ઋષિ સુનકની બ્રિટનના નવા PMની દાવેદારી કેટલી મજબૂત? બીજું કોણ છે આ રેસમાં?

બ્રિટનના વડાપ્રધાનપદની રેસમાં હાલ આ પાંચ મુખ્ય ચહેરાં છે. જેમ જેમ સમય વીતશે એમ બે જ મુખ્ય ચહેરાં રહેશે અને પછી અંતિમ નિર્ણય આવશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના વડાપ્રધાનપદની રેસમાં હાલ આ પાંચ મુખ્ય ચહેરાં છે. જેમ જેમ સમય વીતશે એમ બે જ મુખ્ય ચહેરાં રહેશે અને પછી અંતિમ નિર્ણય આવશે.

કન્ઝર્વેટીવ સાંસદોએ પાર્ટીના નેતા અને બ્રિટનના નવા વડા પ્રધાનને ચૂંટવાનું શરૂ કરી દીધું છે. ટોરી સાંસદોના બીજા મતદાન બાદ પાંચ ઉમેદવાર વડા પ્રધાન પદની રેસમાં આગળ આવ્યા છે. આગામી મતદાન હવે સોમવારના રોજ થશે.

બોરિસ જોન્સન કેબિનેટમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનક બીજા તબક્કાના મતદાનમાં પણ 101 વોટથી સૌથી આગળ ચાલી રહ્યા છે. પહેલા તબક્કાના મતદાનમાં તેમને 88 મત મળ્યા હતા.

બીજી બાજુ પેની મોર્ડેંટ, લિઝ ટ્રસ અને કેમી બડેનોચને પણ બુધવારના રોજ થયેલા મતદાનમાં વધારે મત મળ્યા હતા જ્યારે ટૉમ ટુગેંડહટને પાંચ મતનું નુકસાન થયું છે. તેઓ 37 મતથી 32 પર આવી ગયા છે.

લાઇન
  • જાણો કોણ છે એ પાંચ ઉમેદવાર જેઓ વડા પ્રધાનપદની રેસમાં છે?
  • મજબૂત દાવેદાર ઋષિ સુનકેવડા પ્રધાન બન્યા બાદ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો વાયદો કર્યો છે.
  • બીજા ક્રમે ચાલી રહેલાં પેની મોર્ડેટે 2019માં બ્રિટનનાં પ્રથમ મહિલા સંરક્ષણમંત્રી બની ઇતિહાસ રચ્યો હતો.
  • અન્ય દાવેદાર લિઝ ટ્રસ વિદેશમંત્રી બનનારાં બીજા મહિલા છે, ઈરાનથી નાઝનીન જગારી રેટક્લિફને મુક્ત કરવાનો શ્રેય તેમને આપવામાં આવે છે.
  • પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદ અને વિદેશ કાર્યાલય મંત્રી રહમાન ચિશ્તી તેમજ પરિવહન મંત્રી ગ્રાન્ટ શાપ્સ પ્રાથમિક તબક્કામાં જ બહાર થઈ ગયા હતા.
  • બ્રિટનમાં કેવી રીતે નક્કી થાય છે વડા પ્રધાનનું પદ અને કેટલી અઘરી છે સ્પર્ધા?
લાઇન

પ્રથમ મજબૂત દાવેદાર ઋષિ સુનક

વડાપ્રધાનપદ માટે મજબૂત દાવેદાર એવા ઋષિ સુનકનો જન્મ 1980માં હેમ્પશાયરના સાઉથહેમ્પ્ટનમાં થયો હતો અને તેમણે વિંચેસ્ટર કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાનપદ માટે મજબૂત દાવેદાર એવા ઋષિ સુનકનો જન્મ 1980માં હેમ્પશાયરના સાઉથહેમ્પ્ટનમાં થયો હતો અને તેમણે વિંચેસ્ટર કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું.

ઋષિ સુનક પહેલા નંબર પર છે. તેઓ ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસ કંપનીના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ છે. તેમણે અક્ષતા મૂર્તિ સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા.

ઋષિ સુનક, બોરિસ જોન્સન કેબિનેટમાં નાણામંત્રી હતા. તેમણે વડા પ્રધાન બન્યા બાદ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો વાયદો કર્યો છે.

2015થી સુનક યૉર્કશાયરના રિચમંડથી કન્ઝર્વેટીવ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ નૉર્ધલર્ટન શહેરની બહાર કર્બી સિગ્સ્ટનમાં રહે છે. તેમના પિતા એક ડૉક્ટર હતા અને માતા ફાર્માસિસ્ટ હતાં. ભારતીય મૂળના તેમના પરિજનો પૂર્વ આફ્રિકાથી બ્રિટન આવ્યા હતા.

ઋષિ સુનક બોરિસ જોન્સન કેબિનેટમાં નાણામંત્રી હતા અને સૌથી પહેલું રાજીનામું પણ તેમણે જ આપ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋષિ સુનક બોરિસ જોન્સન કેબિનેટમાં નાણામંત્રી હતા અને સૌથી પહેલું રાજીનામું પણ તેમણે જ આપ્યું હતું.

1980માં સુનકનો જન્મ હેમ્પશાયરના સાઉથહેમ્પ્ટનમાં થયો હતો અને તેમણે વિંચેસ્ટર કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયા હતા, જ્યાં તેમણે દર્શન, રાજકારણ અને અર્થશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું. બ્રિટનના મહત્ત્વકાંક્ષી રાજનેતાઓ માટે આ સૌથી સારો અને વિશ્વસનીય રસ્તો મનાય છે.

તેમણે સ્ટેનફૉર્ડ વિશ્વવિદ્યાલયમાંથી એમબીએનું શિક્ષણ મેળવ્યું છે. રાજકારણમાં પ્રવેશ લેતા પહેલાં તેમણે ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક ગોલ્ડમૅન સૈક્સમાં પણ કામ કર્યું છે અને એક રોકાણ કંપનીને પણ સ્થાપિત કરી છે. ઋષિ અને અક્ષતાની બે દીકરીઓ છે.

સુનકે યુરોપિયન યુનિયન મામલે થયેલા જનમત સંગ્રહમાં તેને છોડવા મુદ્દે પક્ષમાં પ્રચાર કર્યો અને તેમના સંસદીય ક્ષેત્રમાં યુરોપિયન યુનિયનને છોડવાના પક્ષમાં 55 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

જુલાઈ 2019માં જોન્સને સુનકને નાણામંત્રાલય સોંપ્યુ હતું. આ પહેલાં તેઓ જાન્યુઆરી 2018થી જુલાઈ 2019 સુધી આવાસ, સમુદાય અને સ્થાનિક સરકાર મંત્રાલયમાં સંસદીય સચિવ હતા.

ઋષિ સુનક કહી ચૂક્યા છે કે તેમની એશિયાઈ ઓળખ તેમની માટે મહત્ત્વની છે. તેમણે કહ્યું હતું, "હું પહેલી પેઢીનો અપ્રવાસી છું. મારા પરિવારજનો અહીં આવ્યા હતા, તો તમને એ પેઢીના લોકો મળ્યા છે જેમનો જન્મ અહીં થયો છે. તેમના પરિવારજનો અહીં જન્મ્યા ન હતા અને તેઓ આ દેશમાં પોતાનું જીવન બનાવવા આવ્યા હતા."

તેમની પત્નીનાં ટૅક્સ મામલે વિવાદ અને લૉકડાઉન નિયમોના ઉલ્લંઘન માટે દંડ ફટકારાયા બાદ તેમની પ્રતિષ્ઠાને આંચકો પહોંચ્યો હતો. ઋષિ સુનક, બોરિસ જોન્સનની કેબિનેટ છોડનારા સૌથી પહેલા કેબિનેટ મંત્રીઓમાંથી એક હતા. ધ ગાર્ડિયન ન્યૂઝ વેબસાઇટ પર છપાયેલા એક લેખ પ્રમાણે ગત મહિને વિશ્વાસમતમાં બોરિસ જોન્સનનું સમર્થન કરનારા ટોરી સાંસદોની સંખ્યાની સટીક ભવિષ્યવાણી કરનારા પ્રોફેસરે બ્રિટનના નવા વડા પ્રધાનના નામને લઈને મોટું નિવેદન આપ્યું છે.

લિવરપૂલ યુનિવર્સિટીમાં બ્રિટિશ રાજકારણ ભણાવનારા જોનાથન ટોંગેએ કહ્યું કે મને લાગે છે કે ઋષિ સુનક આગામી વડા પ્રધાન હશે. તેમણે કહ્યું કે આ ચૂંટણી 51/49ની રહેશે, કેમ કે લિઝ ટ્રસને પણ પાર્ટીના સભ્યોનું સારું એવું સમર્થન મળેલું છે.

line

પેની મોર્ડેંટ બીજા નંબર પર છે રેસમાં

મિનિસ્ટર ઑફ સ્ટેટ પેની મોર્ડેંટ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મિનિસ્ટર ઑફ સ્ટેટ પેની મોર્ડેંટ

પેની મોર્ડેંટ બીજા નંબર છે. તેમણે વડાં પ્રધાન બનવા પર ઈંધણ પર વેટ ઘટાડો અને વધતી મોંઘવારીના હિસાબે મધ્યમ આવક ધરાવતા લોકોની ઇન્કમટૅક્સ સીમા વધારવાનો વાયદો કર્યો છે.

તેમણે વર્ષ 2019માં બ્રિટનના પહેલા મહિલા સંરક્ષણમંત્રી બનીને ઇતિહાસ રચ્યો હતો. ડેવિડ કેમરૂન સરકારમાં તેમની પાસે આર્મ્ડ ફૉર્સેસ મંત્રીની જવાબદારી હતી. પેની મોર્ડેંટનું સમર્થન કરતા લોકોમાં એન્ડ્રિયા લેડસમ અને ડેવિડ ડેવિસ સામેલ છે.

કન્ઝર્વેટીવ પાર્ટીની યૂથ વિંગના પ્રમુખ બનનારા પેની મોર્ડેંટ 2010માં પોર્ટ્સમાઉથ નોર્થ માટે સાંસદ બન્યાં હતાં.

line

લિઝ ટ્રૂસ અને કેમી બર્ડનોચ પણ છે દાવેદાર

બ્રિટનનાં વિદેશમંત્રી લિઝ ટ્રૂસ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બ્રિટનનાં વિદેશમંત્રી લિઝ ટ્રસ

લિઝ ટ્રસ ત્રીજા નંબરે છે. કેબિનેટ મંત્રી તરીકે સરકારમાં સૌથી વધારે સમય લિઝ ટ્રસે વિતાવ્યો છે. વડાં પ્રધાનની રેસમાં તેમણે તાત્કાલિક ટેક્સ કપાત, રાષ્ટ્રીય વીમામાં વૃદ્ધિને પરત લેવાની ઘોષણા કરી હતી.

લિઝ ટ્રસને બોરિસ જોન્સનના વફાદાર સંસ્કૃતિ સચિવ, નાદિન ડોરિસ અને જેકબ રિસમોગ, સુએલા, બ્રેવરમૈન સહિત અન્ય લોકોનું સમર્થન સામેલ છે. હાલ લિઝ ટ્રસ બ્રિટનનાં વિદેશમંત્રી છે.

લિઝ ટ્રસ વિદેશમંત્રી બનનારાં બીજા મહિલા છે, જેમને ઈરાનથી નાઝનીન જગારી રેટક્લિફને મુક્ત કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેઓ પહેલી વખત વર્ષ 2010માં દક્ષિણ પશ્ચિમ નૉરફૉકથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. વર્ષ 2014માં કન્ઝર્વેટીવ કૉન્ફરન્સમાં પનીરની આયાત કરવા મુદ્દે ભાષણ આપવા માટે તેમની મજાક ઉડાવવામાં આવી હતી.

બ્રિટનનાં પૂર્વ લેવલિંગ અપ મંત્રી કેમી બડેનોચ
ઇમેજ કૅપ્શન, બ્રિટનનાં પૂર્વ લેવલિંગ અપ મંત્રી કેમી બડેનોચ

કેમી બડેનોચ ચોથા નંબરે છે, જે પહેલાં લેવલિંગ અપ મંત્રી રહ્યાં છે. કેમી સૉફ્ટવેર ઍન્જિનિયર રહી ચૂક્યાં છે. તેમણે પોતાનું બાળપણ અમેરિકા અને નાઇજીરિયામાં વિતાવ્યું છે. શરૂઆતમાં કેમીએ બૅન્કિંગમાં કામ કર્યું અને પછી તેઓએ સ્પેક્ટેટર પત્રિકામાં ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું. 2017માં સેફ્રૉન વાલ્ડેન માટે સાંસદ બન્યાં તે પહેલાં કેમી લંડન એસેમ્બલી માટે ચૂંટાયાં હતાં.

કેમી લેવલિંગ અપ મંત્રી બન્યાં તે અગાઉ ઇક્વાલિટી મંત્રી પણ રહ્યાં છે. બોરિસ જોન્સનનો સાથ છોડનારા લોકોમાં કેમીનું નામ પણ સામેલ હતું.

line

સૌથી વધારે અનુભવી મંત્રી ટોમ ટુગેંડહટ

ટોમ ટુગેંડહટ સાંસદ છે અને મંત્રી તરીકેનો સૌથી વધારે અનુભવ ધરાવે છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ટોમ ટુગેંડહટ સાંસદ છે અને મંત્રી તરીકેનો સૌથી વધારે અનુભવ ધરાવે છે

ટોમ ટુગેંડહટ પાંચમા નંબર પર છે. ટોમ ટુગેંડહટ સાંસદ છે. તેમની પાસે મંત્રી તરીકે સૌથી વધારે અનુભવ છે. તેઓ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ઋષિ સુનકની સરખામણીએ ટોમ ટુગેંડહટે સરકારમાં વધારે સમય વિતાવ્યો છે પરંતુ તેઓ લાંબા સમય સુધી કેબિનેટમાં રહ્યા નથી.

ટોમ ટુગેંડહટે વડા પ્રધાન બનવા પર રાષ્ટ્રીય વીમા અને ઈંધણના ભાવમાં કાપ મૂકવા તેમજ દક્ષિણ પૂર્વની બહાર રોકાણ વધારવાનો વાયદો કર્યો છે. તેમણે ઈરાન અને અફઘાનિસ્તાનમાં ટેરિટોરિયલ આર્મીના ઑફિસરના રૂપમાં પોતાની સેવા આપી છે. વર્ષોથી તેમના વડા પ્રધાન બનવા અંગે ચર્ચાઓ થઈ રહી છે.

તેમને પૂર્વ કેબિનેટ મંત્રી ડેમિયન ગ્રીન, જેક બેરી અને રહમાન ચિશ્તીનું સમર્થન પ્રાપ્ત છે. ટોમ ટુગેંડહટ વર્ષ 2015માં કેંટમાં ટોનબ્રિજથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને જાન્યુઆરી 2020થી કૉમન્સ ફૉરેન અફેર્સ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ છે.

line

કેવી રીતે ચૂંટાય છે બ્રિટનના વડા પ્રધાન?

બોરિસ જોન્સન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બોરિસ જોન્સન

ઉમેદવારે વડા પ્રધાનની રેસમાં આગળ આવવા માટે ઓછામાં ઓથા 20 સાંસદોનું સમર્થન મળવું જોઈએ જે ગત સ્પર્ધાની સરખામણીએ વધારે છે. નૉમિનેશન બાદ પહેલા મતદાન માટે વોટિંગ થાય છે, જેમાં 30થી ઓછા મત મેળવનાર ઉમેદવાર રેસમાંથી બહાર થઈ જાય છે. પહેલી વોટિંગમાં જીતનારા ઉમેદવાર બીજી વોટિંગમાં ભાગ લે છે. તેમાં જે ઉમેદવારને સૌથી ઓછા મત મળે છે તો તે બહાર થઈ જાય છે. ત્યારબાદ ઘણા તબક્કામાં મતદાન થાય છે.

ટોરી સાંસદોના મતદાન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી માત્ર બે ઉમેદવાર રેસમાં ન રહી જાય.

અંતે કન્ઝર્વેટીવ પાર્ટીના સભ્ય પોસ્ટલ વોટ નાખે છે અને પાર્ટીના નેતાને ચૂંટે છે. વિજેતા ઉમેદવાર પાર્ટીના નેતાની સાથે સાથે વડા પ્રધાનનું પદ પણ સંભાળે છે. એટલે કે જે ઉમેદવાર કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાશે તે જ બ્રિટનના આગામી વડા પ્રધાન હશે.

સમર્થન ન મળતા રેસમાંથી બહાર

પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદ અને વિદેશ કાર્યાલય મંત્રી રહમાન ચિશ્તી તેમજ પરિવહન મંત્રી ગ્રાન્ટ શાપ્સ પ્રાથમિક તબક્કામાં જ બહાર થઈ ગયા હતા. તેમને 20 સાંસદોનું સમર્થન ન મળ્યું, જેના પગલે તેઓ પહેલા મતદાનમાં જ ભાગ ન લઈ શક્યા.

ત્યારબાદ બુધવારના રોજ થયેલા પહેલા મતદાનમાં પૂર્વ વિદેશમંત્રી જેરેમી હંટ અને ચાન્સેલર નાદિમ જહાવીને ઓછામાં ઓછા ટોરી સાંસદો પાસેથી 30 મત ન મળી શક્યા, જેના પગલે તેઓ બહાર થઈ ગયા.

બીજી તરફ ગુરુવારના રોજ થયેલા બીજા મતદાનમાં ઍટૉર્ની જનરલ સુએલા બ્રેવરમૈનને સૌથી ઓછા મત મળ્યા જેના પગલે તેઓ પણ બહાર થઈ ગયાં.

મહત્ત્વની તારીખો -

12 જુલાઈ - ઉમેદવારો માટે નૉમિનેશન બંધ - દરેકને 20 સાંસદોના સમર્થનની જરૂર હતી

13 જુલાઈ - પહેલા તબક્કાનું મતદાન - 30થી ઓછા મત ધરાવતા ઉમેદવાર રેસમાંથી બહાર થઈ ગયા છે.

14 જુલાઈ - બીજા તબક્કાનું મતદાન - સૌથી ઓછા મત મેળવનારા ઉમેદવાર રેસમાંથી બહાર થઈ ગયા છે.

18-21 જુલાઈ - બે ઉમેદવાર રહે ત્યાં સુધી સતત મતદાન થશે

જુલાઈ/ઑગસ્ટ - અંતિમ બે ઉમેદવારો માટે આખા દેશના પાર્ટીના સભ્યો મત આપશે.

5 સપ્ટેમ્બર - નવા વડા પ્રધાનના નામની ઘોષણા

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન