ફ્લર્ટિંગની આદત : પાર્ટનર સિવાય અન્ય વ્યક્તિ સાથેના સંબંધો ક્યારે બેવફાઈ કહેવાય?

કપલની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેટી બિશપ
    • પદ, બીબીસી વર્કલાઇફ
લાઇન
  • શારીરિક રીતે બેવફાઈની વ્યાખ્યા કરવી કદાચ સહેલી થઈ જાય, પરંતુ ભાવનાત્મક બેવફાઈની વ્યાખ્યા કરવી મૂંઝવણભરી સ્થિતિ પેદા કરી શકે છે
  • તમે કોઈની સાથે વારંવાર એસએમએસથી ચૅટ કરતા હો અને તે વ્યક્તિ તમારા જીવનસાથીને જોખમી લાગતી હોય તો શું તેને ભાવનાત્મક બેવફાઈ કહી શકાય?
  • ભાવનાત્મક બેવફાઈ એટલે એવી સ્થિતિ જેમાં દંપતીમાંથી એક તેના સાથી સિવાય અન્ય કોઈ સાથે એક વિશેષ લાગણીથી જોડાય
  • લગ્નનો હેતુ આર્થિક સલામતી, ભૌગોલિક સ્થિતિ અને પારિવારિક સંબંધો જાળવવાની અને સંતાનો પેદા કરવાનો વધારે રહેતો હતો. આવા સંબંધોમાં પ્રેમ કે ઊષ્માનો અભાવ જણાતો હોય ત્યારે વ્યક્તિ લાગણી અન્ય સ્થળેથી મેળવી લેશે તેમ માની લેવાતું હતું
  • આજે લોકો એવું માનવા લાગ્યા છે કે ખુશી માટે, ભાવનાત્મક સંતોષ માટે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે આત્મીયતા કેળવવી એ પણ એક પ્રકારની બેવફાઈ છે
લાઇન

સંબંધોમાં બેવફાઈ કોને કહેવી તે માટેની અમુક ચોક્કસ વ્યાખ્યા મોટા ભાગના લોકો ધરાવતા હોય છે.

સામાન્ય રીતે એક જ જીવનસાથીની પરંપરાગત પ્રથામાં દૃઢ વિશ્વાસ ધરાવનારા લોકો માટે ત્રીજી કોઈ પણ વ્યક્તિ સાથે શારીરિક સંસર્ગ એ બેવફાઈ ગણાય. કેટલાંક દંપતી સંબંધોની બાબતમાં થોડી મોકળાશ ધરાવતાં હોય છે અને તેઓ કઈ બાબતોને શારીરિક સંબંધોની બેવફાઈ ના ગણવી તે બાબતમાં યોગ્ય અને અયોગ્ય એવા નિયમો પણ રાખતાં હોય છે.શારીરિક રીતે બેવફાઈની વ્યાખ્યા કરવી કદાચ સહેલી થઈ જાય, પરંતુ ભાવનાત્મક બેવફાઈની વ્યાખ્યા કરવી મૂંઝવણભરી સ્થિતિ પેદા કરી શકે છે. આ બાબત આમ તો જાણીતી છે, પરંતુ દરેક માટે ભાવનાત્મક રીતે, લાગણીની રીતે દગો દેવો એટલે શું તેની સમજણ અલગ અલગ હોય છે.

શું કોઈ સહકર્મચારી સાથે, કે જેના તરફ તમને આકર્ષણ થઈ શકે તેની સાથે ડ્રિન્ક લેવા બેસવું તે આવો વિશ્વાસભંગ ગણાય? તમે કોઈની સાથે વારંવાર એસએમએસથી ચૅટ કરતા હો અને તે વ્યક્તિ તમારા જીવનસાથીને જોખમી લાગતી હોય તો શું કરવું? કે પછી કોઈ અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયા પોસ્ટ પર હળવા અંદાજમાં ફ્લર્ટ કરનારી કૉમેન્ટ્સ કરે તો તેનું શું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માહિતીસંચાર અને બહારના વિશ્વ સાથે જોડાઈ રહેવાનાં સાધનો વધતાં હવે નવા પડકારો ઊભા થયા છે (પ્રતીકાત્મક તસવીર)

ભાવનાત્મક બેવફાઈની વ્યાખ્યા કરવાની બાબત દંપતી માટે પડકારરૂપ બની શકે છે. તેમાં અપેક્ષા પ્રમાણે એક પ્રકારની સહમતી ના થાય તો સંબંધોમાં ખટરાગ ઊભો થઈ શકે છે. જોકે સાંસારિક વિખવાદોની આ સ્થિતિ બહુ જૂની નથી. લાગણીની રીતે છેહ આપવાની બાબત હાલના નવા ઊભા થયેલા સામાજિક પ્રવાહોને આધારે છે.

તેમાં માત્ર એકબીજાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાથી આગળ વધીને સંબંધોમાં એકબીજાની અપેક્ષાઓની પૂર્તિની પણ વાત આવે છે. આજના યુગમાં સંબંધોમાં લાગણીની રીતે પણ બંને વચ્ચે લાગણીનાં મૂળ બરાબર જોડાયેલાં હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ડિજિટલ યુગમાં સંવાદ અને સંપર્કનાં માધ્યમો વધ્યાં છે ત્યારે અન્યો સાથેનું આદાનપ્રદાન સંબંધોમાં જે સરહદ હોય તેને તોડી નાખનારું લાગે તેવું જોખમ વધી ગયું છે.

line

આધુનિક વિચાર

ભાવનાત્મક બેવફાઈની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ત્રીજી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હોય તો પણ બેવફાઈ કહેવાય?

સામાન્ય રીતે વાત કરીએ તો ભાવનાત્મક બેવફાઈ એટલે એવી સ્થિતિ જેમાં દંપતીમાંથી એક તેના સાથી સિવાય અન્ય કોઈ સાથે એક વિશેષ લાગણીથી જોડાય.

લાગણીનો એ સંબંધ એવો હોય જેમાં કદાચ શારીરિક સંસર્ગની વાત ના આવતી હોય. આપણી સાધારણ અપેક્ષા એવી હોય છે કે અમુક પ્રકારની અંગત લાગણીના સંબંધો માત્ર જીવનસાથી સાથે હોય અને તેવા સંજોગોમાં કોઈ ત્રીજી વ્યક્તિ સાથે પણ ભાવનાત્મક તંતુ જોડાતો હોય તો તેના કારણે મૂળ સંબંધોની ભાવનાને હાનિ પહોંચે છે.પરંતુ ભાવનાત્મક મુદ્દાને કારણે ખટરાગ ઊભો થાય અને સંબંધોનો અંત આવી જાય તે વાત થોડી નવી છે. વૉશિંગ્ટનની વ્હાઈટમૅન કૉલેજના સોશિોલૉજીનાં પ્રોફેસર મિશેલ જેનિંગના જણાવ્યા અનુસાર ભાવનાત્મક રીતે કોઈ બેવફા હોય તેવો વિચાર હાલના સમયમાં ઊભો થયેલો છે.

જેનિંગ માને છે કે આજના યુગમાં લાંબા ગાળાના સંબંધો એટલે "આજીવન એક જ જીવનસાથી સાથે સંબંધો અને બંનેને બાંધી રાખે તેવી લાગણીઓની કડી" એવી જે વ્યાખ્યા ઊભી થઈ છે તે હાલના સમયમાં આવેલું પરિવર્તન છે.

તેઓ કહે છે કે ઐતિહાસિક રીતે જોઈએ તો જીવનસાથી લાગણીની બાબતમાં પણ કાળજી લે તેવી બહુ અપેક્ષા રાખવામાં આવતી નહોતી.

લગ્નનો હેતુ આર્થિક સલામતી, ભૌગોલિક સ્થિતિ અને પારિવારિક સંબંધો જાળવવાની અને સંતાનો પેદા કરવાનો વધારે રહેતો હતો. આવા સંબંધોમાં પ્રેમ કે ઊષ્માનો અભાવ જણાતો હોય ત્યારે વ્યક્તિ આત્મીયતા અન્યત્ર પામી લેશે તેમ માની લેવાતું હતું.

પરંતુ છેલ્લાં 200 વર્ષમાં સંબંધોમાં રહેલી સમજણમાં ફેરફારો થયા છે. વિકસિત રાષ્ટ્રોમાં પરસ્પર પ્રેમ હોય તે જરૂરી મનાવા લાગ્યું છે. છેલ્લી સદીમાં વ્યક્તિવાદ વધ્યો છે એટલે હવે દરેક જણ પોતાની અંગત લાગણી માટે, અંગત સંતોષ માટે અને ખુશી માટે વધારે વિચારતા થયા છે.

આજે વ્યક્તિ ઇચ્છે છે કે લાગણીની ઊષ્માની અપેક્ષા પણ જીવનસાથીમાં પૂર્ણ થાય. અર્થાત્ કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે આત્મીયતાના સંબંધો રાખવાની વાત આવે તો પછી તે બેવફાઈ કહેવાય. માત્ર શારીરિક સંસર્ગમાં જ વફાદારી રાખવાની વાત પૂરતી રહી નથી. આજે લોકો એવું માનવા લાગ્યા છે કે ખુશી માટે, ભાવનાત્મક સંતોષ માટે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે આત્મીયતા કેળવવી એ પણ એક પ્રકારની બેવફાઈ છે.

line

ડિજિટલ યુગમાં ભાવનાત્મક બેવફાઈની વ્યાખ્યા

ભાવનાત્મક બેવફાઈની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિજિટલ યુગમાં ભૌગોલિક અંતર મહત્ત્વનું રહ્યું નથી, એકબીજાને મળ્યા વગર પણ અન્ય વ્યક્તિ માટે ખાસ લાગણી રાખવું શક્ય બન્યું છે

આપણા જીવનમાં ટેકનૉલૉજીનો પ્રભાવ વધ્યો તે પહેલાં કદાચ આત્મીય સંબંધોનો અર્થ એવો થતો હશે કોઈની સાથે, સહકર્મચારી સાથે અતરંગ સંબંધો રાખવા, તેની સાથે સુખ-દુ:ખની વાતો કરવી અથવા જીવનની અંગત બાબતોની વાતો કરવી કે જે સામાન્ય રીતે જીવનસાથી સાથે કરવાની હોય.

તેમાં એવું પણ થાય કે જીવનસાથીની જાણ બહાર જૂના પ્રેમીને મળવું, અથવા પોતાના જીવનની કેટલીક બાબતો જીવનસાથી સામે ના લાવવી. જીવન ખુલ્લી કિતાબ જેવું હોય તેવી અપેક્ષા હોય ત્યારે તેમની સાથે બધી વાતો શૅર ના કરવી વગેરે.

પરંતુ આજે ડિજિટલ ક્રાંતિને કારણે અન્ય લોકો સાથે રૂબરૂ મળ્યા સિવાય પણ જોડાઈ જવાનું શક્ય બન્યું છે. તેના કારણે મુલાકાત થઈ કે વાતચીત થઈ કે નહીં તેવી વાતનો અર્થ રહેતો નથી. તેના બદલે એવી રીતે પણ સંવાદ થઈ શકે કે એવી રીતે વિચારોની આપલે થઈ શકે જેમાં એવું ના લાગે કે દાંપત્યની મર્યાદાને તોડી રહ્યા છીએ.

ભાવનાત્મક બેવફાઈની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયાના આગમનથી ભાવનાત્મક બેવફાઈ અંગેનું વલણ અને તેને લગતી માન્યતાઓ બદલાઈ (પ્રતીકાત્મક તસવીર)

એટલાન્ટાની બર્મેન સાયકૉથેરપીના માનસિક અને વર્તનનાં આરોગ્ય નિષ્ણાત એમીરા જ્હોન્સન કહે છે, "સોશિયલ મીડિયાને કારણે લોકોને આપણે મળીએ અને સંવાદ કરીએ તેની આખી તરેહ જ બદલાઈ ગઈ છે."

તેમના જણાવ્યા અનુસાર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મોને કારણે એવો વ્યવહાર થઈ શકે છે જે વ્યક્તિને ભાવનાત્મક બેવફાઈ ગણાય તેવી સ્થિતિમાં મૂકી દે. જેમ કે કોઈની તસવીરને લાઈક કરવી કે કૉમેન્ટ કરવી, જૂના મિત્રો સાથે ફરીથી જોડાવું અને અજાણી વ્યક્તિ સાથે ચર્ચામાં ઊતરવું.

જોકે આમા કઈ બાબતો ચલાવી લેવાય અને કઈ નહીં તે વિશે મતમતાંતર રહેલા છે. કેટલાકને એવું લાગે કે અમુકની પોસ્ટને લાઇક કરવામાં આવી તે પણ બેવફાઈ છે, જ્યારે કેટલાકને લાગે કે ઠીક છે તેમાં બહુ ચિંતા કરવા જેવું નથી.

કેટલાક સંબંધોમાં એવી એક સમજણ કેળવાઈ હોય છે કે બહુ જ અંગત લાગણીની બાબતો માત્ર બે જણ વચ્ચે જ રહેવી જોઈએ. બીજી બાજુ કેટલાકને લાગે કે કોઈની સાથે આત્મીયતા જાળવવાથીખુશી મળતી હોય તો ઠીક છે. મૅસેજ કરીને કોઈની સાથે ફ્લર્ટ કરવાની કોશિશ થતી હોય તે કેટલાક દંપતીમાં સહજ લાગે, પણ કેટલાક કિસ્સામાં તેના કારણે વાત દંપતી વચ્ચે સંબંધ વિચ્છેદ સુધી પહોંચી જાય છે.

હિલી નામની ઍપનાં સંબંધ વિશેષજ્ઞ મારિસા કોહેને કહે છે, "છેતરપિંડી કોને કહેવાય તેની દરેકની પોતાની વ્યાખ્યા હોય છે, જેમાં કોઈનો સંપર્ક કરવો, કોઈની સાથે સમય વિતાવવો કે એવી વ્યક્તિને મળવું જેની સાથે પ્લેટૉનિક સંબંધ હોય તો પણ તેનાથી સંબંધોને જોખમ હોય ત્યારે તેનો પણ સમાવેશ બેવફાઈમાં થઈ જાય છે."

line

છુટ્ટા પડવું કે ચલાવી લેવું?

ભાવનાત્મક બેવફાઈની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સંશોધનોમાં જોવા મળ્યું છે કે સામાન્ય રીતે લોકોને શારીરિક સંબંધોથી થતો વિશ્વાસભંગ એ ભાવનાત્મક બેવફાઈ કરતાં વધારે ચિંતાજનક લાગે છે. જોકે 2015માં યૂગોવ (YouGov) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં પુખ્ત વયની 1,660 બ્રિટિશ વ્યક્તિઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમાંથી 44% લોકોને લાગતું હતું કે (શારીરિક સંબંધો નહીં, પરંતુ) અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક સંબંધો બાંધવામાં આવે તે પણ છેતરપિંડી છે.

આમાંથી 15% લોકોએ એવું પણ કબૂલ્યું હતું કે તેઓ તેમના (સાથી સાથેના) સંબંધો દરમિયાન અન્ય કોઈની સાથે આ પ્રકારની લાગણીથી જોડાયા હતા.

જ્હોન્સનના જણાવ્યા અનુસાર લાગણીની રીતે બેવફાઈ કરવી એટલે શું તેને વર્તનની અસ્પષ્ટ પ્રકૃતિને કારણે વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ હોય છે અને તેના કારણે તેનો ફેલાવો પણ થઈ રહ્યો છે.

શારીરિક સંબંધો બાંધીને બેવફાઈની બાબતમાં મામલો સ્પષ્ટ થઈ જાય છે કે, મર્યાદા તોડવામાં આવી છે. ભાવનાત્મક બેવફાઈ તબક્કાવાર ઊભી થતી હોય છે, જેમાં વ્યક્તિ પોતાની કોઈની સાથેની આત્મીયતાને શરૂઆતમાં યોગ્ય ઠેરવતી હોય છે.

જ્હોન્સન કહે છે, "મોટા ભાગના લોકો લાગણીથી કોઈની સાથે જોડાય ત્યારે ઇરાદાપૂર્વક તેઓ એવું કરી રહ્યા હોતા નથી. ઘણી વાર કોઈને લાગે કે જીવનસાથી તેની કાળજી લેતા નથી, કે પોતાના માટે સમય ફાળવતા નથી ત્યારે વ્યક્તિ લાગણીઓ વ્યક્ત કરવા માટે અન્યત્ર શોધ કરતા હોય છે. આવા સંજોગોમાં કોઈ મિત્રતામાં ભાવનાત્મક ટેકો કે આત્મીયતા બંધાતી હોય ત્યારે પછી તેની સાથે મિત્રતા ગાઢ થતી જતી હોય છે."

કેટલાક કિસ્સામાં એવું બને કે શરૂઆતમાં માત્ર ઊષ્માપૂર્ણ સંબંધો હોય, જે આગળ જતાં શારીરિક સંબંધો સુધી પહોંચવાનું પહેલું પગથિયું બને છે. પરંતુ બાકીના લોકો માટે અન્યત્ર આત્મીયતાભર્યા સંબંધો એક પ્રકારની હૂંફ, જોડાણ હોય છે જે માત્ર જીવનસાથીમાંથી ન મળતી હોય.

અન્ય લોકો સાથે દોસ્તી હોય, સંબંધોનો એક સેતુ હોય તેના કારણે ઘણીવાર જીવન હર્યુભર્યું પણ લાગતું હોય છે. આવી બાબતમાં ત્યારે જ મુશ્કેલી ત્યારે જ ઊભી થાય છે, જ્યારે જીવનસાથીને એવું લાગે કે ત્યાં માત્ર મિત્રતાના સંબંધોના બદલે કંઈ વધારે ગાઢ છે અને તેને એ બાબત અકળાવે છે.

કોહેન કહે છે કે મોટા ભાગના કિસ્સામાં દંપતીના જીવનમાં થોડું અંતર આવ્યું હોય ત્યારે ભાવનાત્મક બેવફાઈનો મામલો ઊભો થતો હોય છે. કોઈ પોતાના લગ્નજીવનથી સંતુષ્ટ ના હોય અને જીવનમાં પોતાની રીતે આગળ વધી ગયા હોય ત્યારે અથવા જીવનને બંને અલગ દૃષ્ટિથી જોવા લાગ્યા હોય ત્યારે આવું બનતું હોય છે.

તે વખતે વ્યક્તિ પોતાના જીવનનાં હેતુ, મૂલ્યો, માન્યતાઓ વગેરેની બાબતમાં જેની સાથે વધારે નીકટતા કેળવી શકાય તેવી વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાની કોશિશ કરે છે. શરૂઆતમાં માત્ર સંવાદ અને મૈત્રીના સંબંધો હોય તે કદાચ ગાઢ બને ત્યારે કદાચ તેને ભાવનાત્મક બેવફાઈની વ્યાખ્યામાં ગણી લેવામાં આવે.

જેનિંગ માને છે કે આવા સંબંધોને કારણે ખટરાગ ઊભો થતા અટકાવવો હોય તો દંપતીમાં બંને વચ્ચે વાતચીત કરવાની, કઈ બાબતમાં ક્યાં સુધીની મર્યાદા જરૂરી છે તેની સ્પષ્ટતા થઈ જાય તેની સમજણ હોવી જોઈએ.

તેઓ કહે છે, "દંપતીમાં બંનેની તૈયારી હોવી જોઈએ કે પોતાના સંબંધોને નવેસરથી જોતા રહે અને પ્રતિબદ્ધતા માટે શું જરૂરી હશે તે નક્કી કરતા રહે. તે રીતે કોને બેવફાઈ ગણવી તેની વ્યાખ્યા પણ સુધારતા રહી શકે છે. પ્રતિબદ્ધતા એટલે શું તે બાબતમાં બંને વચ્ચે સહમતી ના થઈ શકે ત્યારે જ દંપતીમાં મુશ્કેલી ઊભી થતી હોય છે."

એવા પણ પુરાવા મળી રહ્યા છે કે બિનપરંપરાગત સંબંધો અને સહમતી સાથે એકથી વધારે લોકો સાથે સંબંધો રાખી શકાય તે પ્રકારની સમજણ અને સંબંધોમાં મોકળાશ અંગે કેટલાક લોકોમાં ખુલ્લાપણું આવી રહ્યું છે.

તેમ છતાં દંપતીના જીવનમાં કઈ બાબતની મર્યાદા છે અને ક્યારે સરહદ ઓળંગી કહેવાય તે બાબતમાં સહમતી હોવા છતાં મર્યાદા ઓળંગવામાં આવે ત્યારે સંબંધોમાં ખટરાગ આવતો હોય છે. આધુનિક યુગમાં એકપતિત્વ કે એકપત્નીત્વ એટલે શું અને સાથે જ સોશિયલ મીડિયા યુગમાં ઊભા થયેલા સવાલોમાં શું કરવું તે બાબતની ચર્ચા વધતી જશે તે રીતે ભાવનાત્મક બેવફાઈની બાબતે પણ વધારે મુક્તપણે ચર્ચા થવા લાગશે.

જેનિંગ કહે છે, "જીવનસાથીઓ ઇચ્છશે કે એક સ્પષ્ટતા હોય અને ચોક્કસ ધારાધોરણો હોય, અને એવું લાગે છે કે આ બાબતમાં દંપતી અગાઉ કરતાં પણ અત્યારે જાતે જ આ બાબતમાં નિર્ણય કરવા માગે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન