IND vs PAK : મિયાંદાદની હિન્દુમિત્રને પાકિસ્તાન લઈ જવાની જીદમાંથી જન્મેલા બે 'ગુજરાતી' ક્રિકેટરોની કહાણી

દાનિશ કનેેરિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાનિશ કનેેરિયા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
બીબીસી ગુજરાતી
  • ભાગલા બાદ ભારતમાંથી પાકિસ્તાન ગયેલા હિન્દુ પરિવારોમાં એક હતો કનેરિયા પરિવાર અને બીજો હતો સોનાવરિયા પરિવાર
  • વિભાજન વખતે મિયાંદાદ પરિવારે તેમના પડોશી અને ખાસ મિત્ર દલપત સોનાવરિયાને પોતાની સાથે પાકિસ્તાન આવી જવાનો આગ્રહ કર્યો
  • મિયાંદાદના પિતાએ આ પરિવારોની સુરક્ષાનું વચન આપ્યું હતું
  • મિયાંદાદના પિતાના આગ્રહને માન આપીને આ બંને ગુજરાતી પરિવાર પાકિસ્તાન ગયા અને કરાચીમાં જઈ વસ્યા
  • જાવેદ મિયાંદાદના પ્રોત્સાહનથી પાકિસ્તાનને બે હિન્દુ ક્રિકેટર મળ્યા હતા અનિલ દલપત અને દાનિશ કનેરિયા
બીબીસી ગુજરાતી

1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું. ભારતમાંથી ઘણા મુસ્લિમ પરિવારો પાકિસ્તાન ચાલ્યા ગયા, તો પાકિસ્તાનમાંથી હજારો લોકોને ભારત હિજરત કરવાની ફરજ પડી.

મોટા ભાગે તો હિન્દુઓ ભારત આવ્યા અને મુસ્લિમો પાકિસ્તાન ગયા. તેમાં કેટલાક ક્રિકેટરો પણ હતા.

પાકિસ્તાનના સુપ્રસિદ્ધ મોહમ્મદ ભાઈઓ (વઝીર, હનીફ, મુસ્તાક, સાદીક મોહમ્મદ) જૂનાગઢથી પાકિસ્તાન ગયા હતા.

જોકે એવા પણ કેટલાક હિન્દુઓ હતા જે વિભાજન બાદ પાકિસ્તાન ગયા હતા. પછી ભલેને તે આગંળીને વેઢે ગણી શકાય તેટલા હોય.

ભાગલા બાદ આવી રીતે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા હિન્દુ પરિવારોમાં એક હતો કનેરિયા પરિવાર અને બીજો હતો સોનાવરિયા પરિવાર.

બીબીસી ગુજરાતી

મિયાંદાદના આગ્રહથી બે હિન્દુ પરિવારો પાકિસ્તાન ગયા

અનિલ દલપત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનિલ દલપત

બન્યું હતું એવું કે પાકિસ્તાનના મહાન બૅટ્સમૅન જાવેદ મિયાંદાદના પિતા ગુજરાતના પાલનપુરના વતની હતા અને 1940ના દાયકામાં તેઓ પોલીસ અધિકારી હતા.

વિભાજન વખતે મિયાંદાદ પરિવારને પાકિસ્તાન જવાનું થયું ત્યારે મિયાંદાદના પિતાએ તેમના પડોશી અને ખાસ મિત્ર દલપત સોનાવરિયાને પોતાની સાથે પાકિસ્તાન આવી જવાનો આગ્રહ કર્યો. તેમણે પ્રભાશંકર કનેરિયાના પરિવારને પણ સાથે લીધો.

મિયાંદાદના પિતાએ આ પરિવારોની સુરક્ષાનું વચન આપ્યું હતું. એ સમયે ભારતમાંથી કોઈ હિન્દુ પરિવાર પાકિસ્તાન જવાનું પસંદ કરે તે મુશ્કેલ વાત ગણાતી.

જાવેદ મિયાંદાદના પિતાના આગ્રહને માન આપીને આ બંને ગુજરાતી પરિવાર પાકિસ્તાન ગયા અને કરાચીમાં જઈ વસ્યા.

આજે એ વાતને 75થી વધારે વર્ષ થઈ ગયાં છે અને તેઓ ઘણા ગુજરાતી પરિવારો સાથે પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયા છે.

આ પરિવાર ત્યાં વસ્યા બાદ તમામ પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યો અને વિશેષ કરીને ક્રિકેટમાં.

1955માં જન્મેલા જાવેદ મિયાંદાદે તો પાકિસ્તાન ક્રિકેટમાં મોટું કાઠું કાઢ્યું હતું અને તેમના જ પ્રોત્સાહનથી પાકિસ્તાનને બે હિન્દુ ક્રિકેટર મળ્યા હતા અનિલ દલપત અને દાનિશ કનેરિયા.

આ બંને ક્રિકેટરમાં અનિલ દલપત સિનિયર. 1963માં સોનાવરિયા પરિવારમાં જન્મેલા અનિલે 1983-84માં પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમમાં વિકેટકીપર તરીકે સ્થાન મેળવ્યું હતું.

એ સમયે એમ કહેવાતું હતું કે જાવેદ મિયાંદાદની વગને કારણે તેમનો ટીમમાં સમાવેશ કરાયો હતો.

બીબીસી ગુજરાતી

અનિલને હાથે કૅચ છૂટ્યો અને...

દાનિશ કનેેરિયા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1985ના માર્ચ મહિનામાં ઑસ્ટ્રેલિયામાં બેન્સન હેજિસ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ ક્રિકેટ (મિની વર્લ્ડકપ)નું આયોજન થયું હતું, જેની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા.

મેલબર્ન ખાતેની આ મૅચમાં ઇમરાન ખાનના એક બૉલ પર અનિલ દલપતે વિકેટ પાછળ કૅચ ગુમાવ્યો હતો. ભારતીય પ્રેક્ષકો એ કૅચ છૂટવા બદલ ખુશ થયા પરંતુ ઇમરાન ખાન ગુસ્સે થયા.

ઇમરાન ખાનનો ગુસ્સો અત્યંત નજીકથી (ક્લૉઝ-અપ કૅમેરા એંગલ દ્વારા) જોઈ શકાતો હતો.

ત્યારે એવી પણ ચર્ચા હતી કે દલપત મિંયાદાદના ‘માણસ’ હોવાને કારણે ઇમરાન વધારે ગુસ્સે ભરાયા હતા.

એ જે હોય તે પણ એટલી વાત ખરી હતી કે અનિલ દલપત સોનાવરિયાને પાકિસ્તાની ટીમમાં સામેલ કરાવવામાં મિયાંદાદની સિફારિશ કામ લાગી હતી.

આવી જ રીતે અનિલ દલપતના નજીકનાં સગાં (મોટા ભાગે પિતરાઈ) દાનિશ કનેરિયાએ પણ પાકિસ્તાની ટીમમાં મહત્ત્વના ખેલાડી તરીકે સ્થાન હાંસલ કર્યું હતું.

અનિલ દલપતની કારકિર્દી તો લાંબી ચાલી ન હતી, તેઓ પાકિસ્તાન માટે માત્ર નવ ટેસ્ટ અને 15 વનડે જ રમી શક્યા હતા પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તે પાકિસ્તાનની કરાચી વ્હાઇટ્સ અને કરાચી બ્લૂઝ માટે 137 મૅચ રમ્યા હતા જેમાં તેમણે વિકેટ પાછળ 430 શિકાર (307 કૅચ, 123 સ્ટમ્પિંગ) કર્યા હતા.

દાનિશ કનેરિયાને તેમના કરતાં ઘણી સફળતા મળી હતી.

અબ્દુલ કાદિર બાદ પાકિસ્તાનના આ સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરે પાકિસ્તાન માટે 61 ટેસ્ટ રમીને 261 વિકેટ ઝડપી હતી.

આમ પાકિસ્તાન માટે સૌથી વધારે વિકેટ લેનારા સ્પિનર દાનિશ કનેરિયા છે અને સૌથી વધુ વિકેટ ખેરવનારા તમામ બૉલરમાં તેઓ વસીમ અકરમ, વકાર યુનૂસ અને ઇમરાન ખાન બાદ ચોથા ક્રમે છે.

પાકિસ્તાનના મહાન લેગ સ્પિનર અબ્દુલ કાદિરની 236 વિકેટના આંકને પણ કનેરિયાએ વટાવી દીધો હતો અને એ પણ કાદિર કરતાં છ ટેસ્ટ ઓછી રમીને.

બીબીસી ગુજરાતી

કનેરિયાની જીત, પાકિસ્તાનની જીત

દાનિશ કનેેરિયા

ઇમેજ સ્રોત, Getty Images

2000-2001ની સિઝનમાં દાનિશ કનેરિયાએ કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તેમની ઉંમર માત્ર 20 વર્ષની હતી.

શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમને ખાસ સફળતા નહોતી મળી, પરંતુ એ જ વર્ષે પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે ગઈ અને તેમાં તેમણે વેધક બૉલિંગ કરી હતી જેના પગલે તેમની ગાડી પાટા પર ચડી ગઈ હતી.

બાંગ્લાદેશ સામેની એ સિરીઝની ઢાકા ટેસ્ટમાં તેમણે પ્રથમ દાવની છ સહિત મૅચમાં કુલ આઠ વિકેટ ખેરવી હતી.

ત્યાર પછીની ચિત્તાંગોગ ખાતેની ટેસ્ટમાં તો દાનિશે વધારે ખતરનાક બની ગયા અને મૅચમાં 11 વિકેટ ઝડપીને પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો.

એક સ્પિનર તરીકે કનેરિયાએ ઘણા મિથકો તોડ્યાં હતાં, જેમ કે તેમના વિશે એવી વાતો વહેતી થઈ હતી કે તેઓ સામાન્ય ટીમ સામે જ સફળ થાય છે. પરંતુ દાનિશ કનેરિયાએ બાંગ્લાદેશ સામે પણ 34 વિકેટ ખેરવી હતી એટલી જ વિકેટો તેમણે ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે પણ ખેરવી હતી.

ભારતીય ઉપખંડની ટીમો સ્પિનર સામે સારી રીતે રમે છે અને ભારત કે શ્રીલંકાના બૅટ્સમૅનને સ્પિનર સામે પરેશાની થતી નથી તેમ કહેવાય છે પરંતુ કનેરિયાએ ભારત સામે 43 અને શ્રીલંકા સામે 36 વિકેટ ખેરવી હતી.

એવી જ રીતે તેમણે સાઉથ આફ્રિકા સામે 36 અને વેસ્ટ ઇન્ડીઝ સામે 28 વિકેટ ઝડપી હતી જેમાંથી અડધોઅડધ વિકેટ તેમણે સાઉથ આફ્રિકન કે કેરેબિયન વિકેટો પર ઝડપી હતી.

તેમને સૌથી વધુ સફળતા ઑસ્ટ્રેલિયન પીચો પર મળી હતી જ્યાં તેમણે 34 વિકેટ ઝડપી હતી. ખાસ કરીને મેલબર્ન અને સિડનીમાં તેઓ સૌથી સફળ રહ્યા હતા.

પાકિસ્તાન વિશે એમ કહેવાય છે કે તેઓ પોતાની ધરતી પર વધારે સફળ રહે છે, પરંતુ કનેરિયા વિશે તેમ કહી શકાય નહીં, કેમ કે તેમણે ઘરઆંગણે 109 વિકેટ ઝડપી છે જ્યારે બાકીની 152 વિકેટ તેમણે વિદેશી ધરતી પર ખેરવી છે.

પાકિસ્તાન જીત્યું હોય તેવી ટેસ્ટમાં કનેરિયાની વિકેટનો આંક 120 છે અને અન્ય 64 વિકેટ તેમણે એવી ટેસ્ટમાં ઝડપી છે જે ડ્રૉ રહી હતી.

દાનિશ કનેેરિયા

ઇમેજ સ્રોત, Getty Images

આમ કનેરિયા સફળ રહ્યા હોય અને તેમની ટીમ હારી હોય તેવું ભાગ્યે જ બન્યું છે. તેનાથી ઊલટું કનેરિયાની નિષ્ફળ ગયા ત્યારે તેમની ટીમને પરાજય મળ્યો હોવાનું ઘણી વાર બન્યું છે.

ટેસ્ટ ક્રિકેટમાં કનેરિયા રમ્યા તે સમયગાળામાં આઉટ કરવા મુશ્કેલ હોય તેવા બૅટ્સમૅનમાં રાહુલ દ્રવિડ, શિવનારાયણ ચંદ્રપૌલ અને માર્ક બાઉચરનાં નામ લઈ શકાય પરંતુ કનેરિયાએ ચંદ્રપૌલને છ વખત જ્યારે દ્રવિડ અને બાઉચરને પાંચ પાંચ વખત આઉટ કર્યા છે.

આ ઉપરાંત જેક્સ કાલિસ, હાશીમ અમલા અને ગ્રીમ સ્મિથ પણ અવારનવાર કનેરિયાના શિકાર બન્યા હતા.

સામાન્ય સંજોગોમાં કોઈ પણ માનવી વિપરીત સંજોગોમાં નિર્ણય લેતા ખચકાતો હોય છે પરંતુ 1947માં કનેરિયા પરિવારે વિભાજન બાદ પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો તે ક્રિકેટની દૃષ્ટિએ કનેરિયાના આગમનથી પાકિસ્તાનને ફળ્યો હતો તેમ કહી શકાય.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી