'ઘર તૂટશે તો ક્યાં જઈશું, જીવન દોહ્યલું છે અને મોત પણ આવતું નથી', હલ્દ્વાની અતિક્રમણનો મામલો - ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, હલ્દવાની

- સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ચાર હજારથી વધુ મકાનો તોડવા પર રોક લગાવી દીધી છે
- આ મકાનોમાં 50 હજારથી વધુ લોકો રહે છે, જેમાંથી મોટા ભાગના મુસલમાન છે
- રેલવેનો દાવો છે કે અતિક્રમણ કરાયેલી જમીન તેની છે અને હાઈકોર્ટે મકાનોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો
- એવામાં વર્ષોથી અહીં રહેતા લોકોની સ્થિતિ કેવી છે અને તેઓ શું કહે છે?

ભારતની સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ચાર હજારથી વધુ મકાનો તોડવા પર રોક લગાવી દીધી છે. આ મકાનોમાં 50 હજારથી વધુ લોકો રહે છે, જેમાંથી મોટા ભાગના મુસલમાન છે.રેલવેનો દાવો છે કે અતિક્રમણ કરાયેલી જમીન તેની છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટના મકાનોને તોડી પાડવાના આદેશ પછી, કથિત અતિક્રમણવાળી જમીન પર રહેતા લોકોમાં દેખાવો અને દુઆઓનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ બનભૂલપુરાની શેરીઓ પર અભિનંદન આપવા લોકો ઊમટી પડ્યા હતા.
લોકો એકબીજાને ગળે મળી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટના જજોનો આભાર માનતા હતા. તેઓ એમ પણ કહી રહ્યા હતા કે તેમની દુવાઓની અસર થઈ.

ઝાહિદાની ચિંતા

જોકે આ શેરીઓમાં રહેતાં ઝાહિદાને હજુ પણ ચિંતા છે કે જો તેનું ટીનથી બનેલું ઘર તોડી નખાશે તો તેઓ તેમનાં બાળકોને લઈને ક્યાં જશે?
જ્યારે અમે તેમનાં ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ટીનના છાપરા નીચે એક બલ્બના ઝાંખા પ્રકાશમાં રોટલી બનાવી રહ્યાં હતાં. ઘૂંટણના દુખાવાના કારણે તેમનાં માટે ઊભા રહીને કામ કરવું સરળ નહોતું, પરંતુ બાળકો માટે રોટલી બનાવવી પણ જરૂરી હતી.
તેમના ઘરની સામે એક સાંકડી ગટર વહે છે અને તેની સાંકડી ગલી આવતાજતા લોકો અને મોટરસાઇકલોથી ભરેલી રહે છે.
ઝાહિદાનાં ત્રણ ઑપરેશન થયાં છે અને તેના હાથ અને ઘૂંટણમાં કાયમ દુખાવો રહે છે. તેમના પાંચ પુત્રોમાંથી એક પુત્ર શાકભાજી વેચીને કમાણી કરે છે, જેનાથી તેમનું ગુજરાન ચાલે છે.
40 વર્ષ પહેલાં તેઓ આ ઘરમાં વહુ બનીને આવ્યાં હતાં. અહીંથી જ તેમણે તેમનાં સાસુ અને સસરાને અંતિમવિદાય આપી હતી અને 20 વર્ષ પહેલા તેમના પતિના અવસાન બાદ શાકભાજીની દુકાનની મદદથી એકલા હાથે બાળકોને ઉછેર્યાં હતાં. પહેલાં દુકાનના ભાડાથી ઘર ચાલ્યું, પછી તેમનો મોટો દીકરો દુકાન સંભાળવા લાગ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અસરગ્રસ્તોની આશંકા

વરસાદ દરમિયાન ટપકતી ટીનની છત નીચે પોતાનું જીવન વિતાવનાર ઝાહિદાને હવે ઘર છિનવાઈ જવાનો ડર છે.
ઝાહિદા કહે છે, "તકલીફ જ તકલીફ છે અને તેના ઉપરથી ઘરની ચિંતા. ઘર જશે તો અમે ક્યાં જઈશું? અમે પરેશાન છીએ. જીવવાનું દોહ્યલું છે જ અને મોત પણ આવતું નથી. અમને અમારા હાલ ઉપર અહીં પડ્યા રહેવા દો. અમારું ઘર ન તૂટે બસ એટલું જ જોઈએ છે, બાકી કંઈ નથી જોઈતું."
આટલું કહીને તેઓ રડવા લાગ્યાં અને રડતાંરડતાં કહ્યું, "જ્યારે શાદી કરીને અહીં આવી ત્યારે ટીનનાં ઘરો હતાં. અમે તડજોડ કરીને પરાણે ટીન નાખ્યું છે."
તેમણે ટૅક્સ અને સરકારી બિલોની વર્ષો જૂની રસીદો બતાવી. જુના તસવીરો અને દસ્તાવેજો પાણી ટપકતા ખરાબ થઈ ગયાં છે.

સત્તાધારી ભાજપના સમર્થકો પણ નારાજ છે

નજીકના ઇંદિરાનગર વિસ્તારમાં રહેતાં તિલકાદેવી કશ્યપનો પરિવાર રેકડી પર સમોસા વેચીને ગુજરાન ચલાવે છે. આ મુસલમાન પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં કેટલાક હિંદુ પરિવારો પણ રહે છે.
તિલકાદેવી 1975માં અહીં આવ્યાં અને ઝૂંપડી બાંધીને રહેવાં લાગ્યાં. તેઓ કહે છે, "જો ઝૂંપડી તૂટશે તો અમે ક્યાં જઈશું? અથવા અમને બીજે ક્યાંક જગ્યા આપવામાં આવે. અમે જગ્યા છોડીને જતા રહીશું, નહીં તો આખી વસ્તીને ગોળી મારી દો. જગ્યા જાતે જ ખાલી થઈ જશે."
પાંચ વર્ષ પહેલાં નડેલા અકસ્માતને કારણે તિલકાદેવીના પતિ હવે કામ કરી શકે તેમ નથી. મોટો પુત્ર બીમાર રહે છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે ક્યારેક તો ભૂખ્યા પણ રહેવું પડે છે.

દસ્તાવેજોની ચિંતા

તિલકાદેવી કહે છે, "મેં પણ હાઉસ ટૅક્સ જમા કરાવ્યો છે. બધું કર્યું છે. તમે સરકાર છો, તમે મકાનોની ચોપડીઓ બનાવી અને હવે તમે તેનો ઇનકાર કરી રહ્યા છો. પહેલેથી ગરીબોના પૈસા ખાઈ રહ્યા છો, કેમ ખાઈ રહ્યા છો? કેમ હાઉસ ટૅક્સ લઈ રહ્યા છો? કેમ પાણીનો ટૅક્સ લઈ રહ્યા છો? તમે વીજળીનો ટૅક્સ કેમ લઈ રહ્યા છો?"
તિલકાદેવી ભાજપના મતદાર છે. તેઓ કહે છે, "અમે શરૂઆતથી જ ભાજપને (મત) આપતા હતા. અગાઉ અમે કૉંગ્રેસને મત આપતા હતા. અમને ક્યારેય એક રૂપિયો પણ મળ્યો નથી. ન તો કૉંગ્રેસમાં મળ્યો અને ન તો ભાજપમાં મળી રહ્યો છે."
"હવે અમને બે મહિનાથી રૅશન મળે છે બસ. અમને શું મળ્યું, ક્યાંયથી એક રૂપિયો પણ મળ્યો નથી. ભાજપે પણ વિચારવું જોઈએ કે ગરીબો છે, તેમને આપવું જોઈએ કે નહીં? કોઈ કાંઈ નથી આપતું. કૉંગેસવાળાએ તો અમને કંઈ નથી આપ્યું."
વાતચીત પછી તિલકાદેવી એક પોટલીમાં વાળીને રાખેલાં દાયકાઓ જૂનાં ફાટેલાં-તૂટેલાં સરકારી બિલો લાવ્યાં અને બતાવીને કહ્યું કે હવે આને સરસ રીતે સાચવીને રાખવા પડશે, સરકારી અધિકારીઓની સામે ગમે ત્યારે જરૂર પડશે.
આખરે મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે.

પેશાવરથી હલ્દ્વાની સુધીની સફર

આગળ થોડી સાંકડી શેરીઓમાં રહેતા 61 વર્ષીય વારિસશાહ ખાનના પિતા 1935માં પેશાવરથી હલ્દ્વાની આવ્યા હતા અને 50ના દાયકામાં આ ઘર ખરીદ્યું હતું. આ સ્થળનો ઇતિહાસ સચવાયેલા જૂના દસ્તાવેજોમાં નોંધાયેલો છે.
વારિસશાહ ખાન કહે છે, "જ્યારે પાકિસ્તાન અને ભારતનું વિભાજન થયું ત્યારે આ ઘર એ લોકોનું હતું જેઓ તે સમયે પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હતા. આ વિસ્તારમાં અન્ય ઘરો છે, તે બધાં તેમનાં જ હતાં."

"આ ઘરો કસ્ટોડિયનોના કબજા હેઠળ આવ્યાં હતાં. વર્ષ 1956માં આ ઘરોની હરાજી કરવામાં આવી હતી, જે રાજાસિંહે લીધાં હતાં. ઈકબાલ નામની એક વ્યક્તિએ તેની પાસેથી આ ઘર ખરીદ્યું અને પછી મારા પિતાએ ઈકબાલ પાસેથી ખરીદ્યું."
મસ્જિદો, મંદિરો, શાળાઓ, દુકાનોવાળી આ ગલીઓમાં એમ કહેતા ઘણા લોકો મળી જશે કે તેમના પિતા, દાદા, પરદાદા અહીં જ જન્મ્યા હતા અને અહીં મૃત્યુ પામ્યા હતા.
એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં જ્યારે હાઈકોર્ટે આ કથિત અતિક્રમણને હટાવવાનો આદેશ આપ્યો હતો, ત્યારે પહેલીવાર લોકોમાં ડર વધ્યો કે ખરેખર તેમની છત છીનવાઈ જશે, અને પછી લોકો રસ્તાઓ પર આવી ગયા.

આ મામલો કેવી રીતે શરૂ થયો?

આ જમીન કોની છે, લોકો અહીં કેટલાં વર્ષોથી રહે છે, આ ચર્ચાઓ પાછળ નજીકના પુલનો ઉલ્લેખ કરવામાં આવે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પુલ 2004માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2008માં તૂટી પડ્યો હતો અને તેના તુટી પડવા માટે ગેરકાયદેસર ખાણકામને જવાબદાર ગણવામાં આવ્યું હતું.
કહેવાય છે કે પુલ તૂટી પડવાથી નારાજ અને પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવતા રવિશંકર જોશી વર્ષ 2013માં પીઆઈએલ લઈને હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. આવી રીતે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ.
કથિત ગેરકાયદે ખનન માટે રેલવે ટ્રેક નજીક કથિત અતિક્રમણવાળી જમીન પર રહેતા લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

અમે રવિશંકર જોશીને એક સરકારી ઓફિસમાં મળ્યા. તેમની પાસે તેનો સિક્યૉરિટી ગાર્ડ ઊભો હતો.
ઠંડીમાં જૅકેટ પહેરીને રવિશંકર જોશી ખુરશી પર બેઠા હતા. તેઓ સુપ્રીમ કોર્ટના મનાઈ હુકમ પર ઑન રેકૉર્ડ કંઈ કહેવા માંગતા નથી, પરંતુ અતિક્રમણ અંગેના તેમના વિચારો એકદમ સ્પષ્ટ છે.
તેઓ કહે છે, "વ્યૂહાત્મક અને વ્યાપારી દૃષ્ટિકોણથી રેલવે માટે હલ્દ્વાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હલ્દ્વાની એ ચીનની સરહદ નજીકનું સૌથી મહત્ત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે. પરંતુ અતિક્રમણને કારણે જો ભવિષ્યમાં કંઈ થાય તો મારું માનવું છે કે કે તેની અસર ભારતીય સેનાની ગતિવિધિઓને પડશે.”
“હું માનું છું કે અતિક્રમણને કારણે સમગ્ર કુમાઉનો વિકાસ અટકી ગયો છે. એટલા માટે હું આ અતિક્રમણ હટાવવા માટે હાઈકોર્ટમાં ગયો હતો.”

રાજ્યની જવાબદારી

ઇમેજ સ્રોત, TWITTER/SUMIT HRIDAYESH
સ્થાનિક લોકો સંમત નથી કે તેઓએ જમીન પર અતિક્રમણ કર્યું છે. તેઓ રાજ્ય સરકારની જવાબદારીની વાત કરે છે.
વકીલ મોહમ્મદ યુસુફ કહે છે, "રેલવે એ સાબિત કરી શક્યું નથી કે કેટલી જમીન તેમની છે અને કેટલી જમીન અમારી છે. જે રેવન્યુ રેકૉર્ડમાં જે નંબર છે તે ક્યાં છે? આ કારણે જ તેઓએ પહેલાં 29 એકર જમીનનો દાવો કર્યો, પછી 59 એકર પર દાવો કર્યો. હવે તેઓ વધારીને 83 એકર જમીનનો દાવો કરવા લાગ્યા છે.”
"નવી પૉલિસી આવી કે નઝુલ જમીન પટ્ટાનું ઍક્સ્ટેન્શન નહીં થાય, તેના બદલે તેને ફ્રી હોલ્ડ કરવામાં આવશે, માલિકી હક્ક આપવામાં આવશે. લોકોએ અરજી કરી હતી. તમે તેમને પટ્ટા કેવી રીતે આપ્યા? તમે તેમની પાસેથી હાઉસ ટૅક્સ કેવી રીતે વસૂલ્યો? તમે તેમના નામે ફ્રી હોલ્ડ કેવી રીતે કરી દીધી?"
સ્થાનિક રહેવાસી અને આ વિસ્તારના પ્રતિષ્ઠિત વ્યક્તિ અબ્દુલ મલિક જૂના દસ્તાવેજો બતાવે છે અને દાવો કરે છે કે રેલવે પાસે વિકાસ કાર્યો માટે ઘણી જમીન છે અને લોકોને હટાવવાની કોઈ જરૂર નથી.

રેલવેનો પક્ષ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તરાખંડ હાઈકોર્ટના મકાનો તોડી પાડવાના આદેશ પર આ વિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય સુમિત હૃદયેશ કહે છે, "ઉત્તરાખંડમાં નઝુલ જમીન અને નઝુલ નીતિ એક મોટો વિષય છે. ઉત્તરાખંડનાં મહાનગરોમાં તમામ જમીન નઝુલ છે, એટલે કે સરકારી જમીન પર લોકો રહે છે. એવા જ આ લોકો પણ છે. તેમની પાસે પુરાવા પણ હતા. પરંતુ રેલવે સામે રાજ્ય સરકારે એક દિવસ પણ હાઈકોર્ટમાં અવાજ ઉઠાવ્યો ન હતો. તેથી જ માનનીય હાઈકોર્ટનો આવો આદેશ આવ્યો છે."
બીબીસીને મોકલવામાં આવેલા નિવેદનમાં નોર્થઈસ્ટર્ન રેલવેના સીપીઆરઓ પંકજકુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની વાત કરી હતી.
તેમણે કહ્યું, "હલ્દ્વાની જમીન અતિક્રમણનો મામલો માનનીય સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. આ મામલે રેલવે માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કરશે. માનનીય સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, રેલવે તેનું સંપૂર્ણ પાલન કરશે."
વિવાદિત વિસ્તારની નજીક રોડ પર કચરાના મોટા ઢગલા છે, જ્યાં આસપાસના વિસ્તારોનો કચરો પણ ઠાલવવામાં આવે છે.
આ કચરાના પહાડના ધુમાડામાં અહીં રહેતા અનેક લોકો બુલડોઝરના ડર અને સુપ્રીમ કોર્ટના સ્ટેની વચ્ચે જન્મેલી થયેલી આશા વચ્ચે ઝૂલી રહ્યા છે.
તેઓ જોઈ રહ્યા છે કે કેવી રીતે મીડિયાના એક વર્ગમાં તેમને 'લૅન્ડજેહાદી', 'રોહિંગ્યા', 'ઉગ્રવાદી' કહેવામાં આવી રહ્યા છે.એવામાં ભૂતકાળના અનુભવો અને રાજકીય ઉતાર-ચઢાવ જોઈને અહીં સાંકડી શેરીઓમાં રહેતા લોકો ભવિષ્યને લઈને મૂંઝવણમાં છે.














