લગ્ન માટે એક લાખની સહાય આપવાની ‘લાલચ આપી’ સેંકડોને ‘છેતર્યાની ફરિયાદ’, શું છે સમગ્ર મામલો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • પાછલા એક વર્ષથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ’25 હજાર રૂપિયા ભરી લગ્ન સમયે એક લાખ રૂપિયાની સહાય’ મેળવવાની ‘લોભામણી’ સ્કીમ ચર્ચામાં છે
  • લોકોને ‘લગ્નસહાય’ની સમયસર અને યોગ્ય પ્રકારે ચુકવણી ન કરાઈ રહી હોવાની ફરિયાદો ઊઠતાં મામલો સમાચારોમાં છવાયો છે
  • રાજકોટની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન નામની સંસ્થા વિરુદ્ધ કેટલાક લોકોએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી
  • સંસ્થાના સ્થાપક હરીશ ડોબરીયાએ ‘લોકોને પૈસાની ચુકવણી ન કરવા’ મામલે પોતાની સંસ્થાનાં એક પૂર્વ કર્મચારી જિજ્ઞાસા પટેલને ‘જવાબદાર’ ઠેરવ્યાં છે
  • તેમણે પોતાની પરના આરોપો પાયાવિહોણા હોવાની વાત કરી હતી
  • જ્યારે સામે પક્ષે જિજ્ઞાસા પટેલે પણ હરીશ ડોબરીયા પર આરોપ કર્યા હતા અને પોતાની જાતને ફરિયાદી ગણાવ્યાં હતાં
  • આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મામલાની તપાસ કરાયા પછી કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે
બીબીસી ગુજરાતી
ફરિયાદ કરનારા લોકો સાથે જિજ્ઞાસા પટેલ

ઇમેજ સ્રોત, Laxmi Patel

ઇમેજ કૅપ્શન, ફરિયાદ કરનારા લોકો સાથે જિજ્ઞાસા પટેલ (વચ્ચે)

છેલ્લાં એક વર્ષથી રાજકોટથી લઈ જૂનાગઢ સુધી અને સાણંદથી લઈ સુરત સુધી એક ‘લોભામણી’ સ્કીમની ચર્ચા થઈ રહી છે. જોકે લગ્ન માટે 25 હજાર રૂપિયા ભરીને એક લાખની સહાય મેળવી આપતી આ કથિત ‘લગ્નસહાય યોજના’ કોઈ સ્કીમ નહીં પણ સ્કેમ હોવાના કિસ્સા સામે આવ્યા છે.

વળી, રૂપિયાની લાલચમાં આવીને આ ‘લોભામણી સ્કીમમાં’ પૈસા ભરી દેનારા લોકો પોલીસમાં ફરિયાદ કરતા અચકાઈ રહ્યા હોવાને કારણે આ મામલે કોઈ ઔપચારિક પોલીસ ફરિયાદ પણ નથી થઈ.

જોકે હાલ આ સમગ્ર મામલે આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે અને ફરિયાદીઓ ‘ન્યાય મળશે તેવી આશાએ બેઠકો કરી રહ્યા છે, પોલીસને રજૂઆત કરી રહ્યા છે’ પણ હજુ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી થતી દેખાઈ નથી રહી. 

કહેવાઈ રહ્યું છે કે રાજકોટની એક સંસ્થાની યોજનાના નામે હજારો લોકોના કરોડો રૂપિયા ‘ડૂબ્યા છે.’

હવે આ મામલે ફરિયાદીઓએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

રાજકોટની ‘રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા આ યોજના ચલાવાઈ રહી હતી, આ સંસ્થાના ફાઉન્ડર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોવાનો દાવો કરી રહ્યા છે. તેમજ તમામ આરોપો નકારી રહ્યા છે. 

મામલો પ્રકાશમાં આવતાં જ તે સમાચારોમાં છવાઈ ગયો હતો, આખરે કેવી રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને તેને લઈને અત્યાર સુધી શું શું થયું તે અંગે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી.

ગ્રે લાઇન

લગ્નસહાયના નામે થઈ ‘ઠગાઈ’

લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટની ‘રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ 'લગ્નસહાય યોજના'ના નામે લગ્ન કરવા માગતી વ્યક્તિ પાસે રૂ.25,000 ભરાવી સભ્ય બનાવ્યા હતા.

પછી સભ્ય બનનાર વ્યક્તિએ તેમની નીચે એક સભ્ય બનાવી રૂ.25,000 ભરાવવાના હતા.

આ સભ્ય બનાવનાર વ્યકિતને તેનાં લગ્ન સમયે રૂ. એક લાખની સહાય આપવાની સ્કીમ હતી.

આ સ્કીમમાં હજારો લોકોએ રૂપિયા ભર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે પણ લોકોનો આરોપ છે કે હવે તેમને 25 હજારની સામે એક લાખ આપવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યાં છે.

આ સમગ્ર પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માગણી સાથે કેટલાક ફરિયાદીઓ રાજકોટ શહેરમાં ભેગા થયા હતા.

ફરિયાદીઓ કથિત છેતરપિંડીમાં સંસ્થાના ફાઉન્ડર હરેશ ડોબરીયા સામે પોલીસફરિયાદ નોંધવા માગ કરી રહ્યા છે, જોકે બીજી તરફ હરેશ ડોબરીયા પોતે નિર્દોષ હોવાનો દાવો કરી તેમનાં એક પૂર્વ કર્મચારી જિજ્ઞાસા પટેલને આરોપી ગણાવી રહ્યા છે. 

જોકે સામા પક્ષે જિજ્ઞાસા પટેલ પોતાને નિર્દોષ ગણાવીને હરેશ ડોબરીયાને ‘કૌભાંડી’ ગણાવી તેઓની સામેના પુરાવા જાહેર કરવાની ચીમકી આપી રહ્યાં છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધી અને પીડિતોને પૈસા ક્યારે પરત અપાવશે તેની ઉપર હવે સૌની નજર છે.

બીબીસી ગુજરાતી

ફરિયાદીઓનું શું કહેવું છે?

ફરિયાદી

ઇમેજ સ્રોત, Laxmi Patel

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહેવાસી અને હરેશ ડોબરીયા વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરનારા ફરિયાદી મનદીપ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હરેશ ડોબરીયા લોભામણી સ્કીમ હેઠળ લોકોને છેતરે છે. જેનો હું પણ ભોગ બન્યો છું. આ સ્કીમમાં એક સભ્ય બનાવવાની ચેઇન હતી. મેં મારી નીચે મારા મોટા બાપાની દીકરીને સભ્ય બનાવી હતી. તેના પણ પૈસા હાલ તો ડૂબ્યા છે. જોકે, મેં મારી બહેનને કહ્યું છે કે, જો હરેશ ડોબરીયા પૈસા નહીં આપે તો હું તને આપી દઈશ."

તેઓ સંસ્થાના ફાઉન્ડર હરેશ ડોબરીયા વિરુદ્ધ આરોપ લગાવે છે કે હરીશે તેમને આપેલ ચેક ચાર વખત રિટર્ન થયો હતો. 

મનદીપ વાઘેલા પોતાની ફરિયાદની વિગતો આપતાં કહે છે કે, "મેં આ મામલે વકીલ રાખીને કોર્ટમાં ફરિયાદ કરી છે. મેં વર્ષ 2020માં 25, 000 ભર્યા હતા. વર્ષ 2021માં સભ્ય બનાવ્યા બાદ 2022ના મે મહિનાનો મને ચેક આપ્યો હતો."

રાજકોટના રહેવાસી વિમલ ખંડવીના પણ પૈસા આ સ્કીમમાં ‘ફસાયા’ છે, તેઓએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું નવેમ્બર 2020માં રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનનો સભ્ય બન્યો હતો અને 25 હજાર રૂપિયા ભર્યા હતા. મારાં લગ્ન નવેમ્બર 2020માં થયા હતા. ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે, છ મહિનામાં તમને ચેક મળશે. મને કહેવામાં આવ્યું કે, તમારે એક સભ્ય બનાવવો પડશે. મેં મારા એક મિત્રને ડિસેમ્બર 2021માં સભ્ય બનાવ્યો હતો. મને મે 2022નો રૂ. 87,900નો ચેક આપવામાં આવ્યો હતો. અને રૂ. 12,100 સંસ્થાના દાન પેટે કાપ્યા હતા.” 

“મારે ચેક જમા કરાવવાનો હતો તેના આગળના દિવસે મને જૂનાગઢ ઑફિસથી ફોન આવ્યો હતો અને ચેક નાખવાની ન પાડી એક અઠવાડિયા પછી ચેક નાખવા જણાવાયું હતું. મેં બે વાર ચેક જમા કરાવ્યો હતો પરંતુ બન્ને વખત ચેક બાઉન્સ થયો હતો. મેં હરેશ ડોબરીયાને ફોન કર્યો હતો. તેમણે મને યોગ્ય જવાબ ન આપતાં તેઓને લીગલ નોટિસ મોકલી હતી.”

વિમલ ખંડવી સંસ્થાના ફાઉન્ડર હરેશ ડોબરીયા સાથે થયેલા અનુભવ અંગે વાત કરતાં કહે છે કે, “મારી લીગલ નોટિસના જવાબમાં તેમણે કહ્યું હતું કે તમે જે 25,000 રૂપિયા ભર્યા હતા, તે પૈકી રૂ. 22,500 ચાંદલા પેટે હતા અને રૂ. 2,500 સંસ્થાને દાન પેટે આપ્યા છે. જે સંસ્થાને દાન આપ્યું છે તે તમારા કાયદેસરના પૈસા નથી. જે ચેક આપવામાં આવ્યો છે, તે સહાયનો ચેક છે. તેની તમે કોઈ ફરિયાદ કરી શકો નહીં. પછી મારા ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ જગ્યાના 1,800 થી 2,000 લોકો આ સ્કીમમાં છેતરાયા છે."

આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરાઈ છે.

રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ મામલે તેમની સમક્ષ કરાયેલ રજૂઆત અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પૈસા પરત ન કરતા હોવાની રજૂઆત કરવા માટે સોમવારે લોકો આવ્યા હતા. તેઓએ લેખિતમાં અરજી પણ આપેલી છે. જે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે ઓન પેપર પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તપાસ બાદ આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મળવા આવનાર લોકોના કહેવા અનુસાર રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનમાં 900 જેટલા લોકોએ પૈસા ભર્યા છે પરંતુ તેમાંથી કોઈને પણ પૈસા મળ્યા નથી. આ સંસ્થાની ઑફિસ રાજકોટમાં હતી."

બીબીસી ગુજરાતી

સંસ્થાના ફાઉન્ડરનું શું કહેવું છે?

પૈસા

ઇમેજ સ્રોત, Getty Images

આ ‘લોભામણી સ્કીમ’ ચલાવતી સંસ્થા રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર હરેશ ડોબરીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મારી સામે લાગેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. અમારી સંસ્થામાં રાજકોટ ઑફિસમાં કામ કરતાં જિજ્ઞાસા પટેલે લોકો પાસેથી રોકડા પૈસા લીધા છે પરંતુ તે પૈસા અમારી જૂનાગઢ ઑફિસની જમા કરાવ્યા નથી. જિજ્ઞાસા પટેલ પાસે આ પૈસાની અમે વારંવાર માગણી કરી છે પરંતુ તેમણે આ નાણાં જમા કરાવ્યાં નથી. જેથી લોકોના ચેક ક્લિયર થવામાં તકલીફ પડી રહી છે.”

તેઓ દોષનો ટોપલો તેમનાં ભૂતપૂર્વ કર્મચારી જિજ્ઞાસા પટેલ પર ઢોળતાં આગળ કહે છે કે,

“જિજ્ઞાસા પટેલ સામે અમે પોલીસમાં અરજી પણ કરી છે. તેમણે પૈસા પરત ન કરવા પડે માટે તે લોકોને અમારી વિરુદ્ધમાં ઉશ્કેરી રહ્યાં છે. અમારી લોકોને નમ્ર અરજ છે કે તેઓ થોડીક શાંતિ રાખે. અમે દરેકને પૈસા ચૂકવીશું. અમે આવતાં બે ત્રણ મહિનામાં લોકોને પૈસા પરત કરીશું.

તેમણે પોતે નિર્દોષ હોવાનો દાવો કરતાં લોકોને મદદરૂપ થવા માટે આ યોજના શરૂ કરી ઘણા લોકોને સહાયરૂપ થયા હોવાનો દાવો કર્યો હતો.

ડોબરીયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આગળ જણાવ્યું હતું કે, "મેં મારી સંસ્થા વર્ષ 2007માં રજિસ્ટર કરાવી છે. નવેમ્બર 2018થી મેં લગ્નસહાય શરૂ કરી છે. આ સહાયમાં એક હજાર એક લોકોનું ગ્રૂપ છે જેઓ એકબીજાને લગ્ન સમયે આર્થિક તંગી ન થાય તે માટે મદદ કરે છે. મેં અત્યાર સુધી 285 લોકોને 2.85 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અમારી સંસ્થા રાજકોટ, જૂનાગઢ, સુરત અને સાણંદમાં કામ કરે છે. પહેલાં ભરૂચમાં પણ કામ કરતી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજકોટની ઑફિસ પણ બંધ છે. જિજ્ઞાસા પટેલે દોઢ મહિનાથી ઑફિસ બંધ કરી હતી પરંતુ આ અંગે અમને જાણ કરી ન હતી."

તેમજ ડોબરીયા જે જિજ્ઞાસાબહેન પર નાણાંની ઉચાપત કર્યાનો આરોપ લગાવે છે તેઓ આ તમામ આરોપોને નકારી પોતાની જાતને ફરિયાદી ગણાવ્યાં હતાં.

અગાઉ સંસ્થાની રાજકોટ ઑફિસમાં કામ કરતાં જિજ્ઞાસા પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “હું છેલ્લા બે વર્ષથી સંસ્થામાં રાજકોટ ઑફિસમાં કામ કરતી હતી. મેં 602 લોકોને ફૉર્મ ભરી મેમ્બર બનાવ્યા છે. જેમાંથી 80 લોકોને જ પૈસા મળ્યા છે. મારા બનાવેલા સભ્યોમાંથી બાકીના 500થી વધુ લોકોને નાણાં મળ્યાં નથી.”

તેમણે પોતે ફરિયાદ કરવાની પહેલ કરી હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે, “લોકોના ચેક બાઉન્સ થવા લાગ્યા જેથી લોકો મને ફોન કરવા લાગ્યા. રાજકોટની ઑફિસે આવવા લાગ્યા હતા. આ અંગે મેં વારંવાર હરેશ ડોબરીયાને રજૂઆત કરી હતી. લોકોના પૈસા ચૂકવવા કહ્યું હતું પરંતુ હરેશ ડોબરીયાએ પૈસા ચૂકવ્યા નહીં. હું સમજી ગઈ કે આ માત્ર લોભામણી સ્કીમ છે. રાજકોટના લોકો મને ઓળખે છે. જેથી મેં નોકરી છોડી દીધી હતી. લોકો સાથે અન્યાય થયો છે તેથી હું લોકો સાથે ફરિયાદ કરવા બહાર આવી છું. 

હરેશ ડોબરીયાએ જિજ્ઞાસા પટેલ સામે પૈસા જમા ન કરાવવાના આરોપ લગાવ્યા છે જે અંગે જિજ્ઞાસા પટેલે જણાવ્યું હતું કે, " મેં તેમની પાસે પૈસા જમા કરાવી દીધા છે. મેં જેટલા પૈસા જમા કરાવ્યા છે તેના મારી પાસે પુરાવા છે. હું પોલીસ સમક્ષ પુરાવા રજૂ કરીશ. હું લોકો સાથે ફરિયાદ કરવા બહાર આવી છું માટે મને ડરાવવા માટે મારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે."

રેડ લાઇન
રેડ લાઇન