અમેરિકાની ‘લાખોની કમાણી'નું સપનું છોડી કૅનેડામાં પ્રવેશવા કેમ તલપાપડ થાય છે લોકો?

રોક્સહામ રોડ બંધ થાય એ પહેલાં કૅનેડાની પોલીસ મહિલાને રસ્તો બતાવતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોક્સહામ રોડ બંધ થાય એ પહેલાં કૅનેડાની પોલીસ મહિલાને રસ્તો બતાવતા
    • લેેખક, એન્ડ્રીયા ડીઍઝ કાર્ડોના
    • પદ, મૉન્ટ્રિયાલ ખાતે ખાસ પ્રતિનિધિ, કૅનેડા

કેવિન કહે છે કે, “જ્યારે હું યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ્યો, તેમણે મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કર્યો, મારાં પત્ની અને મારી ત્રણ વર્ષની દીકરી સાથે મારે 18 કલાક ડિટેન્શનમાં પસાર કરવા પડ્યા.”

વેનેઝુએલાનો આ કુટુંબ ગત માર્ચ 2022માં અમેરિકાની સરહદ ઓળંગી દેશમાં પ્રવેશ્યો હતો. તેમને શિયાળાની ઋતુમાં આઇસ ચેસ્ટ તરીકે ઓળખાતા બારી વગરના ઓરડામાં રાખવામાં આવ્યાં હતાં.

અમેરિકાની સરકારની માર્ગદર્શિકા અનુસાર આ ડિટેન્શન સેન્ટરોમાં દસ્તાવેજો વગર દેશમાં પ્રવેશેલા ઇમિગ્રન્ટોને 72 કલાક સુધી રાખી શકાય છે.

“તેમણે અમારી પાસેથી લગભગ બધું લઈ લીધું. તેમણે અમને ચંપલ, ધૂળ-માટીથી બચવા માટેના વનપીસ કપડાં અને ઍલ્યુમિનિયમ બ્લૅન્કેટ આપ્યાં. અમારે કુદરતી હાજતે પણ બધાની સામે જ જવું પડતું. મારા અંદાજ મુજબ ત્યાં અમે કુલ 800 લોકો હતા.”

કૅનેડાના મૉન્ટ્રિયલના સૌથી જૂના રૅફ્યૂજી શેલ્ટર પૈકી એકની સામેની બેન્ચ પર બેઠાંબેઠાં કેવિન પોતાની આ કહાણી જણાવે છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ન્યૂયૉર્કથી કૅનેડા પહોંચવાનો નિર્ણય કરીને પ્રવેશેલા આ કુટુંબને મૉન્ટ્રિયલે આવકાર્યો છે.

તેઓ કહે છે કે, “ન્યૂયૉર્ક ખૂબ સુંદર છે, અમેરિકા ઘણા માટે સપનું સાકાર થવા બરાબર છે, પરંતુ ત્યાં અસુરક્ષાનું વાતાવરણ અનુભવાય છે. તમે ત્યાં નાણાં તો બનાવી શકો પરંતુ તમારે એ ગેરકાયદે કરવું પડે. તેઓ તમને પેપર આપતા નથી, તેથી અમે કૅનેડા આવી ગયા.”

તેમણે વિશ્વના કહેવાતા ‘પાટનગર’થી રોક્સહામ રોડ સુધી પહોંચવા માટે પહેલાં બસ અને પછી ટૅક્સી મારફતે 540 કિલોમીટરની સફર ખેડી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રોક્સહામ રોડ અમેરિકાથી કૅનેડામાં પ્રવેશવા માટેનો એ બિનઆધિકારિક પૅસેજ વે છે. જેનો ઉપયોગ કરીને હજારો લોકો શરણ મેળવવા માટે અમેરિકાથી કૅનેડા પહોંચે છે.

કૅનેડા સરકારના એક આંકડા અનુસાર વર્ષ 2002માં આ રૂટનો ઉપયોગ કરીને લગભગ 40 હજાર લોકો કૅનેડામાં પ્રવેશ્યા હતા. આ પૈકી મોટા ભાગના લોકો લૅટિન અમેરિકાના હતા.

વર્ષ 2021માં આ સંખ્યા માત્ર ચાર હજારની આસપાસ હતી.

ગત માર્ચમાં આ રૂટનો ઉપયોગ કરીને કૅનેડામાં પ્રવેશ કરી રહેલા લોકોની સંખ્યા એટલી બધી વધી ગઈ કે કૅનેડાના પાટનગરમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાત બાદ અન્ય નિયંત્રણો સહિત રોક્સહામ રોડ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

પરંતુ આ રસ્તો બંધ થાય એના ત્રણ માસ પહેલાં જ કેવિન અને તેમના કુટુંબે સરહદે ઓળંગી લીધી. તેમને અમેરિકાની બૉર્ડરે અને કૅનેડાની બૉર્ડરે સાવ અલગ જ અનુભવ થયા.

કેવિને કૅનેડાની બૉર્ડરે તેમને થયેલા અનુભવોને યાદ કરતાં કહ્યું કે, "અમે ત્યાં પાંચ રાત સુધી હતાં. અમને બંને બૉર્ડરે થઈ રહેલાં વર્તનમાં ઘણો ફરક દેખાયો. કૅનેડાની બૉર્ડરમાં પ્રવેશતા પહેલાં અમને લગભગ તમામ ભાષામાં કહેવાયું કે જો અમે અંદર પ્રવેશીશું તો અમારી ધરપકડ થશે."

"પરંતુ અમે ખૂબ કમ્ફર્ટેબલ હતાં. તેમણે બૅગ ઉઠાવવામાં અમારી મદદ પણ કરી, તેઓ તમને બધું સમજાવે છે અને તમારી સાથે ખૂબ દયાભાવે વર્તે છે."

બીબીસી ગુજરાતી

કેવિનના કુટુંબને બંને બૉર્ડરે થયેલ અનુભવ એ બંને દેશોની ઇમિગ્રેશન પૉલિસીમાં રહેલા ફરકને પ્રતિબિંબિત કરે છે.

અનુભવના આ તફાવતને કારણે લૅટિન અમેરિકાના ઘણા ઇમિગ્રન્ટ્સ ‘અમેરિકન ડ્રીમ’ ત્યાગીને ‘કૅનેડિયન ડ્રીમ’ અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે.

ગ્રે લાઇન

કાયદાકીય સરળતા

કૅનેડાના ફ્રેન્ચ સ્પીકિંગ પ્રાંત ક્યુબેકમાં મૉન્ટ્રિયલ એ સૌથી મોટું અને બહુસાંસ્કૃતિક શહેર છે. આ શહેરની સરહદ ન્યૂયૉર્ક રાજ્ય સાથે જોડાય છે.

પાછલા અમુક સમયથી માઇગ્રન્ટ્સના પ્રવેશનો સૌથી વધુ ભાર આ પ્રદેશ પર જોવા મળી રહ્યો હતો.

PRAIDA એ ક્યુબેકના સ્વાસ્થ્યમંત્રાલય સાથે સંકળાયેલ સંસ્થા છે, જે પાછલાં 60 વર્ષથી રૅફ્યૂજીઓની સહાય કરી રહી છે. આ સંસ્થા બે શેલ્ટર અને એક ક્લિનિક ધરાવે છે.

સંસ્થા દરરોજ 1,200 લોકોની સંભાળ રાખી શકવાની ક્ષમતા ધરાવે છે અને વર્ષોથી સંસ્થાનાં શેલ્ટર અને ક્લિનિકો ભરાયેલાં છે.

મૉન્ટ્રિયાલમાં PRAIDAના ક્લિનિક ખાતે ડૉક્ટર રૅફ્યૂજીનો ઇલાજ કરતાં

ઇમેજ સ્રોત, BBC WORLD

ઇમેજ કૅપ્શન, મૉન્ટ્રિયલમાં PRAIDAના ક્લિનિક ખાતે ડૉક્ટર રૅફ્યૂજીનો ઇલાજ કરતાં

જે લોકોની આ સંસ્થા દ્વારા સંભાળ ન રાખી શકાય તેમને સંઘીય સરકાર દ્વારા ફાયનાન્સ કરાયેલ હોટલોમાં મોકલી દેવાય છે.

આમ, ગમે એ પરિસ્થિતિમાં શરણાર્થીઓને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવે છે.

રોક્સહામ રોડથી કૅનેડામાં પ્રવેશેલાં કોલંબિયાના ડાયના જણાવે છે કે, "કૅનેડા માઇગ્રન્ટો પ્રત્યે ખૂબ જ મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખનારો દેશ છે.

જ્યારે સામેની બાજુએ અમેરિકા આ બાબતે ખૂબ જ ક્રૂર છે."

મૉન્ટ્રિયલમાં આ બાબતથી લગભગ દરેક રૅફ્યૂજી સંમત થાય છે.

તેમના પૈકી ઘણાનું માનવું છે કે અમેરિકામાં તેમના માટે કૌશલ્યરહિત નોકરીઓ મેળવીને પૈસા કમાવવું સહેલું હતું, પરંતુ તેઓ એક દિવસ દેશમાં કાયદેસર રીતે વસવાટ કરી શકે તે માટે કોઈ ચોક્કસ રસ્તો હોતો નથી.

તેમને આરોગ્ય વીમાની સુરક્ષા વગર જ અમેરિકામાં પોતાનું પેટિયું રળવા છોડી દેવાય છે.

જોકે સગીરો માટે અમેરિકામાં મફત શિક્ષણ અને મહિનાઓ સુધી શેલ્ટર કે હોટલમાં રહેવાની સુવિધા કરી અપાય છે.

ત્રણ મહિના પહેલાં મૉન્ટ્રિયલ પહોંચેલા વેનેઝુએલાના 45 વર્ષીય એડુઆર્ડો કહે છે કે, "મારે નાણાંથી વધુ દસ્તાવેજોની જરૂર છે. અમેરિકામાં તકોનો અભાવ છે જ્યારે કૅનેડામાં તેની ભરમાર છે."

માઇગ્રન્ટ્સ પૈકી ઘણાએ બીબીસી મુંડોને કહ્યું કે અમેરિકામાં તેઓ કામ કરીને તેમના પરિવાર માટે નાણાં મોકલી શક્યા.

કેટલાકે તો દર અઠવાડિયે એક હજાર ડૉલરની કમાણી થતી હોવાની વાત કરી.

પરંતુ તેમણે કૅનેડા આવવાનું ઠરાવ્યું કારણ કે તેમણે સાંભળ્યું હતું કે ઇન્ટરનેટ પર જોયું હતું કે તેઓ એ દેશમાં કાયદેસર રીતે રહી શકે છે.

ગ્રે લાઇન

સલામત દેશ

મૉન્ટ્રિયલના દૂરસ્થ વિસ્તારમાં YMCA નામનું રૅફ્યૂજી શેલ્ટર આવેલું છે, કેવિન અને તેમનું કુટુંબ ત્યાં ઘણા દિવસો સુધી રહ્યું હતું

ઇમેજ સ્રોત, BBC WORLD

ઇમેજ કૅપ્શન, મૉન્ટ્રિયલના દૂરસ્થ વિસ્તારમાં YMCA નામનું રૅફ્યૂજી શેલ્ટર આવેલું છે, કેવિન અને તેમનું કુટુંબ ત્યાં ઘણા દિવસો સુધી રહ્યું હતું

કૅનેડા પરંપરાગત રીતે શરણાર્થીઓ માટે એક મિત્રતાપૂર્ણ દેશ છે.

ઉત્તર અમેરિકામાં સ્થળાંતરણ બાબતના નિષ્ણાત અને સમાજશાસ્ત્રી એલેહાન્દ્રો હર્નાન્ડેઝ સમજાવે છે કે, "“કૅનેડામાં પ્રવેશ બાબતે લૅટિન અમેરિકનો લાંબો ઇતિહાસ ધરાવે છે."

"વર્ષ 1970માં ચિલીના લોકો. તે બાદ ગ્વાટેમાલા અને સાલ્વાડોરના લોકો દેશમાં આવ્યા હતા."

"વર્ષ 1980માં સેન્ટ્રલ અમેરિકાના યુદ્ધથી ત્રસ્ત લોકો કૅનેડા પહોંચ્યા હતા, જ્યારે વર્ષ 2008માં દેશમાં મૅક્સિકોથી આવતા માઇગ્રન્ટની લહેર જોવા મળી હતી."

શિક્ષણશાસ્ત્રીના મતે આ તમામ લહેરો ક્ષેત્રના દેશોની રાજકીય સ્થિતિને સમાંતરપણે જોવા મળે છે.

આ બાબત આંતરિક સંઘર્ષના કારણે અલગઅલગ સમયે કોલંબિયાથી કૅનેડામાં ઘણા બધા લોકોના આવવાની અને તાજેતરના સમયમાં આવી રહેલા વેનેઝુએલાના લોકો બાબતની સ્થિતિનાં કારણ આપે છે.

લૅટિન અમેરિકાના કેટલાક રૅફ્યૂજીઓએ કૅનેડા પહોંચ્યા પહેલાંથી યુએન રૅફ્યૂજી એજન્સી (યુએનએચસીઆર) મારફતે ઔપચારિક પ્રક્રિયા અનુસરી હતી.

તેમને થોડા મહિનાનો સમય લાગ્યો પરંતુ તેઓ દેશમાં કાયમી વસવાટના હકદાર તરીકે પહોંચ્યા.

જોકે, ઘણા લોકો આ દરજ્જા માટે બૉર્ડર પર પહોંચી જઈને ધરપકડ વહોરી લે છે. આવી જ વ્યક્તિઓની યાદીમાં કેવિન, એડુઆર્ડો અને ડાયના પણ છે.

તેઓ આ માર્ગ એટલા માટે અને ત્યારે અપનાવે છે જ્યારે તેમની પાસે વિઝા નથી હોતા. વર્ષ 2005થી કૅનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે "સેફ થર્ડ કન્ટ્રી" કરાર થયા છે, જે અંતર્ગત કેટલાક અપવાદોને બાદ કરતાં જેમણે અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સમાં શરણ માટે અરજી કરી હોય તેમને કૅનેડામાં પહોંચતાની સાથે જ શરણ માટે અરજી કરવાનો અધિકાર પ્રાપ્ત નથી.

પરંતુ આ કરારમાં એક કાયદાકીય છટકબારી પણ છે.

જે અંતર્ગત જો શરણ માગવા માટે આવતા લોકો ઔપચારિક ચેકપૉઇન્ટથી ન પહોંચે તો તેઓ કૅનેડામાં શરણ માટે અરજી કરી શકે છે. તેથી આ તમામ શરણાર્થીઓએ પણ રોક્સહામ રોડ પસંદ કર્યો હતો.

જે બાદ તેમની ઔપચારિકપણે ધરપકડ કરાઈ જે બાદ તેમણે શરણ માટેની અરજી કરી હતી.

માર્ચમાં કૅનેડા અને અમેરિકા બંને એ વાતે સંમત થયા હતા કે અનિયમિત જમીન કે જળસીમાએથી પ્રવેશવા માગતા લોકો પહોંચતાંની સાથે જ શરણ માટે અરજી નહીં કરી શકે.

હવેથી આવી વ્યક્તિએ દેશમાં પ્રવેશ કર્યા બાદ કૅનેડાની ઑથૉરિટીથી 14 દિવસ સુધી બચ્યા બાદ ઑફિશિયલ વિનંતી કરવાની રહેશે.

આના કરતાં પણ વધુ કઠોર સ્થિતિ તો દક્ષિણે એટલે કે અમેરિકા-મૅક્સિકોની બૉર્ડરે છે.

વર્ષ 2020થી અમેરિકાની સરકારે ભૂસીમાએથી દેશમાં આવતા માઇગ્રન્ટને રોકવા અને શરણ માટેની ઔપચારિક વિનંતી પર કડક પ્રતિબંધો લાદ્યા છે.

જે કોઈ આવી અરજી કરે તેમણે પહેલાં મૅક્સિકો રહેવું પડશે, જેના કારણે સીમાવર્તી શહેરોમાં તણાવ જોવા મળી રહ્યો છે. અગાઉ આ નિયમો કેવિન અને તેના કુટુંબીજનોની જેમ ક્યુબા, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોને લાગુ નહોતા પડતા, પરંતુ હવે આ તમામ દેશના લોકો પર પણ આ પ્રતિબંધો લાગુ કરાય છે. બીજી બાજુ જો આવા લોકો પાસે અમેરિકામાં આર્થિક સ્પૉન્સર હોય તો એવી સ્થિતિમાં તેમના માટે દેશમાં કાયદેસર રીતે પ્રવેશવાનો દ્વાર ખૂલી ગયો છે.

બીબીસી ગુજરાતી

કૅનેડા વિશે અફવા

મૉન્ટ્રિયાલ ખાતે ક્યુબેક વેલફેર ઑફિસો પૈકી એકમાં એલેક્સ અને ફેડરિકો

ઇમેજ સ્રોત, BBC WORLD

ઇમેજ કૅપ્શન, મૉન્ટ્રિયાલ ખાતે ક્યુબેક વેલફેર ઑફિસો પૈકી એકમાં એલેક્સ અને ફેડરિકો

અમેરિકા પહોંચવામાં સફળ રહેલા કેટલાક માઇગ્રન્ટ્સ ઉત્તર દિશામાં તેમનું નસીબ વધુ અજમાવવાનો નિર્ણય કરે છે.

એલેક્સ આક્ષેપ કરે છે કે દેશમાં પ્રવેશ કર્યા બાદ ટેક્સાસ પોલીસે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

તેમણે ચાર મહિના સુધી શિકાગોમાં કામ મળ્યું, ત્યાં તેમના અમુક મિત્રો હતા. પરંતુ શિયાળાના આગમન સાથે કામ ઘટી ગયું.

29 વર્ષીય મૂળ વેનેઝુએલાના યુવકે કહ્યું કે, “મેં એક અફવા સાંભળી જેમાં કૅનેડાના એક એવા રસ્તાની વાત કરાઈ હતી જ્યાંથી અમુક સમય બાદ લોકોને બધા દસ્તાવેજો અપાવાના હતા.”

હવે જ્યારે મૉન્ટ્રિયલમાં તેમને ઘણા મહિના થઈ ચૂક્યા છે અને તેમને એક કાયમી વસવાટ માટેનું સ્થળ મળી ગયું છે ત્યારે તેમને એ વાતની ખબર પડી છે કે ખરેખર કૅનેડાનો રસ્તો એ એટલો સરળ પણ નથી.

"તમે અહીં એક અફવાના કારણે આવ્યા, પરંતુ તમને અહીં પહોંચ્યા પછી ખબર પડે છે કે અહીં એવા પણ કેટલાક લોકો છે જેમને દસ્તાવેજો મેળવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો."

બીબીસી ગુજરાતી

જોકે, કૅનેડામાં શરણાર્થીઓ માટે એક નક્કર સપૉર્ટ પ્રોગ્રામ છે જે અંતર્ગત શરણાર્થીઓને તેઓ ત્યાં પહોંચે એ સમયથી જ સહાય મળવા લાગે છે.

પરંતુ આ પ્રક્રિયા ઝડપી કે સરળ નથી. અરજી ક્યારેક મહિના તો ક્યારેક વર્ષો પછી પણ નકારી શકાય છે.

અને આ સમયગાળામાં વહીવટી કારણોસર થતો વિલંબ ગણ્યો નથી.

હર્નાન્ડેઝ સમજાવે છે કે, "રૅફ્યૂજી કેસોના નિર્ણયની તપાસમાં ઘણો વિલંબ થતો હોય છે. તેનો અર્થ એ થયો કે શરણ માટે અરજી કરનારાએ તેમને પ્રૉટેક્ટેડ વ્યક્તિ તરીકે સ્વીકારાશે કે નહીં તે અંગેના નિર્ણય માટે બે કે ત્રણ વર્ષ રાહ જોવી પડશે."

તાત્કાલિક પડતી મુશ્કેલીઓમાંથી એક હાઉસિંગ પણ છે.

ઘણા શરણાર્થીઓ પાસે હંગામી ઓળખપત્ર અને સબસિડીની સુવિધા હોવા છતાં વિસ્તારમાં ભાડા એટલા વધી ગયા છે કે આ પાસું શરણાર્થીઓ માટે ખૂબ મુશ્કેલીભર્યું સાબિત થઈ રહ્યું છે.

ડાયનાને એક લૅટિન અમેરિકન મહિલાઓ માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થાએ રહેવા માટે ઍપાર્ટમૅન્ટની શોધ અને તેનું ફર્નિચર કરાવવા માટે મદદ કરી હતી.

ડાયના કહે છે કે, "આ બધું સરળ નથી. અહીં લોકો તમને ક્રૅડિટ હિસ્ટ્રી વિશે પૂછે છે. ભલામણો અને માસિક ડિપૉઝિટ માટે પણ કહેવામાં આવે છે."

"કેટલાક લોકો બૅન્ક સ્ટેટમૅન્ટ અને પગાર માટેના પુરાવા રજૂ કરવા કહે છે. આ બધી એવી વસ્તુઓ છે જે તમે આવો ત્યારે સ્વાભાવિક છે કે તમારી પાસે નહીં હોય."

જે લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ બધું વધારે કંટાળાજનક બની શકે છે.

અમેરિકાની માફક કૅનેડામાં દસ્તાવેજ વગર તેમને સારા પગારનું કામ નથી મળી શકતું.

સરકારી સહાય મળતી હોવા છતાં એ તેમના બૅઝિક ખર્ચાને પહોંચી વળવા માટે પૂરતી નથી હોતી.

યુનાઇટેડ સ્ટેટ્સની જેમ ‘અંડર ધ ટેબલ’ કામ કરવું કૅનેડામાં મુશ્કેલ હોય છે. તેનાં મુખ્ય કારણોમાં દેશનું ઇકૉનૉમિક સેટઅપ અને સાંસ્કૃતિક વિભિન્નતા સામેલ છે.

હર્નાન્ડેઝ સમજાવતાં કહે છે કે, "કૅનેડામાં નોકરીદાતા કેટલીક ચુકવણી રોકડમાં કરી શકે છે, પરંતુ તેમના પર સરકારી નિયંત્રણો ઘણાં હોય છે."

"ઉપરાંત એક નોકરીદાતા અને નોકરી કરનાર વ્યક્તિ તરીકે શું સાચું, શું ખોટું એ અંગે એ દેશમાં સાંસ્કૃતિક વિચારો છે."

મુશ્કેલ હોવા છતાં કૅનેડામાં પણ કેટલાક માઇગ્રન્ટ ગેરકાયદેસર રીતે કામ કરે છે.

અમેરિકાની જેમ જ આ લોકોને કૌશલ્યની જરૂરિયાત ન હોય તેવાં ક્ષેત્રોમાં રોજગાર મળે છે, તેમને કામના બદલામાં રોકડ રકમ ચૂકવાય છે. પરંતુ આવા લોકો ટૅક્સથી બચવા અને સબસિડી ગુમાવવાની બીકે આવી આવક વિશે સરકારને જણાવતાં નથી.

જો બધું કરતાં તેઓ પકડાય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, અમુક સંજોગોમાં આવી કાર્યવાહી તેમને તેમના મૂળ દેશ પરત મોકલવામાં પણ પરિણમી શકે છે.

બીબીસી ગુજરાતી

ફરી પાછા અમેરિકા

આ પડકારોને લીધે ઘણા શરણાર્થી પાછા અમેરિકા પણ જવા ઇચ્છે છે.

આ વર્ષે એક સ્થાનિક સમાચાર સંસ્થાએ શિયાળા દરમિયાન ઓન્ટારિયોથી બૉર્ડર ક્રૉસ કરવાનો પ્રયાસ કરનાર મૅક્સિકનના મૃત્યુના સમાચાર રિપોર્ટ કર્યા હતા.

તેમના સ્વજનોએ કહ્યું હતું કે જરૂરી ચીજવસ્તુઓનાં બિલ ભરવા માટે નાણાંના અભાવે તેઓ આ પ્રયાસ કરવા માટે તલપાપડ હતા.

તેમજ થોડા દિવસ પહેલાં જ અધિકારીઓને સેન્ટ લૉરેન્સ નદીમાંથી આઠ મૃતદેહો મળી આવ્યા.

નોંધનીય છે કે આ નદી મૉન્ટ્રિયલને એકદમ અડકીને વહે છે.

મૃતકોમાં રોમાનિયા અને ભારતના પરિવારના સભ્યો સામેલ હતા જેઓ અમેરિકા જવા માટે નદી પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

જાન્યુઆરીમાં યુએસ બૉર્ડર પેટ્રોલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેણે ઉત્તરથી દક્ષિણ તરફ પહોંચવાનો પ્રયાસ કરનાર 367 લોકોને ડિટેઇન કર્યા હતા.

નોંધનીય છે કે પાછલાં 12 વર્ષોમાં આ સંખ્યા સૌથી વધુ હતી.

લૅટિન અમેરિકામાંથી આવેલા લોકોમાંથી ઘણા કૅનેડાની પ્રક્રિયા અનુસરવા માટે સંયમ જાળવીને બેસવા પ્રતિબદ્ધ છે.

ડાયના કહે છે કે, "હું ફ્રેન્ચ ભણી રહી છું. તેમજ એક પ્રૉડક્ટિવ વ્યક્તિ તરીકેના મારા ટાઇટલને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છું. હું સરકારી સહાય પર જીવવા નથી માગતી."

"મને કૅનેડાએ મને અત્યાર સુધી જે આપ્યું છે હું તેનો બદલો ચૂકવવા માગીશ."

પરંતુ કેવિનનાં પત્નીની જેમ અમુક લોકો એવા પણ છે જેઓ અવઢવમાં છે કે કૅનેડામાં જ રહેવું કે ગેરકાયદે અમેરિકા પહોંચી જવું. કારણે પૈસા વગર તેઓ તેમના કુટુંબને મદદ નથી કરી શકતા.

તેઓ કહે છે કે, “"મારાં માતા વેનેઝુએલામાં છે. ત્યાં કોઈ કામ નથી. ભાગ્યશાળી વ્યક્તિ ત્યાં દર અઠવાડિયે દસ ડૉલર કમાવે છે."

"પરંતુ સામેની બાજુએ દર અઠવાડિયે બજારમાં થતો ખર્ચ લગભગ 200 ડૉલરની આસપાસ હોય છે. અમે મદદરૂપ થવા માગીએ છીએ."

કેવિન જણાવે છે કે તેઓ થોડી રાહ જોશે અને કૅનેડામાં પ્રક્રિયા કેટલી ઝડપથી આગળ વધી રહી છે તેનો અંદાજ મેળવવાનો પ્રયાસ કરશે.

આ પ્રક્રિયા થકી તેઓ પરિસ્થિતિના લાભાલાભ સમજવાનો પ્રયત્ન કરશે.

તેઓ કહે છે કે, "લોકો સાથેનું વર્તન, સુરક્ષા અને શાંતિ બાબતે કૅનેડા અતુલ્ય છે. પરંતુ અમેરિકન ડૉલરની સ્થિતિ વધુ શક્તિશાળી છે, ઉપરાંત અહીં લોકો પર ખૂબ જ ઊંચા દર ટૅક્સ લાદવામાં આવે છે."

(નોંધ : સુરક્ષાનાં કારણોસર તમામ શરણાર્થીનાં નામ બદલ્યાં છે)

રેડ લાઇન
રેડ લાઇન