અતુલ બેદાડે : સચીનના એ ગુજરાતી મિત્રની કહાણી જેણે પાકિસ્તાનને પરસેવો પડાવી દીધો હતો

ઇમેજ સ્રોત, Facebook
ભારતીય ક્રિકેટમાં જે વાત વિનોદ કાંબલી વિશે કહેવાય છે તે ગુજરાતી ક્રિકેટર્સમાં અતુલ બેદાડે વિશે કહી શકાય.
આપણે મેદાન બહારની વાત કરતા નથી, પરંતુ મેદાન પરના બંનેના પ્રદર્શન પર નજર કરીએ તો આમ જરૂર કહી શકાય.
વિનોદ કાંબલી જોરદાર પ્રતિભા ધરાવે અને કારકિર્દીના પ્રારંભથી સૌને આંજી દે તેવી બેટિંગ કરે પરંતુ તેમનામાં સાતત્યતાનો અભાવ રહ્યો (એ ઉપરાંત પણ અન્ય કારણો હતા) જેને કારણે તે પોતાના પરમ મિત્ર સચીનની માફક લાંબી કારકિર્દી બનાવી શક્યા નહીં.
આવી જ રીતે અતુલ બેદાડે મેદાન પર આક્રમક બેટિંગ કરે ત્યારે દુનિયાના ભલભલા બૉલર હતાશ થઈ જાય તેવી ફટકાબાજી ચાલતી હોય.
તેમનાથી સૌ પ્રભાવિત પણ થઈ જાય પરંતુ તેની બેટિંગમાં જરૂરી એવી તેમની સાતત્યતા રહી નહીં (આ માટે અન્ય કારણો ન હતા) અને બેદાડે ભારત માટે અપેક્ષા હતી તેટલું રમી શક્યા નહીં.
હા, બંને વચ્ચે અન્ય એક સામ્યતા પણ ખરી. બંને સચીન તેંડુલકરના પરમ મિત્ર. સચીન તેંડુલકર વડોદરામાં આવે તો અતુલ બેદાડેને મળવાનું ક્યારેય ટાળે નહીં. તે મુલાકાતમાં બેદાડે તેની સાથે જ હોય. અને, એથીય વિશેષ સચીન તેંડુલકરના એવી લગભગ તમામ પારિવારિક ઇવેન્ટમાં અતુલ બેદાડેની હાજરી ચોક્કસ જોવા મળે.
આમ વિનોદ કાંબલી અને અતુલ બેદાડે બંનેના જીવનમાં સચીન તેંડુલકરનું ઘણું મહત્ત્વ છે.

62 બૉલમાં સદી

ઇમેજ સ્રોત, Facebook
અતુલ બેદાડે ભારત માટે ખાસ વન-ડે ક્રિકેટ રમ્યા નથી પરંતુ તેમને ટીમમાં પસંદ કરવા પડે તેવો જોરદાર દેખાવ તેમણે અગાઉ કરી દેખાડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એપ્રિલ 1994માં ભારતીય ટીમ શારજાહમાં ઑસ્ટ્રેલેશિયા કપમાં રમવા માટે ગઈ ત્યારે અતુલ બેદાડેની ટીમમાં પસંદગી થઈ હતી.
તેના બે મહિના અગાઉ વડોદરામાં બરોડા અને પંજાબ વચ્ચે રણજી ટ્રૉફીની ક્વાર્ટર ફાઇનલ મૅચ રમાઈ રહી હતી. સેમિફાઇનલ પ્રવેશ માટે બરોડાએ આ મૅચ જીતવી અથવા તો તેમાંથી મહત્તમ પોઇન્ટ હાંસલ કરવા જરૂરી હતા ત્યારે બેદાડેએ આક્રમક બૅટિંગ કરી હતી.
અતુલ બેદાડેએ મૅચના પહેલા દિવસે જ અત્યંત વેગીલી બૅટિંગ કરીને ટીમનું અડધું કામ તો પૂર્ણ કરી નાખ્યું હતું. તેણે માત્ર 62 બૉલમાં જ સદી પૂરી કરી દીધી હતી જેમાં સાત સિક્સરનો સમાવેશ થતો હતો.
બીજે દિવસે તે કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર એટલે કે 159 રન ફટકારીને આઉટ થયા ત્યારે બરોડાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
એ સમયગાળામાં ફર્સ્ટ ક્લાસ મૅચમાં એક ઇનિંગ્સમાં બે કે ત્રણ સિક્સર ફટકારનારા બૅટ્સમૅનને ઝંઝાવાતી બૅટ્સમૅન માનવામાં આવતો હતો જેની સરખામણીએ 108 બૉલમાં 159 રન ફટકારનારા બેદાડેએ એક બે નહીં પણ દસ દસ સિક્સર ફટકારી હતી અને એ ઉપરાંત 18 ચોગ્ગા તો ખરાં જ. આમ 159 રનમાંથી તેણે 132 રન તો બાઉન્ડ્રી શોટથી ફટકાર્યા હતા.

શારજાહની એ મૅચ

ઇમેજ સ્રોત, Facebook
આમ ઇનિંગ્સના મોટા ભાગના રન બાઉન્ડ્રી શોર્ટ ફટકારવાની તેમણે અગાઉથી જ આદત કેળવી લીધી હોય તેમ બેદાડેએ પોતાની વનડે કારકિર્દીની સૌથી યાદગાર કહી શકાય તેવી ઇનિંગ્સમાં પણ આવી જ રીતે બૅટિંગ કરી હતી.
અતુલ બેદાડેને રાતોરાત જ ભારતમાં લોકપ્રિયતા મળી તેનું કારણ આ મૅચ હતી. તારીખ હતી 1994ની 22મી એપ્રિલ અને સ્થળ હતું શારજાહ. કહેવાની જરૂર નથી પણ ભારતની હરીફ ટીમ હતી પાકિસ્તાનની.
ટી20 ક્રિકેટના આગમનને હજી દોઢેક દાયકાની વાર હતી એટલે એ વખતે કોઈ ટીમનો 250 થી 300 રનનો લક્ષ્યાંક પાર કરવો તે આસાન બાબત ન હતી.
હકીકત તો એ હતી કે 1994 સુધી ભારતીય ટીમે તો ક્યારેય 50 ઓવરમાં 300 રન પણ કર્યા ન હતા. એવામાં ભારત સામે ટાર્ગેટ હતો 251 રનનો. આમ ભારતે પાંચ રન પ્રતિ ઓવરની સરેરાશથી રમવાનું હતું.
આ બાબત આજે સાવ સામાન્ય લાગે છે પણ ફરી એક વાર યાદ અપાવી દઇએ કે તે 1994નું વર્ષ હતું.
પાકિસ્તાનની બેટિંગ બાદ ભારતને રમવાનું આવ્યું. શારજાહમાં મોટા ભાગના પ્રેક્ષકો પાકિસ્તાન તરફી હતા તેવા ટૅન્શનભર્યા વાતાવરણમાં અજય જાડેજાની વિકેટ પ્રારંભમાં જ પડી ગયા બાદ નવજોત સિદ્ધુ, સચીન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ વહેલા આઉટ થઈ ગયા અને જવાબદારી આવી પડી બે સ્ટાઇલિશ લૅફ્ટ હૅન્ડ બૅટ્સમૅન અને આગળ જતાં લગભગ સમાન ભવિષ્ય ધરાવનારા વિનોદ કાંબલી અને નવા સવા અતુલ બેદાડે પર.
આ બંનેએ એવી આક્રમક બેટિંગ કરી કે પાકિસ્તાની બૉલર્સ શારજાહમાં રમતા હોવા છતાં હતપ્રભ થઈ ગયા અને તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો ન હતો. હજી આ મૅચના એક સપ્તાહ અગાઉ આ જ મેદાન પર પાકિસ્તાને તેના આ કટ્ટર હરીફને છ વિકેટે હરાવ્યું હતું અને આ વખતે તો ફાઇનલ હતી.
વસિમ અકરમ અને આકીબ જાવેદ તેમની તમામ યુક્તિ અજમાવી ચૂક્યા હતા.
આમિર સૌહેલે તેની સ્પિન બૉલિંગથી પ્રભાવ દાખવવાનો પ્રયાસ કર્યો અને અંતે સલીમ મલિકે પણ બૉલિંગ પર હાથ અજમાવ્યો, પરંતુ આ બંને ડાબોડી બૅટ્સમેને 80 રનની ભાગીદારી નોંધાવીને પાકિસ્તાનને ટૅન્શનમાં લાવી દીધું.
તેમાંય અતુલ બેદાડેએ તો ચાર-ચાર સિક્સર ફટકારીને સ્ટેડિયમમાં ઉપસ્થિત તથા ભારતમાં ટીવી પર મૅચ નિહાળનારા તમામ ભારતવાસીઓના દિલ જીતી લીધા હતા. વડોદરામાં પંજાબ સામેની ઝંઝાવાતી બેટિંગની માફક જ બેદાડેએ શારજાહમાં પોતાનો કમાલ દેખાડી દીધો હતો.

કમનસીબી પાછળ પડી
બેદાડેએ તેની કારકિર્દીમાં આવી જ બેટિંગ વેસ્ટ ઇન્ડિઝ સામેની ફરીદાબાદ ખાતેની વનડેમાં કરી હતી. એક તરફ તેની ઉપર માત્ર સિક્સર જ ફટકારી શકે છે, તેવું લેબલ લાગી ગયું હતું. તો બેદાડેએ પોતાની અલગ જ પ્રતિભા દાખવીને કેરેબિયન સામેની આ મૅચમાં કારકિર્દીની એકમાત્ર અડધી સદી ફટકારતાં 51 રનની ઇનિંગ્સ રમી હતી જેમાં સાત ચોગ્ગા હતા પરંતુ એકેય સિક્સર ન હતી. જોકે કમનસીબીએ આ બૅટ્સમૅનની પાછળ પડી ગઈ હોય તેમ બેદાડેની ઇન્ટરનેશનલ કારકિર્દીની બે સૌથી મહત્ત્વની ઇનિંગ્સમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.
પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચ મૅચની વનડે સિરીઝમાંથી ભારતે ફરિદાબાદની આ માત્ર એક જ મૅચ ગુમાવી હતી અને એ સિવાયની બાકીની ચારેય મૅચ જીતી લીધી હતી. આમ 1966ની 24મી જૂને મુંબઈમાં જન્મેલા અતુલ બેદાડેની કારકિર્દી 28 વર્ષની વયે લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ એ વખતે એમ લાગતું હતું કે એક અતિપ્રતિભાશાળી ક્રિકેટરની કારકિર્દી આમ એકાદ બે મૅચના ચમકારા સિવાય વેડફાઈ ગઈ હતી.
આમેય ભારત પાસે આકર્ષક છટાથી બેટિંગ કરી શકે તેવા સ્ટાઇલિશ ડાબોડી બૅટ્સમૅન ઓછા હતા. તેવામાં અતુલ બેદાડે જેવા ક્રિકેટરની ઇન્ટરનેશનલ કારકિર્દી ઝડપથી સંકેલાઈ જાય તેનો અફસોસ આજે ય એટલો જ થાય છે જેટલો આજથી લગભગ અઢી દાયકા અગાઉ થયો હતો. જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બરોડા માટે અતુલ બેદાડેનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. અહીં રાકેશ પરીખ, કેદાર ચવાણ, તુષાર અરોઠે, સત્યજિત પરબ અને જેકોબ માર્ટિન જેવા માંધાતાઓને કારણે અતુલ બેદાડેને ખાસ પ્રકાશમાં આવવાની તક સાંપડી નહીં.
અરોઠે કે માર્ટિન અને કેદાર ચવાણ જેવા બૅટસમૅન જંગી સ્કોર ખડકવા માટે જાણીતા હતા તેવામાં બેદાડે સદી પૂરી કરે ત્યાર બાદ ઇનિંગ્સમાં એટલો સમય જ બચ્યો ન હોય કે તે બેવડી સદી સુધી પહોંચી શકે.
ઘણી વાર તો બરોડાએ ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હોય અને બેદાડેની બેટિંગ જ આવી ન હોય. એ સમયે માત્ર ભારતીય ટીમ જ નહીં પરંતુ રણજી ટ્રૉફી રમતી તમામ ટીમમાં મીડલ ઑર્ડરમાં એક સ્થાન માટે ગળાકાપ હરિફાઈ ચાલતી હતી તેવા સંજોગોમાં અતુલ બેદાડે બરોડા માટે 64 ફર્સ્ટ ક્લાસ મૅચમાં ત્રણ હજારથી વધુ રન ફટકારી શક્યો તે ઘણી અગત્યની બાબત હતી. તેણે દસ સદી અને 15 અડધી સદી પણ ફટકારી હતી. એક ક્રિકેટર તરીકે નિવૃત્ત થયા બાદ અતુલ બેદાડેએ કોચ તથા રેફરી તરીકેની કામગીરી સંભાળી હતી.
તેઓ 2008થી 2011 દરમિયાન ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં મૅચ રેફરી રહ્યા બાદ બરોડાની વિવિધ વયજૂથની મહિલા ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.














