મને 'પર્ફૉર્મ કરવાથી રોકાઈ', કારણ કે હું મોદી-ભાજપની ટીકાકાર છું : મલ્લિકા સારાભાઈ

મલ્લિકા સારાભાઈ (વચ્ચે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મલ્લિકા સારાભાઈ (વચ્ચે)
બીબીસી ગુજરાતી
  • પ્રખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઈને તેલંગણાના વરાંગલમાં રામપ્પા મંદિર ખાતે ‘પર્ફૉમ’ કરવાની પરવાનગી આપવાનો ‘ઇનકાર’ કરાયો
  • મંદિરના ટ્રસ્ટીએ ભારત સરકારના સંસ્કૃતિમંત્રીએ આ મામલે ‘મૌખિકપણે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.’
  • મલ્લિકા સારાભાઈએ પોતે ‘મોદી-ભાજપનાં ટીકાકાર’ હોવાના કારણે ‘પરવાનગીનો ઇનકાર’ કર્યાનું જણાવ્યું
બીબીસી ગુજરાતી

તાજેતરમાં ભારતનાં વિખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઈને તેલંગણા રાજ્યના વરાંગલ જિલ્લાના રામપ્પા મંદિરમાં ‘પર્ફૉર્મ’ કરવા માટે ‘પરવાનગી ન અપાતાં’ આ મામલો સમાચારોમાં છવાયો છે.

કેન્દ્ર સરકારના પ્રવાસન, સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના અધિકારીઓને આ મામલે ‘મૌખિકપણે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.’

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મલ્લિકા સારાભાઈએ કહ્યું હતું કે તેમને ‘પર્ફૉર્મન્સ કરવાથી મંત્રી રોકી રહ્યા છે’, કારણ કે તેઓ ‘ભાજપ અને મોદીનાં ટીકાકાર’ છે.

સમગ્ર મામલા અંગે વિગતવાર વાતચીતમાં તેમણે સરકારના આ વલણનાં કારણો સિવાય તેમના આગળના આયોજન વિશે વાત કરી હતી.

ગ્રે લાઇન

શું હતો મામલો?

મલ્લિકા સારાભાઈ

ઇમેજ સ્રોત, Getty Images

નોંધનીય છે કે રામપ્પા મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયાના એક વર્ષ નિમિત્તે મંદિરના સંચાલક કાકતિયા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) પ્રથમ રામપ્પા ઉત્સવની ઉજવણી માટે પરવાનગી માગવા અરજી કરાઈ હતી.

આ ટ્રસ્ટના ટ્રસ્ટી અને નિવૃત્ત આઇએએસ અધિકારી બીવી પાપા રાઓએ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમને જણાવ્યું હતું કે, “અમે આ નિમિત્તે મલ્લિકા સારાભાઈને પર્ફૉર્મ કરવા આમંત્રણ આપ્યું, તેઓ માની પણ ગયાં. પરંતુ ASIએ અમારી અરજીનો આધિકારિક જવાબ તો ન આપ્યો પરંતુ સંસ્કૃતિમંત્રી કિશન રેડ્ડીએ અમને વ્યક્તિગતપણે કહ્યું કે મલ્લિકા સારાભાઈના કારણે તેઓ આ અંગે પરવાનગી નહીં આપે.”

ગ્રે લાઇન

મલ્લિકા સારાભાઈએ શું કહ્યું

મલ્લિાક સારાભાઈ

ઇમેજ સ્રોત, Getty Images

મલ્લિકા સારાભાઈએ આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, "હું આ વાતથી આશ્ચર્યચકિત નથી. છેલ્લાં આઠ-નવ વર્ષમાં આ પ્રકારનું વર્તન વધુ ને વધુ ઉઘાડું પડી રહ્યું છે અને હવે તો આંખની શરમ નડતી પણ બંધ થઈ ગઈ છે."

તેઓ સરકારની નીતિઓ અને પગલા અંગે વાત કરતાં કહે છે કે, "જ્યારે કોવિડ દરમિયાન લાખો કલાકારો ભૂખે મરી રહ્યા હતા, ત્યારે સંસ્કૃતિ મંત્રાલયે કશું ન કર્યું. વિશ્વની અને એશિયાની ઘણી સરકારોએ કલાકારોને આ દરમિયાન જીવી શકાય અને કામ કરી શકાય તેવી વ્યવસ્થા કરી આપી. પરંતુ આપણી સરકારને આવો વિચાર સુધ્ધાં નથી આવ્યો."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"કલાના વિકાસ અને કલાકારોના ભલા માટે કામ કરવાની ફરજ મંત્રાલય અને મંત્રી નથી ભજવતાં, આવી પરિસ્થિતિમાં ભાજપ સામે બોલનારી સ્ત્રી શિવા અને શક્તિ વિશે નૃત્ય કરું એની સામે વાંધો છે."

તેઓ આ મુદ્દે આગળ જણાવે છે કે, "નૃત્ય જેટલી મોટી પૂજા ન હોઈ શકે. એ પૂજા કરતા અને ઉત્સવ ઊજવતા, એ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પર, મને રોકાઈ છે. મારા રાજકીય વિચારો અને મારા નૃત્યને કોઈ સંબંધ નથી."

તેઓ કેન્દ્ર સરકારના આ પગલા અંગે આગળ વાત કરતાં કહે છે કે, "હું ભરતનાટ્યમ્ કરું છું, જેનો વિષય જ હિંદુ-સનાતન ધર્મ છે. મને એ ધર્મ ઊજવતાં એક મંત્રી રોકે છે, કારણ કે હું ભાજપ અને મિસ્ટર મોદીની ટીકાકાર છું. આ અત્યારે આપણા દેશની સાંસ્કૃતિક પરિસ્થિતિ છે."

તેમણે સરકારના આ પગલા બાદ પોતાના આગળના પગલા અંગે વાત કરતાં કહ્યું હતું કે, "હું આજે વારંગલમાં એ જ પર્ફૉર્મન્સ કરી રહી છું."

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હવે તેઓ ‘સાઇટની બહાર’ પર્ફૉર્મ કરશે.

તેઓ સરકારના આ પગલા અંગે પોતાના મનમાં જન્મી રહેલા ભાવ અંગે વાત કરતાં કહે છે કે, "આપણી બધી શ્રેણીઓમાં દલિત ભક્તો અને સેવકો લખતા કે અમને તમારા (શિવ, કૃષ્ણ કે દેવી) મંદિરમાં નથી આવવા દેતા, અમે મંદિરની બહારથી તમને જોઈએ છીએ, તમે તમારું મોઢું અમને ક્યારે ફેરવીને બતાવશો?"

"અત્યારે હું પણ આવું જ કંઈક અનુભવી રહી છું. હું બહારથી પણ શિવશક્તિનું સેલિબ્રેશન કરીશ."

રેડ લાઇન
રેડ લાઇન