ સંકળાયેલું રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય ફરી એક વખત લૉકડાઉન આવશે, એવી આશંકાએ સફાઈની કામગીરી કરતા પરપ્રાંતીય શ્રમિકો શહેર છોડીને જવા લાગ્યા હતા.
મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સૂચના આપી હતી કે કોરોનાની કામગીરીને કારણે પ્રિ-મૉન્સુન કામગીરી ઉપર કોઈ અસર ન થવી જોઈએ. અહીં તેમનો પક્ષ શાસનમાં છે અને આવતાં વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે.
દરવર્ષે સરેરાશ ત્રણ લાખ મેટ્રિક ટનનો કચરો મુંબઈના નાળામાંથી નીકળે છે. જેમાં નિર્ધારિત સમયમર્યાદા (ચાલુ વર્ષે સાતમી જૂન) પહેલાં 75 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાની હોય છે. 10 ટકા કામગીરી ચોમાસા દરમિયાન કરવાની હોય છે, જ્યારે બાકીની 15 ટકા કામગીરી ચોમાસા પછી કરવાની હોય છે.

2. ભૌગોલિક સ્થિતિ

ઇમેજ સ્રોત, Anadolu Agency
સાત બેટને એકબીજા સાથે જોડીને આ શહેર તૈયર કરવામાં આવ્યું હતું, જે મુંબઈની ઐતિહાસિક ઓળખ પણ છે.
આ સાત બેટ પર કુલ 22 ટેકરીઓ છે, ખાડી અને સમુદ્ર વચ્ચેની 22 નાની-મોટી ટેકરીઓ પર વસેલા મુંબઈ શહેરની ભૌગોલિક સ્થિતિ પૂરની સ્થિતિ ઊભી કરે છે.
ઘાટકોપરથી ભાંડુપ વચ્ચે આજે પણ ટેકરીઓની માળા આવેલી છે. આ ટેકરીઓની માળાની પૂર્વ દીશામાં આવેલો પ્રદેશ સમથળ છે.
પૂર્વમાં ઠાણા નદી વહેતી હતી એવો ઉલ્લેખ 'બૉમ્બે ગૅઝેટ'માં છે. એટલે કે એક તરફ ટેકરીઓ, બીજી તરફ ખાડી અને વચ્ચે સમથળ પ્રદેશ હોવાથી અહીં પાણી ભરાય છે.
શીવ અને કુર્લા વચ્ચે ખાડી અને દલદલનો ભાગ હતો. રેલવેની પહેલવહેલી લાઇન નાંખતી વખતે આ ભાગને ભરી દેવામાં આવ્યો અને પછી શહેર વિકસિત થયું એ સાથે અનેક જગ્યાએ દલદલ પ્રદેશમાં પૂરણ કરવામાં આવ્યું.
જ્યાં પૂરણકામ થયું છે એ નીચાણવાળો વિસ્તાર હોવાથી ત્યાં પાણી ભરાય છે. સાયન ચુનાભટ્ટી, દાદર પશ્ચિમ અને મુંબઈના અનેક વિસ્તારો પૂરણકામ કર્યા બાદ જ અસ્તિત્વમાં આવ્યા છે. આજે પણ આવા અનેક નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં પાણી ભરાઈ જાય છે.

3. મેન્ગ્રૂવ્ઝ અને મીઠાના અગરોનો નાશ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મુંબઈની ત્રણ તરફ સમુદ્ર છે. મુંબઈનો દરિયાકિનારો મેન્ગ્રૂવ્ઝનાં જંગલો વચ્ચે સુરક્ષિત છે. મેન્ગ્રુવ્ઝનાં જંગલો સમુદ્રના પાણીનો વેગ ઓછો કરે છે અને જમીનમાં પાણીને પ્રસરી જતું અટકાવે છે.
પર્યાવરણ વિશેષજ્ઞ ઋષિ અગ્રવાલ માને છે કે વસાહતો અને ઇમારતો ઊભી કરવાની પ્રક્રિયામાં છેલ્લાં થોડાં વર્ષોમાં મેન્ગ્રૂવ્ઝનાં જંગલોનો નિશા થયો છે.
કહે છે, "ભરતી આવે ત્યારે મેન્ગ્રુવ્ઝનાં જંગલો દરિયાના પાણીને ખાડીઓમાંથી મુંબઈમાં પ્રવેશતું અટકાવે છે. જે કાંઠાના વિસ્તારોની જમીનનું ધોવાણ અટકાવે છે. તે શહેરને રક્ષણ પૂરું પાડે છે. પણ છેલ્લાં થોડાં વર્ષોમાં મેન્ગ્રુવ્ઝનાં જંગલોનો નાશ થયો છે."
પર્યાવરણ વિશેષણ ગિરિશ રાઉતે મેન્ગ્રુવ્ઝનાં જંગલો પર અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, "મુંબઈની આસપાસનાં લગભગ 70 ટકા જંગલોનો આપણે નાશ કર્યો છે. જેના કારણે ઘણું નુકસાન થયું છે."
રાઉત કહે છે કે મુંબઈના રક્ષણમાં મીઠાના અગરોનો પણ વિશેષ ફાળો છે. ખારું પાણી મીઠાના અગરોમાં સંચિત થાય છે. જો તે સીધું જ શહેરમાં પ્રવેશે તો મોટી સમસ્યા સર્જી શકે.

4. ભરતી અને વરસાદનું પ્રમાણ

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE_AFP_GETTY IMAGES
મુંબઈમાં પાણીનું ભરાવું એ કોઈ નવી સમસ્યા નથી, આ શહેરમાં જ વસતા અનેક વૃદ્ધ લોકો કહે છે કે આટલા મોટા પ્રમાણમાં પાણી ભરાવાની ઘટના છેલ્લાં 10-15 વર્ષોથી જોવા મળે છે.
લોકસત્તાના વરિષ્ઠ સહતંત્રી સંદીપ આચાર્ય કહે છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઈના વરસાદની પૅટર્નમાં ફેરફાર થયો છે.
આચાર્ય જણાવે છે કે ટૂંક સમયમાં મૂશળધાર વરસાદ વરસે છે, જેનાથી વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ભરતી અને ઓટની સ્થિતિની પણ તેની પર અસર થાય છે. મૂશળધાર વરસાદ વખતે જો દરિયામાં ચાર મીટરથી વધારે ભરતી આવે તો ચોક્કસ મુંબઈમાં પાણી ભરાઈ જશે.
આ મુદ્દે મુંબઈના હવામાન ખાતાના સંચાલક કૃષ્ણાનંદ હોસાલીકર સંમત નથી.
આચાર્ય ઉમેરે છે, "મુંબઈના વરસાદની પૅટર્ન બદલાઈ છે કે નહીં એ અંગે કહેવા માટે 10-15 વર્ષના વરસાદના આંકડાનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. એ સિવાય આ અંગે કંઈ પણ નક્કર કહેવું શક્ય નથી."
"મુંબઈમાં વરસાદ ટુકડે-ટુકડે વરસાદ પડે છે. એના ત્રણ સ્તર છે - ભારે વરસાદ, અતિભારે વરસાદ અને અતિથી અતિભારે વરસાદ. અતિથી અતિ ભારે વરસાદનું પ્રમાણે 20 સેમી જેટલું હોય છે."
"આ પ્રકારની સ્થિતિ ઋતુમાં વધુમાં વધુ ચારથી પાંચ વખત થાય છે. સામાન્ય રીતે મુંબઈમાં ભારે વરસાદ જોવા મળે છે."
જો અતિથી અતિ ભારે વરસાદ વખતે દરિયામાં ભરતી આવે તો મુંબઈ માટે સંકટ સમાન સ્થિતિ હોય છે.
મુંબઈમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપની મદદથી પાણીને સમુદ્રમાં છોડવામાં આવે છે. જોકે ભરતી વખતે ભરતીનું પાણી અંદર ન આવી જાય એ માટે દરવાજા બંધ કરી દેવામાં આવે છે, જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી.

5. આયોજનનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
સંદીપ આચાર્ય કહે છે કે થોડાં વર્ષો પૂર્વે મુંબઈનો વિસ્તાર અંદાજે 400 સ્ક્વેર કિલોમીટર હતો, જે હવે 603 સ્ક્વેર કિલોમીટર છે. પૂરણ કરવાથી શહેરનો આ વ્યાપ વધ્યો છે.
શહેરનાં પ્લાનિંગ ઍક્સપર્ટ સુલક્ષણા મહાજન કહે છે કે શહેરનો વ્યાપ વધી રહ્યો હતો એ વખતે ડ્રેનેજ, રસ્તા તથા પાણીના નિકાલ અંગે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.
મહાજન કહે છે, "શહેરના આયોજન વખતે ચાર ભૌગોલિક મુદ્દાઓનું ધ્યાન રાખવાનું હોય છે, ટેકરીઓ, ટેકરીઓના ઢાળ, નદીઓ અને નાળાં. નકશા પર આની નોંધ લીધા પછી મુખ્ય વાત એ હોય છે કે કામગીરીમાં આ આ પૈકી એકને પણ અસર ન થવી જોઈએ. જોકે મુંબઈના નિર્માણમાં આ બાબતોની ઘોર અવગણના થઈ છે." અર્ધશહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વધારે તીવ્ર હોય છે.
સુલક્ષણા મહાજન કહે છે, "બ્રિટિશરોએ મુંબઈમાં પાણીના નિકાલ માટે શ્રેષ્ઠ રસ્તાઓ આપ્યા હતા. વર્લીમાં મોટી ડ્રેનેજલાઇન હતી. પણ એ વખતે અર્ધશહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નહોતા આવ્યા. આ વિસ્તારોમાં 1951માં મ્યુનિસિપાલિટીની કામગીરી હેઠળ આવ્યા."
"આ વિસ્તારોના વિકાસ દરમિયાન અગાઉ નોંધે લેવાયેલા મુદ્દાઓને ધ્યાને રાખવામાં ન આવ્યા, જેથી આ વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે કોઈ ડ્રેનેજ વ્યવસ્થા ન રહી."
આચાર્ય કહે છે કે રસ્તાઓ બનાવતી વખતે બન્ને તરફ ઢાળ હોવો જોઈએ અને આ સાથે બન્ને તરફ ગટર હોવી જોઈએ, જેથી પાણી એમાં વહી જઈ શકે. રસ્તા બનાવતી વખતે આ કામગીરી ન થઈ.

6. 'પરેલ-હિંદમાતા'ની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી પહેલાં સુધી પરેલ-હિંદમાતા વિસ્તાર મુંબઈની હદમાં હતા પણ આ વિસ્તારોમાં પાણીના ભરાવાની તીવ્ર સમસ્યા છે. મહાજનના કહેવા પ્રમાણે અગાઉ આવી સ્થિતિ નહોતી.
મહાજન કહે છે, "લાલબાગ-પરેલ વિસ્તારની મિલોમાં પાણીનાં તળાવો હતાં, જેના પાણીનો ઉપયોગ મિલોનાં કામોમાં થતો હતો. પાણીના નિકાલમાં આ તળાવો મદદરૂપ થતાં હતાં. કહેવાતા વિકાસની પ્રક્રિયામાં આપણે એ તળાવોમાં પૂરણ કર્યું અને ભરી દીધાં, જેથી હવે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી."
મહાજન કહે છે, "કોઈ પણ વિસ્તારમાં પૂરણકામ કરતી વખતે બ્રિટશરો દ્વારા સ્થાનિક લોકોને ધ્યાને રાખવામાં આવતા હતા. જોકે આઝાદી પછીના સમયમાં આ પ્રક્રિયા મંદ થતી ગઈ. લોકભાગીદારી ઘટતી ગઈ."

7. ગૂંચવણભર્યું સરકારી તંત્ર

ઇમેજ સ્રોત, Getty Images
સંદીપ આચાર્ય કહે છે કે પહેલાંના સમયમાં મુંબઈમાં એકસાથે કામ કરતાં જૂજ સરકારી એકમો હતાં. જેમાં બીએમસી (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન), પૉર્ટ ટ્રસ્ટ અને રેલવે મહત્ત્વનાં હતાં. હવે આ એકમો વધ્યાં છે.
હાલમાં મુંબઈમાં એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટિન રિજનલ ડેવલપમૅન્ટ ઑથૉરિટી) , એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમૅન્ટ), એમએચએડીએ (મુંબઈ હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલ્પમૅન્ટ ઑથૉરિટી), એમએમઆરસી (મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન) , રિલાયન્સ ઍનર્જી, રેલવે, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, વન વિભાગ, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમૅન્ટ, પૉર્ટ ટ્રસ્ટ, પોસ્ટ, આર્મી, ઍરપૉર્ટ ઑથૉરિટી કાર્યરત્ છે.
ઘણી વખત એવું ધ્યાને આવે છે કે આ એકમો વચ્ચે સમન્વય ન હોય. મુંબઈના રસ્તાઓ માટે આ પૈકી મોટાભાગનાં એકમમો કોઈને કોઈ કામ કરતાં હોય છે.
આચાર્ય કહે છે કે અહીંના રસ્તાઓ વિકટ સ્થિતિ ધરાવે છે. બીએમસી દ્વારા રેલવેને નાળાં તથા સફાઈ માટે દરવર્ષે રકમ ચૂકવવામાં આવે છે. જેમાં કચાશ રહી જાય તો પણ મુંબઈ મહાનગર પાલિકાનું જ નામ આવે છે.

8. તંત્રની નિષ્ફળતા

ઇમેજ સ્રોત, Reuters
બીએમસીનું બેજવાબદાર તંત્ર પણ મુંબઈમાં વરસાદી પાણીના ભરાવા માટે કારણભૂત છે. બીએમસીનું નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ અંદાજે 39 હજાર કરોડ રૂપિયા જેટલું છે.
કૉર્પોરેશન દ્વારા ઝાડની ડાળીઓ કાપવા માટે તથા ડ્રેનેજની સફાઈ માટે વાર્ષિક 150થી 175 કરોડ જેટલો અલગ-અલગ ખર્ચ કરે છે, પરંતુ તેના ખર્ચમાં પારદર્શકતા નથી.
જો રસ્તા બન્યાના થોડા જ વખતમાં ગાબડાં અને ભૂવા પડી જાય તો કોઈની પર કાર્યવાહી થતી નથી.
બીએમસી દ્વારા દરવર્ષે સરેરાશ 200થી વધુ નીચાણવાળા વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવે છે, જ્યાં સામાન્યતઃ પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે. આ માટે 300 જેટલા પમ્પ લગાડવામાં આવે છે.
મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી લગભગ 100 જેટલા નવાવિસ્તાર ઉમેરવામાં આવ્યા છે. આથી, શહેરમાં સરેરાશ 450 જેટલા પમ્પ લગાડવામાં આવશે, જેથી કરીને પાણી ભરાઈ ન જાય.

9. ડ્રેનેજ વ્યવસ્થા

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP/GETTY IMAGES
મુંબઈની પાણીની ડ્રેનેજ લાઈનનું કામ બ્રિટિશો દ્વારા થયું હતું. 100 વર્ષ કરતાં પણ પહેલાં થયેલી આ કામગીરી એ વખતની વસતિ અને સ્થિતિને આધારે કરવામાં આવી હતી.
1960 પછી અર્ધશહેરી વિસ્તારોનો ઝડપી વિકાસ થયો. વર્તમાન પાઇપલાઇનની ક્ષમતા વધારવાની જરૂર છે પણ કોઈ ધ્યાને આપી રહ્યું નથી.
નીતિન ચવ્હાણ કહે છે, "26 જુલાઈ 2005ના પૂર બાદ માધવરાવ ચિતાલે કમિટીએ કહ્યું કે આ વ્યવસ્થા પર્યાપ્ત નથી."
"મુંબઈની ડ્રેનેજ પાઇપલાઇન કલાકમાં 25 મીમી સુધીના વરસાદી પાણીના નિકાલ માટે સક્ષમ છે. કમિટીએ આ ક્ષમતા 50 મીમી સુધી વધારવા સૂચવ્યું હતું."
ચવ્હાણ કહે છે કે આ સમિતિએ એવું પણ કહ્યું હતું કે શહેરમાં ડ્રેનેજ સાથે પમ્પિંગ સ્ટેશન મૂકવા જોઈએ. આઠ પમ્પિંગ સ્ટેશન મૂકવાની વાત હતી, જેમાંથી માત્ર ચાર જ કાર્યરત્ છે.
ચવ્હાણ કહે છે, "આ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણીના નિકાલ માટે 27 દરવાજા સમુદ્ર પાસે બનાવવામાં આવ્યા છે. જો ભારે વરસાદ વખતે જ ભરતી આવે તો આ દરવાજા બંધ કરવાની ફરજ પડે છે."
"જો દરવાજા ખૂલ્લા રાખીએ તો દરિયાનું પાણી શહેરમાં આવી જવાનો ભય રહે છે. એ સ્થિતિમાં પમ્પિંગ સ્ટેશનમાંથઈ પાણી સમુદ્ર તરફ લઈ જઈ શકાતું નથી અને વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે."

10. નદીઓની દુર્દશા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મુંબઈના દહિસર, મિઠી, ઓશિવરા અને પોયસર એમ ચાર મુખ્ય નદીઓ છે.
વૈતરણા, તાનસા અને અલ્હાસ નદી મુંબઈ પાસેથી જ વહે છે, પણ હવે મુંબઈની નદીઓ નાળાં સમાન બનીને રહી ગઈ છે.
ઉપર ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કોઈ પણ વિકાસપ્રોજેક્ટમાં પાણીના સ્રોતોને સુરક્ષિત રાખવાનું કામ કેન્દ્રમાં હોવું જોઈએ.
નદીઓનું પૂરણ કરીને શહેરનો વિકાસ કરાઈ રહ્યો હોવનો આક્ષેપ સુલક્ષણા મહાજન કરે છે.
મહાજન સ્પષ્ટતા કરે છે, "ચોમસા દરમિયાન નદીના પાણીનું વધતું સ્તર નોંધાયું છે. ત્યારબાદ 30 મીટર જેટલી જગ્યા બન્ને તરફ ખૂલ્લી રાખવાની જરૂર છે. જેથી વરસાદ દરમિયાન જો પૂર આવે તો રહેણાંક વિસ્તારને સર ન થાય."
"પણ આવું મુંબઈમાં ક્યાંય ન થયું, એના બદલે લોકોએ નદી અને નાળાંઓમાં પૂરણ કર્યું"
મહાજન કહે છે, "બાંદ્રા રેક્લેમેશનનો પ્રસ્તાવ આવ્યો ત્યારે લોકોને વિશ્વાસમાં નહોતા લેવાયા. કોઈ પણ જાહેરાત કે અભ્યાસ કર્યા વગર અહીં પૂરણકામ કરી દેવમાં આવ્યું. "
"એમએમઆરડીએ, એમએચએડીએ દ્વારા મીઠી નદીમાં પૂરણ કરીને જ બીકેસી વિસ્તારનો વિકાસ કરાઈ રહ્યો છે. જેની અસર 26 જુલાઈએ (2005) દેખાઈ હતી."
મીઠી, દહિસર, પોઇસર અને ઓશિવરાનાં વહેણ પણ અટકી ગયાં છે.
સુલક્ષણા મહાજન કહે છે, "પર્યાવરણની અવગણના કરીને પણ વિકાસ કરી શકાય. એ વિકાસ આર્થિક સમૃદ્ધિ આપશે પણ આ સમૃદ્ધિ વિનાશના રસ્તે લઈ જશે. મુંબઈ પણ આ જ દિશામાં જઈ રહ્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














