'મારો પતિ દેવદૂત હતો પણ પછી એણે મારા પર બળાત્કાર ગુજાર્યો'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇજિપ્તના કેટલાય વિસ્તારોમાં પત્ની સાથે, ખાસ કરીને સુહાગરાતના દિવસે બળજબરીથી સેક્સ કરવાની એક સામાજિક બદી છે.
    • લેેખક, વઈલ હુસૈન
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇજિપ્ત

ઇજિપ્તની મહિલાઓ યૌન હિંસાની આસપાસ ઊભેલી મૌનની દીવાલને તોડી રહી છે અને તેમનાં વૈવાહિક જીવનમાં બળાત્કારની ઘટનાઓ પર ખુલ્લીને બોલી રહી છે. આ એવો મુદ્દો છે, જેમના પર ઇજિપ્તમાં બહુ જ ઓછી વાત થાય છે.

ચેતવણી : આ લેખમાં યૌન હિંસા અંગે વાત કરવામાં આવી છે.

34 વર્ષનાં સાફાની સુહાગરાતે જ પતિએ તેમના પર બળાત્કાર કર્યો હતો. આ યૌન હુમલામાં તેમનાં ગુપ્તાંગ, કાંડા અને ચહેરા પર ઈજા પહોંચી હતી.

તેઓ કહે છે, "મારા પિરિયડ ચાલી રહ્યા હતા અને હું સેક્સ માટે તૈયાર નહોતી. મારા પતિને લાગ્યું કે હું તેમની સાથે સંબંધ બાધવા નથી માગતી. તેણે મને મારી, મારા હાથ બાંધી દીધા, મારું મોં દબાવ્યું અને બળાત્કાર કર્યો."

સામાજિક બદનામીના ડરથી સાફાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નહીં.

ઇજિપ્તનો સમાજ પિતૃસત્તાક છે અને અહીં પીડિતા પર જ આરોપ મૂકવાની સંસ્કૃતિ છે.

સાફા માટે પરિવર્તનની પળ ત્યારે આવી જ્યારે રમઝાન માસમાં તેમણે ટીવી પર પ્રસારિત એક ધારાવાહિક 'ન્યૂટન્સ ક્રૅડલ'નું એક દૃશ્ય જોયું. એમાં એક પતિને તેની પત્ની પર બળાત્કાર કરતો દેખાડાયો હતો.

આ દૃશ્ય જોતાં કેટલીય મહિલાઓની ખરાબ યાદો તાજા થઈ ગઈ અને તેમણે સોશિયલ મીડિયા પર ખુલ્લીને પોતાની વાત તથા અનુભવો જાહેર કર્યાં.

કેટલાંક સપ્તાહમાં કેટલીય મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાના પર ગુજારાયેલા અત્યાચારો અંગે લખ્યું. ફેસબુક પર 'સ્પીક અપ' નામથી બનાવાયેલા એક પૅજ પર સાતસોથી વધુ મહિલાઓએ પોતાની વાત રજૂ કરી.

line

એક પ્રચલિત સામાજિક બદી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીવી પર પ્રસારિત એક ધારાવાહિક 'ન્યૂટન્સ ક્રૅડલ'નું એક દૃશ્યમાં એક પતિને તેની પત્ની પર બળાત્કાર કરતો દેખાડાયો હતો.

આમાં 27 વર્ષનાં સાના પણ સામેલ હતાં.

"તે મારા માટે કોઈ દેવદૂત જેવો હતો. લગ્નના એક વર્ષ બાદ હું ગર્ભવતી થઈ અને મારી પ્રસૂતિ થવાની હતી. "

સાના લખે છે, 'એક નજીવી વાતે અમારી વચ્ચે લડાઈ થઈ અને તેણે નક્કી કર્યું કે તે મને સજા આપશે. તેણે મારી સાથે બળજબરી કરી અને બળાત્કાર ગુજાર્યો. મારો ગર્ભ પડી ગયો.'

સાના હવે છૂટાછેડા માટે લડાઈ લડી રહ્યાં છે. હવે તેઓ પોતાના પતિથી અલગ રહે છે. તેઓ આજે પણ પોતાના બાળકને યાદ કરીને રડે છે.

આ અંગેની ચર્ચાએ ત્યારે વેગ પકડ્યો જ્યારે એક ચર્ચિત ગાયકનાં પૂર્વ પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શૅર કર્યો.

તેમણે રડતાંરડતાં પોતાના વૈવાહિક જીવનમાં ઘટેલી બળાત્કારની ઘટના સંભળાવી. વીડિયો ઇજિપ્તમાં વાઇરલ થઈ ગયો અને મીડિયામાં પણ આના પર લખવામાં આવ્યું.

પતિએ આના જવાબમાં ઇન્સ્ટાગ્રામ પર જ એક વીડિયો પોસ્ટ કર્યો અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા.

તેમનાં પત્નીએ આને ગુનો જાહેર કરવા માટે કાયદામાં પરિવર્તનની માગ કરી છે.

line

મહિલાની ના - એક પાપ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીવી પર પ્રસારિત એક ધારાવાહિકના દૃશ્ય જોતાં કેટલીય મહિલાઓની ખરાબ યાદો તાજા થઈ ગઈ અને તેમણે સોશિયલ મીડિયા પર ખુલ્લીને પોતાની વાત તથા અનુભવો જાહેર કર્યાં.

ઇજિપ્તની સરકારી સંસ્થા નેશનલ કાઉન્સિલ ફૉર વિમૅન (રાષ્ટ્રીય મહિલાપંચ) અનુસાર વૈવાહિક જીવનમાં બળાત્કાર, બળજબરીપૂર્વક સેક્સ અને યૌન ઉત્પીડનના વાર્ષિક સરેરાશ 6500 કેસ નોંધાય છે.

મહિલાઓ માટે કાયદાકીય મદદ પૂરી પાડનારી સંસ્થામાં કાર્યરત્ રેદા દાનબુકી કહે છે, "ઇજિપ્તમાં મહિલાઓને સેક્સ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ ગણવી એ સામાન્ય સંસ્કૃતિ છે." વૈવાહિક બળાત્કાર માટે આ જ ધારણા જવાબદાર છે.

તેઓ કહે છે કે ઇજિપ્તમાં સામાન્ય ધાર્મિક માન્યતા એ છે કે જો કોઈ મિહલા પોતાના પતિ સાથે સેક્સ કરવાનો ઇન્કાર કરે છે તો તે પાપ કર છે અને આખી રાત દેવદૂતો તેને બદદુવા આપે છે.

આ મામલે જાગેલી ચર્ચાનો અંત લાવવા માટે ઇજિપ્તમાં ધાર્મિક બાબતોની સર્વોચ્ચ સંસ્થા દારઉલ ઇફ્તાએ કહ્યું છે, "જો કોઈ પુરુષ પોતાની પત્નીને સેક્સ કરવાની ફરજ પાડવા માટે હિંસાનો પ્રયોગ કરે છે તો એ ગુનેગાર છે અને મહિલા તેના વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે. એને સજા અપાવી શકે છે."

દાનાબુકી કહે છે, "વિમૅન સેન્ટર ફૉર ગાઇડન્સ ઍન્ડ લીગલ અવેરનેસે ગત બે વર્ષોમાં વૈવાહિક જીવનમાં બળાત્કારના 200 કેસ નોંધ્યા છે, જેમાંથી મોટા ભાગના સુહાગરાતે બન્યા. આનું કારણ સેક્સ પ્રત્યેનો ડર હતો."

ઇજિપ્તના કાયદા અંતર્ગત વૈવાહિક બળાત્કાર ગુનો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આને યૌન હિંસાનું એક રૂપ ગણે છે. કોર્ટમાં આ ગુનાને સાબિત કરવો કાઠું બની રહે છે.

ઇજિપ્તમાં વૈવાહિક બળાત્કારના જે પણ કેસ કોર્ટમાં જાય, તેમાંથી મોટા ભાગે સજા નથી થતી.

આનું કારણ ઇજિપ્તના કાયદાની કલમ 60 છે. જે અનુસાર, 'દંડસંહિતા એ મામલામાં લાગુ નહીં પડે જે સારી દાનત સાથે કરાયા હોય અને જે શરિયતના કાયદા અનુસાર યોગ્ય હોય.'

જોકે, દાનાબુકી કહે છે કે મહિલાના શારીરિક પરીક્ષણથી વૈવાહિક બળાત્કારને સાબિત કરી શકાય.

તેઓ કહે છે, "મહિલાના સમગ્ર શરીરનું પરીક્ષણ કરવું જોઈએ અને ઉઝરડા તથા બહારની ઈજાને પણ જોવાં જોઈએ. કાંડાં અને ચહેરાની ઈજાને પણ ધ્યાને લેવી જોઈએ."

ઇજિપ્તમાં પરિવર્તન સામાન્ય રીતે બહુ ધીમે આવે છે. અહીં હજુ પણ પરંપરા અને રૂઢિચુસ્ત મૂલ્યો હાવી થયેલાં છે. જોકે, હવે વૈવાહિક બળાત્કારની પીડિતાઓએ અવાજ ઉઠાવવનો આરંભ કરી દીધો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો