ગુજરાતના ઘર-ઘરમાં વપરાતા 'સોલાપુરી' ધાબળાની અનોખી કહાણી

ઇમેજ સ્રોત, RAJU RATHI
- લેેખક, હર્ષલ આકુડે
- પદ, બીબીસી સંવાદદાતા
'જરૂરિયાત શોધની જનની હોય છે' આવી એક કહેવત છે.
આ કહેવત બનવાનું કારણ પણ એ જ છે. માણસે પોતાની જરૂરિયાતને કારણે, અશક્ય લાગતી ઘણી વસ્તુની શોધ કરવી પડી છે. એવી જ રીતે વિકટ પરિસ્થિતિ પણ માણસને કંઈક નવું કરવાની પ્રેરણા આપતી હોય છે.
ખરાબમાંથી સારા તરફ આગળ વધવું, પરિસ્થિતિની પરવા કર્યા વિના સારી વસ્તુનો પ્રારંભ કરવો, આવા સંક્રમણ માનવ જીવનમાં સતત ચાલતા રહે છે.
તેથી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં મંદીની, આર્થિક સંકટની, યુદ્ધની, બેરોજગારીની વાતો ચાલી રહી છે, ત્યારે પણ આપણી આશા ટકી રહેવાનું કારણ એ જ હોવું જોઈએ.
આ પૃષ્ઠભૂમિમાં આપણે આવી જ એક રસપ્રદ અને પ્રેરણાદાયક ઘટનાની માહિતી મેળવીશું. આવો, જાણીએ સોલાપુરી ચાદરના જન્મની કથા.

- સોલાપુરી ચાદરની જન્મગાથા વિશે આપ જાણો છો?
- સોલાપુરમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ નામથી કરવામાં આવી હતી
- આ મિલને દેશની સૌથી જૂની મિલો પૈકીની એક ગણવામાં આવે છે
- હરાજીમાં મશીનરી ખરીદીને કિસનરાવ ક્ષીરસાગરે તેમાંથી ચાદરનું ઉત્પાદન સૌપ્રથમ શરૂ કર્યું હતું
- અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસનો સોલાપુરી ચાદરમાંથી બનાવેલું જેકેટ પહેરેલો ફોટો થોડા સમય પહેલાં વાયરલ થયો હતો
- કેન્દ્ર સરકારે પણ સોલાપુરી ચાદરને પ્રોત્સાહન આપવાના પ્રયાસ શરૂ કર્યા હોવાથી આગામી દિવસોમાં સોલાપુરી ચાદરના સારા દિવસો ફરી આવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે

સોલાપુરમાં કાપડ મિલોનો ઉદય અને વિકાસ

ઇમેજ સ્રોત, RAJU RATHI
ભારતમાં ઓગણીસમી સદીની મધ્યમાં બ્રિટિશ કાળ દરમિયાન કાપડ મિલોનું નિર્માણ શરૂ થયું હતું. મુંબઈમાં સૌપ્રથમ કાપડ મિલ 1851માં શરૂ થઈ હતી. તે પછી મુંબઈની સાથે ગુજરાત, પૂણે, નાગપુર, સોલાપુર અને કોલ્હાપુરમાં પણ કાપડ ઉદ્યોગ વિકસવા લાગ્યો હતો.
સોલાપુરની વાલચંદ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં ઇતિહાસના પ્રોફેસર ચંદ્રકાંત ચવ્હાણે સોલાપુરના મિલ કામદારોની ચળવળ વિશે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં તેમણે સોલાપુરમાં કાપડ મિલોની સ્થાપના અને તેની પ્રગતિ વિશે વાત કરી છે.
પુસ્તકમાં તેમણે લખ્યું છે કે “સોલાપુરમાં કાપડ મિલોના વિકાસમાં ઘણાં પરિબળોએ ફાળો આપ્યો છે. સોલાપુરનો કાપડ ઉદ્યોગ મધ્ય યુગથી જ મોખરે હતો. અહીં બનાવવામાં આવતી ધોતી તથા સાડીઓ પ્રખ્યાત છે. મુસ્લિમ શાસકોનું શાસન સ્થપાયું પછી અહીં મોમીન નામના મુસ્લિમ વણકર સોલાપુરમાં સ્થાયી થયા હતા. પેશ્વાઓના શાસનકાળમાં માધવરાવ પેશ્વાએ સોલાપુરના મધ્ય ભાગમાં માધવ પેઠ નામની માર્કેટનું નિર્માણ કરાવ્યું હતું. સમય જતાં તે મંગળવાર પેઠ તરીકે ઓળખાતું થયું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“સોલાપુર હાલના તેલંગાણા અને કર્ણાટકની સરહદ નજીક આવેલું છે. તેલંગાણામાં સતત દુષ્કાળ પડતો હતો અને તમામ પ્રકારના માલની બજાર ઉપલબ્ધ હોવાને કારણે તેલુગુ સમુદાયે મોટા પ્રમાણમાં સોલાપુરમાં સ્થળાંતર કર્યું હતું. સ્થળાંતર દરમિયાન તેલુગુભાષી સમુદાય આજીવિકા માટે હાથશાળ અને સંબંધી સામગ્રી પણ અહીં લાવ્યો હતો. તેઓ અહીં હાથશાળ પર કપડું બનાવીને ગુજરાન ચલાવતા હતા.”
સોલાપુર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે બાગાયત ખેતીનું કામકાજ પ્રમાણમાં ઓછું હતું અને બેરોજગાર લોકોનું પ્રમાણ વધારે હોવાને કારણે સસ્તા વેતનમાં કામ કરી શકે તેવા મજૂરો અહીં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હતા.
એ ઉપરાંત સોલાપુરની જમીનની ગુણવત્તા તથા આબોહવા કપાસની ખેતી માટે અત્યંત અનુકૂળ હતી. તેથી બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડ તથા ભારતની કાપડ મિલોને કાચો માલ પૂરો પાડવા સોલાપુરના ખેડૂતોને કપાસ ઉગાડવા પ્રોત્સાહિત કરતી હતી. કપાસનું બિયારણ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સરકારે કેટલીક સવલત પણ આપી હતી.
એ સમયગાળામાં મુંબઈ તથા ચેન્નાઈ રેલવે લાઇન પર મહત્ત્વના એક શહેર તરીકે સોલાપુર જાણીતું બન્યું હતું. સારી સંચાર સુવિધાને કારણે સોલાપુરમાં કાપડ મિલોના નિર્માણ માટે તમામ પરિસ્થિતિ અનુકૂળ હતી.
એ કારણે સોલાપુરમાં સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મીલ, નરસિંહ ગીરજી મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ, લક્ષ્મી કોટન મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને જામશ્રી રણજીતસિંહજી સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ્સ કંપની લિમિટેડ એમ એક પછી એક કુલ ચાર કાપડ મિલ શરૂ થઈ હતી.

ઐતિહાસિક ‘જૂની ગિરણી’

ઇમેજ સ્રોત, RAJU RATHI
સોલાપુરમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ નામથી કરવામાં આવી હતી. આ મિલને દેશની સૌથી જૂની મિલો પૈકીની એક ગણવામાં આવે છે. આ મિલની નોંધણી ડિસેમ્બર, 1874માં કરવામાં આવી હતી.
આ કંપનીની પ્રથમ મેનેજિંગ એજન્ટ મુંબઈના વિખ્યાત મિલમાલિક મોરારજી ગોકુલદાસ એન્ડ કંપની હતી. મિલનું બાંધકામ ફેબ્રુઆરી, 1875માં શરૂ થયું હતું અને ડિસેમ્બર, 1876માં પૂર્ણ થયું હતું. આ મિલમાં ઉત્પાદન 1877થી શરૂ થયું હતું. સોલાપુરની આ પ્રથમ મિલ હોવાથી તે જૂની ગિરણી તરીકે જાણીતી છે.
જૂની ગિરણીમાં પ્રથમ વર્ષમાં 350 કામદારો હતા. તેમાં તબક્કાવાર વધારો થયો હતો અને કામદારોની સંખ્યા 20 હજાર સુધી પહોંચી હતી. જૂની ગિરણીમાં ત્રણ એકમમાં કામ ચાલતું હતું. 1937માં જૂની ગિરણી શેઠ મોરારકાએ હસ્તગત કરી હતી.
ઇતિહાસના અભ્યાસુ અને લેખક પ્રો. ડો. વિલાસ બેતના પુસ્તક ‘ગિરણીતલે દિવસ’માં મિલ બંધ થવાના ઘટનાક્રમની વિગત છે.
ડો. વિલાસ બેત તેમના પુસ્તકમાં લખે છે કે “જૂની ગિરણીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સૈન્ય માટે કેનવાસ શીટ્સ બનાવવાનું મોટું કામ મળ્યું હતું. એ માટે તેમણે સોળ દોરાનો એક દોરો બનાવવો જરૂરી હતી. તેના માટે પાંચ રીલની હેન્ડલૂમનો ઉપયોગ કરવો પડતો હતો.”
“આ અશક્ય કામ કરીને જૂની ગિરણીએ અભૂતપૂર્વ નફો રળ્યો હતો. જોકે, વધારાના ઉત્પાદનની વધારે પડતી તાણને કારણે જૂની મશીનરી નકામી બની ગઈ હતી. મિલ કરેલા નફાનો એક હિસ્સો ખર્ચીને મશીનોને પૂર્વવત કરવાનું શક્ય હતું, પરંતુ મિલ માલિકોએ તેના પ્રત્યે દુર્લક્ષ કર્યું હતું.”
“પરિણામે મિલમાં ઉત્પાદિત માલની માત્રા તથા ગુણવત્તામાં ઘટાડો થયો હતો. કાપડની માગ વધવા છતાં જૂની ગિરણીમાંથી તેની સપ્લાય થઈ શકી ન હતી. આવક ઘટવાને કારણે કામદારોને પગાર ચૂકવવાનું મુશ્કેલ બન્યું હતું. શેઠ મોરારકાએ મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિનું કારણ આપીને 1949ની 27 ઓગસ્ટે મિલ અનિશ્ચિત કાળ માટે બંધ કરી દીધી હતી. એ કારણે મિલના 12,292 કામદારો પળવારમાં બેરોજગાર થઈ ગયા હતા. થોડા સમય પછી જૂની ગિરણીને સરકારે પોતાના તાબામાં લીધી હતી, પરંતુ કોર્ટના આદેશને પગલે તેનો કબજો ફરી મોરારકાને સોંપવામાં આવ્યો હતો.”
સરકાર મને એક કરોડ રૂપિયા આપશે તો જૂની ગિરણી ફરી ચાલુ કરી શકાશે, એવું વલણ શેઠ મોરારકાએ લીધું હતું.
તેના પગલે હડતાળ, આંદોલન અને બીજા અનેક પ્રયત્ન છતાં જૂની ગિરણી સંપૂર્ણપણે ચાલુ થઈ શકી નહીં.
છેવટે 1957માં સોલાપુર સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.
જૂની ગિરણી પર દેવાનો મોટો બોજ હતો. કામદારોને પણ મોટી રકમ ચૂકવવાની હતી. તેથી અદાલતે જૂની ગિરણીને ફડચામાં લઈ જવાનો આદેશ આપ્યો હતો.
જોકે, મોરારકાએ સંપૂર્ણ મિલ વેચવાને બદલે તેને તોડી પાડવાનો અને તેના દરેક હિસ્સાની અલગ-અલગ હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. તે કારણે મિલના કામદારોનું જીવન બરબાદ થઈ ગયું હતું.

સોલાપુરી ચાદરના જનક કિસનરાવ ક્ષીરસાગર

ઇમેજ સ્રોત, MOHAN KSHIRSAGAR
જૂની ગિરણી બંધ થયા બાદ મશીનરીની ભંગાર તરીકે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં એ મશીનરી ખરીદીને કિસનરાવ ક્ષીરસાગરે તેમાંથી ચાદરનું ઉત્પાદન સૌપ્રથમ શરૂ કર્યું હતું. તેથી તેમને સોલાપુરી ચાદરના જનક તરીકે ઓળખવામાં આવે છે.
કિસનરાવ ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારના ભરણપોષણ માટે કિસનરાવના માતા જૂની ગિરણીમાં કામ કરતા હતાં. કિસનરાવ પોતે પણ બાળપણમાં એક અંગ્રેજ અધિકારીને ત્યાં ઘરકામ કરતા હતા. એ અંગ્રેજ અધિકારી મિલ કામદારોને તાલીમ આપતા વિભાગના વડા હતા.
તેમને ત્યાં ઘરકામ નાના કિસનને પાવરલૂમનો પરિચય થયો હતો. અન્યને કામ કરતા જોઈને તેમણે પણ વણાટનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 14 વર્ષની વયે અંગ્રેજ અધિકારીને ત્યાં ઘરકામ કરવાનું છોડી દીધું હતું.
એ પછી કિસનરાવ જૂની ગિરણીની બાજુમાં આવેલી લક્ષ્મી-વિષ્ણુ મિલમાં લાઈન જોબર તરીકે કામ કરવા લાગ્યા હતા. તેમણે ત્યાં 1947 સુધી કામ કર્યું હતું. દરમિયાન ઉપરી અધિકારી સાથે મતભેદ થતાં મિલમાં ફરી કામ પર ન જવાનો નિર્ણય કરીને તેઓ ઘરે આવ્યા હતા.
તેમણે તેમના દીકરાઓનો સાથ લઈને પોતાની હાથશાળ શરૂ કરી હતી. પ્રારંભે તેઓ હેન્ડલૂમ પર સાડીઓ બનાવતા હતા.
એ સમયે લોકો જૂના કપડાના ટૂકડા જોડીને બનાવેલી ગોદડી ઊંઘતી વખતે ઓઢવા માટે વાપરતા હતા. એ પછી મિલમાંથી મળતા જાડા કાપડનો ઉપયોગ ઓઢવાની ચાદર તરીકે શરૂ થયો હતો. મિલોમાં ચાદરનું ઉત્પાદન શરૂ થયું હતું, પરંતુ સામાન્ય લોકો માટે તે સરળતાથી ઉપલબ્ધ ન હતી. ઘરેલુ હાથશાળ પર બનાવવામાં આવતી ચાદરની ડિઝાઈન તથા ફિનિશિંગ પણ સુઘડ ન હતું.
દરમિયાન જૂની મિલોનું પતન થવા લાગ્યું તેથી હેન્ડલૂમ ઉત્પાદનમાં સ્થાયી થયેલા કિસનરાવે જૂની મશીનરી ભંગારમાં ખરીદી હતી. ચાર લૂમ ખરીદવા માટે એક પરિચિતે કિસનરાવને લાઈસન્સ મેળવી આપ્યું હતું.
કિસનરાવે જૂની મિલના ભંગારમાંથી મશીનના સ્પેરપાર્ટ્સ ખરીદ્યા હતા અને મશીનરીનું જરૂરી સમારકામ કરીને તેમણે આજની સોલાપુરી જેકાર્ડ ચાદરનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
તે સમયે લૂમ ચલાવવા માટે એલ લાઈસન્સ જરૂરી હતું. જૂની મિલોને લૂમ્સ સાથે પહેલેથી જ આવા લાઈસન્સ આપવામાં આવ્યાં હોવાથી નવા લાઈસન્સ મેળવવાની જરૂર ન હતી.
હાથશાળને બદલે પાવરલૂમ પર ઉત્પાદિત ચાદરો વધારે લોકપ્રિય બની હતી, કારણ કે મશીનરીની મદદથી આકર્ષક ડિઝાઈનવાળી અને મોટી ચાદર બનાવવાનું શક્ય હતું. વળી એ ચાદરનો વણાટ મજબૂત હોવાથી લાંબો સમય સુધી ટકી રહેતી હતી.
એ પછી મર્દા, ગાંગજી, ચિપ્પા અને રાચેલી જેવા ઉદ્યોગસાહસિકોએ પણ ઘરેલુ કારખાનાઓમાં પાવરલૂમ્સ પર આવી ચાદરોનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
એ પછીના સમયગાળામાં ખાસ કરીને તેલુગુભાષી સમુદાયે ચાદરના ઉત્પાદનમાં મોટા પાયે પ્રવેશ કર્યો હતો. વસ્ત્ર ઉદ્યોગમાં પારંગત કુશળ વણકરોએ જેકાર્ડ ચાદરની ડિઝાઈન, કલર સ્કીમ અને મજબૂતીમાં ઘણા સુધારા કર્યા હતા.

સોલાપુરી ચાદર ઉદ્યોગની વર્તમાન સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, RAJU RATHI
સોલાપુરી ચાદરના ઉત્પાદનનો ઇતિહાસ પ્રેરણાદાયક હોવા છતાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો એવી ફરિયાદ કરે છે કે હાલ ધંધામાં મંદી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને કારણે ચાદર ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો હતો. વેચાણ ઘટીને અડધું થઈ જવાથી વેપારીઓએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
સોલાપુર હેન્ડલૂમ એસોસિએસનના અધ્યક્ષ પેન્ટમ્મા ગડ્ડમ કહે છે કે “સોલાપુરી ચાદર સંપૂર્ણપણે સુતરાઉ કપડામાંથી બનાવવામાં આવે છે. સસ્તી કિંમત, આકર્ષક ડિઝાઇન, રંગસંયોજન અને ટકાઉપણું આ ચાદરની ખાસિયતો છે. આ ચાદર 15-20 વર્ષ સુધી ખરાબ થતી નથી. વર્ષના બારેય મહિના આ ચાદરનો ઉપયોગ કરી શકાય છે. પોલિસ્ટર ચાદર વાપરવાથી ખંજવાળ કે બળતરાની તકલીફ થાય છે, પરંતુ સોલાપુરી ચાદરમાં તેવી તકલીફ થતી નથી. આ બધું હોવા છતાં સોલાપુરી ચાદરનો ધંધો ઘટી રહ્યો છે.”
તેઓ ઉમેરે છે કે “સોલાપુરી ચાદરનું ટકાઉપણું મોટી સમસ્યા છે, કારણ કે એકવાર આ ચાદર ખરીદ્યા પછી ગ્રાહકો વર્ષો સુધી પાછા આવતા નથી. સોલાપુરી ચાદરને જીઆઈ ટેગ પણ મળ્યું છે. તેમ છતાં હરિયાણા અને તામિલનાડુમાં સોલાપુરના નામે ચાદર બનાવવામાં આવે છે. આ નકલી ચાદરોને બજારમાં સોલાપુરી ચાદરના નામે વેચવામાં આવી રહી છે. આ બધાને કારણે અસલી સોલાપુરી ચાદરના વેચાણ પર ફટકો પડ્યો છે. સોલાપુરમાં ચાદરના ઉત્પાદકો હવે ટેરી-ટોવેલના ઉત્પાદન ભણી વળી રહ્યા છે.”

‘સોલાપુરી ચાદર ક્યારેય મરતી નથી’
સોલાપુર ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના પ્રમુખ રાજુ રાઠીના જણાવ્યા મુજબ, સોલાપુરી ચાદર ક્યારેય મરતી નથી.
બીબીસી સાથે વાત કરતાં રાજુ રાઠીએ કહ્યું હતું કે “સોલાપુરી ચાદરનો બિઝનેસ ઘટી રહ્યો છે તેથી ગભરાવાનું કોઈ કારણ નથી. સોલાપુર આવતા પર્યટકો સોલાપુરી ચાદર અચૂક ખરીદે છે. પંઢરપુરમાં અષાઢી-કાર્તિકી ઉત્સવમાં પણ સોલાપુરી ચાદરોની મોટી માગ હોય છે. મોંઘવારીને કારણે લોકોની ખરીદશક્તિ પર અસર ચોક્કસ થઈ છે. લોકો પાંચને બદલે એક કે બે ચાદર ખરીદે છે, પરંતુ ખરીદી જરૂર કરે છે. તેથી સોલાપુરી ચાદર કોઈ ખરીદતું નથી એમ કહેવું ખોટું છે.”
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસનો સોલાપુરી ચાદરમાંથી બનાવેલું જેકેટ પહેરેલો ફોટો થોડા સમય પહેલાં વાયરલ થયો હતો.
સોલાપુરી ચાદરને લાઇમલાઇટમાં લાવવા બદલ સોલાપુરી ચાદરના ઉદ્યોગસાહસિકોએ નિક જોનસનો આભાર માન્યો હતો. તેનાથી બહુ મોટો તો નહીં, પણ આંશિક લાભ જરૂર થયો હતો, એમ રાઠીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે “નિક જોનસનો ફોટો વાયરલ થવાની સાથે વેચાણ બહુ જ વધી ગયું હતું એમ કહી શકાય નહીં, પરંતુ તેમણે પહેરેલા જેકેટ બાબતે પૂછપરછ જરૂર થાય છે. ચાદરમાંથી બનાવેલા જેકેટમાં ઘણા ડિઝાઈનરોએ રસ દેખાડ્યો છે. આવાં જેકટનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. તે સારી વાત છે.”
રાઠીના કહેવા મુજબ, “ઘણી મોટી હોસ્પિટલોમાં સોલાપુરી ચાદરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણાં લોકો બનાવટી સોલાપુરી ચાદરોથી કંટાળીને ખરી સોલાપુરી ચાદર તરફ વળી રહ્યાં છે. ગ્રાહકો જાળવી રાખવા માટે સોલાપુરી ચાદરનું યોગ્ય રીતે માર્કેટિંગ કરવું જરૂરી છે.”
કેન્દ્ર સરકારે પણ સોલાપુરી ચાદરને પ્રોત્સાહન આપવાના પ્રયાસ શરૂ કર્યા હોવાથી આગામી દિવસોમાં સોલાપુરી ચાદરના સારા દિવસો ફરી આવશે તેવી આશા રાજુ રાઠીએ વ્યક્ત કરી હતી.

















