ગુજરાતથી દોઢ કરોડ સુધી ખર્ચી 'ગેરકાયદે' અમેરિકા જવા નીકળેલા મુસાફરોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતથી અમેરિકા જવા માગતા અને ફ્રાન્સથી પાછા ફરેલા ભારતના 276 મુસાફરો પૈકી ગુજરાતના 21 મુસાફરોની પુષ્ટિ થઈ છે.
પોલીસને આશા છે કે આ લોકોની પૂછપરછ દરમિયાન રાજ્યભરમાં ચાલતા કબૂતરબાજીના રૅકેટનો પર્દાફાશ થઈ શકશે અને હજી સુધી જે લોકોનાં નામ બહાર નથી આવ્યાં તેવા મોટા એજન્ટ્સ પણ બહાર આવશે.
જોકે આ તમામ લોકોને પોલીસ ‘સાક્ષી’ તરીકે જોઈ રહી છે. છેલ્લા બે દિવસથી ચાલતી 21 લોકોની પૂછપરછ દરમિયાન ગુજરાત પોલીસને આ નેટવર્ક વિશે અનેક નવી માહિતી મળી છે, જેમાં નવા એજન્ટ્સ તેમજ નવા નેટવર્કની માહિતી પણ મળી રહી છે.
કુલ 301 પેસેન્જરના વિમાનના પ્રથમ રાઉન્ડમાં આ 21 લોકો પરત ફર્યા છે, જ્યારે બીજા 54 લોકો ગુરુવારના રોજ મુંબઈ ઍરપૉર્ટ પર પહોંચશે.
પોલીસને હજી સુધી ખબર નથી કે તેમાંથી ગુજરાતના કેટલા પેસેન્જર છે. જોકે પેસેન્જરના પાસપોર્ટ નંબર અને તેમનાં નામ થકી પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમાંથી ગુજરાતના લોકો કેટલા છે.
26 ડિસેમ્બર, મંગળવારે ફ્રાન્સથી લિજેન્ડ ઍરલાઇન્સની ફ્લાઇટ મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ઉપર ઊતરી, જેમાં 276 મુસાફરો હતા. બે સગીર સહિત 25 મુસાફરો ફ્રાન્સમાં રોકાઈ ગયા હતા, જ્યાં તેમણે રાજ્યાશ્રયની માગણી કરી છે.
તા. 21મી ડિસેમ્બરે ફ્રાન્સના કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ ખાતે રિફ્યૂલિંગ માટે રોકાયું હતું. ફ્રાન્સના અધિકારીઓને આ વિમાન મારફત માનવતસ્કરી થઈ રહી હોવાની 'ગુપ્ત બાતમી' મળી હતી, જેના આધારે વિમાનને અટકાવવામાં આવ્યું હતું.
કથિત રીતે આ મુસાફરો મધ્ય અમેરિકાના નિકારાગુઆની સરહદેથી કૅનેડા કે અમેરિકામાં પ્રવેશવાના હતા. તાજેતરનાં વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા માટે નિકારાગુઆનો રૂટ પ્રચલિત બની રહ્યો છે..
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
21 લોકોની તપાસમાં શું બહાર આવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
ફ્રાન્સ સરકાર દ્વારા અટકાવવામાં આવેલી આ ફ્લાઇટમાં ગુજરાતના પેસેન્જર તે પ્લેનમાં કેવી રીતે પહોંચ્યા અને કયા એજન્ટે તેમને મદદ કરી હતી, તે સંદર્ભે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. જોકે આ અંગે સચોટ માહિતી માટે રાહ જોવી પડશે.
પોલીસને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં સક્રિય એવા વિવિધ એજન્ટ્સનું જે નેટવર્ક છે, તેનાથી આ નેટવર્ક અલગ નથી. "અમારે ફક્ત કડી જોડવાની છે, જે જલદી થઈ જશે."

એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે નિકારાગુઆનો રૂટ નવો નથી, કારણ કે વર્ષોથી આ રૂટનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ આવું પહેલી વખત થયું છે કે આ રૂટ પર જતા આટલી મોટી સંખ્યામાં લોકોને રોકવામાં આવ્યા હોય."
આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત પોલીસના અધિકારીઓ સાથે વાત કરી હતી.
આ કેસની તપાસ કરી રહેલા સીઆઇડી (ક્રાઇમ)ના ડીઆઇજી સંજય કરાટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "હાલમાં અમને અમુક એજન્ટનાં નામ અને તેમનાં નેટવર્ક વિશે જાણકારી મળી છે, પરંતુ તેમના વિશે કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે. અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ 21 લોકો કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યા, તે માટે કેટલો ખર્ચ કર્યો અને એ એજન્ટોએ શું કોઈ બીજા લોકોને પણ આવી રીતે ફસાવ્યા છે કે કેમ?"
ફ્રાન્સથી પરત આવેલા વિમાનના પેસેન્જરની માહિતીને આધારે હજી સુધી કોઈ પણ ઔપચારિક રીતે ફરિયાદ નોંધાઈ નથી.
તેમણે ઉમેર્યં કે "તમામ લોકોની પૂછપરછ પૂર્ણ થઈ જાય ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે."
કોણ છે પરત ફરેલા લોકો?

ઇમેજ સ્રોત, ANI
પરત ફરેલા 21 લોકો વિવિધ ડૉક્યુમૅન્ટને આધારે, પાસપોર્ટ બનાવીને એજન્ટના સંપર્કમાં આવ્યા હતા અને તેમને અહીંથી પહેલા દુબઈ અને ત્યાર બાદ નિકારાગુઆ અને ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલવાનો પ્લાન હતો.
આ લોકો મોટા ભાગે માણસા-ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને આણંદના વતની છે. આ તમામ 21 લોકોમાં કોઈ એક જ પરિવારના ઘણા લોકો હોય તેવું જાણવા મળ્યું નથી.

હાલમાં પોલીસ તેમના ડૉક્યુમૅન્ટ્સ વગેરેની પણ તપાસ કરી રહી છે.
સીઆઇડી (ક્રાઇમ)ના ડીઆઇજી સંજય કરાટે કહ્યું, "જો અમને જાણવા મળશે કે તેમણે કોઈ ખોટા દસ્તાવેજો બનાવ્યા છે, તો તેમની સામે ફરિયાદ થશે અને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે સરકારી ખોટા દસ્તાવેજો (જેમ કે માર્કશીટ વગેરે) બનાવવા અને તેને સાચા તરીકે પ્રસ્તુત કરવા તે ગુનો બને છે."
ગુજરાતથી અમેરિકા પહોંચવાનો કેટલો ખર્ચ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વિશે બીબીસી ગુજરાતીએ પોલીસ અધીકારીઓ સાથે વાત કરી. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે સામાન્ય રીતે આ પ્રકારના 'ડન્કી રૂટ' થકી અમેરિકા પહોંચવા માટે લોકો એક વ્યક્તિના 60 લાખ સુધી ખર્ચી દેતા હોય છે.
વાયા દુબઈ થઈ એક પ્રાઇવેટ વિમાનમાં અમેરિકા પહોંચવા માટે આ લોકોએ કેટલો ખર્ચ કર્યો છે તે વિશે સીઆઇડી ક્રાઇમે તેમની પૂછપરછ કરી હતી.
આ વિશે કરાટે કહ્યું કે, "એમ તો કોઈ એક ચોક્કસ આંકડો નથી પણ રૂપિયા 40 લાખથી 1.5 કરોડ સુધીનો ખર્ચ કરીને તેઓ ત્યાં સુધી પહોંચવાના હતા."
પોલીસની આગળની તપાસ અંગે કરાટે કહ્યું કે, "હાલમાં પોલીસે આ તમામ લોકોનાં નિવેદન નોંધ્યાં છે. જો અમને કોઈની ઉપર શંકા જશે કે તેઓ પોતે કોઈ એજન્ટ કે સબ-એજન્ટ છે, તો તેવા લોકોની સામે અમે કાર્યવાહી કરીશું, નહીંતર તમામ લોકોને સાક્ષી તરીકે જ ગણવામાં આવશે."
આ 21 લોકોની પૂછપરછ બાદ પોલીસને જે એજન્ટનાં નામ જાણવા મળ્યાં છે તે એજન્ટ એક કે બીજી રીતે આ પ્રકારના જૂના ગુનામાં સંકળાયેલા છે. એટલે કે ગુજરાતમાં કાર્યરત એજન્ટ્સનું જે નેટવર્ક છે તેના થકી જ આ તમામ લોકો અહીંથી ફ્રાન્સ સુધી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું, "હાલમાં કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત જરૂર છે કે આ નેટવર્કના તાર જૂના કેસના આરોપીઓ સુધી જઈ શકે છે."
ગુજરાતથી ગેરકાયદે વિદેશ જવાના કિસ્સા

ઇમેજ સ્રોત, KARTIK JANI
ફેબ્રુઆરી 2023માં પ્રવીણ ચૌધરી, તેમનાં પત્ની દક્ષા ચૌધરી અને બાળકો (મીત તેમજ વિધિ) 'ડન્કી રૂટ'થી અમેરિકા ગયાં હતાં, પરંતુ તેમની નાવ નદીમાં ડૂબી જતાં આ પરિવારનું મૃત્યુ થયું હતું.
આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ પરિવારે વ્યક્તિ દીઠ રૂપિયા 60 લાખ ખર્ચ કરીને અમેરિકા પહોંચવાનો સોદો કર્યો હતો. પ્રવીણભાઈની સાથે અમેરિકા ગયેલા વર્શીલ ધોબીની માહિતી આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી અને યોગેશ પટેલ, ભાવેશ પટેલ અને દશરથ ચૌધરી નામના લોકોની ધરપકડ કરી હતી.
પ્રવીણભાઈના પરિવારના મૃત્યુ પહેલાં કલોલના ડીંગુચા ગામનો પરિવાર (જગદીશ પટેલ, વૈશાલી પટેલ અને બે બાળકો) માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં કૅનેડાથી અમેરિકાની બૉર્ડરમાં પ્રવેશવતા જતાં મોતને ભેટ્યો હતો.
આ કેસની તપાસ મહેસાણાના વીસનગરના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે કરી હતી. તેઓ કહે છે કે, "આ કેસમાં ત્રણ એજન્ટથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ચાર્જશીટ હજી થઈ નથી."
કબૂતરબાજીના નેટવર્ક સાથે જોડાયેલા વિઝા કન્સલ્ટિંગ એજન્સી વિરુદ્ધ પોલીસને ફરિયાદ મળી હતી. સીઆઇડી ક્રાઇમે રાજ્યભરમાં 17 સ્થળોએ પર વિઝા કન્સલ્ટિંગ એજન્સીઓ પર રેડ કરી હતી. છેલ્લા અમુક દિવસોમાં થયેલી આ રેડ દરમિયાન FIR કરીને ખોટા દસ્તાવેજો બનાવતા એજન્ટ્સને પકડ્યા છે.
જોકે હાલમાં તો આ એજન્ટનો ફ્રાન્સની ફ્લાઇટ સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં તે સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઇના એક રિપોર્ટ પ્રમાણે સીઆઈડી ક્રાઇમે 17 વિઝા કન્સલ્ટન્સી કંપની પર રેડ પાડીને 79 જેટલી નકલી માર્કશીટ, તેમજ પાસપૉર્ટ અને પાસપૉર્ટની કૉપીને જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં એટલે કે ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકર્ડ 96 હજાર 917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા છે.
સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગે જાહેર કરેલા તાજા આંકડાઓમાં આ વાત સામે આવી છે.
એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતા ભારતીયોમાં સતત વધારો થઈ રહ્યો છે.
2020-21માં આ આંકડો 30,662 હતો જ્યારે 2021-22માં એ આંકડો 63,927 હતો.
આ 97 હજાર ભારતીયોમાં મોટા ભાગના લોકો ગુજરાત અને પંજાબના છે એ પણ સામે આવ્યું છે.














