અમેરિકા જતા ગુજરાતી દંપતીએ '1.15 કરોડમાં સોદો' કર્યો, અપહરણ બાદ કેવી રીતે છૂટ્યાં હતાં?

ઇમેજ સ્રોત, BANKIM PATEL
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
અમેરિકામાંથી ગેરકાયદે પ્રવાસીઓને ભારત પાછા મોકલાઈ રહ્યા છે. આ લોકોમાં અત્યાર સુધીમાં 70થી વધુ ગુજરાતીઓને પાછા મોકલ્યા છે. આ ઘટનાક્રમ બાદ ગુજરાતીઓના અમેરિકા જવા પર ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતમાંથી 'ગેરકાયદે' અમેરિકા જવા માગતા લોકોને કેવું વેઠવું પડે છે તેનો એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. યેનકેન પ્રકારે અમેરિકા જવા માગતા અમદાવાદના એક દંપતીને ઈરાનમાં બંદી બનાવવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી.
જોકે, ગુજરાત સરકાર અને ઈરાનસ્થિત ભારતીય દૂતાવાસની કચેરીની મદદથી તથા પોલીસના પ્રયાસોને કારણે આખરે દંપતીનો છુટકારો થયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ દંપતી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા માગતું હતું. આ દંપતી હવે ઈરાન પહોંચી ગયું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે આ દંપતીને કોઈ એજન્ટે બંદી બનાવ્યું હતું અને તેને છોડવા માટે ખંડણી માગી હતી તથા તેમને પ્રતાડિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર આ દંપતીને છોડવા માટે ત્વરિત ખંડણી વસૂલવા પુરુષના પીઠમાં બ્લેડના ચીરા મારીને તેનો વીડિયો બનાવીને પરિવારને મોકલવામાં આવ્યો હતો. તદુપરાંત અપહ્યત પરિણીતાનો પણ અભદ્ર વીડિયો બનાવવાની ધમકી આપી હતી.

અમેરિકામાં ઘૂસવા માટે 1.15 કરોડ રૂપિયામાં થયો સોદો

ઇમેજ સ્રોત, BANKIM PATEL
પોલીસ ફરિયાદ પ્રમાણે અમદાવાદમાં રહેતા પંકજ પટેલ અને તેમનાં પત્ની નિશા પટેલને અમેરિકા જવું હતું. તેઓ બંને આ માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલ મારફતે હૈદરાબાદના કોઈ એજન્ટ શકીલના સંપર્કમાં આવ્યા હતા. શકીલ નામના આ એજન્ટે તેમને કહ્યું હતું કે પહેલાં ઈરાન જવું પડશે અને ત્યાંથી અમેરિકા જવાશે.
હૈદરાબાદના આ એજન્ટે તેમને ઈરાન મોકવાની વ્યવસ્થા કરી. બંનેને અમેરિકા મોકલવા પેટે એજન્ટે 1.15 કરોડ રૂપિયાનો સોદો કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંકજ અને નિશા બંને તારીખ 7-06-23ના રોજ હૈદરાબાદ ખાતે આવેલા ઈરાનના દૂતાવાસમાં વિઝા માટે ગયાં. દૂતાવાસે કહ્યું સાંજ સુધીમાં જવાબ આપશે.
પરંતુ એજન્ટનો ફોન આવ્યો અને કહ્યું કે તેમની 12-06-23ના રોજ ઈરાન ખાતેની ફ્લાઇટ છે. શકીલે વાત કરતા કહ્યું કે તેમની સાથે અન્ય એજન્ટ મુનીરુદ્દીન સિદ્દિકી પણ રહેશે. ઈરાન ખાતેની ફ્લાઈટનો દુબઈ ખાતે પાંચ કલાકનો હોલ્ટ હતો.
પંકજ અને નિશા બંને દુબઈ પહોંચ્યાં બાદ તેમના ફોટા પણ તેના ભાઈને મોકલ્યા. પણ ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક નહોતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે પહેલા આ દંપતીએ ઈરાનના તહેરાન જવાનું હતું ત્યારબાદ ત્યાંથી જે એજન્ટ તેમને સૂચના આપે તે પ્રમાણે આગળ જવાનું હતું.
દરમિયાન અમદાવાદ ખાતેના એજન્ટ અભય રાવલનો ફોન આવ્યો કે પંકજ અને નિશા મૅક્સિકો પહોંચી ગયાં છે, પૈસા તૈયાર રાખજો. પણ પછી અભય રાવલનો ફોન આવ્યો કે પંકજ અને નિશાએ જે લોકેશન પર પહોંચવું જોઈએ ત્યાં તેઓ પહોંચ્યાં નથી તેથી પૈસા આપવાના રહેતા નથી.
પંકજ અને નિશાનું લોકેશન પણ મળતું નહોતું. નિશાને ચાર મહિનાનો ગર્ભ છે. તેથી પરિવારજનોને તેની પણ ઘણી ચિંતા હતી.

વીડિયોની ક્લિપિંગ્સ અને મૅસેજ દ્વારા પરિવારજનોને આપી ધમકી

ઇમેજ સ્રોત, Virendrasinh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દરમિયાન પંકજ અને નિશાના પરિવારજનોને વૉટ્સઍપથી વીડિયો મોકલવામાં આવ્યો. જેમાં પંકજનાં કપડાં કાઢી નાખીને આ એજન્ટો ધમકી આપતા હતા કે બાકીનું પેમેન્ટ કરાવો તો તેમને છોડીશું, નહીંતર તેમના નગ્ન ફોટા અને વીડિયો વાઇરલ કરીશું.
પંકજના ભાઈ સંકેત પટેલ જાતે અભય રાવલની ઑફિસે ગયા. અભય રાવલે સંકેતને કહ્યું કે, ‘ચિંતા ન કરો આ એજન્ટો માત્ર ટોર્ચર કરીને ગભરાવે છે જેથી તેમને જલદી પેમેન્ટ મળી જાય.’
અભય રાવલે તેમને આશ્વાસન આપ્યું કે, ‘ઈરાનમાં સારો માણસ મોકલીને પૈસાના હવાલા આપી દેવાશે એટલે તેઓ છૂટી જશે.’
દરમિયાન પંકજને પટ્ટા વડે માર મારતો વધુ એક વીડિયો પંકજના મિત્ર પ્રિયાંકને મોકલવામાં આવ્યો. ઉપરાંત પંકજને બ્લેડ વડે મારીને લોહીલુહાણ કરવાનો વીડિયો પણ મોકલવામાં આવ્યો.
અભય રાવલે તેમનો માણસ ઈરાન મોકલ્યો. પણ જેમણે પંકજ અને નિશાને બંદી બનાવ્યાં હતાં તે એજન્ટે કહ્યું કે, ‘પહેલાં પેમેન્ટ પર નિશાને છોડશે અને બાકીનું પેમેન્ટ મળ્યા બાદ પંકજને છોડવામાં આવશે.’
પહેલાં 6 લાખ ચૂકવ્યા પણ તે એક કલાક મોડા મળ્યા હોવાથી તેમણે પાંચ લાખ વધુ માગ્યા. સંકેત પટેલે ચાર લાખ રૂપિયાનું આંગડિયું કર્યું. આમ પરિવારજનોના દાવા પ્રમાણે કુલ 15 લાખ ખંડણીકારોને ચૂકવ્યા ત્યારબાદ તેમનો છુટકારો થયો.
આ એજન્ટોએ પંકજ અને નિશાને ઈરાનની રાજધાની તહેરાનમાં છોડી મૂક્યાં. પંકજના પરિવારજનોને ખબર પડી કે તેમની પાસે તેમના પાસપૉર્ટ છે અને થોડા પૈસા છે. પરંતુ તેમનો કોઈ પત્તો નહોતો મળતો. આથી પંકજના ભાઈ સંકેતે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક મૅસેજ કર્યો.
હર્ષ સંઘવીએ આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની મદદ લીધી.
ત્યારબાદ ઈરાનમાં નિયુક્ત ડેપ્યુટી ચીફ ઑફ મિશન જૉન માઈનો સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં પંકજ અને નિશાનું લોકેશન મળી આવ્યું.
પંકજ પર બ્લેડના કાપા પાડીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ આ દંપતીને ભારત મોકલવામાં આવ્યું હતું. .
પંકજના ભાઈ સંકેત પટેલે અમદાવાદના એજન્ટ અભય રાવલ અને હૈદરાબાદના એજન્ટ સામે તેમનાં ભાઈ-ભાભીને અમદાવાદથી હૈદરાબાદ અને ત્યાંથી દુબઈથી ઈરાન ખાતે અપહરણ કરવાની ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદમાં સંકેત પટેલે આરોપીઓ સામે અપહરણ ઉપરાંત 15 લાખની ખંડણી માગ્યાનો આરોપ પણ મૂક્યો છે.

કેવી છે પંકજ પટેલની સ્થિતિ? ડૉક્ટરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Virendrasinh
પંકજ પટેલને ગાંધીનગર નજીક જે ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, તેના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. ઉત્સવ પટેલે પંકજ પટેલ અને તેમનાં પત્ની નિશાબહેનની તબિયત વિશે માહિતી આપી હતી.
ડૉ. ઉત્સવ પટેલે કહ્યું, “પંકજભાઈને સવારે 11 વાગ્યે હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. તેમની પીઠ પર બ્લેડથી લગભગ 20-25 જેટલા ઘા મારવામાં આવ્યા છે. તેમને ડીહાયડ્રેશન અને ઇન્ફેક્શનની તકલીફ જોવા મળી છે.”
પંકજ પટેલને તીવ્ર માનસિક આઘાત લાગ્યો હોવાનું જણાવતા ડૉક્ટરે કહ્યું, “જ્યારે તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની માનસિક પરિસ્થિતિ અનુકૂળ નહોતી. એમને સમજાવતાં અમને એકથી બે કલાક થયા. પંકજભાઈની માનસિક પરિસ્થિત અત્યારે થોડી કમજોર છે.”
ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે, “પંકજભાઈ જ્યારે (હૉસ્પિટલમાં) આવ્યા ત્યારે એકદમ ડરી ગયેલા હતા. તેઓ બધાથી ડરતા હતા. તેમને જ્યારે અહીં લાવવામાં આવ્યા ત્યારે પણ તેમને એવું જ લાગતું હતું કે, ‘હું હજી એજ જગ્યા પર છું.’ તેમની હાલત આપણે જોઈ ના શકીએ એવી ખરાબ હતી. તેઓ અહીં પહોંચીને ખૂબ રડ્યા અને ઘર પરિવારને પણ ખૂબ યાદ કર્યાં.”
આ દરમિયાન પંકજ પટેલનાં પત્ની નિશા પટેલની પણ તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસારી તેમની અને તેમના ગર્ભમાં રહેલા બાળકની “સ્થિતિ સારી છે. તેમને કોઈ તકલીફ નથી.”

‘દંપતીને ઈરાનમાં હોસ્ટેજ બનાવવામાં અજાણ્યા એજન્ટનો હાથ’

ઇમેજ સ્રોત, BANKIM PATEL
પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે પંકજ અને નિશા તહેરાન પહોંચ્યાં ત્યારબાદ કોઈ એજન્ટ તેમને હોટલ લઈ ગયો હતો.
પરિવારજનો કહે છે કે આ એજન્ટ પાકિસ્તાની હતો. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે આ એજન્ટની ઓળખ હજુ થઈ નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે શકીલ જે રૂટ અંતર્ગત પંકજ અને નિશાને અમેરિકા ખાતે ગેરકાયદે મોકલવા માગતો હતો તે રૂટ સક્રિય નહોતો. તેથી તેમણે નવા રૂટ પ્રમાણે અમેરિકા મોકલવાની ડીલ કરી.
આ નવા રૂટ મારફતે અમેરિકા મોકલનારા એજન્ટો પૈકી મહત્તમ એજન્ટો પાકિસ્તાની હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
જે એજન્ટ ઈરાનમાં પંકજ અને નિશાને અમેરિકા જવા અંગેની વ્યવસ્થા કરતો હતો તેનું નામ વસીમ હોવાનું ખૂલ્યું છે.
વસીમને એવું લાગ્યું કે ઈરાન રૂટ મારફતે આ દંપતીને અમેરિકા મોકલવામાં વધારે પૈસા મળી શકે છે. તેથી તેમણે તેમને બંદી બનાવીને તેમના પર અત્યાચાર શરૂ કર્યો.
આ એજન્ટે ત્યારબાદ તેમને છોડવા માટે ધમકી આપવાની અને ખંડણી માગવી શરૂ કરી દીધી હતી.
આ બાજુ ગુજરાતના જે એજન્ટોએ આ દંપતીને અમેરિકા ઘૂસાડવાનો વાયદો કર્યો હતો તેઓ ફરાર થઈ ગયા છે અને પોલીસ તેમને શોધી રહી છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. જે. ચૌહાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “હાલ આ એજન્ટો તેમની ઑફિસે તાળું મારને ભાગી ગયા છે પણ તેમને પકડવાની તજવીજ ચાલુ છે. એક ખાસ ટીમ તેમને શોધવા કામે લગાડાઈ છે.”
પોલીસ વધુ તપાસ માટે હૈદરાબાદ પણ જશે.
એ. જે. ચૌહાણ કહે છે, “ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસની મદદથી તેમને પરત લાવવામાં આવ્યાં છે.”
પોલીસે અમદાવાદના એજન્ટ પિન્ટુ ગૌસ્વામી અને ગાંધીનગરના અભય રાવલ સામે આઈપીસી કલમ 364-એ, 406, 420, 120-બી હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સિવાય અન્ય અજાણ્યા એજન્ટ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે પણ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું કે આ હકારાત્મક સમાચાર છે અને પરિવારની ચિંતા દૂર થઈ છે.
વધુ વિગતો માટે બીબીસી ગુજરાતીએ ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસને ઈ-મેલ મારફતે વિગતો પૂછી હતી પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.

કેમ ફસાય છે ગુજરાતીઓ અમેરિકા જવાના મોહમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ઇમિગ્રેશન અને વિઝા સાથે કામ કરતા અધિકૃત એજન્ટો માને છે કે લોકો જ આ પ્રકારના લેભાગુ એજન્ટોની વાતમાં ભોળવાઈ જાય છે.
જાણકારોનું કહેવું છે કે, ‘એક તો તેમને અમેરિકા જવાની લાલચ હોય છે. બીજું તેમની પાસે અધિકારિક દસ્તાવેજ નથી હોતા એટલે જલદી જવાની લહાયમાં ફસાઈ જાય છે.’
જાણકારો એમ પણ કહે છે કે આજકાલ અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનો ભાવ 1 કરોડ રૂપિયા ચાલે છે.
વિઝા કન્સલ્ટન્ટ લલિત અડવાણી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં સવાલ કરે છે, “અમેરિકા જવાના અધિકારિક રસ્તાઓ ઘણા છે તો પછી શા માટે લોકો અનધિકૃત રસ્તાઓ પસંદ કરે છે?”
તેઓ વધુમાં ઉમેરે છે, “ઈરાનથી તો અમેરિકા જવાતું હશે? ઈરાન અમેરિકાનો દુશ્મન દેશ છે.”
જાણકારો એમ પણ કહે છે કે અમેરિકાના જે ગેરકાયદે રસ્તાઓ છે ત્યાં જે એજન્ટોના સ્થાનિક માણસો છે તેનો ત્રાસ વધારે છે.
જાણકારો એમ પણ કહે છે કે લોભામણી જાહેરાતોને કારણે લોકો ભોળવાઈ જાય છે. તેઓ માગ કરે છે કે, વિઝા સાથે સંકળાયેલા લોકોનું રેગ્યુલેશન કરવું જરૂરી છે.
લલિત અડવાણી કહે છે, “ભારતમાં કોઈ પણ વ્યક્તિ વિઝા કન્સલ્ટન્ટ બની શકે છે, આવા એજન્ટો પર નિયંત્રણ જરૂરી છે.”
એક એજન્ટ નામ ન આપવાની શરતે કહે છે કે, ‘ગુજરાતના લોકોને ડૉલર કમાવવાનો ક્રેઝ છે. વિદેશમાં રહેતા યુવાનોના લગ્ન ઝડપથી થાય છે, સારી કન્યા મળે છે તેવી ધારણા છે. તેથી તેઓ અમેરિકા જવા માટે ઘરબાર-ખેતરો વેચતાં અચકાતા નથી.’
જાણકારો કહે છે કે ગેરકાયદેસર વિદેશ મોકલવાનું સમગ્ર તંત્ર મુખ્ય એજન્ટના હાથમાં હોય છે. તેમના હાથ નીચે સબ-એજન્ટ કામ કરે છે, જેઓ પરદેશ જવા માગતા લોકોને શોધે છે.
આ સબ-એજન્ટ વિદેશ જવા માગતા લોકો પાસેથી પૈસા કેવી રીતે પડાવવા તેની ટ્રીક જાણતા હોય છે.
નામ ન આપવાની શરતે એક એજન્ટ કહે છે કે અધૂરી ચુકવણી કરીને વિદેશ જતા લોકો પાસેથી જમીન ગીરવે લખાવી લેવાય છે. તેમનો પાસપૉર્ટ સુધ્ધાં જપ્ત કરવામાં આવે છે.
આ વ્યવસ્થાને સ્થાનિક ભાષામાં પાસપૉર્ટ સિન્ડિકેટ બૅન્ક કહેવામાં આવે છે. મનાય છે કે આ પાસપૉર્ટ એટલા માટે જપ્ત કરવામાં આવે છે કે ગેરકાયદેસર વિદેશ જતી વ્યક્તિ બાદમાં નાસી છૂટી શકતી નથી.
હવે આ બનાવ બાદ ખુદ પંકજ અને નિશાના પરિવારજનોએ લોકોને એક સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર ક્યારેય વિદેશ જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, તેનાથી પંકજ અને નિશાની જેમ જીવ જોખમમાં મુકાય છે.

શું કહે છે અપહ્યત કરાયેલા દંપતીના પરિજનો?
પંકજ પટેલના ભાઈ સંકેત પટેલે એક વીડિયો સંદેશ મારફતે મીડિયા સાથે વાતચીત કરી છે.
વીડિયોમાં આપેલા સંદેશ મુજબ, “અમે હર્ષ સંઘવીને માત્ર વૉટ્સઍપ સંદેશ મોકલ્યો હતો. તેમણે માત્ર 24 કલાકમાં પ્રયાસો કરીને મારાં ભાઈ-ભાભીને શોધી કાઢ્યાં અને તેમને ભારત પરત લાવવામાં ઘણી મદદ કરી.”
“હું અમદાવાદ પોલીસનો પણ આભાર માનું છું.”
બીબીસીએ આ મામલે રોશન ચૌહાણ કે જે પંકજ પટેલ સાથે કામ કરતા હતા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તેમણે પણ આ અંગે વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો.
જ્યારે કે પંકજ પટેલના એક મિત્ર પ્રિયાંક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેમણે કહ્યું, “તેમનો પરિવાર હાલ વ્યથિત છે તેથી તેમની પણ વધુ વાત થતી નથી. તેઓ જ્યારે તેમની સાથે વાત કરશે બીબીસી ગુજરાતીને વિગતો આપશે.”
પ્રિયાંક પટેલે વધુમાં કહ્યું, “અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ મામલાની તપાસ કરી રહી છે અને આશા છે કે તેઓ જલદી ભારત આવશે.”

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકો ‘અમેરિકાના ડ્રીમ’ને સાકાર કરવા માટે ગમે તે ભોગે અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસ કરતા હોય છે.
અમેરિકા જવાની ઘેલછામાં કેટલાક લોકો ખતરનાક રસ્તો અપનાવે છે, જેને કારણે તેમના જીવ જોખમમાં મુકાય છે.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માગતી વ્યક્તિઓએ ન માત્ર કુદરતી પરંતુ અનેક માનવસર્જીત અડચણો પણ પસાર કરવી પડે છે. તેમની સામે જીવનમાં ક્યારેય ન સામનો કર્યો હોય તેવા પડકારોનો ખડકલો હોય છે.
વળી મૅક્સિકો અને કૅનેડા મારફતે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનો મુદ્દો સ્થાનિક રાજકારણનો મુદ્દો પણ છે. હાલમાં જ આ મામલે મૅક્સિકો, કૅનેડા અને અમેરાકના પ્રતિનિધિઓ વચ્ચે આ મામલે વાતચીત થઈ હતી.
અમેરિકા અને કૅનેડા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે અમેરિકા થઈને કૅનેડામાં અને કૅનેડા થઈને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવું હવે મુશ્કેલ બનશે.














