ગુજરાતમાંથી લાખો ખર્ચીને અમેરિકા જવા નીકળેલા નવ લોકો ક્યાં ગાયબ થઈ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"એક વર્ષથી વધુ થવા આવ્યો પણ અમારા ભાઈનો કોઈ પત્તો નથી. જ્યારથી મારા ભાઈનો સંપર્ક તૂટ્યો છે ત્યારથી અમારે દિવસ જાય તો રાત જતી નથી."
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વાઘપુરા ગામના વતની શૈલેશ દેસાઈ અને તેમનો પરિવાર 35 વર્ષીય ભાઈ ભરત દેસાઈના સમાચારની રાહ છેલ્લા અનેક મહિનાથી રાહ જોઈ રહ્યો છે.
શૈલેશભાઈ કહે છે કે, "અમે તે પરત ફરે તે માટે બાધાઓ રાખી છે. એક જ પ્રાથના છે કે તે જ્યાં હોય ત્યાં સલામત હોય. મારા ભાઈનાં ત્રણ બાળકો રોજ પૂછે છે, 'પપ્પા ક્યારે આવશે?' જેનો અમારી પાસે પણ જવાબ નથી."
"ભરતભાઈનો સંપર્ક ન થતાં અમે એજન્ટનો સંપર્ક કર્યો હતો પણ એજન્ટ અલગ-અલગ વાતો કરે છે. મારા ભાઈનાં પત્ની ચેતનાબહેને 12 જુલાઈ, 2023ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી."
ભરત દેસાઈ મનમાં 'અમેરિકન ડ્રીમ' લઈને ઉત્તર ગુજરાતના વાઘપુરા ગામથી નીકળ્યા હતા. ભરત દેસાઈની સાથે ગુજરાતના જુદા-જુદા જિલ્લાની બે મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ લાપતા છે.
તેમનો છેલ્લો સંપર્ક 2023 ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં થયો હતો અને ત્યાર પછી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
આ લોકો ઉત્તર ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓના પોતાના વતનથી અમેરિકા જવા નીકળ્યા હતા.
જેઓ પહેલાં નેધરલૅન્ડ્ઝ પછી ડૉમેનિકન રિપબ્લિકના સત્તાવાર વિઝા લઈને પછી અમેરિકામાં વર્ક પરમિટ મેળવવાના સપના સાથે નીકળ્યા હતા પણ ડૉમેનિકન રિપબ્લિક પછી કૅરેબિયન દેશો થઈને અમેરિકા પહોંચે તે પહેલાં તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તમામ ગુમ થયેલ વ્યક્તિઓના પરિવારજનોએ તેમનો સંપર્ક થાય તે માટે વારંવાર એજન્ટોનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનું કહેવું છે કે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ છે.
પોતાના સ્વજનોનો પત્તો મેળવવા પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી પણ દાખલ કરી હતી. આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ રહી છે.
પીડિત પરિવારોના વકીલે આ મામલો કોર્ટમાં હોવાથી કોઈ ટિપ્પણી કરવાની ના પડી હતી.
જોકે પોલીસ અનુસાર આ મામલામાં અત્યાર સુધીમાં બે આરોપી એજન્ટ દિવ્યેશ ઉર્ફે જૉની પટેલ અને ચતુર પટેલની ધરપકડ કરવામાં આવી હતી પછી તેમને જામીન મળી ગયા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં શું કાર્યવાહી થઈ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત હાઇકોર્ટમાં 14 ડિસેમ્બર, 2023ના દિવસે થયેલી સુનાવણી દરમિયાન ભારત સરકારના વિદેશ મંત્રાલયે જવાબ રજૂ કર્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે અદાલતમાં જણાવ્યું એ મુજબ કૅરેબિયન દેશોમાં આવેલી ભારતની વિવિધ ઍમ્બેસીએ ગુજરાતમાંથી ગુમ થયેલી આ નવ વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
પ્રાંતિજના વાઘપુરાના ભરત દેસાઈ જે લાપતા વ્યક્તિઓમાં સામેલ છે, તેમના પિતરાઈ ભાઈ શૈલેશ દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "મારો ભાઈ ભરત દેસાઇ 8 જાન્યુઆરીએ અમારા ગામથી અમેરિકા જવા નીકળ્યો હતો ત્યારબાદ તેઓ તારીખ ચાર ફેબ્રુઆરી 2023ના દિવસે નેધરલૅન્ડ્સ થઈ ડૉમિનિકન રિપબ્લિકમાં પહોંચ્યા હતા."
"તેમની સાથે તારીખ ચાર ફેબ્રુઆરીએ છેલ્લી વાત થઈ હતી ત્યારબાદ તેમની સાથે વાત થઈ નથી. તેમની સાથે સંપર્ક થયો નથી. એક વર્ષ જેટલો સમય થવા આવ્યો પણ અમારા ભાઈનો કોઈ પત્તો નથી. આ અંગે ગુમ થયેલા ભરતનાં પત્ની ચેતનાબહેન દેસાઈએ 12 જુલાઈ 2023ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી."
શૈલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "ભરતભાઈ 10 ધોરણ સુધી ભણેલા હતા. તેઓ ગામમાં ખેતીવાડી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા હતા. તેમના કોઈ મિત્ર મારફતે તેઓ એજન્ટ દિવ્યેશભાઈના સંપર્કમાં આવ્યા હતા. દિવ્યેશે તેમને અમેરિકામાં વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી. જેથી તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. હાલ તેમના ઘર અને પરિવારજનોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમનાં પત્ની અને બાળકો આર્થિક અને માનસિક રીતે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે."
"ભરતભાઈએ સંબંધીઓ પાસેથી 20 લાખ રૂપિયા ઊછીના લઈને એજન્ટને આપ્યા હતા. તેમજ બાકીના 50 લાખ ત્યાં પહોચ્યા બાદ આપવાના હતા. પોલીસ ફરિયાદ થયા બાદ પણ હજુ અમને તેમની કોઈ ખબર મળી નથી. હવે કોર્ટ પર અમને આશા છે કે કોઈ સારા સમાચાર આવશે."
ભાઈનો પત્તો મેળવવા સુનીલભાઈએ કેવા પ્રયાસો કર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
મહેસાણા તાલુકાના હેડુવા ગામના વતની અને અમેરિકા જતા લાપતા થયેલા લોકોમાં સામેલ સુધીર પટેલના નાના ભાઈ સુનીલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "મારા ભાઈ સાથે મારે છેલ્લે પાંચ ફેબ્રુઆરી 2023ના રોજ રાતે એક વાગ્યાની આસપાસ વાત થઈ હતી ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થયો નથી."
"એજન્ટે મારા ભાઈને કહ્યું હતું કે, તેમને અમેરિકામાં વર્ક પરમિટ આપીને લઈ જવાશે. આ ઘટના બાદ અમને જાણ થઈ કે મારા ભાઈને ગેરકાયદેસર લઈ જવામાં આવી રહ્યા છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "મારો ભાઈએ બીએસસી કૅમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. અમારી મહેસાણા હાઇવે પર હોટલ છે. આ હોટલ મારો ભાઈ અને પપ્પા સાંભળતા હતા. મારા ભાઈના ગયા બાદ હાલ હું હોટલ સંભાળું છું. મારા ભાઈના ગયા બાદ ઘર, સમાજ અને હોટેલ બધી જ જવાબદારી મારા માથે આવી છે. મારા ભાઈ સાથે જ્યારથી સંપર્ક થઈ રહ્યો નથી ત્યારથી મારાં મમ્મી ખૂબ જ રડ્યા કરે છે."
"ચિંતાના કારણે તેઓ બીમાર રહે છે. મારાં મમ્મીની જિંદગી જ થંભી ગઈ હોય એવું છે. એ સતત કહ્યાં કરે છે કે, 'મને મારા દીકરા સાથે વાત કરાવો.' આપણાં દેશમાં ક્યાંય ગુમ થયા હોય તો આપણે બધું કામ પડતું મૂકીને ગમે તેટલા પૈસા થાય તો પણ શોધી આવીએ. આપણને ખબર હોય કે ક્યાં છે તો ઘરે ઘરે જઈને શોધીએ પણ આ તો આપણે અંધારામાં હાથપગ મારવા જેવી સ્થિતિ છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "અમારા એજન્ટ આ બાબતે અમને ખોટા જવાબો આપી રહ્યા હતા. પહેલાં અમને કહ્યું કે તેઓ જેલમાં છે પરંતુ બાદમાં અમને જાણ થઈ કે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા હતા."
દીકરી સાથે સંપર્ક ના થતાં પિતા ચિંતિત

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામના વતની અને ગુમ થયેલાં અવનીબહેનના પિતા જીતેન્દ્રભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારી દીકરીએ બીસીએનો અભ્યાસ અમદાવાદની જી. જે. કૉલેજમાંથી કર્યો હતો. મારી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેમજ તે શૅરબજારની એક ફર્મમાં નોકરી પણ કરતી હતી. તે સારું કમાતી હતી પણ ખબર નહીં કેમ તેના અમેરિકા જવાનું ભૂત સવાર થયું."
વધુમાં તેઓ કહે છે, "મારી દીકરી સાથે મારે છેલ્લે ચાર ફેબ્રુઆરી 2023ના રોજ વાત થઈ હતી. હાલ હાઇકોર્ટમાં પીઆઈએલ ચાલી રહી છે. દરેક તારીખે અમને કંઈ સારા સમાચાર મળશે તેની આશા રાખીએ છીએ પણ અમારી આશા પર પાણી ફરી વળે છે."
આગળ વાત કરતાં તેઓ કહે છે, "આપણાં દેશમાં નોકરીઓની સુરક્ષા નથી. સરકારના નિયમ મુજબ વેતન પણ મળતું નથી. કામના કલાકો વધુ અને પગાર ઓછો છે. જેથી યુવાનોને પશ્ચિમના દેશોમાં જવાનું વળગણ થયું છે."
જિતેન્દ્ર પટેલ કહે છે, "અમારાં આસપાસનાં ગામોમાં વિદેશમાં જવાની ઘેલછા ખૂબ જ છે. દર ત્રીજા દિવસે પાંચ લોકો જતા હશે. દરેક ઘરની એક વ્યક્તિ વિદેશમાં છે. હવે નવી જનરેશન ભણવાના વિઝા પર જાય છે."
દીકરીને મળવા આતુર પિતા વિહ્વળ હૃદય સાથે બોલી ઊઠે છે, "મારી દીકરી ખૂબ જ બોલકી અને સરળ સ્વભાવની હતી. અમારે દિવસ જાય તો રાત નીકળતી નથી. શું કરીએ અને ક્યાં જઈને શોધીએ તો મળી જાય એમ રોજ વિચારીએ છીએ."
અમદાવાદ શહેરના વતની અને ગુમ થયેલા નિખિલ પટેલના ભાઈ કેતનભાઈનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતુ, "આ અંગે હવે કહેવા માટે કશું નથી."
તેમણે વધુ વાત કરવાનું ટાળ્યું હતું.
કોણ છે લાપતા?
ગાંધીનગરના નારદીપુર ગામના વતની ધ્રુવરાજસિંહના પિતા બળવંતસિંહએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા દીકરા સાથે મારે બીજી ફેબ્રુઆરી, 2023ના રોજ છેલ્લે વાત થઈ હતી. મારે એક દીકરી અને બે દીકરા એમ ત્રણ બાળકો છે."
"મારે ઘરે ત્રણ વીઘા જમીન છે. હું ખેતી કરું છું. ધ્રુવ બીજા નંબરનો દીકરો છે. એ પોતાની જિંદગી બનાવવા અમેરિકા જવા માગતો હતો. અમારા ઘરે એને મોકલવાનો કોઈ ઇરાદો ન હતો પણ એ જવા માગતો હતો એટલે અમે તેને મંજૂરી આપી હતી."
આ સમગ્ર ઘટનામાં પીડિત પરિવારોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને વિદેશની ધરતી ઉપર ગુમ નવ લોકોના જીવ બચાવવા માટે ઑથોરિટીઓને જરૂરી આદેશ આપવા દાદ માગી છે.
લાપતા વ્યક્તિઓ
1. પ્રાંતિજના વાઘપુરના ભરત દેસાઈ
2. ગાંધીનગરના કલોલના અંકિત કાંતિ પટેલ
3. મહેસાણાના આબલિયાસણના કિરણકુમાર તુલસી પટેલ
4. ગાંધીનગરના સરઢવના અવની જિતેન્દ્રકુમાર પટેલ
5. મહેસાણાના હેડુવાના સુધીરકુમાર હસમુખ પટેલ
6. નડિયાદના ઉત્તરસંડાના પ્રતીકભાઈ હેમંત પટેલ
7. મહેસાણાના સિપોરના નિખીલકુમાર પ્રહલાદ પટેલ
8. મહેસાણાના આબલિયાસણના ચંપા ફતેસિંહ વસાવા
9. ગાંધીનગરના નારદીપુરના ધ્રુવરાજસિંહ બલવંતસિંહ
હાઇકોર્ટમાં ફરિયાદ પછી કેવા જવાબો મળ્યા છે?
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલીજાહેર હિતની અરજીમાં આપેલી માહિતી મુજબ તારીખ આઠ જાન્યુઆરી 2023ના દિવસે ગુજરાતના નવ લોકો અમદાવાદ ઍરપોર્ટથી મુંબઈ જવા નીકળ્યા હતા. આ તમામ નવ લોકો ભેગા હતા.
મુંબઈથી તેઓ નેધરલેન્ડ્સ ગયા હતા. ત્યાંથી તેઓ ડૉમિનિકન રિપબ્લિક ગયા હતા પછી અહીં થોડા દિવસ રોકાયા હતા.
અહીંથી પછી ઍન્ટિગુઆ જવા નીકળ્યા હતા.
ફેબ્રુઆરીમાં છેલ્લી વખત પરિવારજનોનો આ લોકો સાથે સંપર્ક થયો ત્યાર બાદ 12 જુલાઈ 2023ના દિવસે પીડિત ભરત દેસાઈનાં પત્ની ચેતનાએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એજન્ટોની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી હતી.
આ સિવાય 15 જુલાઈ 2023ના દિવસે પીડિત સુધીર પટેલના ભાઈ સુનિલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં એજન્ટો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
22 જુલાઈ 2023 પીડિત પરિવારોની લીગલ ટીમે ડૉમિનિકન રિપબ્લિક ખાતેના ભારતીય ઍમ્બેસેડરને પત્ર લખી પીડિતો વિશે માહિતી મેળવવાની કવાયત કરી હતી.
જેમાં 26 જુલાઈ 2023 ડૉમિનિકન રિપબ્લિક સરકારે આ અંગે માહિતી ન હોવાનું જણાવ્યું હતી. આ પછી પીડિત પરિવારની લીગલ ટીમે ત્રીજી ઑગસ્ટ, 2023ના ફ્રાન્સ અને અમેરિકામાં ભારતીય રાજદૂતને 9 વ્યક્તિઓ ગુમ થયા અંગે જાણ કરી હતી.
જેઓની શોધખોળ કરવા અંગે મદદ માગી હતી પણ ભારતીય દૂતાવાસે ફ્રાન્સના સત્તાધીશોને આ પીડિતો તમારી જેલમાં હોય, રેફ્યુજી કૅમ્પમાં હોય અથવા કોઈ સ્થળે ગેરકાયદેસર પકડી રાખ્યા તો જાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.
જોકે, ફ્રાન્સ સરકારે ભારતીય દૂતાવાસને એવી માહિતી આપી હતી કે, પીડિતો ગુઆડેલુપ અને માર્ટિનીક આ બે સ્થળે હોય તો તે અંગે ધ્યાન આપવા લોકલ ગર્વનન્સના સંપર્કમાં છે.
જનહિત અરજી મુજબ, આ પછી પીડિત પરિવાર પૈકીના એક પરિવારની લીગલ ટીમે એવું ધ્યાન દોર્યું હતું કે, ગુઆડેલુપ ખાતે જેલમાં રાખ્યા હોવાની તેઓને માહિતી મળી રહી છે. જેથી ત્યાં સંપર્ક કરતા આ બાબતને સમર્થન અંગે કોઈ વિગતો મળી નથી.
પતિને શોધતા ચેતનાબહેન શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પીડિત ચેતનાબહેન દેસાઈએ 12 જુલાઈ, 2023ના દિવસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, "સાતેક મહિના પહેલાં અમારા ઘરે દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ આવ્યા હતા."
"તેમના ગયા પછી તેમના પતિ ભરત દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ તેમને વિઝા ઉપર અમેરિકા લઈ જવાના છે. જેનો ખર્ચ 70 લાખ રૂપિયા થશે."
"સગાસંબધીઓ પાસેથી ઊછીના લઈને 20 લાખ રૂપિયા દિવ્યેશભાઈને આપેલા છે."
"આઠ જાન્યુઆરી 2023ના દિવસની મારા પતિની ટિકિટ આવી હતી. "
"આ પછી મારા પતિને તેમના બે ભાઈઓ અમદાવાદ ઍરપૉર્ટ ઉપર મૂકવા ગયા હતા. જ્યાં તેઓને એજન્ટ દિવ્યેશ પણ મળ્યા હતા.
"મારા પતિ ભરત દેસાઈ અમદાવાદથી મુંબઈ ગયા હતા જ્યાં તેઓ મુંબઈથી નેધરલેન્ડ્સ જવાના છે તેવું તેમણે કહ્યું હતું."
"તેઓ બીજા દિવસે ચાર વાગે નેધરલેન્ડ્સના ઍમ્સટરડેમ પહોંચી ગયા હતા તેમણે ફોન ઉપર માહિતી આપી હતી પછી તેઓ ચાર પાંચ દિવસ રોકાઈને સ્પેન જવાના છે તેવી માહિતી આપી હતી."
"આ પછી તેઓ પોર્ટ ઑફ સ્પેન પહોંચ્યા હતા. તેમણે સ્પેન 15 દિવસ રોકાયા બાદ ડૉમેનિકા જવાનું છે તેવું જણાવેલું હતુ. મારા પતિ ડોમેનિકન રિપબ્લિક પહોંચ્યા હતા જ્યાં 15 દિવસ રોકાયા હતા તે દરમિયાન તેમની સાથે રોજ વાત થતી હતી."
"ચોથી ફેબ્રુઆરી, 2023 પછી મારા પતિ સાથે વાત થયેલી નથી."
"આ પછી મારા સંબધીઓને એજન્ટ દિવ્યેશ સાથે મળવા મોકલ્યા હતા તો તેમણે અન્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી સાથે મુલાકાત કરાવી હતી."
"ત્યાં તેમણે એવી માહિતી આપી હતી કે ભરત દેસાઈ હાલ માર્ટિનીક ખાતે છે."
"તેમની સાથે બીજા માણસો પણ છે તેઓ 15 દિવસમાં અમેરિકા પહોંચી જશે પછી તેમની સાથે વાત કરાવશે તેવો દિલાસો આપ્યો હતો."
"જોકે, સાતેક મહિના થયા પણ મારા પતિ સાથે કોઈ સંપર્ક કરાવ્યો નથી. જેથી આ એજન્ટો દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે."
કોણ છે એજન્ટ અને કોની સામે ફરિયાદ નોંધાઈ?
આ સિવાય તા.14 જુલાઈ 2023ના રોજ સુનીલ પટેલે તેના મોટા ભાઈ સુધીર પટેલને અમેરિકા મોકલવાના નામે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ મહેસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
જેમાં પણ દિવ્યેશ ઉર્ફે જૉની પટેલે 75 લાખ રૂપિયામાં સત્તાવાર રીતે અમેરિકા લઈ જવાનું કહી પહેલાં ઍડવાન્સમાં 10 લાખ રૂપિયા લીધા અને બાકીના રૂપિયા અમેરિકા પહોંચ્યા બાદ આપવાના નામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ગુમ થનાર ભરત દેસાઈ અંગેની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગેની તપાસ હાલ સાબરકાંઠા એસઓજી ટીમ કરી રહી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપી દિવ્યેશ ઉર્ફે જૉની પટેલ અને ચતુર પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરવામાં આવેલા બંને આરોપી હાલ જામીન પર છે અને બાકીના ત્રણ આરોપી વૉન્ટેડ છે. વોન્ટેડ આરોપીઓ અમેરિકા ભાગી ગયા હોવાની આશંકા છે.
ત્રણ એજન્ટો દિવ્યેશ પટેલ ઉર્ફે જૉની, શૈલેશ પટેલ અને મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વૉન્ટેડ આરોપીઓમાં મહેન્દ્ર ઉર્ફે એમડી પટેલ, ધવલ પટેલ અને વિજય પટેલનો સમાવેશ થાય છે.













