પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા એકબીજા સાથે બેવફાઈ કેમ કરતાં હોય છે?

બેવફાઈ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિલિયમ પાર્ક
    • પદ, બીબીસી ફ્યૂચર
લાઇન
  • પહેલાં કહેવામાં આવતું હતું કે 75 ટકા પુરુષો અને 69 ટકા મહિલાઓ બેવફાઈ કરે છે, પરંતુ વર્તમાન સંશોધન કહે છે કે બેવફાઈ મામલે મહિલાઓ પુરુષોની સરખામણીએ ક્યાંય કમ નથી
  • 90 ટકા લોકોએ એ કહ્યું કે જો તેમના સાથીએ તેમને દગો આપ્યો છે, તો તેઓ એ વાત જાણવા માગશે
  • ડેટિંગ ઍપ ટિંડરના 18થી 25 ટકા ગ્રાહક પહેલેથી કોઈને કોઈ સંબંધમાં બંધાયેલા છે
  • તેનો મતલબ તો એ જ છે કે તેઓ એક સંબંધમાં હોવા છતાં બીજા સાથીને શોધી રહ્યા છે
  • કોઈ માટે બીજા કોઈ સાથે સેક્સ કરવું એ દગો છે. તો કોઈ માત્ર મૅસેજ પર વાત કરવાને બેવફાઈ માને છે. ભાવનાત્મક બેવફાઈની પરિભાષા નક્કી કરવી તો વધારે મુશ્કેલ છે
લાઇન

અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ બીજી કોઈ મહિલા સાથે એકલા ક્યારેય ડિનર કે લંચ નથી કરતા.

તેઓ કહે છે કે તેવો નિયમ તેમણે પોતાનાં પત્ની કેરન પ્રત્યે વફાદારી માટે બનાવ્યો છે.

તેમને પત્ની પ્રત્યે વફાદાર રહેવાની પ્રેરણા પોતાની ધાર્મિક આસ્થાઓમાંથી મળે છે.

ઘણા લોકો માઇક પેન્સના આ નિયમનાં વખાણ કરે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ બીજી મહિલાઓનું અપમાન છે.

આમ જોવા જોઈએ તો માઇક પેન્સના નિર્ણયમાં કોઈ નવીનતા નથી. એક સર્વે પ્રમાણે 5.7 ટકા લોકો એવું માને છે કે જો એક વ્યક્તિ કોઈની સાથે સંબંધ ધરાવે છે અને તે છતાં તે કોઈ મહિલા કે પુરુષ સાથે ડિનર કે લંચ પર જાય છે તો તે બેવફાઈ છે.

ભલે તમે માઇક પેન્સ અને કેરન વિશે કંઈ પણ વિચારો, પરંતુ તેમણે ઓછામાં ઓછી પોતાના સંબંધોમાં મર્યાદા જાળવી રાખી છે.

વીડિયો કૅપ્શન, આંધ્ર પ્રદેશના ઉદ્દાનમમાં અનેક લોકોને કિડનીની બીમારી

સામાન્યપણે મોટાભાગના લોકોએ પોતાના સંબંધમાં બેવફાઈ વિશે કોઈ સીમા કે પરિભાષા નક્કી કરેલી નથી હોતી. તેમને સમજ પણ નથી હોતી કે આખરે વફાદારી અને બેવફાઈ વચ્ચેનો તફાવત શું હોય છે.

અસલી મામલો તો સંવાદહીનતા અને બેવફાઈને લઈને સમજદારીની ખામીનો છે. આપણા સમાજમાં સંબંધોમાં છેતરપિંડીની ઘટનાઓ ખૂબ સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિ એમ માને છે કે તેમના સાથી તેમના પ્રત્યે વફાદાર છે.

કેટલા લોકો બેવફાઈ કરે છે, તેનો સાચો આંકડો મેળવવો ખૂબ મુશ્કેલ છે. તેનું મોટું કારણ એ છે કે સંબંધોમાં વિશ્વાસઘાત મામલે સાચી વાત કદાચ જ કહેતું હશે.

પહેલાં કહેવામાં આવતું હતું કે 75 ટકા પુરુષો અને 69 ટકા મહિલાઓ બેવફાઈ કરે છે. પરંતુ વર્તમાન સંશોધન કહે છે કે બેવફાઈ મામલે મહિલાઓ પુરુષોની સરખામણીએ ક્યાંય કમ નથી.

પણ મજાની વાત તો એ છે કે માત્ર પાંચ ટકા લોકો જ એવું માને છે કે તેમના સાથી તેમની સાથે દગો કરશે અથવા તો કરી રહ્યા છે. મોટાભાગના લોકો પોતાના સાથી પર આંધળો ભરોસો કરે છે.

line

બેવફાઈનો મતલબ શું?

બેવફાઈ

ઇમેજ સ્રોત, Getty Images

કાલગરી યુનિવર્સિટીનાં સૂસન બૂન કહે છે કે, "જે લોકો ડિપ્રેશનનો શિકાર નથી, તેઓ સામાન્યપણે પોતાના સાથી પર આંખો બંધ કરીને ભરોસો કરે છે. તેઓ એવું ક્યારેય વિચારતા પણ નથી કે તેમના સાથી તેમની સાથે ક્યારેય દગો કરી શકે છે."

તેનું એક મોટું કારણ એ પણ છે કે બેવફાઈની પરિભાષા અલગ અલગ લોકો માટે અલગ અલગ હોય છે. સૂસન બૂન કહે છે કે, "લોકો સામાન્યપણે એ વાતનું ખોટું અનુમાન લગાવે છે કે કોઈ પણ સંબંધમાં બેવફાઈનો મતલબ શું હોય છે. તેનું મોટું કારણ એ પણ છે કે લોકો આ વિશે વાત કરીને કોઈ મર્યાદા નક્કી જ કરતા નથી. દરેક વ્યક્તિ માટે દગાનો અલગ મતલબ હોય છે."

આશરે 70 ટકા લોકો એવા છે, જેમણે પોતાના સાથી સાથે ક્યારેય બેવફાઈ મામલે કોઈ ચર્ચા કરી નથી. શું કોઈ સંબંધમાં રહીને ડેટિંગ ઍપને ડાઉનલોડ કરવી એ દગો છે? ડેટિંગ ઍપ ટિંડરના 18થી 25 ટકા ગ્રાહક પહેલેથી કોઈને કોઈ સંબંધમાં બંધાયેલા છે. તેનો મતલબ તો એ જ છે કે તેઓ એક સંબંધમાં હોવા છતાં બીજા સાથીને શોધી રહ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો કૅઝ્યુઅલ સેક્સની શોધમાં આમ કરે છે.

કોઈ માટે બીજા કોઈ સાથે સેક્સ કરવું એ દગો છે. તો કોઈ માત્ર મૅસેજ પર વાત કરવાને બેવફાઈ માને છે. ભાવનાત્મક બેવફાઈની પરિભાષા નક્કી કરવી તો વધારે મુશ્કેલ છે.

ઑફિસમાં ઘણીવખત લોકો પોતાના કોઈ સાથી સાથે વધારે નજીકના સંબંધોનો અનુભવ કરવા લાગે છે. તેની રાહ જુએ છે. તેમની સાથે તેઓ ખૂબ ખુશ થઈ જાય છે. હવે તેને કોઈ સંબંધમાં બંધાયેલા વ્યક્તિની બેવફાઈ માનવામાં આવે કે નહીં?

મોટાભાગના લોકોનું માનવું છે કે જો આપણે કોઈ સંબંધની મર્યાદાઓ પહેલેથી નક્કી કરી દઈએ, તો બેવફાઈને સમજવી અને તેને પકડવી બંને સહેલું થઈ જશે. કોઈ પણ સંબંધના હિત માટે તે જરૂરી પણ છે.

ઘણું બધું તમારા મિત્રો પર પણ નિર્ભર રહે છે. જો તમારા વધારે પડતા મિત્રો એવા છે, જેમણે બેવફાઈ કરી છે, તો તમે પણ તમારા સાથી સાથે બેવફાઈ કરશો તે નક્કી છે. સામાન્યપણે આપણે આપણા જેવો મિજાજ ધરાવતા લોકોની જ સાથે વધારે નજીકના સંબંધ રાખીએ છીએ.

line

બેવફાઈ કરે છે તો શું કરવું જોઈએ?

બેવફાઈ

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ પણ સંબંધમાં બંધાયેલા લોકો દગાને અનૈતિક માને છે. તેવામાં જો કોઈએ બેવફાઈ કરી છે તો તેણે શું કરવું જોઈએ? પોતાની ભૂલ માની લેવી જોઈએ?

મોટાભાગના લોકો તેનો જવાબ 'હા'માં આપે છે કેમ કે 90 ટકા લોકોએ એ કહ્યું કે જો તેમના સાથીએ તેમને દગો આપ્યો છે, તો તેઓ એ વાત જાણવા માગશે.

તમામ રિસર્ચ એ ઇશારો આપે છે કે લોકો કોઈ પણ સંબંધમાં વફાદારીને ખૂબ મહત્ત્વ આપે છે. તેમને લાગે છે કે દગો આપવાથી તેમને ભાવનાત્મક નુકસાન થશે. એ જ કારણ છે કે બેવફાઈના કારણે જ અમેરિકામાં સૌથી વધારે લોકો વચ્ચે તલાક થાય છે.

જો તમે સંબંધમાં દગો કર્યો છે, તો તેનો સ્વીકાર તમારા સાથીને તકલીફ પહોંચાડશે.

જે લોકો આત્મમુગ્ધ હોય છે તેમને આ પ્રકારની સ્વીકારોક્તિથી વધારે તકલીફ થાય છે. ઘણા લોકો તો ડિપ્રેશનમાં જતા રહે છે. તો કેટલાક લોકો પોતાના સાથીની બેવફાઈથી ખૂબ આક્રમક થઈ જાય છે.

જો કોઈ એક વખત બેવફાઈ કરે છે, તો સામાન્યપણે તેમના સાથી તેમને માફ કરી દે છે. ઘણી વખત આ કારણથી સંબંધ પણ તૂટે છે. ઘણા લોકો આવા દગા બાદ પણ સંબંધોને બચાવવા પ્રયાસ કરે છે. પરંતુ જો દગો આપવાની ટેવ બની જાય, તો પછી કોઈ વિકલ્પ નથી રહેતો અને સંબંધ તોડવો પડે છે.

તેમાં કોઈ બેમત નથી કે આપણા સમાજમાં બેવફાઈની ઘટના સામાન્ય થઈ રહી છે. દરેક સંબંધમાં તેની શક્યતા રહે છે. એટલે કદાચ આ વિશે વાત કરવાનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન