ગુજરાત: પત્ની પાકિસ્તાનમાં, પતિ અમદાવાદમાં, ક્યારે મિલન થશે? સરહદ પારની પ્રેમકથા

અમદાવાદ પાકિસ્તાન ભારત

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, જુનેદ અને ફુરાત
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'ત્રણ વર્ષથી હું મારી પત્નીને પાકિસ્તાનથી ભારત લાવવા મથી રહ્યો છું, પણ મને પાકિસ્તાન જવાના વિઝા નથી મળતા અને પાકિસ્તાનમાં રહેતી મારી પત્નીને ભારત આવવાના વિઝા મળતા નથી. અમે રોજ ઑનલાઇન એકબીજા સાથે કલાકો વાતો કરીએ છીએ.'

'મને ખબર નથી કે હું ક્યારે મારી પત્નીને ભારત લાવી શકીશ.'

આ શબ્દો પાકિસ્તાની યુવતી સાથે ઑનલાઇન પરણ્યા પછી પત્ની માટે ઝૂરતા પતિ જુનેદ છાવણીવાળાના છે.

અમદાવાદના જમાલપુરના રહેવાસી જુનેદનાં સગાં પાકિસ્તાનમાં રહે છે. એ લોકો હમણાં સુધી ભારત આવતાં હતાં.

કઈ રીતે બંનેનો થયો પરિચય?

પાકિસ્તાન ગુજરાત અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં પરણેલા જુનેદનાં માસી 2016માં પાકિસ્તાનથી ભારત તેમનાં જેઠાણીની સારવાર કરાવવા આવ્યાં હતાં, એ સમયે જુનેદનાં માસીનાં જેઠાણીનાં દીકરી ફુરાત ફૂલ ‘ઍની’ પણ ભારત આવ્યાં હતાં. જુનેદ અને ફુરાતનો તે સમયે પરિચય થયો.

જુનેદે જણાવ્યું કે ફુરાતને અમે બધાં ઍનીના હુલામણા નામથી બોલાવતા હતા. ઍની પાકિસ્તાનમાં ભણતાં હતાં.

જુનેદ કહે છે કે, એ ભારત આવી ત્યારે અમે સાથે ફરતાં હતાં પણ લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. ફુરાતનાં માતા સારવાર કરાવી પાકિસ્તાન પરત ગયાં ત્યાર પછી અમે ઍનીનાં માતાની તબિયતના સમાચાર પૂછવા વીડિયો કૉલ કરતા હતા.

"ધીમે ધીમે હું અને ફુરાત વાત કરતાં થયાં અને અમે બંને એકબીજાંના પ્રેમમાં પડ્યાં. એ પછી અમારા એક સગાની પાકિસ્તાનમાં શાદી હતી, એટલે મારાં અમ્મી 2018માં પાકિસ્તાન ગયાં હતાં. ત્યારે મારે અને ફુરાતને વીડિયો કૉલ પર વાત થતી હતી. મારાં માતા પાકિસ્તાન ગયાં ત્યારે એમને અંદાજ તો હતો કે હું અને ફુરાત એકબીજાના પ્રેમમાં છીએ. તેમણે પાકિસ્તાન જઈને ફુરાત સાથે વાત કરી તો ફુરાતે મારી સાથે નિકાહ કરવાની હા પાડી."

જુનેદ ફુરાતની વાત કરી જ રહ્યા હતા કે તેમનાં માતા સફૂરા છાવણીવાળાએ કહ્યું કે, "હું પાકિસ્તાન ગઈ ત્યારે મારી બહેને પણ મને કહ્યું હતું કે તેની ભત્રીજી મારા દીકરાના પ્રેમમાં હોય એવું લાગે છે. ફુરાત મને પાકિસ્તાનમાં ફરવા લઈ ગઈ ત્યારે મેં તેને પૂછ્યું કે મારો દીકરો જુનેદ પસંદ હોય તો એની સાથે નિકાહની વાત કરું. કુરાતે મને હા પાડી એટલે હું પાકિસ્તાનમાં બંનેની સગાઈ નક્કી કરીને ભારત પરત આવી. અમે નક્કી કર્યું કે ફુરાત 18 વર્ષની થાય ત્યારે તેનાં લગ્ન કરવાં. બંને છોકરા-છોકરી એકબીજાને પસંદ કરતાં હતાં એટલે કોઈ સમસ્યા ન હતી."

કઈ રીતે થયાં લગ્ન?

ફુરાત અમદાવાદ પાકિસ્તાન

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જુનેદે જણાવ્યું કે, "અમ્મી ભારત આવ્યાં અને તેમણે મને કહ્યું કે ફુરાત સાથે સગાઈ કરી છે. એ પછી અમે લાંબો સમય સુધી વીડિયો કૉલ પર વાતો કરતાં. 2020માં કોરોના મહામારી આવી અને ફુરાત 18 વર્ષની થઈ."

“અમે એકબીજાને મળી શકીએ તેમ ન હતાં એટલે નિકાહ કેમ કરવા તે એક સવાલ હતો. મેં વિઝા કન્સલ્ટન્ટથી માંડી વિદેશ વિભાગમાં તપાસ કરી. તો મને કહ્યું કે તમે ઑનલાઇન શાદી કરી લો. તમારી પત્નીને ભારત આવવાના વિઝા મળી જશે, કારણ કે ભારત આવવા માટે ત્રણ પ્રકારે વિઝા ઝડપથી મળતા હતા. જો કોઈ ધંધા માટે જવાનું હોય તો બિઝનેસ વિઝા મળે, મેડિકલ ટ્રિટમેન્ટ માટે અને લગ્ન કર્યાં હોય તો તાત્કાલિક વિઝા મળી જાય.”

જુનેદ કહે છે કે અમે મૌલવી અને કાઝીની સલાહ લીધી. કોરોનાને કારણે ઑનલાઇન શાદી કરવાની ભારત અને પાકિસ્તાનના કાઝીએ હા પાડી. એ પછી કોરોનાની બીજી લહેર આવી એટલે ફુરાત ભારત આવી શકે એમ નહોતી. કોરોના મહામારી પછી અમે જાન્યુઆરી 2022માં ઑનલાઇન નિકાહ કરી લીધા.

"અમારાં લગ્ન થઈ ગયાં અને પાકિસ્તાનમાંથી એનું મૅરેજ સર્ટિફિકેટ બની ગયું જેમાં પતિ તરીકે મારું નામ છે. એ પછી અમારા કરમની કઠણાઈ શરૂ થઈ. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ઓટ આવી અને ભારત સરકારે પાકિસ્તાનના લોકોને વિઝા આપવાની કાર્યવાહી કડક કરી."

"હું મારી પત્નીના વિઝા માટે ચક્કર કાપી રહ્યો છું. ફુરાત મારી પત્ની હોવા છતાં એને વિઝા આપવા તૈયાર નથી, કારણ કે કોઈ પણ મારી પત્ની પાકિસ્તાની હોવાથી એની સ્પૉન્સરશિપ લેવા સરકારીબાબુ એના પર સહી મારવા માગતા નથી. પણ હું તૈયાર છું. હું અહીં ફુરાતના વિરહમાં છું અને ફુરાત મારા ઇંતેજારમાં છે, કારણ કે મને પાકિસ્તાન જવા માટે વિઝા નથી મળતા. જો પાકિસ્તાન જવાના વિઝા મળે તો નિકાહ પછી હું પત્નીને એક વાર મળું તો ખરો."

વિઝાની રાહમાં બંને પરિવારો

ફુરાત સાથે વીડિયો કૉલથી વાત કરતા તેમના પતિ જુનેદ

ઇમેજ સ્રોત, bhargav parikh

ઇમેજ કૅપ્શન, ફુરાત સાથે વીડિયો કૉલથી વાત કરતા તેમના પતિ જુનેદ

જુનેદની મદદથી પાકિસ્તાનમાં ફુરાત સાથે વીડિયો કૉલથી બીબીસીએ વાત કરી.

ફુરાતે જણાવ્યું કે, “કોરોના પછી મારાં લગ્ન થવાનાં હતાં એટલે મેં ભણવાનું છોડી દીધું. મારા શૌહર એ.સી. અને ફ્રીઝ રિપૅરિંગનું કામ કરે છે એટલે એમને હું મદદરૂપ થાઉં અને અમે આર્થિક રીતે સધ્ધર થઈએ એટલે મેં બ્યૂટીપાર્લરનો કોર્સ કર્યો છે. હું બ્યૂટીપાર્લરમાં કામ કરું છું.”

“જુનેદ સાથે રહી એમના ઘરમાં જ બ્યૂટીપાર્લર ચલાવીશ અને પતિને બે પૈસા કમાવવામાં મદદ કરીશ પણ એ શક્ય નથી બની રહ્યું. હું અહીં પાકિસ્તાનમાં બ્યૂટીપાર્લર ચલાઉં છું. જો મારા પતિને પાકિસ્તાન આવવાના વિઝા મળે, અમારી પાસે પૈસા હોય તો અમે સાથે હરીફરી શકીએ, એ માટે હું બ્યૂટીપાર્લરનું કામ કરીને પૈસા બચાવી રહી છું.”

પાકિસ્તાનથી ભારત લાવવાના સ્પૉન્સરશિપ મંજૂર નહીં થાય ત્યાં સુધી અમદાવાદમાં બેઠેલા જુનેદ પોતાની પત્ની માટે ઝૂરતા રહેશે અને પાકિસ્તાનમાં બેઠાં ફુરાત પતિના ઇન્તેઝારમાં રહેશે. અલબત્ત ટેકનૉલૉજીને કારણે બંનેની રોજ વર્ચ્યુઅલ મુલાકાત થતી રહે છે.