ફ્રાન્સમાં માનવતસ્કરીની આશંકાએ રોકી દેવાયેલું વિમાન ભારત આવ્યું, ત્રીજા ભાગના મુસાફરો ગુજરાતી?

ઇમેજ સ્રોત, ANI
મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને લઈને જઈ રહેલા વિમાનને માનવતસ્કરીની શંકાએ ફ્રાન્સના ઍરપોર્ટ પર થોડા દિવસ પહેલાં રોકી દેવામાં આવ્યું હતું. આ વિમાન હવે ભારત આવ્યું છે.
‘ધી ચાર્ટર્ડ ઍરબસ A340’ નામના આ વિમાને યુનાઇટેડ આરબ અમીરાતથી ઉડાણ ભરી હતી અને નિકારાગુઆ જઈ રહ્યું હતું. ફ્રાન્સમાં તે રિફ્યૂલિંગ માટે રોકાયું હતું ત્યારે તેના પર શંકા જતાં તેને રોકી રખાયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં સવાર મુસાફરોમાં ઘણા ગુજરાતીઓ પણ હતા.
ભારત આવેલા આ વિમાનમાં 276 મુસાફરો હતા. બે કિશોરો સહિત 25 મુસાફરો આશ્રય માગીને ફ્રાન્સમાં જ રહી ગયા છે. જ્યારે બે શંકાસ્પદ માનવતસ્કરોને પણ આગળની પૂછપરછ માટે ફ્રાન્સમાં જ રોકી દેવાયા છે. જોકે, તેમને કોર્ટે પછી ત્યાં છોડી મૂક્યા છે.
26 ડિસેમ્બરે મંગળવારે સવારે ચાર વાગ્યે આ વિમાનને મુંબઈમાં ઊતર્યું હતું.
વિમાનમાં રહેલા મુસાફરો ક્યાંના છે?

ઇમેજ સ્રોત, ANI
ફ્રાન્સના એક વકીલના જણાવ્યા અનુસાર, " 21 ડિસેમ્બરે સ્થાનિક અધિકારીઓને એવી માહિતી મળી હતી કે વિમાનમાં માનવતસ્કરીનો ભોગ બનેલા લોકો હોઈ શકે છે. જે બાદ આ વિમાન પેરિસથી 130 કિલોમીટર દૂર આવેલા કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ પર રોકી રખાયું હતું. "
વિમાનમાં રહેલા મોટા ભાગના મુસાફરો યુનાઇટેડ આરબ અમીરાતમાં કામ કરનારા ભારતીયો અને તેમાં પણ લગભગ ત્રીજા ભાગના લોકો ગુજરાતના હોવાનું મનાય છે.

ફ્રૅન્ચ સત્તાવાળાઓને એ વાતની પણ શંકા છે કે વિમાનમાં રહેલા લોકો નિકારાગુઆ જઈ રહ્યા હતા, જ્યાંથી તેઓ અમેરિકા કે કૅનેડામાં પ્રવેશવાની કોશિશ કરવાના હતા. એ વાત સ્પષ્ટ નથી થતી કે સત્તાવાળાઓએ પ્લેનને જવાની મંજૂરી આપતા પહેલાં તેમના સામે કોઈ ગુનો નોંધ્યો છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે પણ સ્પષ્ટ નથી કે ફ્લાઇટ નિકારાગુઆની મુસાફરી ફરી શરૂ કરવાને બદલે મુંબઈ શા માટે લઈ જવામાં આવી?
ઑનલાઇન ફ્લાઇટ ટ્રેકર 'ફ્લાઈટ્રેડાર' અનુસાર 'લિજેન્ડ ઍરલાઇન્સ' એ ચાર વિમાનોના કાફલા સાથેની રોમાનિયન ચાર્ટર્ડ ઍરલાઇન્સ છે.
ભારતે અગાઉ આ મામલે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, @IndiaembFrance/X
ફ્રાન્સમાં ભારતના દૂતાવાસે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
તેમણે આ મામલે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ 'ઍક્સ' પર કહ્યું છે કે, "દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઇટને ફ્રાન્સમાં રોકી દેવામાં આવી હતી. 303માંથી મોટાભાગના મુસાફરો ભારતીય હોવાની જાણકારી ફ્રાન્સની સરકારે અમને આપી છે."
"ભારતીય દૂતાવાસની ટીમ પણ ઍરપૉર્ટ પર પહોંચી છે. ભારતીય મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે." ત્યાર બાદ ફ્રાન્સમાં ઍરપૉર્ટ પર મુસાફરોને કેટલીક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનાર ભારતીયોની સંખ્યા વધી
'એનડીટીવી'ના એક અહેવાલ અનુસાર નિકારાગુઆ એ અમેરિકામાં આશ્રય માગનાર લોકોમાં પ્રખ્યાત છે.
નિકારાગુઆમાં ત્રીજા વિશ્વના દેશોના નાગરિકોને મુસાફરીના દસ્તાવેજો મેળવવા સરળ હોવાના લીધે લોકો અહીં આવે છે.
સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકર્ડ 96 હજાર 917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હતા.

આ 97 હજાર ભારતીયોમાં મોટા ભાગના લોકો ગુજરાત અને પંજાબના છે એ પણ સામે આવ્યું છે.
વર્ષ 2020-21માં આ આંકડો 30,662 હતો, જ્યારે વર્ષ 2021-22માં એ આંકડો 63,927 હતો.
પકડાયેલા લોકોમાંથી 30 હજારથી વધુ કૅનેડાની બૉર્ડરેથી અને 41 હજારથી વધુ લોકો મૅક્સિકોની સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.













