પાકિસ્તાન: 'મેં મારા પતિના હત્યારા સાથે લગ્ન કર્યાં અને પછી તેનું ખૂન કરી નાખ્યું'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અઝીઝુલ્લાહ ખાન
- પદ, બીબીસી ઉર્દૂ
"મેં મારા પતિની હત્યાનો બદલો લેવાનું નક્કી કરી લીધું હતું અને તેના ખૂની સાથે દોસ્તી કરી, પછી તેની સાથે લગ્ન કર્યાં અને છેવટે મોતનો બદલો લઈ લીધો."
પાકિસ્તાનના કબાયલીના બાજૌર જિલ્લામાં રહેતાં આ મહિલાની પોલીસે ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યાં હતાં, જ્યાંથી તેમને ચકદરા જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
આરોપી મહિલાનું કહેવું છે કે તેમણે પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે ત્રણ વર્ષથી પ્રયત્ન કર્યા હતા અને તેના માટે તેમણે સંપૂર્ણ યોજના બનાવી હતી.

પોલીસને સૂચના અને કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
બાજૌર જિલ્લામાં ઇનાયત કિલ્લાના લુઇસિમ પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર વિલાયત ખાને બીબીસીને કહ્યું કે આ એક મુશ્કેલ કેસ હતો, જેના માટે તેમણે પ્રયત્નો કર્યા અને સફળતા મેળવી.
આરોપીના પતિનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું, પરંતુ એ સ્પષ્ટ નહોતું કે તેમની હત્યા કરવામાં આવી હતી કે પ્રાકૃતિક રીતે મૃત્યુ થયું હતું. આરોપીએ ખાનગી રીતે જાણકારી મેળવી અને તેમનું કહેવું છે કે તેમના પતિની હત્યા તેમના મિત્ર ગુલિસ્તાને ઝેરનું ઇન્જેક્શન આપીને કરી હતી.
પોલીસસ્ટેશનમાં તેમના મૃત્યુનો કે હત્યાનો કોઈ કેસ નોંધાયો નથી. પોલીસે કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં આ વિસ્તારમાં કોઈ પોલીસસ્ટેશન ન હતું અને ન કોઈ દસ્તાવેજ મળ્યો છે, જેનાથી ખ્યાલ આવી શકે કે શાહ ઝમીનની હત્યા કરવામાં આવી હતી.
પોલીસના કહેવા પ્રમાણે, બે દિવસ પહેલાં તેમને માહિતી મળી હતી કે ગુલિસ્તાન નામની એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર વિલાયત ખાનનું કહેવું હતું કે આ પછી તેમણે નજીકની એક ચેકપોસ્ટ પર પોલીસ અને પોતાનાં સૂત્રોને કહી દીધું હતું કે તે જગ્યાથી કોઈ પણ બહાર ન જઈ શકે અને તે પોતાની ટીમની સાથે પહોંચી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિલાયત ખાને કહ્યું, "જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે, પથારીમાં લોહીથી લથપથ લાશ પડેલી હતી, એક ગોળી માથામાં વાગી હતી અને એક ગોળી શરીરના જમણા ભાગે વાગી હતી. આરોપી મહિલા મૃતકની પાસે બેસેલી હતી. ઘરની બહાર અને અંદર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અમે લોકોને એક બાજુ ખસેડીને તપાસ શરૂ કરી અને સ્થળ પરથી પુરાવા એકઠા કર્યા."

કબાયલી મહિલાનો અફઘાન શાહ ઝમીન સાથે પ્રેમ

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ રિપોર્ટ પ્રમાણે, મહિલા આરોપીએ કહ્યું કે તેમના પહેલા પતિ અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં રહેનારા અફઘાન શરણાર્થી હતા. તેમના પતિ પેશાવરમાં કામ કરતા હતા અને તેમની જિંદગી ઘણી જ ખુશીથી પસાર થઈ રહી હતી. પોલીસનું કહેવું છે કે તેમની એક દીકરી પણ હતી.
પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું છે, "મારા પતિની ગુલિસ્તાન નામના એક વ્યક્તિ સાથે સારી દોસ્તી હતી. મારા પતિ પેશાવરથી જે કંઈ કમાતા હતા તે બધુ રાખવા માટે ગુલિસ્તાનને મોકલી દેતા હતા, જ્યારે જરૂર પડે ત્યારે તેની પાસેથી પૈસા પરત માગી લેતા હતા. ગુલિસ્તાન સાથે તેમની દોસ્તી ગાઢ હતી."
આરોપીના પતિ કેટલાક સમય પછી પરત આવ્યા અને ગુલિસ્તાનને કહ્યું કે મારી તબિયત ઠીક નથી. મારે મારા પૈસા પરત જોઈએ, પરંતુ ગુલિસ્તાને પૈસા પરત ન કર્યા અને કહ્યું કે હાલ પૈસા નથી.
વિલાયત ખાનના કહેવા પ્રમાણે આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ગુલિસ્તાને મારા પતિને પૈસા આપવાની જગ્યાએ કહ્યું કે જો તું બીમાર છે, તો હું તારા માટે ઇનાયત કલી બજારમાંથી દવા લાવું છું. ગુલિસ્તાન બે ઇન્જેક્શન અને કેટલીક ગોળીઓ લાવ્યો હતો. એક ઇન્જેક્શન ગુલિસ્તાન ખાને નદીના કિનારે શાહ ઝમીનને આપ્યું હતું અને કહ્યું કે બીજું ઇન્જેક્શન તું ઘરે લગાવી લેજે અને આ ગોળીઓ ખાઈ લેજે, તું તેનાથી સાજો થઈ જઈશ.'
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ઇન્જેક્શન લીધા પછી મારા પતિની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ અને ત્યાં જમીન પર પડી ગયા. ત્યાં હાજર લોકો મારા પતિને હૉસ્પિટલ લઈ ગયા અને પછી મૃત અવસ્થામાં મારા પતિને ઘરે લાવવામાં આવ્યા."

બદલો લેવાની યોજના

ઇમેજ સ્રોત, Getty Images
આરોપીએ પોલીસને કહ્યું કે આ અંગે મેં લોકોને પુછ્યું તો લોકોએ કહ્યું કે ગુલિસ્તાને તેમના પતિને ઇન્જેક્શન આપ્યું હતું, જેના પછી તેમના પતિની સ્થિતિ બગડી ગઈ હતી.
તે સમયે તેમણે એ વાત નક્કી કરી લીધી હતી કે તે પોતાના પતિની હત્યાનો બદલો જરૂર લેશે.
પોલીસના કહેવા પ્રમાણે, આરોપીએ કહ્યું કે પાંચ-છ મહિના સુધી તે પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે પ્રત્યન કરતી રહી, પરંતુ તેમને તક ન મળી, જે પછી તેમણે ફરીથી યોજના બનાવી કે કેવી રીતે ગુલિસ્તાનની નજીક પહોંચી શકાય અને પછી બદલો લઈ શકાય.
પોલીસે કહ્યું કે આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેમણે પછી ગુલિસ્તાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને તેમને મૅસેજ મોકલાવ્યો. જોકે ગુલિસ્તાન પહેલાંથી પરણિત હતા અને તેમને નાનો દીકરો પણ હતો, પરંતુ તેમના કહેવા પ્રમાણે તેમણે ગુલિસ્તાન ખાનને લાલચ આપીને રાજી કરી દીધા હતા.
આરોપી મહિલાએ પોલીસને કહ્યું કે તેમણે ગુલિસ્તાનને કહ્યું કે મારી પાસે પૈસા છે. તું એક ગાડી ખરીદ અને તેમાં ફર, તમે તમારા વતનમાં મજૂરી કરજો અને અમે ખુશહાલ જીવન પસાર કરીશું.
મહિલાએ પોલીસને કહ્યું કે ગત વર્ષે મોટી ઇદના આગલા દિવસે, તેમણે લગ્ન કરી લીધાં હતાં અને છ મહિના સુધી તે કોઈના ઘરે રહ્યાં, ક્યારેક ગુલિસ્તાનની બહેનના ઘરમાં રહ્યાં. તે પછી મહિલાએ ગુલિસ્તાનને કહ્યું કે આપણે ભાડે ઘર લઈ લઈએ ક્યાં સુધી બીજાને ત્યાં જીવન પસાર કરીશું?
પોલીસે મહિલાના નિવેદનને ટાંકીને કહ્યું, "તેમણે ઇનાયત કલીમાં ત્રણ હજાર રૂપિયાના ભાડે એક મકાન લીધું. આ પછી આરોપી મહિલાએ ગુલિસ્તાનને કહ્યું કે અમે અહીં એકલાં રહીએ છીએ, કોઈ ચોર ન આવી જાય, એટલા માટે પોતાની સુરક્ષા માટે ઘરમાં એક પિસ્તોલ જરૂર હોવી જોઈએ. ગુલિસ્તાને સાડા તેર હજાર રૂપિયામાં એક પિસ્તોલ ખરીદી લીધી."
પોલીસના અનુસાર મહિલાએ આગળ કહ્યું, "મારા પહેલા પતિના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયાં છે અને બે વર્ષ સુધી હું આ પ્રયત્નોમાં હતી કે ક્યારે અને કેવી રીતે બદલો લેવામાં આવે. જ્યારે ઘરમાં પિસ્તોલ આવી ગઈ તો તેના ઉપયોગની તક શોધી રહી હતી."
ઘટનાના દિવસનો ઉલ્લેખ કરતા આરોપી મહિલાએ કહ્યું, "હું રાત્રે જાગતી રહી અને રાતના અંદાજે એક વાગે બીજા રૂમમાં ગઈ અને પિસ્તોલમાં ગોળીઓ ભરી ગુલિસ્તાનના રૂમમાં ગઈ. ગુલિસ્તાન સૂઈ રહ્યો હતો મેં તેના પર ગોળીઓ ચલાવી, પરંતુ ફાયર નહોતો થઈ રહ્યો, પિસ્તોલ કામ નહોતી કરી રહી."
ગુલિસ્તાનના રૂમમાં ગઈ અને પહેલી ગોળી ગુલિસ્તાનના માથા પર ચલાવી અને બીજી ગોળી તેના શરીરની જમણી બાજુ મારી. ગોળી માર્યા પછી સૂર્યોદય થાય ત્યાં સુધી ત્યાં બેસેલી રહી. સૂર્યોદય થયા પછી તેમણે બહારના લોકોને કહ્યું કે કોઈએ તેમના પતિને મારી નાખ્યા, તે પછી લોકો જમા થઈ ગયા અને પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
પોલીસ અધિકારી વિલાયત ખાને કહ્યું કે પહેલાં આરોપી મહિલા એમ કહેતાં રહ્યાં કે તેમણે હત્યા નથી કરી, પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી, તો તેમણે તે વાતનો સ્વીકાર કર્યો અને તમામ વાતો જણાવી દીધી અને પિસ્તોલ વિશે પણ કહ્યું, જે સંદૂકમાં પડી હતી. પોલીસે તે પિસ્તોલને મૃત્યુ પામેલા ગુલિસ્તાનના દીકરાની હાજરીમાં જપ્ત કરી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ગુલિસ્તાન એક સારા સ્વભાવની વ્યક્તિ હતી, તે સ્થાનિક સ્તર પર પોતાનું કામ કરતા હતા. પોલીસે કહ્યું કે મહિલાને કોર્ટમાં હાજર કર્યા પછી જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













