તાલિબાન : અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાનની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી કેમ છે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, અમૃતા શર્મા
- પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા
યુદ્ધગ્રસ્ત પડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસી થાય પછી પણ પાકિસ્તાનને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવાનો થશે.
રાજકીય સમાધાનના અભાવમાં પાકિસ્તાન પર અફઘાનિસ્તાનમાં થનારી કોઈ પણ ઊથલપાથલની સીધી અસર થવાની છે. આવી સ્થિતિમાં ગૃહયુદ્ધ થાય અને મોટી સંખ્યામાં નિરાશ્રિતો આવી પડે અને સરહદ પારથી હુમલા વધે તેવું જોખમ છે.
બંને દેશો વચ્ચે ડુરાન્ડ રેખા તરીકે ઓળખાતી 2430 કિલોમીટરની સરહદ છે. સરહદ સહિતના મામલે બંને દેશો વચ્ચે અવિશ્વાસનો લાંબો ઇતિહાસ રહેલો છે. અફઘાન તાલિબાન તરફથી હિંસામાં વધારો થાય અને અનિશ્ચિતતા વધે ત્યારે આ સમસ્યા વકરી શકે.
અમેરિકાની ગેરહાજરીમાં અફઘાનિસ્તાનમાં જે પણ કંઈ સ્થિતિ ઊભી થાય તેનો સામનો કરવા માટેની તૈયારીઓ ઇસ્લામાબાદમાં થઈ રહી છે.

અફઘાન સ્થિતિ અંગે બેઠકો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અફઘાન સ્થિતિ વિશે ઉચ્ચકક્ષાની અનેક બેઠકો મળી ચૂકી છે અને તેમાં સાંસદો તથા વિપક્ષના નેતાઓને વાકેફ કરવા માટે ઉચ્ચકક્ષાની સંરક્ષણ બેઠકો પણ યોજાઈ છે. અફઘાનિસ્તાનમાં “વાટાઘાટ દ્વારા સમાધાન માટે” કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેની માહિતી આપવામાં આવી છે.
પાકિસ્તાની પડોશી દેશો અને અન્ય રાષ્ટ્રો સાથે પણ સંપર્કો કર્યા છે અને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે કે અફઘાનિસ્તાનનો મામલો આપણા સૌના માટે “સમાન હેતુ” ધરાવનારો છે.
હાલમાં જ વડા પ્રધાન ઇમરાન ખાને પોતાની ચિંતાઓ અંગે ઈરાનના ચૂંટાયેલા નવા પ્રમુખ ઇબ્રાહીમ રઈસી સાથે વાતચીત કરી હતી અને આ સ્થિતિમાં “પાકિસ્તાન અને ઈરાન માટે કેવાં ગંભીર પરિણામો” એવી શકે છે તેની ચર્ચા કરી હતી.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ જૂનમાં અમેરિકાને વિનંતી કરી હતી કે “જવાબદારી સાથે” તે પોતાનાં દળો પાછાં ખેંચે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત તેમણે ચીન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિદેશમંત્રી વચ્ચેની પરિષદના ચોથા સેશનમાં જણાવ્યું હતું કે આ મુદ્દે ત્રણેય દેશોએ સહકારથી કામ કરવું પડશે. અમેરિકા હઠી જાય તે પછી પાકિસ્તાન માટે “સંરક્ષણના ગંભીર પડકારો” ઊભા થઈ શકે છે તેની ચિંતા વ્યક્ત કરી હતી.
ઉર્દૂ દૈનિક 'ઉમ્મત'ના જણાવ્યા અનુસાર અફઘાન તાલિબાને “પાકિસ્તાનની સરહદની નજીકના વિસ્તારોમાં કબજો કરવાનું શરૂ કરી દીધું છે” – જેના કારણે ઇસ્લામાબાદમાં ચિંતા પેઠી છે.

જો ગૃહયુદ્ધ થાય તો...

ઇમેજ સ્રોત, TAHREER PHOTOGRAPHY
અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ થાય તો તેની ગંભીર અસરોનો ભય પણ પાકિસ્તાનને છે.
"જો એવું થાય તો પાકિસ્તાન સહિતના આ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપના માટેનો પડકાર બહુ મોટો થઈ પડશે," એમ અમેરિકા અને ભારતની ટીકા કરવા માટે જાણીતા રાષ્ટ્રવાદી ઉર્દૂ દૈનિક 'નવા-એ-વક્ત' લખે છે.
23 જૂને લાહોરમાં હુમલો થયો અને તેમાં ત્રણનાં મોત થયાં તે બનાવ અફઘાનિસ્તાનમાં અસ્થિરતાનાં કેવાં પરિણામો આવી શકે છે તેનો ઈશારો છે એમ ઘણાને લાગે છે.
પાકિસ્તાનના વિરોધપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ચૅરમૅન બિલાવલ ભુટ્ટોએ ચેતવણી આપી છે કે સરકારની “ખામીયુક્ત અફઘાન નીતિ”ને કારણે આવા હુમલાઓ વધી શકે છે.
પાકિસ્તાનને બીજી ચિંતા એ છે કે હિંસા વધશે તો મોટા પાયે અફઘાન નિરાશ્રિતો આવી ચડશે.
ક્વેટા ખાતેના સંયુક્ત રાષ્ટ્રની 'હ્મુમન રાઇટ્સ' સંસ્થાના અધિકારી ઍર્વિન પૉલિકરે પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં “અફઘાન નવેસરથી નિરાશ્રિતો આવી ચડે તે વાતનો” ઇનકાર કરી શકાય તેમ નથી.
કુરેશીના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં અત્યારે પણ “30 લાખ અફઘાન નિરાશ્રિતો રહે છે, જેની સંખ્યા વધે તેમ પાકિસ્તાન ઇચ્છતું નથી.”
“નિરાશ્રિતોના પ્રવેશ પર પ્રતિબંધ” અને અફઘાન સરહદે વાડ કરવા સહિતના ઉપાયો ઇસ્લામાબાદ વિચારી રહ્યું છે.
જોકે આ પ્રયાસો પૂરતા હશે ખરા તે સવાલ છે. પત્રકાર ઝાહિદ હુસૈને લખ્યું છે તે પ્રમાણે: “નિરાશ્રિતોનો પ્રવાહ આવી ચડે ત્યારે તેના માટે તંત્ર કેટલું તૈયાર છે તે હજી સ્પષ્ટ નથી.”
તાલિબાન અને સરહદ પારના ત્રાસવાદના મુદ્દે પાકિસ્તાનની નીતિ શું છે તે પણ અસ્પષ્ટ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં આ મુદ્દા નડતરરૂપ રહ્યા છે અને બંને દેશ એકબીજા પર તાલિબાન સાથે સાઠગાંઠના આક્ષેપો મૂકે છે.

પાકિસ્તાન તાલિબાનને ખાનગીમાં સમર્થન આપે છે?

ઇમેજ સ્રોત, Reuters
હવે અમેરિકા રવાના થઈ ગયું છે ત્યારે પાકિસ્તાનને એ વાતની ચિંતા છે કે "વિખેરાઈ ગયેલાં (તહેરિક-એ-પાકિસ્તાન-ટીટીપીનાં) જૂથો પાકિસ્તાનમાં એકઠાં થશે" - જેની ચિંતા હાલના જ સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં વ્યક્ત કરાઈ છે.
હાલમાં જ ગૃહમંત્રી શેખ રશિદે જણાવ્યું હતું, "(અફઘાન) તાલિબાનોએ ખાતરી આપી છે કે તેઓ ટીટીપીને પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ કરવા નહીં દે."- આ નિવેદન પછી કાબુલ સરકારે સ્પષ્ટતા કરી હતી કે ટીટીપીની "સ્થાપના અફઘાનિસ્તાનમાં થઈ નથી અને કે અમારી ભૂમિ પર સક્રિય નથી."
જોકે 'તોલો ન્યૂઝ' સાથેની વાતચીતમાં કુરેશીએ કહ્યું હતું "અફઘાનિસ્તાનની દરેક મુશ્કેલી માટે તાલિબાન દોષારોપણ કરવું જોઈએ નહીં." આ નિવેદનથી પાકિસ્તાન જ તાલિબાનને ખાનગીમાં સમર્થન આપે છે તેવા અફઘાનિસ્તાનના દાવાને જોર મળ્યું છે.
તાલિબાનો વિશેની નીતિમાં આ રીતે રહેલી સંદિગ્ધતાને કારણે અફઘાનિસ્તાનમાં નવી સરકાર આવે તે પછી પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધી શકે છે.
વિશ્લેષક આયેશા ઇઝાઝ ખાન કહે છે તે પ્રમાણે “તાલિબાન “વિશેની નીતિને સ્પષ્ટ કરી દેવાનો સમય કદાચ પાકી ગયો છે.”
અફઘાનિસ્તાનમાં કામગીરી માટે પાકિસ્તાનમાં લશ્કરી થાણું રાખવામાં આવે તેવી અમેરિકાએ માગણી કરેલી પણ ત્યારે ઇસ્લામાબાદે સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો હતો.
આ પ્રકારનાં થાણાં માટે વ્યવસ્થા કરવાનો "કોઈ સવાલ જ ઊભો થતો નથી” એમ પાકિસ્તાને ભલે કહી દીધું હોય, પરંતુ ફાઇનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (FATF) અને આઈએમએફના દબાણના કારણે પાકિસ્તાને કદાચ આ વિનંતી સ્વીકારી પણ લેવી પડે.
ત્રાસવાદને મળતાં ભંડોળ અને મની લૉન્ડરિંગની વિરુદ્ધમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા FATF હાલમાં જ મળેલી બેઠકમાં પાકિસ્તાનને હજીય ‘ગ્રે લિસ્ટ’માં રાખ્યું છે. 'તન્ઝીમ-એ-ઇસ્લામી' સહિતનાં ઇસ્લામી જૂથોએ કહ્યું છે કે પાકિસ્તાનને “બ્લૅકમેઇલ કરવાની પશ્ચિમના રાષ્ટ્રોની આ ચાલ છે.”
જૂન 2018થી પાકિસ્તાન FATFના ‘ગ્રે લિસ્ટ’માં મૂકાયેલું છે.

અફઘાનિસ્તાન અને ભારતના સંબંધો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પાકિસ્તાનમાં અર્થતંત્ર ડામાડોળ થયું છે ત્યારે આઈએમએફનું દબાણ પણ આવી શકે છે.
લોકપ્રિય દૈનિક 'ડેઈલી ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર :
"આઈએમએફમાં અમેરિકા પાસે 16 ટકા વોટિંગ અધિકાર છે, તેથી હવે જ્યારે પાકિસ્તાને પોતાની ધરતી પર અમેરિકાનું લશ્કરી થાણું રાખવાની મનાઈ કરી છે ત્યારે આર્થિક મદદ અંગેની વાટાઘાટને તે પ્રભાવિત કરી શકે તેમ છે."
જોકે પાકિસ્તાન તુર્કી સાથે મળીને કામ કરવા તૈયાર છે.
તુર્કીએ કાબુલ ખાતેના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટની સુરક્ષાની જવાબદારી લેવાની તૈયારી બતાવી છે. પાકિસ્તાને આ પગલાને આવકાર આપ્યો છે.
જોકે દેશનાં ઉદ્દામવાદી જૂથોએ આવી 'અફઘાનિસ્તાનની આંતરિક બાબત'માં માથું મારનારી દરખાસ્તનો વિરોધ કર્યો છે અને માગણી કરી છે કે તુર્કીની યોજનાને "સીધી નકારી કાઢવી."
વિદેશી સેનાઓ જતી રહે તે પછી ભારતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં તુર્કીની મહત્ત્વની ભૂમિકા રહે.
ભારત અફઘાનિસ્તાનમાં ઘણી વિકાસ યોજનાઓ પર કામ કરી રહ્યું છે. એવું કહેવાય છે કે ભારતે પણ અમેરિકાની વાપસી પછી અફઘાનિસ્તાનમાં ઘણા અધિકારીઓ અને નેતાઓ સાથે ઉચ્ચકક્ષાએ વાતચીત કરી છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર 7 જુલાઈએ ઈરાનના નવા નિમાયેલા પ્રમુખ ઇબ્રાહીમ રઈસીને મળ્યા હતા અને અફઘાનિસ્તાન વિશે વાતચીત કરી હતી. 'ધ પ્રિન્ટ' નામની જાણીતી વૅબસાઇટે આ ઘટનાને ઈરાન તરફથી ઘણી મહત્ત્વની ગણાવી છે.
ભારતના વિદેશસચિવ હર્ષ શ્રૃંગલા પણ અફઘાન રાજદૂત મામુન્દઝાયને મળ્યા હતા ભારતની "શાંતિ માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા"ની ખાતરી આપી હતી.
અફઘાની નેતાઓ સાથે સામસામાં નિવેદનોને કારણે ખટાશ આવેલી છે ત્યારે નવી દિલ્હી અને કાબુલ વચ્ચે સારા સંબંધોને કારણે પાકિસ્તાન અકળાયું છે.
હાલમાં જ પ્રમુખ ડૉ. આરિફ અલ્વીએ ભારત પર આક્ષેપ મૂક્યો હતો કે તે પાકિસ્તાનમાં "ત્રાસવાદ" માટે અફઘાન ભૂમિનો ઉપયોગ કરે છે.
અફઘાનિસ્તાનની નાનામાં નાની હલચલ પર પાકિસ્તાન નજર રાખી રહ્યું છે. જોકે અમેરિકાની ગેરહાજરીમાં અફઘાનિસ્તાન માટે કેવી નીતિ રાખવી તેની કોઈ સ્પષ્ટતા હોય તેમ લાગતું નથી.
ઝાહિદ જણાવે છે તે રીતે પાકિસ્તાન સરકારે "આ સ્થિતિને પહોંચી વળવા માટે સુગ્રથિત અને સ્પષ્ટ નીતિ ઘડી કાઢવી જરૂરી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














