એક ભારતીયનું અમેરિકામાં નાઇટ ક્લબનું સામ્રાજ્ય હત્યા સાથે કેવી રીતે ખતમ થયું?

BBC

ઇમેજ સ્રોત, HULU

    • લેેખક, મેરીલ સેબાસ્ટીયન
    • પદ, બીબીસી ન્યૂઝ
BBC
  • મુંબઈમાં જન્મેલા સ્ટીવ બેનરજીએ 1979માં લોસ એન્જલસમાં ચિપ્લેન્ડેલ્સ નામની પુરુષોની સ્ટ્રીપ ક્લબ સ્થાપીને એક દક્ષિણ એશિયનનું પરંપરાગત અમેરિકન સપનું સાકાર કર્યું હતું
  • બેનરજીએ સમય જતાં અત્યંત સફળ ફ્રેન્ચાઈઝ સાબિત થયેલા આ સાહસમાંથી અઢળક પૈસા બનાવ્યા હતા
  • તેમાં સેક્સ, ડ્રગ્ઝ તથા હત્યા ભળ્યાં હતાં અને બેનરજીની કથા સનસનાટીભરી દંતકથા બની ગઈ હતી
  • ભારતમાં બેનરજી અને તેમના કામ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે, પરંતુ અમેરિકામાં ચિપ્પેન્ડેલ્સ બ્રાન્ડ તેના વિવાદાસ્પદ સ્થાપકની પ્રતિષ્ઠા માટે ગ્રહણ બની ગઈ હતી
  • બેનરજીના મોતના લગભગ ત્રણ દાયકા પછી, એક પોડકાસ્ટ અને કુમૈલ નાન્જિયાનીને ચમકાવતી હુલુની નવીનતમ ડ્રામા સીરિઝ વેલકમ ટુ ચિપ્પેન્ડેલ્સ સહિતના ટીવી કાર્યક્રમો સ્ટીવની કથા ફરી કહી રહ્યા છે
બીબીસી ગુજરાતી

ઝાંખા પ્રકાશવાળી ક્લબોમાં મહિલાઓના મનોરંજન માટે માત્ર બો-ટાઈ અને જી-સ્ટ્રીંગ્ઝ પહેરીને નાચતા સ્નાયુબદ્ધ શરીરવાળા પુરુષો (સ્ટ્રીપર્સ) સામાન્ય રીતે ભારતીય-અમેરિકન વસાહતીઓ સાથે સંકળાયેલી બાબત નથી.

અલબત્ત, મુંબઈમાં જન્મેલા સ્ટીવ બેનરજીએ 1979માં લૉસ એન્જલસમાં ચિપ્લેન્ડેલ્સ નામની પુરુષોની સ્ટ્રીપ ક્લબ સ્થાપીને એક દક્ષિણ એશિયનનું પરંપરાગત અમેરિકન સપનું સાકાર કર્યું હતું.

એ પછી જે થયું તે ઇતિહાસ છે. બેનરજીએ સમય જતાં અત્યંત સફળ ફ્રેન્ચાઈઝ સાબિત થયેલા આ સાહસમાંથી અઢળક પૈસા બનાવ્યા હતા. તેમાં સેક્સ, ડ્રગ્ઝ તથા હત્યા ભળ્યાં હતાં અને બેનરજીની કથા સનસનાટીભરી દંતકથા બની ગઈ હતી.

ભારતમાં બેનરજી અને તેમના કામ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે, પરંતુ અમેરિકામાં ચિપ્પેન્ડેલ્સ બ્રાન્ડ તેના વિવાદાસ્પદ સ્થાપકની પ્રતિષ્ઠા માટે ગ્રહણ બની ગઈ હતી. હવે તેમાં પરિવર્તન થઈ રહ્યું છે.

બેનરજીના મોતના લગભગ ત્રણ દાયકા પછી, એક પોડકાસ્ટ અને કુમૈલ નાન્જિયાનીને ચમકાવતી હુલુની નવીનતમ ડ્રામા સીરિઝ વેલકમ ટુ ચિપ્પેન્ડેલ્સ સહિતના ટીવી કાર્યક્રમો સ્ટીવની કથા ફરી કહી રહ્યા છે.

BBC

ઇમેજ સ્રોત, Getty Images

2014માં પ્રકાશિત પુસ્તક ‘ડેડલી ડાન્સઃ ધ ચિપ્પેન્ડેલ્સ મર્ડર્સ’ પુસ્તકના સહ-લેખક સ્કોટ મેકડોનલ્ડ કહે છે કે “મોટા ભાગના લોકો એવું માનતા હશે કે ચિપ્પેન્ડેલ્સનો સ્થાપક સ્ત્રીઓને આકર્ષવા મથતો અને ડ્રગ્ઝ તથા દારૂનું સેવન કરતો પાર્ટીપ્રેમી પુરુષ હશે, પરંતુ સ્ટીવ અંતર્મુખી, જાત પર અંકુશ ધરાવતી વ્યક્તિ હતા. તેમનું સ્પષ્ટ લક્ષ્યાંક ડીઝની, પ્લેબૉય અથવા પોલોની પ્રતિસ્પર્ધી વૈશ્વિક બ્રાન્ડ સર્જવાનું હતું.”

નાતાલિયા મેહલમેન પેટ્રઝેલાના પોડકાસ્ટ ‘વેલકમ ટુ યોર ફેન્ટસી’ને લીધે લોકોને ચિપ્પેન્ડેલ્સની કથામાં નવેસરથી રસ પડ્યો છે.

નાતાલિયા કહે છે કે “સ્ટીવ આ કથાનો અદ્વિતીય હિસ્સો છે.” મજબૂત બાંધાના ચશ્માંધારી બેનરજી તેમની ફ્રેન્ચાઈઝ દ્વારા ‘વેચવામાં આવેલી’ રંગીલા સપનાની કલ્પનાથી તદ્દન વિપરીત માણસ હતા.

એક મુદ્રક પરિવારના સંતાન બેનરજી 1960ના દાયકાના અંત ભાગમાં વીસથી થોડાંક વધુ વર્ષની વયે ભારતથી કૅનેડા આવ્યા હતા. ત્યાંથી ટૂંક સમયમાં તેઓ કેલિફોર્નિયા પહોંચ્યા હતા અને લૉસ એન્જલસમાં એક ગૅસ સ્ટેશનના માલિક બન્યા હતા.

જોકે, બેનરજીની મહત્ત્વાકાંક્ષા બહુ મોટી હતી. પેટ્રઝેલા કહે છે કે લોકો તેમનાં ફેન્સી વાહનોમાં પેટ્રોલ ભરાવવા આવતાં ત્યારે બેનરજી કહેતા કે “મારી ઇચ્છા તે કાર ચલાવવાની છે.”

1970ના દાયકામાં બેનરજીએ તેમની બચતના પૈસામાંથી લૉસ એન્જલસમાં એક ડાઈવ બાર ખરીદ્યો હતો. તેને તેઓ ડેસ્ટિની-ટુ કહેતા હતા.

તેમણે લોકોને પોતાના બારમાં ખેંચી લાવવા માટે બૅકગેમન ગેમ્સ, જાદુના કાર્યક્રમો અને મહિલાઓની કુસ્તી એમ તમામ તરકીબોનો ઉપયોગ કર્યો હતો.

BBC

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલ સ્નાઇડર નામના એક નાઈટ ક્લબના પ્રમોટરે 1979માં બેનરજીને સૂચવ્યું હતું કે મહિલાઓને આકર્ષવાના કાર્યક્રમના ભાગરૂપે પુરુષ સ્ટ્રીપર્સ લાવવા જોઈએ. સામાન્ય રીતે પુરુષ સ્ટ્રીપર્સ ગે ક્લબ્ઝમાં જ જોવા મળતા હતા.

એ સમય સુધીમાં બેનરજીએ તેમના બારનું નામ બદલીને ચિપ્પેન્ડેલ્સ કરી નાખ્યું હતું.

પેટ્રઝેલા તેમના પોડકાસ્ટમાં જણાવે છે કે પશ્ચિમ લોસ એન્જલસમાં સ્ત્રીઓ એકઠી થતી હોય તે બધાં સ્થળે, નેઈલ સલૂનથી માંડીને મહિલાઓ રેસ્ટરૂમ્સ સુધી પુરુષોના સ્ટ્રીપ શોની વ્યાપક જાહેરાત કરવામાં આવી હતી.

આ નુસખો અત્યંત સફળ થયો હતો અને રોજ રાતે સંખ્યાબંધ સ્ત્રીઓ ચિપ્પેન્ડેલ્સમાં આવવા લાગી હતી.

હ્યુજ હેફનરના પ્લેબૉય બનીઝમાંથી પ્રેરણા લઈને પુરુષ સ્ટ્રીપર્સ હાથકડીઓ અને ચુસ્ત કાળા પેન્ટની સાથે કૉલર્સ પહેરતા થયા હતા.

પેટ્રઝેલા કહે છે કે 1980ના દાયકાના અમેરિકામાં “તે આઘાતજનક હતું,” પરંતુ ઇતિહાસકારો જણાવે છે તેમ, 1970ના દાયકાની સેક્સુઅલ ક્રાંતિને પગલે બેનરજીની ચિપ્પેન્ડેલ્સ પણ, મહિલા સશક્તીકરણ અને જાતીય આઝાદીને ભૌતિક સ્વરૂપ આપવામાં આવ્યું એવા સમયે અસ્તિત્વમાં આવી હતી.

BBC

ઇમેજ સ્રોત, Getty Images

એક ક્લબનાં પ્રમોટર બાર્બરા લિગેટી એએન્ડઈની દસ્તાવેજી શ્રેણી ‘સિક્રેટ્સ ઓફ ધ ચિપ્પેન્ડેલ્સ મર્ડર્સ’માં કહે છે કે “એ સમયે મહિલાઓ કોઈ ડંખ વિના ભરપૂર મજા માણી શકાય તેવા સ્થળની શોધમાં હતી. ચિપ્પેન્ડેલ્સમાં આવી સ્ત્રીઓ એકમેકને જોઈ શકતી હતી, થોડાં ડ્રિંક્સ લઈ શકતી હતી, એકમેકના નિતંબ પર ચૂંટી ખણી શકતી હતી અને આકર્ષક દેખાતા પુરુષ સ્ટ્રીપરની જી-સ્ટ્રિંગમાં 20 ડૉલરની નોટ મૂકી શકતી હતી.”

બેનરજી ‘પુખ્ત વયના લોકો માટેનું ડિઝનીલેન્ડ’ બનાવવા ઇચ્છતા હતા. એટલી મોટી બ્રાન્ડ કે જે તેમના હીરો હ્યુજ હેફનર અને વોલ્ટ ડિઝનીને ટક્કર આપી શકે.

1980ના દાયકાની શરૂઆતમાં તેમની મુલાકાત એમી ઍવૉર્ડ વિજેતા દિગ્દર્શક તથા નૃત્ય નિર્દેશક નિક ડે નોઈઆ સાથે થઈ હતી.

નિકે બેનરજીને સમજાવ્યું હતું કે તેમના સ્ટ્રીપ શોને બહેતર બનાવવાની જરૂર છે. પાત્રો અને કથાના ઉપયોગ સાથે તે શોને ઇન્ટરઍક્ટિવ બનાવવાનું બધું શ્રેય ચિપ્પેન્ડેલ્સના ડાન્સર્સ તથા નિર્માતાઓ નિક ડે નોઈઆને આપે છે.

નિકે ચિપ્પેન્ડેલ્સને ન્યૂયૉર્ક સિટી સુધી પહોંચાડવામાં અને સફળ પ્રવાસ વડે પ્રોડક્શન સમગ્ર અમેરિકામાં વિસ્તારવામાં મદદ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં એ ખ્યાતિ બેનરજી તથા નિક ડે નોઈઆ વચ્ચેની ટક્કરનું કારણ બની હતી.

નિક ડે નોઈઆ બ્રાન્ડનો ચહેરો બની ગયા હતા અને મીડિયામાં મિસ્ટર ચિપ્પેન્ડેલ્સ તરીકે ઓળખાવા લાગ્યા હતા, જ્યારે બેનરજી લૉસ એન્જલસમાં રહીને પડદા પાછળથી કામગીરી સંભાળતા હતા.

બન્ને વચ્ચેની તંગદિલીમાં વધારો થતાં ડે નોઈઆ તથા બેનરજીએ ભાગીદારી તોડી નાખી હતી અને ડે નોઈઆએ યુએસ મેઈલ નામની પોતાની કંપની સ્થાપવાની યોજના બનાવી હતી.

BBC

ઇમેજ સ્રોત, Getty Images

ડે નોઈઆને તેમના નવા સાહસમાં જેણે મદદ કરી હતી તે વ્યક્તિ ચિપ્પેન્ડેલ્સમાં ઍસોસિએટ પ્રોડ્યુસર તરીકે કામ કરતી હતી.

દસ્તાવેજી શ્રેણીમાં એ વ્યક્તિ કહે છે કે ડે નોઈઆની પોતાની કંપની સ્થાપવાની યોજનાને કારણે બેનરજીની હાલત કફોડી થઈ ગઈ હતી.

બેનરજીને જાણતા ઘણા લોકો તેમને ‘ભયભીત’ વ્યક્તિ ગણાવે છે. તેમના માટે સફળતા સર્વસ્વ હતી. પેટ્રઝેલા કહે છે કે “બેનરજી માનતા હતા કે અન્ય લોકો સફળ થશે તો તેમની સફળતા છીનવાઈ જશે.”

પ્રતિસ્પર્ધી સ્ટ્રીપ ક્લબ્ઝ શરૂ થવાની સાથે બેનરજીએ તેમના પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવા રે કોલોન નામના એક હિટમેનની મદદ લીધી હતી.

1987માં બેનરજીના આદેશને પગલે રે કોલોને તેના એક સાથી પાસે ડે નોઈઆની તેની જ ઑફિસમાં હત્યા કરાવી હતી.

દોસ્તો અને સહયોગીઓને શંકા હતી કે ડે નોઈઆની હત્યામાં બેનરજીનો હાથ છે, પરંતુ એફબીઆઈને તે કડી સ્થાપિત કરવામાં વર્ષો લાગ્યાં હતાં.

બેનરજીના વકીલ બ્રુસ નહિને કહ્યું હતું કે “હત્યાને લીધે ચિપ્પેન્ડેલ્સ બ્રાન્ડને જરાય અસર થઈ ન હતી.”

ચિપ્પેન્ડેલ્સ વિકસતી રહી હતી અને ઑસ્ટ્રેલિયા તથા યુરોપ સુધી પહોંચી હતી.

1991માં એક વખત ચિપ્પેન્ડેલ્સની બ્રિટન ટૂર દરમિયાન બેનરજીએ ભૂતપૂર્વ ડાન્સર્સ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિસ્પર્ધી નૃત્ય મંડળીના સભ્યોને ક્લબમાંથી બહાર કાઢવા કોલોનને જણાવ્યું હતું.

એફબીઆઈના પુરાવા મુજબ, તેમની યોજના એ બધાને સાયનાઈડના ઈન્જેક્શન આપવાની હતી. તે સાયનાઈડ કોલોને તેના સ્ટ્રોબરી નામના એક મળતિયાને આપ્યું હતું, પરંતુ ડરી ગયેલા સ્ટ્રોબરીએ તેની જાણ એફબીઆઈને કરી દીધી હતી.

કોલોનની હત્યાના કાવતરાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

એફબીઆઈના જણાવ્યા મુજબ, કોલોનને ઘરે પાડવામાં આવેલા દરોડામાં 46 ગ્રામ સાયનાઈડ મળી આવ્યું હતું.

BBC

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC

ધરપકડના મહિનાઓ પછી પણ કોલોન બેનરજીને વફાદાર રહ્યા હતા અને પોતે નિર્દોષ હોવાનું જણાવતા રહ્યા હતા.

મેકડોનલ્ડ કહે છે કે “સ્ટીવ બેનરજીએ કોલોનને વકીલની ફી ચૂકવવામાં મદદનો ઇન્કાર કર્યો પછી કોલોને તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.”

બેનરજી સાથેની વાતચીત ગુપ્ત રીતે રેકૉર્ડ કરવામાં કોલોનનો ઉપયોગ કરીને 1993માં એફબીઆઈએ બેનરજી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કર્યા હતા.

મોટા પાયે લબાડી આચરવાના, ષડયંત્ર ઘડવાના, ભાડૂતી લોકો મારફત હત્યા કરાવવાના અને અન્ય આરોપસર બેનરજીની ધરપકડ કરવામાં આવી હતી. બેનરજીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો.

ખટલો મહિનાઓ સુધી ચાલ્યો પછી બેનરજી 26 વર્ષના કારાવાસ તથા ચિપ્પેન્ડેલ્સની માલિકી અમેરિકન સરકારને સુપ્રત કરવા સહમત થયા હતા.

પેટ્રઝેલાના જણાવ્યા મુજબ, બેનરજીના વકીલોએ તેનો ધંધો જપ્ત ન થાય એ માટે જોરદાર પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા. ઑક્ટોબર, 1994માં સજાના આગલા દિવસે બેનરજીએ જેલની કોટડીમાં આત્મહત્યા કરી હતી.

બર્કલેમાં સાઉથ એશિયન રેડિકલ હિસ્ટરી વૉકિંગ ટૂરનું આયોજન કરતા અનિર્વાન ચેટરજી કહે છે કે “બેનરજીની સ્ટોરી બહુ ઓછા ભારતીય અમેરિકનો જાણે છે. બેનરજીનું જીવન 1990ના દાયકામાં કેલિફોર્નિયામાં ભારતીયોના બિઝનેસની રમૂજી આવૃત્તિ જેવું છે.” તે ભારતીય અમેરિકનો વિશેની તમામ માન્યતાથી વિપરીત છે.

પેટ્રઝેલાને સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે બેનરજીએ કેલિફોર્નિયાના પ્રામાણિક બિઝનેસમૅન બનવા આકરી મહેનત કરી હતી. પેટ્રઝેલા કહે છે કે “અન્ય લોકોને બેનરજીની વાત કરવાની શૈલી પરદેશી નહીં, પરંતુ તદ્દન ભારતીય હતી. બેનરજીના મૃત્યુ બાબતે ટિપ્પણી કરતી વખતે પણ લોકો સૌપ્રથમ તેમના ઉચ્ચારની નકલ કરતા હતા.”

BBC
BBC