વિજય હઝારેઃ એ છટાદાર બૅટ્સમૅન જેમણે ટીમના કુલ 387 રનના સ્કોરમાં 309 રન પોતે બનાવ્યા, આવું એમણે બે વખત કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images
1958ની 13મી માર્ચનો દિવસ અને સ્થળ વડોદરાનું મોતીબાગ પૅલેસ ગ્રાઉન્ડ. બરોડા અને સર્વિસીઝ વચ્ચે રણજી ટ્રૉફીની ફાઇનલ શરૂ થયાને લગભગ એકાદ કલાક થયો હશે અને બરોડાએ બે વિકેટ ગુમાવી દીધી હતી.
દત્તાજી ગાયકવાડ સાથે બૅટિંગમાં જોડાયા મહાન બૅટ્સમૅન વિજય હઝારે.
આમ તો હઝારેને એ વખતે ભારતીય ટેસ્ટ ટીમમાંથી નિવૃત્ત થયાને પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ તેમની ધાક એવીને એવી જ હતી.
સર્વિસીઝના કૅપ્ટન હેમુ અધિકારીએ હઝારે રમવા આવ્યા તે સાથે જ એક છટકું ગોઠવ્યું અને એક ફિલ્ડરને ફાઇન લેગ પર તથા બીજાને ડીપ લૉંગલેગ પર ઊભા રાખીને બૉલર સુરેન્દ્રનાથને બાઉન્સર ફેંકવાની સૂચના આપી.
બૉલરે સૂચનાનું પાલન કર્યું પરંતુ અને હઝારેએ પણ જાણે પોતે છટકામાં આવી ગયા હોય તેમ બૉલને હુક કર્યો અને બૉલ સીધો જ બાઉન્ડ્રી પર ઊભેલા ફિલ્ડરના હાથમાં ગયો પણ કમનસીબે ફિલ્ડર કૅચ પકડી શક્યો નહીં. હેમુ અધિકારી એ વખતે પણ લશ્કરમાં કર્નલ હતા અને તેમનો પ્રભાવ કર્નલ જેવો જ હતો. તેમણે તમામ ફિલ્ડરને ક્રિઝ પાસે બોલાવ્યા. ફિલ્ડર્સ પણ ફફ઼ડતા હૈયે કૅપ્ટન પાસે આવી પહોંચ્યા.
આજના જેવું એ વખતે ફિલ્ડિંગ ટીમનું 'હર્ડલ' તો બનતું ન હતું, પરંતુ કર્નલનો આદેશ હતો તેથી તમામ 11 ખેલાડી એકત્રિત થયા.
હેમુ અધિકારીએ આવા મહામૂલા બૅટ્સમૅનને જીવતદાન આપવા બદલ ફિલ્ડરને ધમકાવ્યો નહીં પરંતુ માત્ર એટલું જ કહ્યું કે ચિંતા કરશો નહીં. તે (હઝારે) આવો જ બીજો કૅચ આપશે.....પણ... પણ... તે બીજો કૅચ આપશે ત્યારે તેનો સ્કોર 200ને પાર કરી ગયો હશે.
બરાબર એમ જ બન્યું હતું. લગભગ પોણા સાત કલાક બાદ હઝારેએ મુદ્દિયાહની બૉલિંગમાં બીજો કૅચ આપ્યો હતો અને એ વખતે તેમનો સ્કોર 203 રન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભારતના મહાન ક્રિકેટર્સની પરંપરાના સ્થાપક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતે ઘણા મહાન ક્રિકેટર પેદા કર્યા છે પરંતુ આ મહાન ક્રિકેટરની હરોળમાં પ્રથમ નામ વિજય હઝારેનું હતું.
ભારતના મહાન ક્રિકેટર્સની પરંપરા શરૂ કરનારા પણ હઝારે જ હતા. સી. કે. નાયડુ કે અમરસિંહ તેમની પહેલાં રમી ચૂક્યા હતા.
પરંતુ પોતાના પ્રદર્શન થકી સમગ્ર ક્રિકેટ જગતમાં આદર પ્રાપ્ત કરનારા પ્રારંભના ખેલાડીઓમાં વિજય મર્ચન્ટ, વિજય હઝારે અને વિનુ માંકડનો સમાવેશ થતો હતો.
વિજય હઝારે એવા ક્રિકેટર હતા જેમને હરીફ ટીમ તરફથી પણ એટલો જ આદર પ્રાપ્ત થતો હતો. 1947-48માં ભારતીય ટીમે સૌપ્રથમ વખત ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો ત્યારે મહાન સર ડોન બ્રૅડમૅને પણ હઝારેની પ્રતિભાની પ્રશંસા કરી હતી. અને એ સિરીઝમાં બ્રૅડમૅનની તોલે આવી શકે તેવું પ્રદર્શન ભારત માટે માત્ર વિજય હઝારેએ કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધને કારણે ઘણા ક્રિકેટર્સને નુકસાન થયું હતું. જેમાં વિનુ માંકડ અને વિજય હઝારેનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કેમકે બંને તેમના યુવાનીના દિવસોમાં ક્રિકેટથી વંચિત રહ્યા હતા. હઝારેએ આમ તો 1935-36માં પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો પરંતુ તેમને છેક 1946માં પહેલી વાર ટેસ્ટ રમવાની તક સાંપડી હતી.
1947-48માં તેઓ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા જ્યાં એડિલેડ ટેસ્ટમાં તેમણે બંને દાવમાં સદી ફટકારી હતી. આમ એક જ ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારનારા તેઓ પ્રથમ ભારતીય બૅટ્સમૅન હતા.
ત્યાર પછી તો સુનીલ ગાવસ્કરે ત્રણ અને રાહુલ દ્રવિડે બે વાર આ સિદ્ધિ હાંસલ કરી હતી તો હઝારેની માફક વિરાટ કોહલીએ એ જ ઑસ્ટ્રેલિયા સામે અને એ જ એડિલેડ ખાતે (2014-15માં) આ સિદ્ધિ હાંસલ કરી હતી.

577 રનની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images
આજે અજિંક્ય રહાણે અને રોહિત શર્મા પણ આવો રેકોર્ડ ધરાવે છે પરંતુ હઝારે પ્રથમ હતા. વિજય હઝારે આ સિવાય પણ ઘણી બાબતમાં પ્રથમ રહ્યા છે. વિવિધ વર્લ્ડ રેકોર્ડમાં ભારતનું નામ રોશન કરવામાં પણ હઝારે પ્રથમ હતા.
જેમ કે 1946-47માં બરોડા અને હોલકર વચ્ચે રમાયેલી રણજી ટ્રૉફીની ફાઇનલમાં વિજય હઝારે અને ગુલ મોહમ્મદે મળીને 577 રનની વિશાળ ભાગીદારી નોધાવી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આ ભાગીદારી કોઈ પણ વિકેટ માટેની ભાગીદારીમાં સર્વપ્રથમ હતી. લગભગ છ દાયકા બાદ એટલે કે છેક 2006માં કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં 624 રન ઉમેરીને કોઈ પણ કક્ષાના ક્રિકેટમાં સર્વોચ્ચ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ત્યાં સુધી હઝારે અને ગુલ મોહમ્મદની 577 રનની ભાગીદારી મોખરે રહી હતી. આ ભાગીદારી વિશે પણ એક રસપ્રદ બાબત છે. 1947ના માર્ચ મહિનામાં વડોદરાની સૅન્ટ્રલ કૉલેજના મેદાન પર રમાયેલી ફાઇનલમાં હઝારે અને ગુલ મોહમ્મદે સાત કલાક રમીને આ વિશાળ ભાગીદારી નોંધાવી હતી.
ત્યારબાદ ભારતના ભાગલા પડ્યા અને ગુલ મોહમ્મદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
આમ તો ગુલ મોહમ્મદ જન્મથી જ લાહોરના હતા. 1979માં ભારતીય ક્રિકેટ બોર્ડે મુંબઈમાં ગોલ્ડન જ્યુબિલી ટેસ્ટનું આયોજન કર્યું ત્યારે તમામ ભૂતપૂર્વ ક્રિકેટર્સને આમંત્રણ આપ્યું હતું. અને એ વખતે ગુલ મોહમ્મદ ભારત આવ્યા હતા.
આ એ જમાનો હતો જ્યારે ટીવી કે અન્ય પ્રચાર માધ્યમો ન હતા. એવામાં હઝારે અને ગુલ મોહમ્મદ સામસામે ઊભા હતા, પરંતુ બેમાંથી એકેય એકબીજાને ઓળખી શક્યા ન હતા. બરાબર ગુજરાતીઓ વાત કરે છે તેવું જ બન્યું .....”તમને ક્યાંક જોયા છે, યાદ આવતું નથી” બસ આ પ્રકારના ડાયલોગ અને ત્યાર બાદ બરોડા ક્રિકેટ એસોસિયેશન તથા બીસીસીઆઈના ભૂતપૂર્વ સેક્રેટરી જયવંત લેલેએ બંનેને મેળવી આપ્યા.
જરા વિચારો, આજે કોઈ જોડી 577 રનની ભાગીદારી કરે અને 30 વર્ષ બાદ મળે તો એકબીજાને ઓળખી પણ શકે નહીં તેવું બને ખરું? એક બૅટ્સમૅન તરીકે વિજય હઝારે ખરેખર વર્લ્ડ ક્લાસ હતા. તેમની બેટિંગ ટેકનિક અદ્ભુત હતી. ફૉરવર્ડ જઈને રમે ત્યારે એમ લાગે કે વિકેટકીપર હમણાં સ્ટમ્પ કરી દેશે અનેે બૅકફૂટ જાય તો એમ થાય કે ક્યાંક તેમનો પગ સ્ટમ્પને સ્પર્શી જશે અને હિટવિકેટ થઈ જશે પરંતુ બંને કિસ્સામાં જોનારો થાપ ખાઈ જતો હતો કેમ કે બંને વખતે બૉલ તો બાઉન્ડ્રી પાર જ થઈ જતો હતો.
વિજય હઝારે 45 વર્ષની વય સુધી તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા પરંતુ જીવનના 60 વર્ષ વટાવી દીધા બાદ પણ તેઓ ક્યારેક મૅચ અગાઉ નેટ્સમાં પહોંચી જાય તો યુવાનોને શરમાવે તેવી તાજગીથી બેટિંગ કરતા અને યુવાન બૉલરો પણ તેમને નેટ્સમાં આઉટ કરી શકતા ન હતા.

બે ત્રેવડી સદી

ઇમેજ સ્રોત, Getty Images
32 વર્ષની બહોળી કારકિર્દીમાં વિજય હઝારેએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 58.19ની સરેરાશથી બેટિંગ કરી હતી જેમાં 57 સદીનો સમાવેશ થતો હતો.
આજે ટેસ્ટ, વનડે અને ટી20 અથવા તો ઇન્ટરનેશનલ ક્રિકેટને સમાવીને સદીનો આંક જોવામાં આવે છે જ્યારે એ જમાનામાં હઝારે પાસે માત્ર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ જ હતું. આ ઉપરાંત તેમને ગાવસ્કર કે સચિન કે કોહલીની માફક ઢગલાબંધ ટેસ્ટ રમવા મળી ન હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઇએ.
ટેસ્ટ ક્રિકેટમાં પણ વર્તમાન ક્રિકેટરને બાદ કરીએ તો માત્ર સુનીલ ગાવસ્કર જ હઝારે કરતાં બહેતર ટેસ્ટ સરેરાશ ધરાવે છે. વિજય હઝારેએ તેમની કારકિર્દીમાં બે વખત ત્રેવડી સદી ફટકારી હતી. તેમાંની એક ત્રેવડી સદી તો ખરેખર વિરલ હતી.
ડિસેમ્બર 1943માં ધ રેસ્ટ અને ધ હિન્દુ વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતેની મૅચમાં હિન્દુ ટીમ સામે ફૉલોઓન થયા બાદ ધ રેસ્ટની ટીમ માટે એકમાત્ર હઝારેએ વળતી લડત આપી હતી.
ટીમે 60 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધા બાદ વિજય હઝારેએ તેમના ભાઈ વિવેક હઝારે સાથે મળીને 300 રનની ભાગીદારી નોંધાવી હતી
જેમાં વિવેક હઝારેનું યોગદાન માત્ર 21 રનનું રહ્યું હતું. વિજય હઝારેએ ટીમના 387 રનના સ્કોરમાંથી 309 રન ફટકાર્યા હતા. વિજય હઝારેની બેટિંગમાં સાતત્યનો ક્યારેય અભાવ રહ્યો નથી તો તેઓ કોઈ પણ પ્રકારના હરીફ આક્રમણ સામે એટલી જ ગંભીરતાથી અને સફળતાથી રમી શકતા હતા.
તેઓ ભારતના એવા પ્રથમ બૅટ્સમૅન હતા જેમણે તમામ હરીફ ટીમો સામે ટેસ્ટ મૅચમાં સદી ફટકારી હોય. વિજય હઝારેને આમ તો ભારતના મહાન બૅટ્સમૅન તરીકે યાદ રાખવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે તેઓ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના એક સક્ષમ ઑલરાઉન્ડર હતા.














