નવસારી : 'વરસાદમાં બચી ગયા એટલું બસ! મુસ્લિમના ઘરે આશરો લઈને જીવ બચાવ્યો'


- ગુજરાતમાં ગત સપ્તાહે પડેલા ભઆરે વરસાદથી નવસારી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.
- વરસાદના પૂરના લીધે દેવધા ગામ આખું ડૂબી ગયું હતું.
- 2600 જેટલી વસતી ધરાવતા આ ગામનાં 300 જેટલાં મકાનો ઊપર પાણી ફરી વળ્યાં હતાં
- પરિસ્થિતિ એટલી કથળેલી હતી કે ગામના લોકોને બેત્રણ દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું.

પૂર્ણાનદીમાં આવેલા પૂર બાદ નવસારીનાં અનેક ગામો જળમગ્ન થયાં હતાં. નવસારી જિલ્લાનું દેવધા ગામ અંબિકા નદીના તટ પર વસેલું છે. ગયા અઠવાડિયે પડેલા વરસાદમાં આખાય ગામ પર પાણી ફરી વળ્યાં હતાં.
અહીંની વસતી લગભગ 2600 જેટલી છે. 300 જેટલાં મકાનો છે જે પૂરને પગલે સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયાં હતાં અને લોકો બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા બેસી રહ્યા હતા.
ગામની પરિસ્થિતિ સ્થિતિ હજુ પણ ખરાબ છે અને લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા છે.
ગામમાં રહેતા રમિલાબહેનના પતિનું થોડાં વર્ષે પહેલાં મૃત્યુ થયું અને ત્યારથી તેઓ ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે.
વરસાદનાં પાણી ઘરમાં ઘૂસ્યાં ત્યારે તેમણે બાળક સાથે ઘર છોડીને ભાગવું પડ્યું હતું. પાણી ઓસર્યાં બાદ ઘરે પાછાં ફર્યાં તો ઘરમાં એકેય દાણો ખાવા માટે નહોતો રહ્યો.
તેઓ કહે છે, "બિસ્તર, ખુરશી, લોટના ડબ્બા બધું જ પાણીમાં તણાઈ ગયું. ચોખા ભરેલા હતા એ ડબ્બા પણ. બધું જ તણાઈ ગયું."

'બચી ગયા એટલો પાડ'

દેવધા ગામનાં તેજલબહેન હલપતિ કહે છે, "અમારાં વાસણ, ગૅસનો બાટલો અને કપડાં પાણીમાં તણાઈ ગયાં. આખો કબાટ પાણીમાં ડૂબી ગયો. કબાટમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય ન રહ્યો. "
"અમે બચી ગયા એટલું જ પૂરતું છે. અમે એક મુસ્લિમ પરિવારના ઘરે રહ્યા. અમે ભૂખ્યા હતા. રવિવારે નિકળી ગયાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામવાસી મોનાબહેન કહે છે, "પૂર વખતે જે સાથે લઈ ગયાં હતાં એ જ બચ્યું છે, બાકી કંઈ બચ્યું નથી. બધુ તણાઈ ગયું છે. બરબાદ થઈ ગયા છીએ. બે દિવસ અમે ભૂખ્યા બેસીને કાઢ્યા હતાં."
ગત સપ્તાહે પડેલા ભારે વરસાદમાં નવસારી શહેર અને જિલ્લાનાં અનેક ગામો સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયાં હતાં.
વરસાદરૂપે આફત ત્રાટકતાં અહીંના લોકોને પોતાનાં ઘરબાર છોડીને ઊંચાણવાળા વિસ્તારોમાં આશરો લેવો પડ્યો હતો.
હવે પાણી ઓસર્યાં છે પણ આ પાણીએ અહીંના લોકોની વર્ષોની મહેનત અને ખાવા-પીવાનું બધું જ છીનવી લીધું છે. પાણી ઓસરતાં હવે રોગચાળાનો ખતરો ઊભો થયો છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ગત રવિવાર સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નવસારી ઉપરાંત વલસાડ અને છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.

10,000 લોકો આશ્રયયસ્થાનોમાં

છોટા ઉદેપુરના બોડેલી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્રે રબર બોટ અને તરાપા વડે બચાવવા પડ્યા હતા.
બીબીસીની ટીમે પાણી ઊતર્યા બાદ જ્યારે આ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે લોકો પાછા તેમના ઘરે આવી ચૂક્યા હતા અને આસપાસમાં પોતાની ઘરવખરી શોધી રહ્યા હતા. સરકાર દ્વારા આ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે.
ઘણા લોકોનું માનવું છે કે સરકાર તેમના માટે મદદનું કોઈ પૅકેજ જાહેર કરશે. આ આશા સાથે તેઓ હાલ પોતાના દુ:ખ વચ્ચે જીવનને ફરી પાટે ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
રાજ્યના મહેસૂલ અને આપત્તિ-વ્યવસ્થાપનમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું, "નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે. નવસારી જિલ્લામાં 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે."
મંત્રીએ ઉમેર્યુ હતું, "રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાં 57,408 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 48,102 લોકો પોતાનાં ઘરે પાછા ફર્યા છે. જ્યારે 9,306 લોકો હજુ પણ આશ્રયસ્થાનોમાં છે."

56 માનવ મૃત્યુ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આવેલી વિગતો અનુસાર, રાજ્યમાં 7 જુલાઈથી અત્યાર સુધીમાં 56 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે અને 748 જેટલા પશુઓનાં મોત થયાં છે.
વરસાદના વહેતા પાણીના વહેણ સહિત અન્ય જગ્યાએ ફસાયેલા 1,513 જેટલા લોકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો દ્વારા બચાવી લેવાયા છે.
આપત્તિ-વ્યવસ્થાપનમંત્રીના કહેવા અનુસાર, 'નવસારીમાં 132 ટીમો દ્વારા મકાન અને આરોગ્ય-સર્વે ઉપરાંત કેશડૉલ્સ વિતરણની કામગીરી હાથ ધરાઈ છે. '
'આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે ઍડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે. આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુનર્વસનની કામગીરીમાં જોતરાયા છે. નવસારી જિલ્લામાં રાહતની કામગીરી યોગ્ય રૂપે કરી શકાય તે માટે તાત્કાલિક ધોરણે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.'
મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 'રાજ્યમાં કુલ 140 બસ રૂટ બંધ છે. 23 ગામોમાં વીજળી નથી. તારીખ 1 જુનથી 31 જુલાઈ સુધી માછીમારી કરવા પર પ્રતિબંધ છે.'
રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી માહિતી અનુસાર ભારે વરસાદને પગલે છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ, રાજકોટ અને પોરબંદરમાં કુલ 9 સ્ટેટ હાઇવે, પંચાયત હેઠળના 171 રસ્તા તેમજ કચ્છ, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 એમ કુલ 4 નેશનલ હાઇવે બંધ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













