તાલિબાન અફઘાનિસ્તાનમાં કબજાનો ઇતિહાસ દોહરાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકા તથા નાટો રાષ્ટ્રોની સેના અફઘાનિસ્તાન છોડવા સજ્જ થઈ રહી છે, બીજી બાજુ તાલિબાનો ફરી એક વખત સશક્ત થઈ રહ્યા છે, જેના કારણે 20 વર્ષ બાદ ફરી એક વખત દેશ પર તેનું શાસન સ્થપાશે તેવી આશંકા વ્યક્ત થવા લાગી છે.
તાલિબાને પાકિસ્તાન સાથે જોડાયેલી અફઘાનિસ્તાનની સરહદની એક ચેકપોસ્ટ પર કબજો કરી લીધો છે અને ત્યાં પોતાનો સફેદ ઝંડો ફરકાવી લીધો છે. આ સિવાય તેમણે કંદહારના અનેક વિસ્તાર તથા કંદહાર શહેર પર પણ કબજો કરી લીધો છે.
પાકિસ્તાનના સરહદી સુરક્ષાદળોએ અફઘાનિસ્તાનની સરહદ પોસ્ટ પર ગાર્ડ્સની બદલીની પુષ્ટિ કરી હતી. ભારતે કંદહાર ખાતેની તેની વાણિજ્યિક કચેરી બંધ કરી દીધી છે.
ગત વર્ષે તેણે જલાલાબાદ તથા હૈરાતની કચેરીઓ બંધ કરી દીધી હતી, એના માટે ઔપચારિક રીતે કોવિડનું કારણ આપવામાં આવ્યું હતું.
અમુક અંશે લગભગ 30 વર્ષ પહેલાંના ઘટનાક્રમનનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાંથી વિદેશી સેના ખસેડવાના દૂરગામી પરિણામ આવશે તથા તેનાં પરિણામો સમગ્ર વિશ્વે ભોગવવા પડશે.
આ પહેલાં પણ તાલિબાનોએ કંદહારના રસ્તે જ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો.
અમેરિકા તા. 11મી સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ સેનાને ખસેડી લેવા માગે છે. તેણે બગરામ ઍરબેઝ છોડી દીધું છે તથા તેના સર્વોચ્ચ કમાન્ડરે પદભાર સોંપી દીધો છે.

તાલિબાનની તાકત વધી

ઇમેજ સ્રોત, Alamy
તાલિબાનોએ આગળ વધવાનું શરૂ કરી દીધું છે, બીજી બાજુ અફઘાન સુરક્ષાબળો તેમને અટકાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ દેશવાસીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તાલિબાનોની કમર તોડી નખાશે તથા ગુમાવાયેલા વિસ્તાર ફરી મેળવવવામાં આવશે." જોકે, અફઘાન સુરક્ષાબળોને તેમના આધીન રહેલા વિસ્તારોને જાળવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાન સાથેના કબિલાઈ સરહદી તથા ગ્રામીણ વિસ્તારોમાં તાલિબાનોએ ઝડપભેર કબજો મેળવ્યો છે. અફઘાન દળોનો દાવો છે કે તેમણે પોસ્ટ પરત મેળવી લીધી છે, જોકે તાલિબાનોનું કહેવું છે કે પોસ્ટ હજુ તેમના જ કબજામાં છે.
દરરોજ 900થી વધુ ટ્રક અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનની વચ્ચે અવરજવર કરે છે. એટલે જે કોઈ દળ પાસે આ પોસ્ટ હશે, તેના માટે તે 'વ્યૂહાત્મક અને પ્રતીકાત્મક' રીતે પુરસ્કાર સમાન હશે.
તાજેતરમાં તાલિબાને દાવો કર્યો હતો કે તેમના દળોએ દેશના 85 ટકા વિસ્તારની ઉપર કબજો કરી લીધો છે. સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે અને સ્વતંત્ર રીતે તેની ખરાઈ કરવી પણ મુશ્કેલ છે.
તાલિબાન તેના કબજાવાળા વિસ્તારોમાં શરિયતનો કાયદો લાગુ કરી રહ્યું છે. બીબીસીના આકલન પ્રમાણે, તા. 12મી જુલાઈની સ્થિતિએ દેશના લગભગ ત્રીજા ભાગના વિસ્તાર પર તાલિબાનોનો કબજો થઈ ગયો હતો.
શુક્રવારે ભારતના પત્રકાર દાનિશ સિદ્દિકીનું અફઘાનિસ્તાનનું આંતરિકયુદ્ધ કવર કરતી વખતે અવસાન થયું હતું.

ભારતને અસર

ઇમેજ સ્રોત, AFP
તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં સ્થિરતા આવે તે માટે ભારતે ખૂબ જ પ્રયાસ કર્યા છે અને તેયાં વિકાસકાર્યો માટે ત્રણ અબજ ડૉલર જેટલો ખર્ચ કર્યો છે. ત્યાંની સંસદની ઇમારતનું નિર્માણ પણ ભારતે કરાવ્યું છે.
શિક્ષણ તથા પ્રૌદ્યોગિકીની બાબતમાં તે અફઘાનિસ્તાનને મદદ કરતું રહ્યું છે અને દેશમાં અલગ-અલગ 400 જેટલી યોજનાઓ ભારતની સહાયતાથી આકાર લઈ રહી છે.
ગત વર્ષે ભારતે કાબૂલમાં પણી પહોંચાડવા માટે આઠ કરોડ ડૉલરની યોજનાની જાહેરાત કરી હતી. ભારતને રોકાણ કરતાં વધારે ચિંતા પાકિસ્તાન સામેની વ્યૂહાત્મક સ્થિતિની છે.
જો તાલિબાનોના કબજામાં અફઘાનિસ્તાન આવશે તો દેશમાં પાકિસ્તાનની દખલ અનેકગણી વધી જશે. ત્યાં લોકશાહી સરકાર ભારતના હિત માટે જરૂરી છે.
તાજેતરમાં પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું હતું કે, 'અફઘાનિસ્તાનમાં ભારતનું રોકાણ ડૂબતું જણાય રહ્યું છે.' વાસ્તવમાં પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાના હેતુથી જ ભારતે અફઘાનિસ્તાનમાં પેઠ વધારી હતી, એવું પાકિસ્તાનનું માનવું છે.
તાલિબાને રશિયા તથા ચીનને આશ્વાસન આપ્યું છે કે દેશમાં સ્થિરતા જળવાય રહેશે, બંને દેશની સરહદો અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે એટલે તે આ પ્રકારની ખાતરી ઇચ્છી રહ્યા છે. જ્યારે ભારતને આવી કોઈ ખાતરી નથી આપવામાં આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જો અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થઈ જશે તો તેમનો ઝુકાવ ભારતની સરખામણીમાં પાકિસ્તાન તરફ વધુ હશે એવું નિષ્ણાતોનું માનવું છે. ભારત પ્રવર્તમાન સ્થિતિ ઉપર નજર રાખશે અને નવીન સરકારને માન્યતા આપવાની ઉતાવળ નહીં કરે, છતાં પાછલા બારણે સંપર્ક જાળવી રાખશે.
હાલમાં અફઘાનિસ્તાનના સૈનિકોએ તાલિબાનના હુમલાથી જીવ બચાવવા તાજિકિસ્તાનમાં આશરો લીધો છે. જ્યારે ઉઝબેકિસ્તાને સૈનિકોને આશરો આપવાનો ઇન્કાર કરી દીધો છે અને તેમને પરત મોકલી દે છે. આ સંજોગોમાં તાલિબાનોની વધતી જતી તાકતથી આ દેશો પણ ચિંતિત છે.
ઉગ્રવાદી તત્વો ફરી એક વખત મધ્ય એશિયામાં તાલિબાનના પ્રભુત્વવાળા વિસ્તારમાં એકઠા થઈ શકે છે, તેના વિશે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા પ્રવર્તે છે. તાજિકિસ્તાને તેની અફઘાનિસ્તાન સાથે જોડાયેલી 1344 કિલોમિટર લાંબી સરહદ પર રિઝર્વ સુરક્ષાબળોને ખડકી દીધા છે.
બીજી બાજુ, તુર્કમેનિસ્તાન તથા ઉઝબેકિસ્તાને પાછલા બારણે તાલિબાનો સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ શરૂ કર્યા હોવાના અહેવાલ છે. તાલિબાનોએ માગ કરી છે કે તેમને યુએનના બ્લૅકલિસ્ટમાંથી બાકાત કરવામાં આવે.

કોણ છે તાલિબાન?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં કબિલાઈઓ દ્વારા પશ્તુન ભાષા બોલવામાં આવે છે. પશ્તુન ભાષામાં 'તાલિબાન'નો મતલબ 'વિદ્યાર્થી' એવો થાય છે.
90ના દાયકામાં સોવિયેટ સૈનિકો પરત ફરી રહ્યા હતા, ત્યારે તાલિબાનોનો ઝડપભેર ઉદય થયો.
સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓના પ્રસાર માટે સાઉદી અરેબિયાએ મોટાપાયે ફંડિંગ કર્યું હતું. આથી પહેલા ધાર્મિક મદ્રેસાઓમાં તેનો ઉદય થયો. તેમણે શાંતિ તથા સુરક્ષાની સ્થાપનાનું વચન આપ્યું હતું. સાથે જ તેમણે શરિયત લાગુ કરવાની વાત કહી.
સપ્ટેમ્બર 1996માં તેમણે હૈરાત ઉપર કબજો કરી લીધો અને એક જ વર્ષમાં દેશની રાજધાની કાબૂલનું પણ પતન થયું. 1998 સુધીમાં દેશના લગભગ 90 ટકા વિસ્તાર ઉપર તાલિબાનોનો કબજો થઈ ગયો.
એક સમયે મુજાહિદ્દ એવા બુરહાનુદ્દીન રબ્બાની સોવિયેટ સમર્થન છતાં સરકાર બચાવવામાં નિષ્ફળ રહ્યા. ગૃહયુદ્ધથી થાકેલા નાગરિકોએ શરૂઆતમાં તાલિબાનોને આવકાર્યા. માળખાકીય સુવિધામાં વિકાસ તથા સ્થિરતાને કારણે તેમની લોકપ્રિયાત વધી.
પરંતુ ટૂંક સમયમાં તાલિબાનોએ ઇસ્લામિક કાયદા પ્રમાણે સજા આપવાનું શરૂ કરી દીધું. જે મુજબ હત્યા તથા વ્યભિચારના આરોપીની જાહેરમાં હત્યા, ચોરીના આરોપીના અંગવિચ્છેદ વગેરે જેવા આરોપોનો સમાવેશ થાય છે.
પુરુષો માટે દાઢી વધારવી જરૂરી હતી, જ્યારે મહિલાઓ માટે સમગ્ર શરીર ઢાંકે તેવો બુરખો પહેરવો ફરજિયાત હતો. 10 વર્ષથી વધુ ઉમરની બાળકીઓ ભણી ન શકતી. વિશ્વભરમાં માત્ર ત્રણ દેશોએ તાલિબાનને માન્યતા આપી હતી. જેમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા તથા યુનાઇટેડ આરબ અમિરાતનો સમાવેશ થતો હતો.
અમેરિકા તથા નાટોના ગુપ્તચરતંત્રના અનુમાન પ્રમાણે, છેલ્લા બે દાયકામાં અત્યારે તાલિબાનો લડવૈયાઓની સંખ્યા સૌથી વધુ છે. લગભગ 85 હજાર પૂર્ણકાલીન લડવૈયા અફઘાન સૈન્યો સામે લડી રહ્યા છે.
હાલમાં મૌલવી હિબ્તુલ્લાહ અખુંજદાના હાથમાં તાલિબાનની કમાન છે. તાલિબાને તેની વ્યૂહરચના બદલી છે, પરંતુ વિચારધારા નથી બદલી. મહિલાઓ, પત્રકારો, સામાજિક કાર્યકરો તથા સાર્વજનિક ઉચ્ચ પદ પર બેઠેલાં મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
પશ્ચિમી દેશોના સૈનિકો તથા રાજનીતિજ્ઞો માટે અનુવાદક કે સાંસ્કૃતિક સમન્વયકારો, પૂર્વ સૈનિકોને આશંકા છે કે તેમને નિશાન બનાવવામાં આવશે.

તાલિબાનોનું શાસન

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાનોના શાસનમાં મહિલાઓના અધિકારને કચડી નાખવામાં આવ્યા હતા. 1999માં દેશમાં નવ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ હતી, જેમાં એક પણ છોકરીને પ્રવેશ અપાયો ન હતો.
આજે લગભગ 35 લાખ છોકરીઓ અફઘાનિસ્તાનની અલગ-અલગ શાળા-કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. કુલ વિદ્યાર્થીઓમાંથી તેમની સંખ્યા ત્રીજી ભાગ જેટલી છે.
યુનિસેફના અનુમાન મુજબ દેશમાં 37 લાખ બાળકો શિક્ષણથી વંચિત છે, જેમાંથી લગભગ 60 ટકા બાળકીઓ છે. શિક્ષિકાઓ તથા શૈક્ષણિક માળખાના અભાવે આ છોકરીઓ ભણી નથી શકતી.
સુધારાવાદી મહિલાઓને આશંકા છે કે જો તાલિબાનો ફરીથી વિસ્તારો ઉપર કબજો મેળવી લેશે તો બાળકીઓનું ભણવું મુશ્કેલ બની જશે. તાલિબાનોનું કહેવું છે કે હવે તેઓ મહિલાઓના શિક્ષણના વિરોધી નથી, પરંતુ બહુ થોડા તાલિબાન કમાન્ડરો તેમના વિસ્તારોમાં યુવાવસ્થામાં પહોંચી રહેલી છોકરીઓને ભણવા દે છે.

જ્યારે તાલિબાનોની કમર તૂટી

ઇમેજ સ્રોત, DANISH SIDDIQUI/ TWITTER
2001માં અમેરિકાના હવાઈ હુમલા બાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓની કમર તૂટી ગઈ અને તેમણે મેળવેલા પ્રદેશ ગુમાવી દીધા.
ત્યારબાદ ત્યાં બંધારણ લાગુ થયું અને લોકશાહી ઢબે રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીઓ યોજાઈ હતી. બંધારણમાં મહિલાઓ માટે સંસદમાં 27 ટકા બેઠક અનામત રાખવામાં આવી છે. સાર્વજનિક તથા ઉચ્ચ રાજકીયપદો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે.
જોકે તેની ભારે કિંમત માનવતાએ ચૂકવવી પડી હતી. ત્રણ હજાર 500થી વધુ અમેરિકન સૈનિકો, લગભગ 76 હજાર અફઘાન સૈનિક તથા પોલીસકર્મી, 78 હજાર 500 જેટલા અફઘાન નાગરિકો તથા 84 હજાર 200 જેટલા તાલિબાન તથા અન્ય લડવૈયાઓ 20 વર્ષના લોહિયાળ સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
લગભગ 26 લાખ અફઘાનીઓ ગૃહયુદ્ધને કારણે બેઘર છે. સીરિયા અને વેનેઝુએલા પછી નિરાશ્રિતોની સંખ્યાની દૃષ્ટિએ અફઘાનિસ્તાન વિશ્વમાં ત્રીજાક્રમે છે.
કોરોનાવાઇરસ તથા લૉકડાઉનને કારણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સંસાધનોને માઠી અસર પહોંચી છે અને લોકોને માટે રોજી મેળવવી મુશ્કેલ બની છે. ગ્રામીણ વિસ્તારોમાં તેની ખૂબ જ માઠી અસર પહોંચી છે.
યુએનની સંસ્થાના આકલન મુજબ લગભગ 30 ટકા વસતિ કટોકટીનો સામનો કરી રહી છે અથવા તો ખાદ્યાન્નની સમસ્યાનો સામનો કરી રહી છે.
અફઘાનિસ્તાનના 34માંથી 22 પ્રાંત આવક માટે અફીણની ખેતી ઉપર આધાર રાખે છે. જેમાંથી ગેરકાયદેસર રીતે હેરોઈન બનાવવામાં આવે છે અને તેને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઠાલવવામાં આવે છે. જે તાલિબાનના આવકનો સ્રોત પણ છે. તેઓ અફીણનું વાવેતર કરતા ખેડૂતો પાસેથી ખંડણી પણ વસૂલે છે.

અમેરિકાના અલવિદા અને અંધાધૂંધી

ઇમેજ સ્રોત, Getty Images
2020માં તાલિબાનો તથા અમેરિકાની તત્કાલીન ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની વચ્ચે કરાર થયા હતા, જે મુજબ અમેરિકા તથા નાટો રાષ્ટ્રોની સૈન્ય ટૂકડીઓ અફઘાનિસ્તાન છોડી દેશે.
તેના બદલામાં તાલિબાનોએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોતાના કબજા હેઠળની ધરતી પરથી અલ-કાયદા કે અન્ય વિદેશી ઉગ્રવાદી સંગઠનોને કામ કરવા નહીં દે. આ સિવાય અમેરિકન સૈનિકો તથા સ્થળો ઉપર હુમલા નહીં કરે.
2001માં તા. 11મી સપ્ટેમ્બરે અમેરિકામાં વર્લ્ડ ટ્રૅડ સેન્ટર ઉપર આતંકવાદીઓના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાવાળા વિસ્તારો ઉપર અમેરિકાએ હવાઈ હુમલા કર્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને નક્કી કરેલી સમયમર્યાદા મુજબ, હુમલાના 20 વર્ષ બાદ 2021માં તા. 11મી સપ્ટેમ્બર સુધીમાં તમામ અમેરિકન દળોને સ્વદેશ પાછા બોલાવી લેવામાં આવશે. કોઈપણ દેશમાં અમેરિકાનું આ અત્યારસુધીનું સૌથી મોટું સૈન્યઅભિયાન બની રહ્યું છે.
2001માં અલ-કાયદાના ઓસામા બિન લાદેન તથા અન્ય સાથીઓની કમર તોડી નાખવા માટે અફઘાનિસ્તાનની ઉપર સૈન્ય હુમલાની મંજૂરી આપનારા તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે આ નિર્ણય અંગે ચિંતા પ્રગટ કરી છે.
એક જર્મન મીડિયા હાઉસને આપેલા ઇન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું હતું કે "અફઘાનીઓને કતલ થવા માટે છોડી દેવાયા છે." તાલિબાનોના પ્રવક્તા સુહૈલ સાહિનના કહેવા પ્રમાણે, વાટાઘાટો દરમિયાન તેમને ખાતરી આપવામાં આવી હતી કે સૈનિકો ઉપરાંત તાલિમ આપનારા તથા સલાહકારો વગેરે પણ દેશ છોડી દેશે. જો કાબૂલમાં ઍમ્બેસીની સુરક્ષા માટે સૈનિકોને રાખવામાં આવશે તો તે વચનભંગ હશે.
અફઘાનિસ્તાનમાં ફરજ બજાવતા એક પશ્ચિમી ડિપ્લૉમેટના કહેવા પ્રમાણે, દોહામાં તાલિબાન દ્વારા જે વચન આપવામાં આવ્યા હતા, તેનું ફિલ્ડ કમાન્ડરો દ્વારા પાલન કરવામાં આવે તેની શક્યતા નહિવત્ છે.
ગત વર્ષે લગભગ પાંચ હજાર તાલિબાની લડવૈયાઓને સરકાર દ્વારા છોડવામાં આવ્યા હતા, તેમાંથી અનેક ફરી એક વખત મોરચા ઉપર પહોંચી ગયા છે અને અફઘાનિસ્તાનના સશસ્ત્ર બળો સામે લડી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

ઇતિહાસનું પુનરાવર્તન

બીબીસીના ચીફ ઇન્ટરનેશનલ કૉરસપૉન્ટન્ટ લીસ ડુસેટે (Lyse Doucet) સોવિયેટ સંઘ સામેની અફઘાનીઓની લડાઈ અને અમેરિકાની વિદાય પછીની સ્થિતિ જોઈ છે.
1989માં તેમને બ્રિટિશ ઍમ્બેસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 'સ્થિતિ સામાન્ય છે અને હવાઈવ્યવહાર ચાલુ છે, ત્યાં દેશ છોડી દેવો અન્યથા સ્થિતિ વકરી શકે છે અને કંઈપણ થઈ શકે છે.'
લગભગ 10 વર્ષના આંતરિકયુદ્ધ બાદ પશ્ચિમી દળોએ અફઘાનિસ્તાન છોડ્યું, ત્યારે રશિયાના સમર્થનવાળી સરકાર ડચકાં ખાઈ રહી હતી.
આજે પણ લગભગ એવી જ સ્થિતિ છે. બેલ્જિયમ અને ઑસ્ટ્રેલિયાએ તેના દૂતોને પરત બોલાવી લીધા છે. ભારતે તેની કંદહાર ખાતેની એલચી કચેરી બંધ કરી દીધી છે, જોકે કાબૂલમાં તેની હાજરી છે અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
યુકે તથા અમેરિકા દ્વારા પણ સ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. અને યુકેએ તેના નાગરિકોને 'વહેલી તકે' પરત ફરવા જણાવ્યું છે.
આ પહેલાં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર હતી અને 1999માં ઇન્ડિયન ઍરલાઇન્સનું અપહરરણ કરાયેલું વિમાન કંદહારમાં લઈ જવાયું હતું, ત્યારે ત્યાં ભારતનું કોઈ પ્રતિનિધિત્વ ન હતું, કારણ કે ભારતે તેની સરકારને માન્યતા આપી ન હતી.
આ વખતે સ્થિતિ અલગ જણાય છે અને ભારતે પાછલા બારણેથી તાલિબાનોની સાથે સંપર્કમાં છે. થોડા સમય પહેલાં ભારતના વિદેશમંત્રાલયના અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે 'શું ભારત તાલિબાનો સાથે વાટાઘાટ કરી રહ્યું છે ?' ત્યારે તેમણે જવાબ આપ્યો હતો, 'ભારત અલગ-અલગ હિતધારકો સાથે સંપર્કમાં છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













